વર્ષાકાવ્ય : ૪ : વ્હાલપની વાત – ઉમાશંકર જોશી
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી વ્હાલપની વાત રંગભીની.
આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
બાજે અજસ્ત્રધાર
વીણા સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
-ઉમાશંકર જોશી
વર્ષાની એક રાત… સ્મુતિપટ પર દૃશ્યોની લંગાર લગાડી દે એવી રૂમઝૂમતી રાત ! ગીતની એક પછી એક કડી એક પછી એક પાંદડીની જેમ ખૂલે છે અને વ્હાલપની વાતથી છેક રોળાઈ રાત સુધી લઈ જાય છે.
Pravin Shah said,
July 17, 2008 @ 11:43 PM
વ્હાલપની રંગભીની વાત!
ઉમાશંકર જોશીની એક રૂમઝૂમતી કવિતા!
મન ઝૂમી ઉઠ્યું.
આભાર, ધવલભાઈ
Pinki said,
July 18, 2008 @ 6:52 AM
સરસ રુમઝુમતું ગીત ….!!
વિવેક said,
July 18, 2008 @ 8:58 AM
વર્ષાના ભીના ભીના રાત્રિના આકાશમાં પ્રિયતમની યાદ ન સતાવે એમ કેમ બને? કવિતાના પ્રારંભમાં જે આકાશ વહાલના રંગથી ભીનું ભાસે છે એ જ સ્મૃતિના આંસુ બની પછી આંખેથી લુવે છે અને અંતે વિયોગ ન સહેવાતાં આંસુ અને વરસાદના પાણીથી ભીંજાયેલી ચુંદડીના કાચા રંગ ઊતરે છે… વરસાદ, રાત અને વિરહનો કેવો સમાયોગ !
pragnaju said,
July 18, 2008 @ 9:38 AM
ખૂબ સુંદર ગીત
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
તેં વ્હાલપની વર્ષાથી ભિંજવ્યા સહુને,
ને અમને હરેકવાર છોડ્યા છે કોરા.