એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

(આહ, આહ, આહ) – મરીઝ

પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ,
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ.

તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી,
દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ.

ઊલટી અસર થઈ તારા ઠંડા જવાબની,
સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ, દાહ, દાહ.

તસવીર છો તમે મારા સારા નસીબની,
તેથી મને મળો છો તમે ગાહ, ગાહ, ગાહ.

બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.

ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.

– મરીઝ

મરીઝ પરંપરાના શાયર હતા. એમની ગઝલોમાં પ્રયોગો જૂજ જ જોવા મળે છે પણ આ ગઝલ જુઓ… આ હમરદીફ હમકાફિયા ગઝલમાં એમણે ચુસ્ત કાફિયા રાખવા ઉપરાંત કાફિયાને ત્રેવડાવીને પોતે જે કહેવું છે એ વાતને કેવો મજાનો વળ ચડાવ્યો છે! કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.

6 Comments »

  1. Pravin Shah said,

    October 30, 2020 @ 6:22 AM

    હુ તો બસ એટલુ કહેવાનો
    વાહ વાહ વાહ !

  2. pragnajuvyas said,

    October 30, 2020 @ 11:19 AM

    મરીઝની ગઝલ માટે કહેવાય છે
    જેમની ગઝલો આપણા સહુના દીલોની લાગણીઓનો અરીસો છે, તે મરીઝ…
    જેમની ગઝલો સાંભળતા “વાહ” નહી પણ આપોઆપ “આહ” નીકળી જાય એ છે મરીઝ…
    અને આ ગઝલ જેના આસ્વાદમા ડૉ વિવેક કહે છે તે પ્રમાણે ‘ કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.’
    અને અમને મજા મજા મજા કરાવે છે

  3. Neha said,

    October 30, 2020 @ 10:02 PM

    Waah mariz
    Abhar layastaro..

  4. Harihar Shukla said,

    October 31, 2020 @ 9:44 PM

    સરસ ગઝલ 👌
    અહીં કાફિયા બેવડાવવાની જગાએ ત્રેવડાવ્યા છે, જે કદાચ ગઝલને વધુ ઓપ આપે છે કે કદાચ થોડી અસહજાતા અર્પે છે.👍

  5. Kajal kanjiya said,

    November 1, 2020 @ 3:22 AM

    કંઈ ના ઘટે…વાહ વાહ વાહ

  6. Anil shah said,

    October 8, 2022 @ 5:09 PM

    માનવા જેવી સુદરુ ગઝલ વાહ વાહ વાહ,
    શબ્દો ને એના પ્રયોગ કેવા,હાહા હાહા,હાહા,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment