હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
– ખલીલ ધનતેજવી

ખટકો – જગદીશ જોષી

એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

– જગદીશ જોષી

નિષ્ફળ પ્રેમ એટલે શું ? તેમાં વેદનાનું ઉદગમસ્થાન કયું ? અહંકાર ઘવાય તે – હાર સ્વીકારી ન શકાય તે ? હાંસી ઊડે તે ? પોતાની ન્યૂનતા નગ્ન થઈને સામે ઊભી રહી જાય તે ? જે ચીજ અપ્રાપ્ય લાગે તે માટે નો તલસાટ અનેકગણો થઇ જાય એવું મનોવૈજ્ઞાનિકો કહે છે તે ? અસંખ્ય સ્વપ્નોની લાશ લઇને જીવવું પડે તે ? આ સઘળી વેદના છતાં વ્યવહાર નિભાવવો પડે તે ?

મને એવું લાગે છે કે વ્યક્તિની પ્રજ્ઞા અને સંવેદનશીલતા અનુસાર ઉત્તર ભિન્ન હોઈ શકે. હ્રદય ધબકતું તો રહે, પણ પ્રત્યેક ધબકારા સાથે કોઈને ઝંખતું રહે…..ઝૂરતું રહે…..

કદાચ ગુલઝારસાહેબે બહુ ખૂબીપૂર્વક જવાબ આપ્યો છે – ‘ તેરે બીના ઝીંદગી સે શિકવા તો નહીં, તેરે બીના ઝીંદગી ભી લેકિન ઝીંદગી તો નહીં……’

4 Comments »

  1. CHENAM SHUKLA said,

    November 2, 2015 @ 2:51 AM

    હું તો આંસુથી આયખાને સીવું….શું વાત છે

  2. KETAN YAJNIK said,

    November 2, 2015 @ 3:17 AM

    અને જગદીશભાઈ શું પ્રાર્થે છે ?
    અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
    મને મનગમતી સાંજ એક આપો :

  3. KETAN YAJNIK said,

    November 2, 2015 @ 3:25 AM

    અને આગળ ઉપર જગદીશભાઈ પ્રાર્થ્ર છે
    અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
    મને મનગમતી સાંજ એક આપો :

  4. ધવલ said,

    November 2, 2015 @ 1:15 PM

    વેદનાનુ અનુપમ ગાન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment