આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગૌરાંગ દિવેટિયા

ગૌરાંગ દિવેટિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હળવા થઇને આવજો – ગૌરાંગ દિવેટિયા

આવો હવે તો સાવ હળવા થઇને આવજો
ઝાકળની વાત પછી માંડશું
શબ્દોનો ભાર બધો મૂકીને આવજો
કાગળની વાત પછી માંડશું

પંખીની વાતમાં પીંછા ના હોય
એને અચરજ જેવું કશું ન માનતા
વૃક્ષ વિનાના એ જંગલની વાત વિશે
અટકળિયાં કાંઇ નથી જાણતા

આવો તો ખોબામાં અજવાળું લાવજો
ઝળહળની વાત પછી માંડશું

ઘટના વિનાના આ કંઇ નહિની વારતામાં
ભજવ્યો’તો હોવાનો વેશ
પડછાયા ક્યારના શોધ્યા કરે છે
પેલા માણસ વિનાનો કોઇ દેશ

આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો
અટકળની વાત પછી માંડશું

– ગૌરાંગ દિવેટિયા

શું ચોટદાર વાત છે !!! ભલભલું થઇ શકાય પરંતુ હળવા થવું તો સંત સાટેય દોહ્યલું રહ્યું…..

Comments (5)

ગીત – ગૌરાંગ દિવેટિયા

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા,
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઈ નથી આવતા.
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

-ગૌરાંગ દિવેટિયા

ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે. ‘હિંમત’ શબ્દ એટલા માટે વાપરું છું કે આ કામ સહેલું નથી. કવિ પણ પૂછી શકો તો જરી પૂછો કહી આપણી હિંમતને પડકાર આપે છે. કેમ? કારણ કે ઘાનું કારણ ક્યારેક ઘા સહેવા કરતાં વધુ અસહ્ય હોય છે… ઝરતા લોહીને લૂછવામાં ક્યારેક ઘા ખુલી પણ જાય અને લોહી દડદડ વહી નીકળે એમ પણ બને… સૂરજ વિના વળી તડકો કેવો ? પણ આ કવિતા છે. સૂરજ યાને કે મૂળ નીકળી ગયું હોય એવા ફળસ્વરૂપ નિઃસત્ત્વ તડકાનું ફૂલ કેમ કરી સૂંઘાય ? કેવું દોહ્યલું કામ ! જે ખાલી આંખોમાં દૃષ્ટિ જ નથી રહી ત્યાં કોના આવવાની શક્યતા હોય કે હવે એ ફરકે ? પણ કવિ આપણી વેદનાને પડકારે છે, કહો કે ભાગીદાર બને છે, ફરકી શકાય તો ફરકો કહીને !

Comments (10)