તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

ખાંત – પ્રદ્યુમ્ન તન્ના

(ગુલમ્હોર…..                                            ….ચિત્રાંકન-પ્રદ્યુમ્ન તન્ના)

પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
ઠીંકરી નથી રે કાંઈ દીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો !

અમને તો ઈંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,
જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો !
ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી
કોપ એક ‘પેશીયલ’ ચાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?….

તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,
ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું !
ને વાદે ચડીને આજ નોખો ફંટાયો એ હામે કૂંડાળેથી રમવાને આણી કોર
ઊતરી આવે રે મારો કાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?

– પ્રદ્યુમ્ન તન્ના

તરણેતરના મેળામાં 60ના દાયકામાં ઢોલીઓ પોતાના કૂંડાળા દોરી ઊભા રહેતા. પૈસા આપીને એમાં પગ મૂકવાનો અને પછી ઢોલીના તાલે થીરકવાનું. ઢોલી જેટલો કાબેલ એટલું એનું કૂંડાળું જામે. બે નમણી સૈયર આનાનો લાગો આપીને કૂંડાળામાં ઘૂસી પણ દેખાવે બળુકા ઢોલીનો ઢોલ બરાબર ન જામતાં રાસ જમાવી શકી નહીં ત્યારે છણકો કરીને બોલી કે ‘હરખું વજાડને ‘લ્યા! ઠીંકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે એક આનો’. ફોટોગ્રાફી કરવા મેળામાં આવેલ પ્રદ્યુમ્ન તન્ના આ ખેલ જોતા હતા અને જન્મ્યું આ ગીત. આળસ ન ઊડે તો સિંધીની હોટલમાં જઈ સ્પેશીયલ ચા પી આવવાની વાત પણ કેવી તળપદી શૈલીમાં રજૂ થઈ છે ! સૈયરની મનોકામના એવા રાસે ચડવાની છે કે મેળામાં આવેલ બધા માણસો ઘેલા થઈ ટોળે વળે અને વાદે ચડીને સામા કૂંડાળે રાસ રમવાના નામે આડા ફાટેલ મનના માણીગરને આ કૂંડાળામાં આવવાની ફરજ પડે.(ચાળીસ વર્ષથી વધુ લાંબી કાવ્યસાધનાના પરિપાક સમો આ ઈટાલીનિવાસી કવિનો પહેલો સંગ્રહ “છોળ’ મનભરીને માણવા સમો થયો છે. તળપદી ભાષાનું વરદાન એમને કેવુંક ફળ્યું છે તે એમની આ રચનામાં પણ જોઈ શકાય છે)

(ખાંત-ઉમંગ, જોરાળો-જોરાવર)

6 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 19, 2007 @ 6:59 AM

    અદ્-ભુત ગીત. લયસ્તરો પર ઘણા વખતે તળપદી બાનીમાં આવું બળુકું ગીત માણ્યું.
    પ્રદ્યુમ્ન તન્નાનું મારા ગમતાં કવિઓમાં સ્થાન છે.

  2. ધવલ said,

    August 19, 2007 @ 10:11 PM

    એ જમાનાના jukebox કે dj જેવા ઢોલીઓની સરસ વાત કાઢી. ગીત તો જોમવંતુ છે જ. શબ્દો ય પરાણે મીઠા લાગે એવા સરસ વાપર્યા છે.

  3. Pinki said,

    August 20, 2007 @ 2:19 AM

    Sunday e-mehfil માં એમની રચના માણેલી, અને એમની રચના જેટલા જ મધુરા અને
    અદ્-ભૂત વ્યક્તિ છે. ચાળીસ વર્ષોથી ગોમડામાં રે’તું હોઇ ને એનેય નો આવડે……..

    ઇટાલીમાં પણ એમણે લોક્બોલી જીવંત રાખી છે.
    ખૂબ ખૂબ અભિનંદન………..

  4. સુરેશ જાની said,

    August 21, 2007 @ 9:32 AM

    વાહ બહુ જ મજા આવી ગઈ. આને કહેવાય જીવંત રચના.

  5. સુરેશ જાની said,

    August 21, 2007 @ 9:33 AM

    ખાંત …. એટલે?

  6. સુરેશ જાની said,

    August 21, 2007 @ 9:34 AM

    સોરી! કોમેન્ટ આપ્યા પછી નીચે નજર ગઈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment