અમે કાગળ લખ્યો તો – મુકેશ જોશી
અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો
છાનોછપનો કાગળ લખ્યો તો પહેલો વહેલો.
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા તા
ફાગણીયો મલક્યો જ્યાં પહેલો.
સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,
આવી આવીને જાય તૂટી;
તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,
કાગળમાં એક ચીજ ખૂટી.
નામ જાપ કરવાની માળા લઈ બેઠો
ને પહેલો મણકો જ ના ફરેલો.
પહેલાં ફકરાની એ પહેલી લીટી
તો અમે જાણીબુજીને લખી ખાલી,
બીજામાં પગરણ જ્યાં માંડ્યા
તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી.
કોરોકટાક મારો કાગળ વહી જાય,
બે એક લાગણીનાં ટીપાં તરસેલો.
ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીયાં મજામાં સૌ ઠીક છે;
અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે
સાચું બોલવામાં શું બીક છે?
હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની
ને ચોકિયાત એક ત્યાં ઉભેલો.
લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપક્યું રે બિંદુ;
પળમાં તો કાગળ પર માય નહીં
એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ.
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા
શ્વાસ સાથ કાગળ બીડેલો.
– મુકેશ જોશી
કવિની ઊંચાઈનો ખ્યાલ તેઓ દ્વારા થયેલી વિષયની માવજત આપે છે. પરંપરાગત વિષયને કેટલી અદભૂત તાજગી બક્ષી છે !!!
suresh shah said,
August 19, 2015 @ 1:58 AM
dear mukeshbhai.
reading your kavya is better than
once i hear said kayva from you.
your treatment is excellent.
with best wishes.
sureshbhai.
KETAN YAJNIK said,
August 19, 2015 @ 3:30 AM
બીડેલા કાગળની અંદરની વાત
ગમી.
beena said,
August 19, 2015 @ 4:43 AM
મુકેશભાઈ
સ-રસ કાવ્ય
ખાસ તો સ્ત્રીઓની લાગણીને શબ્દો માં ઘણી વાર સાંભળી અનુભવી છે
પણ મોગારાની મહેક થી મહેકતો પત્ર વાંચ્યો
મારા લગ્ન ને 40 થી વધુ વર્ષો થઈ ગયા છે
પણ મારા પ્રિયકર , મારા પતિના દિલની કેટલીક લાગણીઓ મારા સુધી પહોંચી નહોતી
આજે અચાનક આ કાવ્ય વાંચીને એ અ-શબ્દ મૌન ભાવના મારા અંતર સુધી પહોંચી ગઈ
મારા અને મારા પતિ વતી આભાર !!
બે મન ને જોડનાર સેતુ .
કાવ્ય માટે આભાર અને અભિનંદન
અપરાજિતા
beena said,
August 19, 2015 @ 4:55 AM
મોગરાની મહેકથી મહેકતા શ્વાસ જેમા બીડાએલા છે તેનો અનાદર કોણ કરી શકે?
Yogesh Shukla said,
August 19, 2015 @ 1:57 PM
તમારી આ રચના વાંચતા મને જુના જમાના ના કવિઓ યાદ આવી ગયા , સંપૂણ નિર્મળ ભાષા ભાષા સાથેની રચના ,સુંદર અતિ સુંદર ,
jigna trivedi said,
August 20, 2015 @ 12:58 AM
નખશિખ સુંદર ગીત. માણવાની ખૂબ મજા આવી.
nehal said,
August 20, 2015 @ 5:46 AM
Beautiful. ….
Rajnikant Vyas said,
August 20, 2015 @ 6:12 AM
કાગળ કોરોકટ્ટ રાખીને ઘણું બધું લખી નાખ્યું! વાહ કવિ!
Pravin Shah said,
August 20, 2015 @ 6:59 AM
અદભૂત …
La Kant Thakkar said,
August 21, 2015 @ 4:32 AM
સાદી ” કાગળ લખવાની ” વાત-વિષય-વસ્તુને પણ આમ બહેલાવી શકાય ….
સંબોધન માટેની “અવઢવ છે “…કારણકે,”છાનોછપનો કાગળ લખ્યો તો પહેલો વહેલો.”
“શું લખવું?” ની મૂંઝવણ =”……ને પહેલો મણકો જ ના ફરેલો.”
પહેલી લીટી તો,…અમે જાણીબુજીને….”… લખી ખાલી…”એ તો,… અતિ-અંગત અંતરતમની લાગણી ” આઈ લવ યુ ” સીધું-સટ” કહી ન જ શકાયની દ્વિધા ને જ ઈંગિત કરે છે ને ? !
“અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે,સાચું બોલવામાં શું બીક છે?”ના સંદર્ભે………..
ચૂંટી કોણ ખણે છે ? પેલો આપણા સાંઈ-ઋષિ કવિ શ્રી મકરંદ દવે નો “અજાણ્યો જણ” કે, સમકાલીન ના બોલ્ડ તંત્રીશ્રી સ્વ.હસમુખ ગાંધી નું વર્ઝન ” એ કોણ બોલ્યું? ” સવાલ ! કવિનો “ચોકિયાત”-આતમરામ સ્તો !
ઊંડાણ તો માણીગર, વાચક, ભાવક, રજૂઆત અને આસ્વાદ કરાવનારનું પણ કેમ ના હોઈ શકે ?
આના અનુસંધાને… એક વાત યાદ આવી …
“આપી આપીને સહેજ હસીને પ્રેમપત્ર આપો!
સ્મિતભર્યો ચમકતો ચહેરો આપો તો જાણીએ.
લખેલી લાગણી બધી, સમજુડા વાંચી લે, ખરું!
વણલખ્યું આહ્ લાદક વાંચવા મળે તો માણીએ,
કાનો,માતર અનુસ્વારના અર્થ તો લોકો ઉકેલે ,
ટેરવાંના ટપકાંની ભાષા ઉકેલો તો પ્રમાણીએ !”
-લા ‘કાન્ત “કંઈક” / ૨૧-૮-૨૦૧૫