સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?
-હર્ષ બ્રહ્મભટ્ટ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 13, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો ?
તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન,
જેવું અમેય ધારી બેઠા, એવું તમેય ધારો !
કૈં તો દ્યો વરતારો
હરીફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હા-માં હા કહી દો, કાં સામે પડકારો !
કૈં તો દ્યો વરતારો
કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
કૈં તો દ્યો વરતારો
– સંજુ વાળા
તડ ને ફડ… બસ, કવિને આ જ અભિપ્રેત છે. કોઈ સીધો ઇશારો જ ન કરો ને દરેક વાતે વળ જ ચડાવતા રહો તો આરો કેમનો આવે? ડર એ છે કે પ્રિયપાત્ર નાનો-મોટો, કોઈ પણ પ્રકારનો વરતારો ન આપે તો સંસારની સમસ્યાઓમાં કઈ ઘડીએ ડૂબી જવાય એ નક્કી નથી…
Permalink
June 2, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
હરીન્દ્ર દવે
સિદ્ધહસ્ત કવિની ખૂબી જ એમાં છે કે તે એક તીરથી સાત તાડના વૃક્ષો વીંધે… આ કાવ્ય ક્યાંથી ઉઘડે છે તે જુઓ- અર્થપૂર્ણ એક સંબંધ કવિ પ્રાર્થે છે. થાકેલી આંખો અંજાતી તો નથી પરંતુ કદાચ છેતરાઈ પણ જાય….. સતર્કતા થોડી ઢીલી મૂકાઈ પણ જાય….. ઈશ્વરે જે અફાટ માયા પાથરી છે તેમાં કવિને રસ નથી – એ તો ‘ટીપેથી પાય તો ધરાઉં’ એમ કહે છે…..અંતે કવિ આ સમગ્ર લીલામાં રહેલા એક સાતત્યને પિછાણે છે અને એક અનુત્તર પ્રશ્ન સાથે વિરમે છે….
Permalink
May 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગિરિન ઝવેરી, ગીત
હૈયે થાતું ગીત તારાં જ ગાઉં
તૃષાઘેર્યાં નૈને ભવભવ હતો હું ભટકતો,
અને ભગ્નાશાની કજલ રજની ડારતી હતી.
તું આવી તે ટાણે,
અને તારે ગાણે
ઉછાળ્યા આ હૈયે ઉદધિ મુદના, તેજ પ્રકટ્યાં;
નાચે હૈયું, ગીત ગાઉં મદીલાં !
કો જાણે શું ગીત કેવાં મદીલાં !
પરંતુ એ શીળા રસસમુદરે લીન થઉં ત્યાં
સુમન ડગલે તું વિલિન થૈ,
પગથી પર બે બે પગલી રહૈ,
ઋતુરાણી જાણે કુસુમ અદકાં બે ભૂલી ગઈ –
અભાગી માટે, હા, રુદનધન આજે મૂકી ગઈ !
આંસુ લો’યાં ગીત તારાં જ ગાઉં !
– ગિરિન ઝવેરી
(જ: ૧૬-૦૩-૧૯૨૩ ~ મૃ: ૧૩-૦૧-૧૯૫૧)
માત્ર અઠ્ઠાવીસ વર્ષની કુમળી વયે આ વિશ્વ ત્યાગી જનાર રૂપેણ કાંઠાના ઉમતા ગામના ગિરિન ઝવેરી બર્માના મોલમીન ખાતે મોટા થયા. બીજા વિશ્વયુદ્ધ પૂર્વે એ વતનભેગા થયા. અમદાવાદમાં બી.એ. થયા ને પછી એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટિમાં પ્રથમ ક્રમે ઉત્તીણ થયા. સૂરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં બી.એ.ના પ્રાધ્યાપક થઈ એવી ચાહના મેળવી કે એમનો વર્ગ બંક કરવાની વાત તો અલગ, બીજા વર્ગના વિદ્યાર્થીઓએ પણ એમને સાંભળવા વર્ગમાં ઘુસી જતા. ૨૮ની નાની વયે ઝેરી મેલેરિયા (સેરિબ્રલ મેલેરિયા)ના કારણે આપણે એક પ્રતિભાશાળી કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી તથા ઊંડા અભ્યાસી ગુમાવ્યા… કલાપી (૨૬), નર્મદ (૩૩), મણિલાલ દેસાઈ (૨૭), રાવજી (૨૮)ની પંગતમાં જઈ બેઠા..
ગિરિન ઝવેરીની આ રચના ટાગોરની યાદ ન અપાવે તો નવાઈ.
Permalink
May 8, 2014 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…
પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાના જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…
રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડૂબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…
ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…
– અનિલ ચાવડા
ક્યારેક સપનાં મોંઘા પણ પડી જાય…
Permalink
April 21, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !
– રમેશ પારેખ
નખશિખ ઉત્તમ કવિતા…… ક્લાસિક……
Permalink
April 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રામનારાયણ વિ. પાઠક
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !
એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે ! કે પાંદડું પરદેશી !
મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !
એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !
મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
પહેલાં તો લાગ્યું કે કોઈ માવતરના જીવનો બળાપો છે કે કોઈ પરદેશી આવીવે એમની ચંપા જેવી છોકરીને મોહી ગયો ને છોકરીનું જીવતર બરબાદ કરી ગયો. માવતર દીકરીના સંસારને સહારો-સધિયારો આપવા જમાઈને જાત-જાતની મદદ કરે છે પણ પરદેશી પાંદડું જેનું નામ ! પણ તોય સખીનો કીમિયો ને ફૂંક મારી ઉડાડી મેલવાનો રામબાણ ઇલાજ ઝીગ-સૉ પઝલમાં ક્યાંય ઠેકાણે બેઠો નહીં…
પછી કવિએ પોતે આપેલ ટિપ્પણમાં વાંચ્યું કે મનુષ્યમાં રહેલી પાપવૃત્તિ એ પરદેશી પાંદડું છે ત્યારે અચાનક ગડ ખૂલી ગઈ… દુર્દમ્ય પાપવૃત્તિ જીવનનો ચોકોરથી વિનાશ જ કરશે… માંહ્યલાને દોસ્ત બનાવીને એને ઉડાડી મૂકીએ એ જ એનો કાયમી ઇલાજ છે..
લોકગીતની ચાલમાં ચાલતું આ મજાનું ગીત આપણને તો ગમી ગયું… આપને ?
Permalink
April 5, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બંકિમ રાવલ
જ્યારે જેની હોય અપેક્ષા એ જ ક્ષણે એ ખૂટતું લાગે,
શહેર ! મને તારું ઘર ક્ષણમાં બનતું ક્ષણમાં તૂટતું લાગે.
ભીંત ઉપર વાદળ ચીતરાવ્યાં,
નદીઓ ખૂબ વહાવી;
દૃશ્યોની દિવાળી પડદે
બારે માસ મનાવી
માછલીએ રહેવું વાસણમાં, એય અરેરે ! ફૂટતું લાગે !
શહેર! મને તારું…
પહેલી લીટી એક અજંપો,
બીજી લીટી ડૂમો;
તારું હોવું ‘ફ્રેન્ચ કવિતા’
કેમ કરું તરજૂમો !
સમણાં જેવું વસ્તર આ તો, આ પકડો – આ છૂટતું લાગે.
શહેર! મને તારું…
– બંકિમ રાવલ
આદિલ મન્સૂરીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ ગઝલની જોડાજોડ બેસી શકે એવું મજાનું શહેરનું આ ગીત… શહેરની સહુથી મોટી ખાસિયત (કે ખામી?) એ જ કે જ્યારે જેની અપેક્ષા હોય એ જ ન મળે, એ સિવાય આખું બ્રહ્માંડ હાજર હોય ! સિમેન્ટ-કોંક્રિટના જંગલથી રિસાઈ ગયેલી કુદરતને ઘરના ચિત્રોમાં કે એક્વેરિયમમાં હાથમાંથી સરકી જતાં પાણીની જેમ પકડવાનાં આપણાં વલખાં આખરે તો તૂટી-ફૂટી રહેલું અસ્તિત્વ જ છે. જિંદગીની કવિતા કેવી? તો કે એકે લીટી અજંપો ને બીજી લીટી ડૂમો… શહેરમાં સંબંધ પણ કેવાં? તો કે (આવડતી ન હોય એવી) પરભાષાની કવિતા જેવા જેનો અનુવાદ જ શક્ય નથી… એક સાંધો ને તેર તૂટે જેવાં બટકણાં-છટકણાં સમણાંઓની વસ્તી એટલે જ શહેર…
Permalink
March 24, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, નિનુ મઝુમદાર
પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
…….વનેવન ઘૂમ્યો.
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
…….ઘૂમટો તાણ્યો.
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
…..આવી દિગનારી.
તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
…..ફરી દ્વારે દ્વારે.
રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં
……સમણાં ઢોળ્યાં.
~ નિનુ મઝુમદાર
મન્નાડેના મર્દાના અવાજમાં આ ગીત સાંભળ્યું તો આપણે સૌએ છે જ, પણ આજે શબ્દોની સુંદરતા જુઓ…….
Permalink
March 23, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.
-તુષાર શુક્લ
કેટલી હસીન ફરિયાદ છે !! ઝંખનાઓ નિ:સીમ છે……વાસ્તવિકતા નિષ્ઠુર છે…..અહીં માણવા જેવી વસ્તુ અંદાઝે-બયાં છે.
Permalink
March 17, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રિષભ મહેતા
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા
ઈશ્કે-મિજાજી પણ હોઈ શકે……ઈશ્કે-હકીકી પણ હોઈ શકે…..દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..
Permalink
March 10, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
ઠીક છે મારા ભાઈ…
ઠીક છે મારા ભાઈ
આ તો કરવા ખાતર કરીએ બઘું
સ્મિત પહેરીને ફરીએ વઘુ
બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
ઠીક છે મારા ભાઈ…
રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
ઠીક છે મારા ભાઈ…
રોજ પળેપળ બદલી લઈએ કેટલા ચ્હેરાં કેટલાં મ્હોરાં
દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરાં
મૂકવું પડે, ઝૂકવું પડે, ગમતું બઘું કરવું પડે
તોય ભેજામાં લઈને ફરીએ કેટલી રાઈ ?
ઠીક છે મારા ભાઈ…
હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
ઠીક છે મારા ભાઈ…
– કૃષ્ણ દવે
સરળ વાણી પણ વેધક વાત…….
Permalink
February 22, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
ઘાંઘી થઈ ધબકારા ઝાલું ન ઝાલું ત્યાં છૂટ્યા ધબ્બાક દઈ અરર..
કેસૂડો ડંખ્યાની વેળાને પોંખુ કે પોંખુ આ અધકચરું ભાન !
ઓગળતા ઓગળતા એક થયા એવા કે રંગાયો કેસરિયો વાન.
દોમદોમ રસભીના એકાંતે ચીર્યો છે જર્જર સન્નાટાને ચરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
રાંધણિયે આવીને બેઠું પતંગિયુ ને ચૂલો તો મઘમઘતો બાગ !
કોણે પેટાવી ને કોણે ચગાવી આ રોમરોમ રણઝણતી આગ ?
એવી કોમળતાથી નસનસને ઠારી કે જાણે હો પીંછાનુ સરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
જેને અઢેલીને ખીલ્યા એ ભીંતોને ફૂટી છે મ્હેંક મ્હેંક વેલ,
બિંબોમાં ઝિલાયો ગહેકંતો મોરલો ને ઝિલાણી થનગનતી ઢેલ
અંગૂરી એક સાંજ આવી છે જીવતરમાં એને લે ઝોળીમાં ભરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
— પારુલ ખખ્ખર
કેવું મજાનું ગીત ! સદભાગ્ય છે કે હજી આપણા અહેસાસોને આવા વાસંતી વાયરા અડતા રહે છે ને આપણા શ્વાસોનાં ટોળાં ઊડતાં રહે છે… શ્વાસોને ઊડી જતાં જોઈ ઘાંઘાં થઈ જવાય છે ને ધબકારાઓને ઝાલીએ, ન ઝાલીએ તેવામાં તો ફુર્ર કરતાંકને છટકી જાય છે…
પતંગિયું રાંધણિયે આવી બેસે ને ચૂલો આખો મઘમઘતો બાગ થઈ જાય એવું મજાનું કલ્પન તો કોઈ સ્ત્રી જ કરી શકે… વાહ કવયિત્રી…
Permalink
February 14, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
*
અમે તો પરપોટાની જાત
હેત કરીને આપી તેં તો સોય તણી સોગાત!!!
અમે તો પરપોટાની જાત…
ભેટ મળી વહાલમની તો પણ કેમ રાખવી માયા ?
પોત અમારું કાચું, સાજન ! પવન તણી છે કાયા,
જળની મૂરત – ફૂંક તણો યે ક્યાં સહેશે આઘાત ?
અમે તો પરપોટાની જાત…
સૂરજ થઈને પસવારી દે તેજ કિરણનાં બાહુ
મારા ગ્રહકૂંડળનાં સઘળાં સ્થાને તુજને સ્થાપુ
એક ટશરના બદલે આપી દઈએ રંગો સાત
અમે તો પરપોટાની જાત…
– નેહા પુરોહિત
વહાલ વેરતા વેલેન્ટાઇનના દિવસે વેરી વહાલમને સળી કરતું વેલ-ઇન-ટાઇમ ગીત !
પરપોટા જેવી નાજુક પ્રિયતમા અને સોયની અણી ભેટ ધરતો બરછટ વહાલમ… કવયિત્રી કેવી કમનીયતાથી પરપોટાની ઓથમાં પોતાના લવચિક સ્નેહને વ્યક્ત કરે છે ! સોયની અણીની ભેટ ભલે વહાલમની કેમ ન હોય, જેને એક ફૂંકનો આઘાતેય જાનલેવા હોય એવો પરપોટો વળી કેમ કરીને એને હૈયે ચાંપી શકે? પણ તોય જો વહાલમ જીવનમાં પ્રકાશ થઈ આવવા ચહે તો પોતાનાં બધા જ પૂર્વગ્રહો ત્યજીને બધાં સ્થાને એને સ્થાપવા પ્રેયસી તૈયાર છે. સૂર્યનું એક કિરણ પડતાં જ પરપોટા પર ખીલી ઊઠતાં સાત રંગોની હકીકત જે રીતે શબ્દોમાં વણી લેવાઈ છે એ ગીતને કવિતાની, સારી કવિતાની કક્ષાએ આણે છે…
હેપ્પી વેલ-ઇન-ટાઇમ ડે, દોસ્તો !
Permalink
February 13, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સુરેશ હ. જોશી
આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
હારબંધ આ કબૂતર ગોખે
ગઈકાલનો આ પાઠ ઝરોખે;
સવારનો આ ચંદ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો !
સૂર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં ?
આજ સવારે બેઠી નિશાળ,
પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
– સુરેશ જોષી
દૃષ્ટિ એવી સૃષ્ટિ. પવન હળું હળું મધુમાલતીની ડાળ ઝુલાવતો હોય, કબૂતરો ગોખલામાં કતારબંધ બેસીને ઘૂટરઘૂ કરતાં હોય, સૂર્યકિરણ સૃષ્ટિને અજવાળતું હોય ત્યારે રાતનો રાજા ચંદ્ર રાંકડો થયેલો દેખાય એવી મધુર સવારના સૌંદર્યનો આનંદ કોઈ પંતુજી લેતું હોય ત્યારે? જાણીતા વિવેચક જયા મહેતા આ કવિતાને મૂલવતાં લખે છે, “કુંઠિત દૃષ્ટિથી સવારને જોતા પંતુજી સવારને અને એના સૌંદર્યને ચૂકી જાય છે. કટાક્ષ વગરનો કવિનો કટાક્ષ ભારે વેધક છે. સવારની સૃષ્ટિને એમને રૂપે માણવાને બદલે પંતુજી નિશાળની બંધિયાર હવામાં ગોંધી દે છે એની વાત કરીને કવિ મુક્ત થયા છે.”
Permalink
February 1, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝાકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશુ તો સાકાર, ન સ્પરશુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !
-હરીન્દ્ર દવે
કેવું મજાનું ગીત… “ચરણ રુકે ત્યાં કાશી” તો રુઢિપ્રયોગની કક્ષાએ પહોંચી ગયેલી ઉક્તિ છે. ઝાકળબુંદમાં ગંગા જોવાની વાત પર “મન ચંગા તો કથરોટમેં ગંગા” યાદ આવ્યા વિના ન રહે. પણ મને જે વાત ગમી ગઈ એ છે ‘મુજ ધ્રુવ વ્યાપે સચરાચર’… આપણે નિત્ય પ્રવાસી હોઈએ તો આપણે અટકી જઈએ ત્યારે ધરતી પોતે ચાલવા માંડે. અને કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં… ધ્રુવ તરફ… અને ધ્રુવ ક્યાં? તો કે જે દિશામાં કદમ ઉપાડીએ એ જ દિશામાં… સચરાચર ! ક્યા બાત હૈ!
Permalink
January 31, 2014 at 1:51 AM by વિવેક · Filed under ગીત, હસિત બૂચ
રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.
રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !
ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !
– હસિત બૂચ
લયસ્તરો પર પ્રદ્યુમ્ન તન્નાનું એક મજાનું સ્પર્શકાવ્ય માણ્યું ને આ ગીત યાદ આવી ગયું…
આલિંગનનું આવું મજાનું ગીત કદી માણ્યું છે? ક્ષણભર બે જણ વીંટળાયા એમાં તો અ-મર માંડવો રચાઈ ગયો… કેવો છે આ માંડવો? રૂંવા-રૂંવા ફૂલ થઈને મઘમઘે છે ને એની સુવાસ શ્વાસમાં પ્રસરે છે… જ્યાં બે ઓષ્ઠદ્વય એક થયાં કે તરત હૈયાના પાંદડા લહેરવા માંડે છે અને મિલનની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… કેવો પ્રેમનો અમલ ! કેવું અમી ! ખુદ કાળ પણ લળી લળીને સલામ ભરે છે…
(રૂં-રૂં= રૂંવા-રૂંવા; ઉરપરણ= હૈયાનાં પર્ણ; અમલ= નશો; મુજરો = સલામ)
Permalink
January 20, 2014 at 8:22 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.
નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.
કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?
ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.
-રમેશ પારેખ
શું જોરદાર વાત છે !!!!
Permalink
January 10, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, યશવંત ત્રિવેદી
અરીસાની આંખોમાં ફૂલોના ગજરા.
દીવાલોમાં, દ્વારોમાં લો, આ દિશાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?
કોઈ સોનમછલી તરંગાય સરવર
નજર જાય તાણી અરીસાનું સરવર
તરંગો તરંગોમાં ફૂલોના ગજરા
ઢોળાય ગગનો ને ભીની હવાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?
નેણ વરસે ને ભીનાય કોરાં ને કોરાં
ચાંદરણાંનાં ચકલાંય ફોરાં ને ફોરાં
પલળેલી રાતોમાં ફૂલોના ગજરા
પોઢ્યાં કોણ ઓઢી અરીસાને આભે ?
ને મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?
– યશવન્ત ત્રિવેદી
જરા અલગ જ ફ્લેવરનું ગીત… એક-એક કલ્પન પકડીને શાંતિથી વિચાર કરીએ એ પછી આખું ગીત મઘમઘ થતું અનુભવાય…
Permalink
December 22, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..
પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,
અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..
પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,
પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..
– રમેશ પારેખ
Permalink
December 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !
આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.
નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….
-હરીન્દ્ર દવે
અદભૂત અનુભૂતિનું કાવ્ય…….કાવ્યના ભાવવિશ્વમાં ડૂબકી મારી જોવા જેવી છે……આંખો બંધ કરી ધીમે ધીમે ગણગણી જુઓ…….
Permalink
December 2, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under કમલેશ સોનાવાલા, ગીત
એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.
વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…
રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…
પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…
ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…
– કમલેશ સોનાવાલા
આ કવિની રચનાઓનો ખાસ પરિચય નથી પરંતુ આ નમણું ગીત facebook ઉપર નજરે ચઢ્યું એવું જ ગમી ગયું. ક્યાંક ક્યાંક શબ્દો સહજતાથી આવતા હોય એવું નથી લાગતું પરંતુ એ સિવાય કાવ્ય સરસ લય ધરાવે છે.
Permalink
November 30, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
. આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
અવાજ-૧
. એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
. અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
. ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
. ઊંડે તાણી જાય છે, મારા
. શ્વાસો
. ક્રમશ:
. તૂટે છે.
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી
અવાજ-૨
. મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
. જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
. દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
. મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
અવાજ-૩
. શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે !
. રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે !
. જાણે પંખી ડાળ મૂકીને જાત હવામાં ફેંકે જી !
. અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી !
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
– ઉદયન ઠક્કર
Permalink
November 24, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?
રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા તારા મનને ક્યાંથી બાંધું
તું ના માને એ સાંજે હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ
મારા ગઝલો વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?
સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ
– મુકેશ જોષી
Permalink
November 18, 2013 at 1:24 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?
પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !
– જગદીશ જોષી
આ કવિના ગીતોમાં જે માધુર્ય છે તે અદ્વિતીય છે…….
Permalink
November 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
. આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
. ક્યાંક એક કૂંપળ તો તાજી
. આપણે તો એટલામાં રાજી
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
. તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
. તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
. ત્યાં રણઝણતી ઝાલરી બાજી
. આપણે તો એટલામાં રાજી…
પાણીની એકાદી છાલકમાં હોય કદી
. રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
. એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
. કોઈ પૂછે, તો કહીએ કે હાજી
. આપણે તો એટલામાં રાજી
– રમણીક સોમેશ્વર
કેવું મજાનું સંતોષનું ગીત ! એક-એક પંક્તિ જાણે સામે ચાલીને આપણને વહાલ કરવા ન આવતી હોય ! ટોલ્સ્ટોયની વાર્તા How much land does a man need અને ‘રોજા’ ફિલ્મનું ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ યાદ ન આવે તો જ નવાઈ… સાવ સરળ ચાલમાં ચાલતા ગીતનો ખરો પંચ એની છેલ્લી ક્રોસ-લાઇનમાં છે… કાવ્યનાયકને જીવનના નાના સુખોથી કેટલો સંતોષ છે એના વિશે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કાવ્યનાયક જે રીતે ‘હાજી’ કહીને જવાબ વાળે છે એના પરથી એની અંતરતમ સંતુષ્ટિનું કેવું દૃઢીકરણ થાય છે ! આજ છે કવિતા!
Permalink
November 11, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હિતેન આનંદપરા
આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે
કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી
ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !
-હિતેન આનંદપરા
Permalink
November 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાય નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…
જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
-જગદીશ જોષી
કેવા કોમળ શબ્દોથી કેટલી નાજુક ફરિયાદ કરી છે !!
Permalink
October 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સ્નેહી પરમાર
અજવાળી આઠમને તેડે આવજો
રાત પડે કે રોંઢો, તમ વિણ જરાય ગોઠતું નથ્ય
અંગે ઢંક્યું વસ્તર, અંગે જરાય શોભતું નથ્ય
ટૂંકામાં ટૂંકેરા કેડે આવજો
બાને નડશે મુરત, બાપુજીને સામી ઝાળ
કે’જો સામી ઝાળથી ઝાઝી અંદર છે વિકરાળ
વળતાના ખોટીપા વેડે આવજો
સહિયર, હાથે મેંદી ભેળાં મેણાં-ટોણાં ચિતરે
રાત પડ્યે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે
આવો ત્યારે સીધા મેડે આવજો.
– સ્નેહી પરમાર
પ્રોષિતભર્તૃકાના કંઈ કેટલાય ગીત-કવિતાઓ આપણા વાંચવામાં આવ્યા હશે પણ આ ગીત બધાથી ચાર ચાસણી ચડે એવું છે. પત્ની પતિના આવણાંની રાહ શી રીતે જુએ છે એની વાત તળપદી ભાષામાં રજૂ થઈ છે.
આઠમના અજવાળાનું મહત્ત્વ છે. માતાજીમાં માનનાર માટે તો ખાસ. સુદ પક્ષ હોય કે વદ પક્ષ, આઠમ એટલે બરાબર મધ્યનો દિવસ. અજવાળું પણ સપ્રમાણ. રાત હોય કે પછી વામકુક્ષીની વેળા – પ્રિયતમ વિના સૂવાનું કેવી રીતે ગોઠે ? કપડાં પણ અંગ પર શોભતા નથી. કારણ ? જબ તક ન પડે આશિક કી નજર, શૃંગાર અધૂરા રહેતા હૈ… અને છેલ્લી કડી ‘આવો ત્યારે સીધા મેડે આવજો’ તો સીધી દિલમાં ઘર કરી જાય છે…
*
આણાત = આણે જવાને તૈયાર થયેલી અથવા આણેથી આવેલી
રોંઢો = બપોર અને સાંજના વચ્ચેનો વખત; દિવસના ત્રીજા પહોરનો વખત
ખોટીપો = ખોટી થવું તે; ઢીલ રોકાણ; વાર; વિલંબ
Permalink
October 20, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !
આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ
તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન
અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?
– પ્રહલાદ પારેખ
જૂનાં નવનીત સમર્પણ ઉથલાવતાં આ મજાનું ગીત હાથે લાગી આવ્યું…….
Permalink
October 14, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જિગર જોષી 'પ્રેમ'
તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
Permalink
October 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
તારી લાગણીનાં કેમ કરું મૂલ ?
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…
વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ?
રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…
આજે તો સઘળું કબૂલ…
-નેહા પુરોહિત
સ્ત્રીઓના મનોજગતમાં ડોકિયું એ હંમેશા કવિતાનો પ્રિય વિષય રહ્યો છે. અને સ્ત્રી પોતે જ્યારે પોતાના અંતરમાં ડૂબકી મારી સમવેદનાના મોતી ગોતી લાવે ત્યારે કવિતાનો રંગ કંઈ ઓર જ ઓપી ઊઠે છે. એક અભિસારિકા જ્યારે ગોપીભાવે એના મનના માધવની મુલાકાતે નીકળે છે ત્યારે એ શું શું વિચારતી હશે ! પોતાની અહર્નિશ પ્રતીક્ષા, પોતાનું માત્ર અદના માનવી તરીકેનું મૂલ્ય, વખતે-કવખતે પરોક્ષ હાજરીથી પણ સતત મદદ કરનાર માધવની કદર અને ભીતર ગમે એટલું ભર્યું પડ્યું કેમ ન હોય, લોકલાજે ખાલી હાથે મિલનની ક્ષણોની નજીક સરવું – કવયિત્રીએ કેવી કમનીય પદાવલિથી સઘળું આકાર્યું છે !
ધ્રુવ પંક્તિના અંતે ‘મૂલ’ થી શરૂ થતો ‘મ’કાર (alliteration) પછીની પંક્તિમાં માળા-મણકા-માધવ-માપવા-મન એમ સતત પાંચવાર સુધી રણકાય છે એ ગીતને કેવો વિશિષ્ટ ઉઠાવ આપે છે !
Permalink
October 6, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હેમેન શાહ
કાગળની એક બાજુ લખવું,
બીજી રાખવી કોરી.
અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો,જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.
ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઊગવું,
લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું,
પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.
જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈ વહેવું,
પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છિણાઈ રહેવું.
સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂંપળ રાખવી ઓરી.
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.
– હેમેન શાહ
આંતરપ્રવાહ અને બાહ્યપ્રવાહની વાત છે…… આપણાં વ્યક્તિત્વ ઉપર વિશ્વ લિસોટાઓ કરતું રહે છે….. કાગળની એક બાજુ ઉપર ભલે તે કરતું રહે, એક બાજુ કોરી રહેવી જોઈએ કે જે આંતરપ્રવાહ છે……
Permalink
October 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કાલ એનું નામ હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
– રમેશ પારેખ
જે રીતે ઓણસાલ વરસાદ મંડી પડ્યો છે – ક્યારેક સાંબેલાધાર દિવસો સુધી મંડ્યો રે તો ક્યારેક આ ધરતી સાથે કોઈ નિસ્બત જ ન હોય એમ મોઢું ફેરવી સાવ જતો રહે ને વળી અચાનક ધરતી-આભ રસાતાળ કરી જાય – એ જોતાં તો ર.પા.નું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ગઈકાલે છાંટમાત્ર હતો ને આજે તો વાદળનું પાત્ર બસ ખાલી ખખડાટ કરે છે તો આવતીકાલે વાંભ વાંભ વરસવાનો છે…
(વાંભ = બંને હાથ પહોળા કરવાથી થતું લંબાઈનું માપ; વામ)
Permalink
September 30, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મેં સિતારાઓની એને વાત કીધી જ્યારથી,
એ મને આકાશ સમજે છે જુઓને ! ત્યારથી.
શુષ્ક નદીઓને જોઇને ડૂમે ચઢેલા
પ્હાડનાં આંસુનો હું તો અંશ છું,
એ મને કહે છે કે હું કો’
રાજવી દરિયાવની ભરતીનો એકલ વંશ છું.
મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.
ફૂલ થાવાનો કર્યો’તો કાંકરીચાળોય અંતે
ભાગ્યમાં ખોટો પડ્યો,
પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
ને એવી ક્ષણે ફોટો પડ્યો.
મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી.
– મુકેશ જોષી
એક તાજગીસભર રચના…….
Permalink
September 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, હરિકૃષ્ણ પાઠક
સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.
– હરિકૃષ્ણ પાઠક
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !
Permalink
September 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીલેશ રાણા
આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
. તોય મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
. ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
. વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
. આપું નિરાકારને હુંયે આકાર.
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
. ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
. ત્યાં યમુનાનાં વ્હેણ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
. હવે જોઈએ નહીં કોઈનો આધાર.
– નીલેશ રાણા
પ્રતીક્ષાની ઘડીઓમાં આંખ ભલે ઝળઝળિયાંના ધુમ્મસથી ઘેરાઈ કેમ ન ગઈ હોય, જળ-સ્થળ એકાકાર થઈ ઓગળી કેમ ન જાય, પ્રિયતમ, પ્રણય અને જીવનની પળપળના તળિયાં સાફ સાફ નજરે ચડતાં હોય છે… કલ્પનાનો આકાર પ્રતીક્ષાની ઘડીઓમાં એવો સાચુકલો લાગે છે કે એની બાંહોમાં ગોપી પોતાને ભીંસાતી ને ભૂંસાતી અનુભવે છે…
Permalink
September 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કરસનદાસ માણેક, ગીત
હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !
. કદી વૈરાગી, કદી વિલાસી,
. કદી વૈભવરત, કદી ઉપવાસી,
. કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
. કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
. કદી અધૂરો, કદી છલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. કદી મિલનમાં પણ રહું ઠાલો,
. કદી વિરહમાં પણ મતવાલો,
. કદી ગંભીર, કદી અતિ કાલો,
. કદી સુક્કો, કદી લહેરી લાલો,
. કદી ટાઢો, કદી જલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
. વધુઘટું રંગ તારો વરતી :
. આરતી બનીને તારા ફરતી
. પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
. તૃપ્ત તોય ટળવળતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
– કરસનદાસ માણેક
Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!
Permalink
August 23, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચિનુ મોદી
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦
આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦
– ચીનુ મોદી
સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.
વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…
(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)
Permalink
August 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
– અનિલ જોશી
આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…
Permalink
July 22, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ, ગીત
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.
મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
– ઉદયન ઠક્કર
આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Permalink
July 21, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
-હરીન્દ્ર દવે
Permalink
July 18, 2013 at 3:33 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ, વર્ષાકાવ્ય
સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –
ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –
સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –
– ચંદ્રકાન્ત શેઠ
મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.
દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !
Permalink
July 15, 2013 at 2:02 AM by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.
શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.
કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.
સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.
– શેખાદમ આબુવાલા
Permalink
June 23, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….
છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….
છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું
ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….
-મુકેશ જોષી
Permalink
June 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, નરસિંહ મહેતા
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને
– નરસિંહ મહેતા
વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……
Permalink
June 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.
– હરીન્દ્ર દવે
Permalink
June 2, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું
ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .
– જગદીશ જોષી
Permalink
May 27, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગીત
હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
– કૈલાશ પંડિત
આકસ્મિક જ રેડિઓ પર આ રચના સાંભળી અને કવિના નામમાં કૈલાશ પંડિતનું નામ બોલાયું,ત્યારે ખાસ્સું આશ્ચર્ય થયું. કૈલાશ પંડિતનું નામ આવે એટલે તેઓની આગવી શૈલીમાં થતી વ્યથાની ઠોસ રજૂઆત યાદ આવી જાય… તેઓનું આવું મસ્ત રમતીલું ગીત સાંભળીને મજા આવી ગઈ….
Permalink
May 20, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મારું ઓશીકું ભલે લાગતું ફૂલેલું
દોસ્ત ! એમાં ડૂસકાં ભર્યાં છે,
કાચા ને કાચા ઉજાગરા વસંતમાં
રાતોની રાતભર ખર્યા છે.
છાતીમાં,ખોબામાં,ખિસ્સામાં અંધારું
બીજે ક્યાં સંઘરું અમાસ,
પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.
આરસનો પથ્થર છું એમ કહી
કેટલાંકે મારામાં નામ કોતર્યાં છે.
દરિયો ભરીને સહુ લઈ જાતાં ચાંદની
મારો ભરાય નહીં કુંભ,
વાતે વાતે મને ઉથલાવી પાડે છે
તડકાનું આખું કુટુંબ.
દીકરાની જેમ કહ્યું માનતા નથી
જે સપનાં મેં મોટાં કર્યાં છે.
– મુકેશ જોષી
Permalink
May 19, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
બારણે બેસી નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર,
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
-મકરંદ દવે
ભક્તિમય પ્રકૃતિ…..પ્રકૃતિમય ભક્તિ
Permalink
Page 14 of 25« First«...131415...»Last »