હવે કોઈને – યોસેફ મેકવાન
શબ્દે શબ્દે જેમ વસ્યો છે અક્ષરનો સહવાસ,
હતા આપણા એમ ભળેલા શ્વાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
રજકણ અણસમજણની ક્ષણમાં
ચિત્તમહીં છવાઈ,
વેરણ-છેરણ દ્રશ્ય થયાં સૌ
ગયું બધું પલટાઈ !
રાત સરીખા દિવસો લાગે
જાણે સદા અમાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
જીવતરના હાંસિયે જઈ બેઠા
સ્મરણોનાં સૌ વ્હાલ,
કશું નથી કૈં ગમતું દોસ્તો,
હાલ થયા બેહાલ !
હવે કોઈને માનવતા પણ
નથી આવતી રાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
– યોસેફ મેકવાન
સીધું દિલમાંથી કાવ્ય બહાર આવ્યું છે જાણે…… !!
yogesh shukla said,
May 20, 2015 @ 2:13 PM
ખરું કહું તો બહુજ ઉચ્ચ કોટીના શબ્દો ભારવાળી રચના , બે ત્રણ વાર વાંચવી પડે ત્યારે સમાજ પડે ,
Harshad said,
May 23, 2015 @ 12:14 PM
ઍક મઝાનુ સુન્દર કાવ્ય ! બીજુ શ કહુ . I am speechless.