તમે અમારાં ગુરુ – નટરાજ બ્રહ્મભટ્ટ
તમે અમારાં ગુરુ મીરાં !
તમે અમારાં ગુરુ
રોજ હવે તો હરિરસ ભાવે, ઘર લાગે છે તૂરું
મીરાં ! તમે અમારાં ગુરુ.
અમે તમારા શબ્દોની આંગળિયું પકડી ચાલ્યા,
અમે તમારા ભાવભુવનમાં ગગન ભરીને મ્હાલ્યા
તમે બતાવ્યું નામ, ઠામ ઠેકાણું પૂરેપૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.
તમે કંઠમાં કેદ કર્યાં’તાં મોરપિચ્છ ને વેણુ
અમે તમારી કંઠી બાંધી, ઘટનું એ જ ઘરેણું
શ્વાસ હવે તો શામળિયો ત્યાં કોણ કરે કંઈ બૂરું !
મીરાં ! તમે અમારાં ગુરુ.
ગુરુ અમોને માંડ મળ્યાં છે ઘટમાં ઘાયલ ઘેલાં
રાત દિવસ બસ રાતામાતા એ જ ચીલામાં ચેલા
બાઈ મીરાંને લખવાનું કે તમે ઝૂર્યાં એમ ઝૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.
– નટરાજ બ્રહ્મભટ્ટ
ગઈકાલે ગુરુપૂર્ણિમા ગઈ… એના ઉપલક્ષમાં આજે એક મજાનું ગીત…