નદીના પાણીમાં ઊભેલા વૃક્ષના ઠૂંઠાનો ફોટોગ્રાફ જોતાં – સંદીપ ભાટિયા
લીલાશના વણજારા રે
અમે બહુ દોડીને ઊભા
તરસમાં પગ બોળીને ઊભા
કૂંપળના, કલરવના, ફોરમના જે છૂટ્યાં ગામ રહ્યાં એ ઝાંખાઝાંખા દૂર
હૂંફને કાંઠે હજી તો નાખ્યા ડેરા ત્યાં તો કોઈ નથીનાં ઊમટ્યાં ઝળઝળ પૂર.
રાવટી રગદોળીને ઊભા
અમે બહુ દોડીને ઊભા
થડ ઉપર ચડતી કીડીના પગરવનો રોમાંચ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા
દાણા લઈને ઊડતી આવે માળામાં એ સાંજ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા
ગઠરિયા સૌ છોડીને ઊભા
અમે બહુ દોડીને ઊભા
-સંદીપ ભાટિયા
કવિતા ક્યાં-ક્યાંથી જન્મ લેતી હોય છે ! આ ગીતનું લાંબુલચ્ચ શીર્ષક વાંચતાં જ આંખ સામે હાથમાં ફોટોગ્રાફ લઈ બેઠેલા કવિનું દૃશ્ય જાણે ખડું થઈ જાય છે. કવિ સંવેદનાનો દ્યોતક છે. અને સંવેદન કઈ ઘડીએ કઈ જગ્યાએ અને કયા પ્રસંગે જેમ સમુદ્રમાં ચંદ્ર તેમ લોહીમાં ખળભળાટ મચાવી દે, કંઈ કહેવાય નહીં. શીર્ષક વાંચીને પછી કવિતામાં પ્રવેશીએ તો કવિએ જે-જે કલ્પનો પ્રયોજ્યા છે તે બધા જ એક પછી એક આંખ સામે ખડા થતા જાય છે અને ગીત પૂરું થતાં સુધીમાં તો જો તમે સારા ચિત્રકાર હો તો કવિએ જે ફોટોગ્રાફ જોઈને આ ગીત લખ્યું હશે એ ફોટોગ્રાફનું હૂબહૂ ચિત્રણ કરી શકો એવું રમણીય વર્ણન અહીં કરાયું છે.
pragnaju said,
April 3, 2008 @ 2:19 PM
પડે છે કેટલા પડછાયા વૃક્ષના જળમાં !
અનાદિકાળથી કિન્તુ બધાય તરસ્યા છે.
… ત્યારે આ ગીતમાં તો નદીના પાણીમાં
ઊભેલા વૃક્ષના ઠૂંઠાની વાત સુંદર રીતે વર્ણવી છે
ધવલ said,
April 3, 2008 @ 7:57 PM
નખશીખ કૂણું ગીત ! લીલાશના વણઝારા… સરસ પ્રયોગ !
ગઠરિયા સૌ છોડીને ઊભા
અમે બહુ દોડીને ઊભા
ભરીભરી જીંદગી જીવેલા વૃક્ષ -જે હવે ન-હતું થવામાં છે- ની વાત બે જ લીટીમાં… સરસ !
Pinki said,
April 3, 2008 @ 9:55 PM
વૃક્ષના ઠૂંઠાની વ્યથા શબ્દશઃ ચીતરી છે….
સુંદર રચના….!!