સુન્દરમ્-સુધા : બુંદ-૦૫ : મને ફાગણનું એક ફૂલ આપો… -સુન્દરમ્
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
pragnaju said,
March 27, 2008 @ 8:41 AM
આ માસનું મધુર ુંગીત
તેમાં કેસુડા વગર તે કેમ ચાલે?
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
કેવો સુંદર અભિગમ…
યાદ આવ્યાં કેસુડા ગીતો
મહેંકે છે કેસૂડો ‘ને ફૂટે છે મોરલા આંબાં પર;
મલકે છે આ ધરા, ચહેકે છે પંખીડાં ડાળીઓ પર.
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ
ધવલ said,
March 28, 2008 @ 12:38 AM
બહુ મીઠું ગીત !
વિવેક said,
March 28, 2008 @ 3:04 AM
આખું ગીત એના લયમાધુર્ય અને શબ્દોની પસંદગીના જોરે અદભુત દૃશ્ય ઊભું કરે છે જે વાંચતાવેંત જ સોંસરું ઉતરી જાય છે…
વાહ, ઊર્મિ! સરસ ગીત લઈ આવી અમારા માટે…
મને ફાગણનું એક ફૂલ આપો - સુન્દરમ્ | ટહુકો.કોમ said,
March 6, 2011 @ 6:55 PM
[…] આ ફાગણના ફૂલ જેવું કામણગારું ગીત… વિવેક કહે છે એમ – આખું ગીત એના લયમાધુર્ય અને શબ્દોની […]