ગઝલ – મરીઝ
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
-મરીઝ
કહેવાય છે કે એક ગઝલમાં એકાદ શેર પણ યાદગાર હોય તો કવિકર્મ સાર્થક થયું. પણ મરીઝની ગઝલ વાંચો તો સાવ ઊલટો જ અનુભવ થાય છે. આ એક ગઝલમાં યાદગાર ન હોય એવા કદાચ એકપણ શેર નથી અને આ જ મરીઝની લાક્ષણિક્તા છે જે એમને ગુજરાતી ગઝલની ચોટી પર મૂકે છે. જીવનની અલગ-અલગ પરિસ્થિતિમાં આ ગઝલ અલગ-અલગ સમયે વાંચો તો દરવખતે એકના એક શેર નવા ભાવવિશ્વ સાથે ઉઘડતા ન જણાય તો જ નવાઈ. મરીઝની જાણીતી ગઝલો લયસ્તરો પર નથી એવી ટકોર થોડા સમય પહેલાં ડૉ. ભાર્ગવે કરી ત્યારે પાછા ફરીને જોવાનું થયું અને વાત સાચી લાગી એટલે હવેથી ગુજરાતી ભાષાની લાડકી કવિતાઓ જે આ ખજાનામાં નથી એ ક્રમશઃ લઈને આવવાની નેમ છે.
ધવલ said,
March 18, 2007 @ 10:39 AM
મરીઝ એટલે… મરીઝ એટલે…. મરીઝ !
Darshit said,
March 19, 2007 @ 8:13 AM
કેવી ઉત્કૃષ્ટ ભાવના—
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
અને ગઝલ નો અંત—
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
આવી શરુઆત અનેઈ વો જ ચોટદાર અંત તો મરીઝ જ આપી શકે.
Darshit
Harshad Jangla said,
March 19, 2007 @ 1:38 PM
સુંદર ગઝલ
UrmiSaagar said,
March 20, 2007 @ 12:52 PM
મરીઝ એટલે… મરીઝ એટલે…. મરીઝ !
(આ ગઝલ વિશે મારે કંઇ કહેવું એટલે નાના મોઁ એ મોટી વાત કરવા જેવું લાગે… અને એટલે જ ધવલભાઇની કોમેન્ટની ચોરી કરી છે! 🙂 )
પૂર્વી said,
March 21, 2007 @ 1:15 PM
જેટલી સુંદર શબ્દ્દ રચના છે એટલી જ સુંદર સ્વર બદ્ધ થઇ છે, પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
જો આ સમજમાં આવી જાય તો દુનિયાના ઘણા દુખો દૂર થઈ જાય. મને આ હંમેશા યાદ રહે!!!
pravina Avinash Kadakia said,
March 21, 2007 @ 3:05 PM
બસ આ જિંદગી ના દિયા માં તેલ ખૂટવા આવે ત્યારે
હે પ્રભુ હિચકીચાયા વગર મારા હાથમાં તરો હાથ દે
Wafa said,
March 21, 2007 @ 9:29 PM
માંગ્યો.
જઈ બાગ પાંસે તેં ખાર માંગ્યો
દિવસની હથેળીમાં અંધાર માગ્યો.
મરીઝ્’પણ કેવો સરળછે ‘વફા’ જો,
ખુદા પાંસ પણ માલ ઉધાર માંગ્યો.
_મોહમ્મદઅલી’વફા’
પુરી ગઝલ વાંચવા માટે કલીક કરો
http:// arzewafa.wordpress.com/
માગ્યો_મોહમ્મદઅલી’વફા’ « બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا said,
March 21, 2007 @ 10:28 PM
[…] https://layastaro.com/?p=690 […]
Pratik said,
August 30, 2008 @ 3:27 AM
મરીઝ્ તો મરિઝૂ છે જ પણ એની સરળતા ને બિદરવનાર “વફા” ને પણ સલામ.
Just 4 You said,
July 29, 2009 @ 6:23 AM
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.
NICE ONE…
jaldhi said,
September 26, 2016 @ 2:13 AM
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.
One of My Favorite Line…Vaah Mariz…