અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાં ક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
રવીન્દ્ર પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મરીઝ

‘ગુજરાતના ગાલિબ’ લેખાતા
સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત
‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન
ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને
વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી
વાસી. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને
ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ
ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે
‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ જન્મ:
૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩. કાવ્યસંગ્રહ: ‘આગમન’,
‘નક્શા’.

મરીઝ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– અમૃત ઘાયલ

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

(તમે બેવફા નથી) – મરીઝ

દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી,
આ એવી ‘હા’ છે, જેમાં તમારીય ‘ના’ નથી.

સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે,
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.

માંગુ છું એવું કંઈ કે કરે એ વિચારણા,
જલદી કબૂલ થાય એ મારી દુઆ નથી.

લાખો વિલાસ મારા છતાં કેવી વાત છે?
લાગે છે કોઈવાર કશામાં મજા નથી.

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

સારું છે તારું રૂપ છવાયું છે ચોતરફ,
મારી નજરને ક્યાંય કશી સ્થિરતા નથી.

એમાં કશી ફરજ ન સમજની જરૂર છે,
જ્યાં ઓ ‘મરીઝ’ દર્દ નથી, એકતા નથી.

– મરીઝ

મરીઝની ગઝલો એટલે લપસણી સરળતા. હળવાશથી લેવા જતાં શેરનો મર્મ જ હાથથી છટકી જાય એવું બને. પ્રસ્તુત ગઝલનો મત્લા જરા ચકાસો. પ્રેમનો દાવો કરીએ તો બનવાજોગ છે કે પ્રિયતમા ના કહીને પ્રસ્તાવ ઠુકરાવે. પ્રેમના પ્રસ્તાવનો જવાબ ક્યાં તો ‘હા’માં મળે અથવા ‘ના’માં મળે. પણ મરીઝનો તો મુદ્દો જ અલગ છે. પ્રેમનો દાવો કરીએ તો ‘ના’ સાંભળવાનું જોખમ રહે ને? એ કહે છે કે હું પ્રેમનો દાવો કરું તો એનો કંઈને કંઈ બદલો તો મળવાનો જ છે. પ્રેમિકા પ્રેમના દાવાને તો નકારી શકે પણ પ્રેમીના દાવાના બદલામાં પોતે કંઈક તો કહેશે જ એવી પ્રેમીની દલીલમાં તો એણે પણ હામી જ ભરવી પડે છે… છે ને મજાની વાત!

Comments (6)

નથી…… – મરીઝ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતા રહ્યાં સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

– મરીઝ

1917 ની 22 ફેબ્રુઆરી મરીઝસાહેબનો જન્મદિન….

ત્રીજો શેર જુઓ –

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

હું તો આ શેર પર જ જાણે અટકી ગયો છું…. શું સરળ વાણી અને કેવી ઊંડી વાત !! તું જીતતી હોય તો હાર શું ચીજ છે ! પણ આમ તો તારી જીત પણ નથી….. લાજવાબ !!

 

છેલ્લેથી બીજો શેર – જગતના દર્દ અને દુખને….. – આ શેરની ઊંચાઈ પણ જબરદસ્ત !

Comments (4)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(જમાનો ખરાબ છે) – મરીઝ

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.

એમાં કોઈ જો ભાગ ન લે, મારી શી કસુર,
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કુદરતને એની જાણ છે, બુલબુલને શું ખબર,
કાલે હશે એ શું કે જે આજે ગુલાબ છે.

આઘાત એનો કોઈ સ્વમાની હૃદયને પૂછ,
હમદર્દીઓ જગતની ખરેખર અઝાબ છે.

કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના,
એ આફતાબ! તું તો ફકત આફતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધુ બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.

ચારિત્ર હો ગુલાબની સુરત સમુ ‘મરીઝ’,
જે બાજુથી જુઓ, અતિ સુંદર ગુલાબ છે.

– મરીઝ

મરીઝની આ અતિસુંદર ગઝલ ઇન્ટરનેટ પર આખી જોવા મળતી નથી અને કેટલાક શેર જોવા મળે છે, પણ એય ભૂલભરેલા… અમુક લોકોએ તો મરીઝે લખ્યો નથી એવો મક્તા પણ ઉમેર્યો છે… આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે આ ગઝલ આખેઆખી…

Comments (9)

…….ન દે – મરીઝ

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું “મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.

– મરીઝ

સદીએ માંડ એક મરીઝ પાકે !! મત્લો, મક્તો અને પાંચમો શેર તો સુવિખ્યાત છે જ પણ બાકીના પણ કમ નથી. “આનંદ કેટલો છે બધી જૂની યાદમાં….” – આ શેર જરા મમળાવીએ તો કેવો સરસ ખુલે છે ! માનવીના મનની ગહેરાઈ છતી કરે છે, અંતહીન અપેક્ષાઓની હિન્ટ આપે છે.

ઘણીવાર એવું લાગે કે જેમ રસોઈમાં નમક છે તેમ કવિકર્મમાં જગતનું તલસ્પર્શી દર્શન છે. દર્શનના ઊંડાણ વગર કવિકર્મ અધૂરું છે અને દર્શન જો સ્પષ્ટ હો તો કવિકર્મ [ છંદ ઇત્યાદિ ] optional છે.

Comments (3)

સવા શેર : ૦૩ :મરીઝ

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
– મરીઝ

મરીઝ આ શેરમાં માનવમાંથી મહામાનવ થવાની ચાવી આપે છે. પરંપરાની શેરપ્રણાલિથી પલટવાર કરીને મરીઝ સાનીના સ્થાને ઉલા મિસરામાં જ શેરનો અર્ક આપી દઈ કાન ઊલટા પકડાવે છે. મરીઝ દર્દના શાયર છે. એમના ભાગે જીવનના હરએક તબક્કે દર્દ સાથે મુકાબલો કરવાનું આવ્યું હતું. એટલે જ કદાચ, જિંદગીનું દર્દ એમના ‘ગળતા જામ’માંથી સતત નીંગળતું દેખાય છે. કવિતાની કાયામાં દર્દ આત્મા છે, પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. એવી રાત બની જ નથી જે સવારમાં ન પરિણમે. ગમે તેવા મોટા કેમ ન હોય, મોટાભાગના દર્દ હંગામી હોય છે. ઘાયલે કહ્યું હતું ને, ‘સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે, ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.’ અહીં મિર્ઝા ગાલિબ પણ યાદ આવે: ‘रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई।‘ વળી આનો આ જ મિજાજ ગાલિબે અન્યત્ર પણ પ્રદર્શિત કર્યો છે: ‘दर्द का हद से गुजर जाना है दवा हो जाना।’ પણ મરીઝના આ શેરમાં જે દર્દની વાત છે, એ દર્દ દેહના સ્તરનું દર્દ નથી. દેહના દર્દનું નિવારણ તો કોઈ તબીબ કદાચ કરી પણ આપે. પણ અહીં વાત દિલના દર્દની છે. ભીતરી અહેસાસના દર્દની છે. અને આ દર્દ ટકી જાય તો? જેને મન ભાત પણ થાળીમાં ઊગતો હતો એવા રાજકુમાર સિદ્ધાર્થે નગર-ભ્રમણ દરમિયાન સંસારમાં જે-જે તકલીફો જોઈ, એ તમામ આપણે પણ રોજેરોજ નિહાળીએ જ છીએ. પણ ફરક એ છે, કે પળ-બે પળ સ્મશાનવૈરાગ્ય ભોગવીને આપણે હાથ લૂછીને આગળ વધી જઈએ છીએ. કોઈની તકલીફ જોઈને આપણા દિલમાં પણ કરુણા તો જન્મે છે, પણ એ અલ્પજીવી હોય છે. આંખમીંચામણાં કરીને, ‘અરેરે’ કરીને અથવા થોડીઘણી મદદ કરીને આપણે એ વેદનાથી આપણો પિંડ છોડાવી લઈએ છીએ. ક્યારેક આપણે એ વેદનાને સહિયારવાની કોશિશ પણ કરીએ છીએ. પણ આપણે અન્યોની વેદનાનો ભાગ બનતાં નથી. એ વેદનામાંથી આપણે બજારમાંથી પસાર થતા વ્યક્તિની માફક નીકળી જઈએ છીએ. આતમરામનું કમળપત્ર સરોવરની વચ્ચે ખીલ્યું હોવા છતાં લગરિક ભીંજાતું નથી. પણ, સિદ્ધાર્થના હૃદયમાં આ દુઃખદર્દ સ્થાયી થયા. દુન્યવી પીડાઓએ એના હૈયે કાયમી ઘર કર્યું. પરિણામે એ કરુણામૂર્તિ બુદ્ધ બન્યા. દર્દ શાશ્વતી બને, રાતવાસો છોડીને જાતવાસો કરે, ક્ષણવાસો ત્યજીને જનમવાસો કરે, ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એને પેખવા-ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત પણ હોવી ઘટે. મરીઝ મનુષ્યમર્યાદાઓનો જાણતલ શાયર છે. એટલે આ જ ગઝલમાં એ કહે છે: ‘દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ, રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.’

Comments (1)

એક છે તારી જિંદગી…- મરીઝ

એક છે તારી જિંદગી,એક ઉપર નિસાર કર,
રૂપ બધામાં એક છે, પ્રેમ પણ એક વાર કર.

હું જો નહીં રહું તને જાણી કોઈ નહીં શકે,
હું જ છું તારી આબરૂ; મારો બધે પ્રચાર કર.

તારી જ દેણ છે પ્રભુ મારી સમગ્ર જિંદગી,
મારુ કશું જશે નહીં જ્યાં ચાહે ત્યાં પ્રહાર કર.

નિષ્ફ્ળ જવાની છેવટે બેચેની તારી આંખની,
દર્શન જો એના જોઈએ દિલનેય બેકરાર કર.

શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં,
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર.

તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર.

મર્યાદા દુશ્મનીમાં છે, શકિત મુજબની હોય છે,
કિન્તુ ગજાથી પણ વધુ સૌને ‘મરીઝ’ પ્યાર કર.

– મરીઝ

પહેલા ચાર શેર પરવરદિગારને સંબોધે છે, પછી માનવીની વાત આવે છે. પ્રત્યેક શેર મરીઝના હસ્તાક્ષર સમાન છે….

Comments (3)

(આહ, આહ, આહ) – મરીઝ

પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ,
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ.

તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી,
દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ.

ઊલટી અસર થઈ તારા ઠંડા જવાબની,
સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ, દાહ, દાહ.

તસવીર છો તમે મારા સારા નસીબની,
તેથી મને મળો છો તમે ગાહ, ગાહ, ગાહ.

બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.

ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.

– મરીઝ

મરીઝ પરંપરાના શાયર હતા. એમની ગઝલોમાં પ્રયોગો જૂજ જ જોવા મળે છે પણ આ ગઝલ જુઓ… આ હમરદીફ હમકાફિયા ગઝલમાં એમણે ચુસ્ત કાફિયા રાખવા ઉપરાંત કાફિયાને ત્રેવડાવીને પોતે જે કહેવું છે એ વાતને કેવો મજાનો વળ ચડાવ્યો છે! કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.

Comments (6)

(કિનારે કિનારે) – મરીઝ

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

મરીઝની ગઝલોમાંની પ્રથમદર્શી સરળતા આભાસી છે, જેને ઉર્દૂ અદબમાં સહલે-મુમ્તના કહે છે. અર્થાત્ આસાન શબ્દોમાં ગંભીર વાત. ખૂબ જાણીતી આ ગઝલનો મત્લા જોઈએ. જીવનનું તોફાન નહીં, જીવનભરના તોફાન. દરિયામાં જેમ મોજાંઓની એમ જ જીવનમાં તોફાનોની હારમાળા છે. પણ એકેય તોફાનમાં નાયક એકલો નથી. દરેકમાં કથકને ‘એના’ તરફથી ઈશારો મળતો રહ્યો છે. ને આ ઈશારાના સહારે એ આ તોફાનોને ખાળી રહ્યો છે. ઈશારો વળી સીધો નથી, મોઘમ છે. ચર્મચક્ષુથી નજરે પડે એવો નથી. ખુદામાં અને ખુદાના એના બંદા માટેના પ્યારમાં શ્રદ્ધા હોય તો આ ઈશારો સહારો બનીને તારે તોફાનોમાંથી. આ તોફાનો ગમે ત્યાં ડૂબાડી શકે છે અને ગમે ત્યાં બહાર આણી શકે છે. દરિયામાં ડૂબવા અને બહાર નીકળવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે. પાણી આમ હવાને ડૂબાડી ન શકે, પણ શરીરની બાબતમાં એનું વલણ જરા વિપરિત છે. શરીરમાં હવા હોય તો દરિયો એને ડૂબાડે અને ન હોય ત્યારે તરાવે. કિનારે લાવી મૂકે. મરીઝ કુશળ કવિ છે. એ શું માત્ર જિંદગીના તોફાનો અને શરીરના ડૂબવા ને લાશના તરવાની જ વાતો કરે છે? કે ‘એનો મોઘમ ઈશારો’ કવિના શબ્દ તરફ પણ છે? કવિ જીવે કે મરે, એનો શબ્દ સમયના દરિયામાં કદાચિત્ ગરક પણ થઈ જાય, પરંતુ પ્રાણ હશે તો એ શબ્દ ગમે ત્યારે તરીને કિનારે આવનાર જ છે, જ્યાં સાચા કાવ્યરસિકો પ્રતીક્ષામાં ઊભા જ હશે. વળી, લગાગા લગાગાના આવર્તનો અને કાફિયાનું બેવડાવું દરિયાના મોજાંઓને સાચા અર્થમાં તાદૃશ કરે છે, એ કવિકર્મનો વિશેષ.

Comments (15)

મહોબતમાં….-‘ મરીઝ ‘

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.

અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.

અહીં બે-ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં ?

જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં ?

જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં !

પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.

-‘ મરીઝ ‘

Comments (1)

જીવન-મરણ છે એક – મરીઝ

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

. મરીઝ

મરીઝની બહુ જાણીતી ગઝલ આજે યાદ આવી. આમ તો બધા જ શેર સરસ છે. પણ ગઝલ યાદ આવવાનું કારણ ‘હદથી વધી જઈશ તો …’ એ શેર છે. બિંદુને સુક્ષમતા સાથ અનંતતા પણ મળેલી છે. જે એ સૂક્ષમતા જો ગુમાવી દે તો અનંતતા પણ ગુમાવી દે. પોતાની સીમાની પરખ રાખવી બહુ મોટી વાત છે.

Comments (5)

મરીઝની જન્મશતાબ્દી નિમિત્તે…

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે.

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે.

– ‘મરીઝ’

ગઈકાલે 22 ફેબ્રુઆરીના રોજ મરીઝના જન્મને સો વર્ષ થયા. મરીઝની ગઝલોને સમય ચાળી શક્યો નથી કેમકે મરીઝની ગઝલો સીધી દિલની જબાનમાં લખાયેલી છે. એમની કળા કળા નથી, જીવન બની રહી હોવાથી સર્વોપરી બની રહી છે. મરીઝના કવનનું જમાનાએ કાયમ માટે યાદ રહી જાય એવું ઊંડું મનન કર્યું છે. એમની લાયકાત કેળવેલી નહીં પણ સહજ હતી, માટે જ મરીઝ ગુજરાતના ગાલિબની કક્ષાએ બિરાજે છે… જન્મશતાબ્દી નિમિત્તે કવિને શત શત કોટિ વંદન…

Comments (4)

યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

*
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

Comments (5)

સન્નાટા – મરીઝ

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

-મરીઝ

રીઅલ માસ્ટર !!!! પ્રત્યેક શેર અફલાતૂન !!

Comments (6)

ગગન પણ ઉદાસ છે – મરીઝ

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.

– મરીઝ

Comments (6)

નહીં શકે – મરીઝ

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

– મરીઝ

બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો શેર……..અદભૂત !! સવિશેષ તો ચોથો…..real master !!!!

Comments (2)

થઈ નથી શકતી – મરીઝ

હું ઈચ્છું છું છતાં એવી નિરાશા થઈ નથી શકતી,
મિલન તારું અસંભવ છે, એ શ્રદ્ધા થઈ નથી શકતી.

છે કેવી બદનસીબી એની વ્યાખ્યા થઈ નથી શકતી,
કોઈ સુખ હો જગતનું એની ઇર્ષા થઈ નથી શકતી.

બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો,
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી.

ઘણી રચના છે એવી ભાવ જેમાં કંઈ નથી હોતા !
ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી.

એ જાણું છું છતાં તુજ છાંયમાં રહેવાને ઝંખું છું,
સ્વયં પ્રકાશ છે તું, તારી છાયા થઈ નથી શકતી.

કોઈ નિશ્ચિત વચન ના દે, ગમે ત્યારે મળી લેજે,
સમયના માપથી તારી પ્રતીક્ષા થઈ નથી શકતી.

જે અપનાવે જગતને ત્યાગવૃત્તિ સાથ રાખીને,
પછી એની બરાબર આખી દુનિયા થઈ નથી શકતી.

બધામાં દિલ છે, કિંતુ પ્રેમના ઝરણાં નથી સૌમાં,
બધા પર્વતના ખોળામાં સરિતા થઈ નથી શકતી.

બધાને ઓળખાણો છે, બધાયે પીઠ રાખે છે,
કોઈ એવું નથી કે જેની નિંદા થઈ નથી શકતી.

તમે છો પ્રાણ મારા કોઈને એ કેમ કહેવાયે ?
આ બાબત એટલી અંગત છે ચર્ચા થઈ નથી શકતી.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ તે પ્રતિભા થઈ નથી શકતી.

– મરીઝ

મરીઝસાહેબની લાક્ષણિક છટા સૂર્ય જેવી છે…..બે શેર -ત્રીજો અને નવમો- બહુ ન ગમ્યા, એ સિવાયના બધા જ શેર ડોલાવી જાય છે.

Comments (1)

રહ્યું નહિ – મરીઝ

બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ
જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ

સૌને કહું છું, ધ્યાન તમારું જ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.

મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ

અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ

સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ

મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’,
ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ

-મરીઝ

એક ચોક્કસ હેતુથી આ ગઝલ પોસ્ટ કરી છે….જો શાયરનું નામ ન વાંચીએ તો આટલા સિદ્ધહસ્ત ગઝલકારની આ ગઝલ હોઈ શકે એવું લાગે ખરું ?

Comments (2)

માનજો પ્રેમની એ વાત નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત, હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

પ્રત્યેક શેરની સરળતા જુઓ !!!!!

Comments (7)

સવા-શેર : ૫ : એક વારનું દર્દ – મરીઝ

કાયમ   રહી   જો   જાય  તો પેગંબરી મળે
દિલમાં  જે   એક   દર્દ  કોઈ વાર  હોય છે

– મરીઝ

સામાન્ય માણસ પણ પયગંબરને સમકક્ષ કામ કરતો હોય જ છે. ફરક માત્ર એટલો કે એ કામ લાંબો સમય ટકતું નથી. એક દર્દ માણસને મસિહા બનાવવા પૂરતું હોય છે. તકલીફ માત્ર એટલી છે કે એ દર્દ હંમેશ માટે ટકતું નથી. આપણું કામ એ દર્દને રાતવાસો અને બને તો જનમ-વાસો કરવા સમજાવવાનું છે. એક જણસની જેમ જે દર્દને જીગરમાં સાચવી રાખી શકે એની પયગંબરી પાકી !

– ધવલ

દર્દ એ કવિતાના શરીરનો આત્મા છે. પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. ગાલિબ યાદ આવે: रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई । એ જ ગાલિબ આજ મિજાજની વાત ફરી આ રીતે કરે છે: दर्द का हद से गुजर जाना है दवा हो जाना । પણ દર્દ ટકી જાય તો? રાજકુમાર સિદ્ધાર્થે સંસારની તકલીફો જોઈ. આ તકલીફો એનામાં કાયમી ઘર કરી ગઈ અને એ બુદ્ધ બન્યા. દર્દ ટકાવી રાખીએ ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એ ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત હોવી ઘટે.

– વિવેક

દિલમાં એક દર્દનું કાયમી સ્થાપન દેશ અને સમાજમાં કેવી મહાન ક્રાંતિ સર્જે છે એ સમજવા માટે ગાંધીબાપુથી વધુ ઉમદા ઉદાહરણ બીજું કયું હોઈ શકે!

– ઊર્મિ

અહીં ‘દર્દ’ એટલે all-encompassing compassion – સર્વ ને આવરી લેતી કરુણા -………જડ-ચેતન સઘળું. મને તો મારું સંતાન મારા પાડોશીના સંતાન કરતા વધુ વ્હાલું છે……..આગળ બોલું જ શું !!!!!

– તીર્થેશ

Comments (8)

ગઝલ – મરીઝ

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.

હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.

તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.

કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?

‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

-મરીઝ

મરીઝની ગઝલને વળી ટિપ્પણીની શી જરૂર? શીઘ્રાતિશીઘ્ર સમજી જવાય અને તોય જન્મારો ઓછો પડે એ વિરોધાભાસ જ એમની કલમનો સાચો શણગાર છે.

કોઈ ‘તબીબ’ ઉપનામ ધરાવતા શાયરને શરાબના પૈસા સાટે એ ગઝલો લખી આપતા હતા એ વાત અહીં કેવી વક્રોક્તિ બનીને રજૂ થઈ છે !

Comments (10)

નહીં રહે – મરીઝ

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.

નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.

બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.

એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.

ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.

એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.

-મરીઝ

Comments (6)

નવી કિતાબ – મરીઝ

કહું છું સાકીને જયારે મને શરાબ તો દે,
કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે.

અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,
તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.

મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે.

કુરાન,ગીતા,અવેસ્તા, હવે જવા દે વાત,
હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.

જરાક તારી આ દુનિયામાંથી ખોવાઈ શકું,
ભલે ન ઊંઘ મને આપ, થોડાં ખ્વાબ તો દે.

અનંત ઊંઘ છે, પથ્થરના મારથી શું થશે ?
જનાજો જાય છે મારો જો હો, ગુલાબ તો દે.

-મરીઝ

[ રબાબ = એક જાતનું તંતુ વાદ્ય; એક દોરીનું કે એક્તારવાળું વિશિષ્ટ વાદ્ય; સારંગી ]

ચોથા શેર ઉપર ખાસ ધ્યાન દોરવા માગું છું – શાયરે કદાચ પોતાની રીતે આ શેર કહ્યો હશે પરંતુ તેને વક્રોક્તિ મુજબ મૂલવતા એક રસપ્રદ અર્થ સામે આવે છે – માનવીને સત્યની ખોજ નથી , ખોજ છે નિતનવા stimulus ની . જે . કૃષ્ણમૂર્તિએ તેઓના સુદીર્ઘ જીવનના અંતભાગે એક પ્રશ્નનો ઉત્તર આ રીતે આપેલો –

પ્રશ્ન- તમે 65 વર્ષ વિશ્વ સાથે આપના દ્રષ્ટિકોણ share કર્યાં . આ તબક્કે તમે તમારા પ્રયાસને કઈ રીતે મૂલવો છો ? તમને કેટલી સફળતા મળી તમારી વાત લોકોની અંદર ઉતારવામાં ?

ઉત્તર- શૂન્ય . લોકોએ મને સાંભળ્યો, વારંવાર સાંભળ્યો, અને પછી તરત જ બધી વાતો ભૂલી ગયા . તેઓ માટે મારું મૂલ્ય એક entertainer થી વિશેષ કશું જ નથી . મારા પછી કોઈ બીજા પાસે જશે પોતાના entertainment માટે . તેના પછી કોઈ ત્રીજા પાસે…..

Comments (12)

ગઝલ – મરીઝ

મારું જીવન, જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
તારો અનંત કાળ છે, મારી તો એક ક્ષણ નહીં.

સ્પર્શ વિના મજા મળે એની મીઠાશ ઔર છે,
કુદરત તરફથી જે મળે તેવા જખમને ખણ નહીં.

તારી નજરની ભૂલથી તું તો ઠગાઈ જાય છે,
જોશે તો તારા લાખ જણ સમજે તો એક પણ નહીં.

મનદુઃખ તો થાય છે અહીં કિંતુ જરાક હદ રહે,
ઓળંગી જે શકે નહીં એવી દીવાલ ચણ નહીં.

પોતાનો એક પ્રવાહ હો, પોતાનું એક વહેણ હો,
જેમાં ન ખુદની હો ગતિ, મૃગજળ છે એ ઝરણ નહીં.

આ તો શરૂનું દર્દ છે મૃત્યુની ઝંખના ન કર,
હમણાં તો શ્રીગણેશ કર, હમણાંથી શ્રીચરણ નહીં.

સંત એ ક્યાં ગયા ‘મરીઝ’, ક્યાં એ ફકીર ગુમ થયા ?
ઢાંકણ બીજાનું રાખતા, પોતાનું આવરણ નહીં.

-મરીઝ

Comments (6)

ગઝલ-મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

– મરીઝ

ત્રીજા શેરમાં કોઈક મુદ્રણ-ક્ષતિ હોઈ શકે. પુસ્તકમાં જેમ છે તેમ જ અહીં પ્રસ્તુત કર્યું છે.

Comments (8)

ગઝલ – મરીઝ

હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
સિકંદરના જનાઝામાંથી નીકળ્યા હાથ ખાલી છે.

ભલા વિશ્વાસ શું બેસે બહુ ખંધુ હસે છે એ,
વચન આપી રહ્યા છે એમ, જાણે હાથતાલી છે.

તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.

સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે,
ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે ?

તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.

તમારા પ્રેમના સોગન, મદિરા મેં નથી પીધી,
વિરહમાં જાગરણના કારણે આંખોમાં લાલી છે.

મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
‘મરીઝ’ એ કારણે આખું જીવન મારું ખયાલી છે.

– મરીઝ

Comments (12)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ન શક્યો – મરીઝ

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.

સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.

Psychology ની દ્રષ્ટિએ રસપ્રદ ગઝલ છે. મક્તાને બાદ કરતા તમામ શેરમાં એક સમાન ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે- શું કરવાની જરૂર છે તે શાયર જાણે છે, ક્યાંક શરૂઆત પણ કરે છે, પરંતુ કંઈક ઉણપ છે…..મંઝિલને પામી નથી શકતો. શું પ્રિયતમાના સાથનો અભાવ કારણભૂત છે (….કે પછી પ્રિયતમાનો સાથ કારણભૂત છે ?!) ? ચોથા શેરમાં એક શાયર એક ઈંગિત કરે છે. Desire > Effort > Success > Fulfillment > More desires … તેમજ Desire > Effort (or lack of it) > Failure > Frustration > Inertia  … – આ વિષચક્રમાંથી ભાગ્યે જ કોઈ છૂટી શક્યું છે.

Comments (7)

ગઝલ – મરીઝ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

– મરીઝ

મરીઝને ગયાને જમાનો થયો પણ એની ગઝલો આજે પણ સર્વોત્કૃષ્ટ અને સહુથી વધારે વંચાતી ગઝલો છે. સરળ દિલ અને સાફ બયાનીમાં લખાયેલી આ ગઝલો આપણા સાહિત્યની અમૂલ્ય જણસ છે…

Comments (19)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

જ્યાં તારું ઘર નથી – મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

મક્તામાં નામ ન હોય તો પણ પહેલા શેર થી જ ખબર પડી જાય કે આ મરીઝ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. ‘પાગલપણું આ…’ શેર મને શિરમોર સમાન લાગ્યો – કોઈકે મજનુંને પૂછેલું, ‘તું આ નુક્કડ પર શું કરે છે ? અહી લૈલાનું ઘર નથી.’ મજનું કહે, ‘મને દરેક જગ્યાએ લૈલા સિવાય કશું જ નથી દેખાતું તેથી જે ઘર ઉપર મારી નજર પડે તે લૈલા નું ઘર બની જાય છે !’ બીજો શેર પણ સુંદર છે – જાણીતી વાત સરસ અંદાઝમાં કહેવાઈ છે.

Comments (14)

સમજે છે – મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

– મરીઝ

છેલ્લો શેર તો આપણે બધાએ સાંભળેલો છે અને આપણા યાદગાર શેરમાંથી એક છે. પ્રેમીઓની સાઈકોલોજીને સરળ શબ્દોમાં બયાન કરવાની મરીઝની હથોટી બીજા શેરમાં દેખાઈ આવે છે. ત્રીજા શેરમાં કવિ મઝાનો વ્યંગ કરી લે છે – જ્યાં મદિરા હલાલ ગણવી પડે એવું તે કેવું સ્વર્ગમાં દુ:ખ હશે ?

Comments (17)

શોધે છે – મરીઝ

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.

– મરીઝ

Comments (6)

આપણી યાદગાર ગઝલો : ૦૬ : આવ્યો ન ખુદા યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ
(1917 – 1983) 

સ્વર: મન્ના ડે

[audio:http://tahuko.com/gaagar/layastaro/Mariz-Raheshe aa mane mari.mp3]

મરીઝની ઓછામાં ઓછી પાંચ ગઝલો આ યાદીમાં લઈ શકાય એવી છે. મરીઝે પોતાના ‘ગળતા જામ’ જેવા જીવનને હંમેશા ગઝલથી છલકતું રાખ્યું. ગઝલની ગુણવત્તામાં એમની સરખામણી હંમેશા ગાલિબ સાથે થાય છે. અને ગાલિબનો એમની રચનાઓ પર પ્રભાવ પણ દેખાઈ જ આવે છે. જીવનના કડવા સત્યોને બે લીટીમાં બયાન કરી દેવાની એમને ઈશ્વરી દેન હતી. એમને ગુજરાતી ગઝલના શ્રેષ્ઠ ગઝલકાર કહેવામા કોઈ અતિશયોક્તિ નથી.

Comments (7)

ઉતાવળ સવાલમાં – મરીઝ

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– મરીઝ

પરંપરાગત વિષય પરની આ ગઝલમાં પણ મરીઝે યાદગાર શેર ઘડી દીધા છે. મરીઝ પ્રેમની સાઈકોલોજીને બખૂબી સમજે છે. એટલે જ લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં જેવો શેર રચી શકે છે. જો કે ગઝલનો સૌથી યાદગાર શેર છેલ્લો શેર છે. રોજબરોજની વાતમાં આ શેર ઘણી વાત વપરાયા કરે છે. શેર અનાયાસ જ કહેવતની જેમ વાતવાતમાં વપરાઈ જાય એનાથી વધારે કવિની કાબેલિયતનો પૂરાવો શું હોઈ શકે ?

Comments (12)

તું અને હું – મરીઝ

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.

એક તુ કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

– મરીઝ

એક મરીઝ જ પોતાની જાત પર વ્યંગ કરી શકે કે ‘એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું’ !

Comments (7)

ગઝલ – મરીઝ

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા  મને  એકીટશે  જોઈ  રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં  શું  જુએ  છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં  પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ   તરફ  મારી  કમર સહેજ ઝૂકી છે.

સૌ  પાકા  ગુનેગાર  સુખી  છે,  હું દુ:ખી છું,
શું  મારા   ગુનાહોમાં   કોઈ   ચૂક થઈ છે ?

અલ્લાહ   મને  આપ  ફકીરીની  એ  હાલત,
કે  કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

– મરીઝ

મરીઝની ગઝલને વળી સમજાવવી પડે ? સાદા શબ્દોમાં મરીઝ કેટલી બારીક વાત વણે છે એનું આ ઉદાહરણ છે. જાત તરફ કટાક્ષ કરતા કરતા મરીઝ બહુ ઊંચી વાત કહી દે છે. શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?  મારો પ્રિય શેર છે.

(સજદા=પ્રાર્થના)

Comments (6)

બની જશે – મરીઝ

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

– મરીઝ

શેર એટલા સરળ છે કે સમજાવવા પડે જ નહીં. ચાર શેરમાં વામન-મરીઝ કેટલું લાંબું અંતર માપી લે છે એ જોવા જેવું છે. આજનો દિવસ તો આ ચાર શેર મમળાવવામાં જ જશે !

Comments (5)

મુક્તક – મરીઝ

દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.

– મરીઝ

(તદબીર=પેરવી, ઉકેલ)

Comments (2)

નાખી છે – મરીઝ

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

– મરીઝ

Comments (1)

મુક્તક – મરીઝ

બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.

 – મરીઝ 

Comments (1)

દિલ વિના લાખો મળે – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

મરીઝ

ગુજરાતના ગાલીબ ગણાતા આ મહાન શાયરની આ રચનાની છેલ્લી કડી બહુ જ જાણીતી છે.

Comments (8)

ગઝલ – મરીઝ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

-મરીઝ

કહેવાય છે કે એક ગઝલમાં એકાદ શેર પણ યાદગાર હોય તો કવિકર્મ સાર્થક થયું. પણ મરીઝની ગઝલ વાંચો તો સાવ ઊલટો જ અનુભવ થાય છે. આ એક ગઝલમાં યાદગાર ન હોય એવા કદાચ એકપણ શેર નથી અને આ જ મરીઝની લાક્ષણિક્તા છે જે એમને ગુજરાતી ગઝલની ચોટી પર મૂકે છે. જીવનની અલગ-અલગ પરિસ્થિતિમાં આ ગઝલ અલગ-અલગ સમયે વાંચો તો દરવખતે એકના એક શેર નવા ભાવવિશ્વ સાથે ઉઘડતા ન જણાય તો જ નવાઈ. મરીઝની જાણીતી ગઝલો લયસ્તરો પર નથી એવી ટકોર થોડા સમય પહેલાં ડૉ. ભાર્ગવે કરી ત્યારે પાછા ફરીને જોવાનું થયું અને વાત સાચી લાગી એટલે હવેથી ગુજરાતી ભાષાની લાડકી કવિતાઓ જે આ ખજાનામાં નથી એ ક્રમશઃ લઈને આવવાની નેમ છે.

Comments (11)

કહેતા નથી – મરીઝ

આ  મહોબ્બત છે  કે  છે એની  દયા  કહેતા નથી
એક   મુદ્દત થઈ  કે  તેઓ હા  કે  ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ  વિના  લાખો મળે  એને  સભા કહેતા નથી !

-‘મરીઝ’

Comments (4)

શબ્દોત્સવ – ૭: મુક્તક – મરીઝ

પાણીમાં   હરીફોની   હરીફાઈ   ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.

*

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું  છે  એ કે  છે  જનમ  કે  અવતાર;
મયખાનામાં  યે  સાચા  શરાબી  છે જૂજ,
મસ્જિદમાં  યે  છે  સાચાં નમાઝી બે-ચાર.

*

શ્રદ્ધાથી   બધો    ધર્મ વખોડું  છું હું,
હાથે  કરી  તકદીરને   તોડું  છું  હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

Comments (4)

ગળતું જામ છે – ‘મરીઝ’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

Comments (12)

નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખુદના બંધનનો,
બહારનો કોઈ ચોકિયાત નથી.

તેથી તો પુનર્જન્મમાં માનું છું
આ વખતની હયાત-હયાત નથી.

કયાંથી દર્શન હો આખા માનવનું,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઈને ડૂબું છું.
આ ફ્કત મારો આપધાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું
હજી હમણાં તો કંઈ જ વાત નથી

ભેદ મારા છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

Comments (1)

ગઝલ – મરીઝ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

‘ગુજરાતના ગાલિબ’ લેખાતાં મરીઝની આજે જન્મતિથિ છે. મારાં જ શહેર સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩. કાવ્યસંગ્રહ: ‘આગમન’, ‘નક્શા’.

Comments (23)

યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

સંપૂર્ણ ગઝલ, વિવેકે મોકલ્યા મુજબ. ( જુઓ કોમેન્ટ્સ)

Comments (13)