વર્ષાકાવ્ય: ૧ :અષાઢ – પ્રદ્યુમ્ન તન્ના
આયો અષાઢ !
સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!
કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!
ઉઘલ ઉઘલ દળવાદળ પલપલ વરસે મુશળધાર,
પ્રકૃતિ રૂઠી ઊઠી આજે ધરે પ્રલયસિંગાર
રંગરંગીલી ઓઢણી છોડી ઓઢે જળ-ઓછાડ!
આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
આકુલ જનગણ કંઠે ઊડતો ધેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.
– પ્રદ્યુમ્ન તન્ના
વર્ષાનો પૂરેપૂરો ‘પાવર’ એક ગીતમાં પકડવો લગભગ અશક્ય બાબત છે – આ ગીત ન વાંચો ત્યાં સુધી 🙂 લયના એક અદભૂત સંમિશ્રણથી કવિ વરસાદના જોમ અને જુસ્સાને જીવંત કરી દે છે. શબ્દ અને અર્થની પરવા કર્યા વિના ગીત મોટા અવાજે બે વાર વાંચી જુઓ… એ જ એની ખરી મઝા છે !
(સમીરણ=પવન, ઓછાડ=ઓછાયો, ઉઘલ=છલકતું, આકુલ=ગભરાયેલુ)
Pinki said,
July 15, 2008 @ 12:55 AM
અરે !!
પહેલો વરસાદ જ આટલો મૂશળધાર….!!
આમ પણ પ્રદ્યુમન્ન તન્ના મારા પ્રિય ગીતકાર
તો આ ગીત પણ ઘણું જ ગમ્યું .
વિવેક said,
July 15, 2008 @ 6:24 AM
મજબૂત લય અને પુનરાવર્તિત થતો રહેતો આંતરપ્રાસ આ ગીતને જે અનવરુદ્ધ ગતિ આપે છે એ જ આ ગીતની ખરી મજા છે. પણ ધવલે કહ્યું એમ અર્થ અને શબ્દની પરવા કર્યા વિના આ ગીત બે વાર મોટેથી વાંચી લીધા પછી શબ્દ અને અર્થની કને જઈ આ ગીતને હાથમાં ઝાલીએ તો હૈયું છાકમછોળ તરબોળ થયા વિના ન રહે એની ગેરંટી…
Pravin Shah said,
July 15, 2008 @ 6:43 AM
એક સુંદર વર્ષાગીત!
વાંચીને હૈયું તરબોળ થઈ ગયું!
કોરસમાં ગાવા જેવું એક સુંદર ગીત!
pragnaju said,
July 15, 2008 @ 7:56 AM
આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
આકુલ જનગણ કંઠે ઊડતો ધેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.
વાહ્
ગુંજી
આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !
બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !
સૂરની કે કોઈની પણ પરવા કર્યા વિના ગીત મોટા અવાજે વાર ગાઈ જુઓ!
પંચમ શુક્લ said,
July 15, 2008 @ 11:22 AM
અદભૂત ગીત. આફરીન!
શબ્દ, આંતરપ્રાસ, અને લયનું ગજબનાક સંયોજન.
બળુકા શબ્દોને સિફ્તથી વાપરનારા જૂજ કવિઓમાં એક.
આ અગાઉ એમનું મસ્ત ગીત (‘ખાંત’) માણ્યું હતું;
અને એનાં જેવું જ મજાનું ગીત વિવેકભાઈ પણ આપણને આપે છેઃ
https://layastaro.com/wp-content/uploads/2008/06/Kavita-%20Najaryu%20ni%20vaagi%20gayi%20faans.jpg
પંચમ શુક્લ said,
July 15, 2008 @ 5:58 PM
આફરીન!
મૂશળધાર શબ્દાવલિ અને લય પ્રપાતથી તરબતર કરી દે તેવું વર્ષાગીત.
sunil shah said,
July 17, 2008 @ 10:35 AM
મઝાનું ગીત.