તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

નવી કિતાબ – મરીઝ

કહું છું સાકીને જયારે મને શરાબ તો દે,
કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે.

અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,
તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.

મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે.

કુરાન,ગીતા,અવેસ્તા, હવે જવા દે વાત,
હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.

જરાક તારી આ દુનિયામાંથી ખોવાઈ શકું,
ભલે ન ઊંઘ મને આપ, થોડાં ખ્વાબ તો દે.

અનંત ઊંઘ છે, પથ્થરના મારથી શું થશે ?
જનાજો જાય છે મારો જો હો, ગુલાબ તો દે.

-મરીઝ

[ રબાબ = એક જાતનું તંતુ વાદ્ય; એક દોરીનું કે એક્તારવાળું વિશિષ્ટ વાદ્ય; સારંગી ]

ચોથા શેર ઉપર ખાસ ધ્યાન દોરવા માગું છું – શાયરે કદાચ પોતાની રીતે આ શેર કહ્યો હશે પરંતુ તેને વક્રોક્તિ મુજબ મૂલવતા એક રસપ્રદ અર્થ સામે આવે છે – માનવીને સત્યની ખોજ નથી , ખોજ છે નિતનવા stimulus ની . જે . કૃષ્ણમૂર્તિએ તેઓના સુદીર્ઘ જીવનના અંતભાગે એક પ્રશ્નનો ઉત્તર આ રીતે આપેલો –

પ્રશ્ન- તમે 65 વર્ષ વિશ્વ સાથે આપના દ્રષ્ટિકોણ share કર્યાં . આ તબક્કે તમે તમારા પ્રયાસને કઈ રીતે મૂલવો છો ? તમને કેટલી સફળતા મળી તમારી વાત લોકોની અંદર ઉતારવામાં ?

ઉત્તર- શૂન્ય . લોકોએ મને સાંભળ્યો, વારંવાર સાંભળ્યો, અને પછી તરત જ બધી વાતો ભૂલી ગયા . તેઓ માટે મારું મૂલ્ય એક entertainer થી વિશેષ કશું જ નથી . મારા પછી કોઈ બીજા પાસે જશે પોતાના entertainment માટે . તેના પછી કોઈ ત્રીજા પાસે…..

12 Comments »

  1. વિવેક said,

    February 11, 2013 @ 1:30 AM

    સુંદર ગઝલ… કૃષ્ણમૂર્તિવાળો પ્રસંગ પણ આસ્વાદ્ય અને મનનીય…

  2. vijay joshi said,

    February 11, 2013 @ 8:47 AM

    याद आया एक जगजीत सिंह का गया हुआ एक शेर….

    आज पिने दे और पिने दे
    कल करेंगे हिसाब ए साकी!

  3. હેમંત પુણેકર said,

    February 11, 2013 @ 9:46 AM

    સુંદર ગઝલ! ચોથા શેરનું અર્થઘટન પણ રસપ્રદ! એક ગઝલ પર કામ કરું છું એનો મત્લા એ જ વિષય પર છે તે યાદ આવી ગયોઃ

    મને સત્યની છે તલબ હવે, હું કોઈ કિતાબનું શું કરું?
    કે હવાલો દે મને હોશનો કહો એ શરાબનું શું કરું?

    પણ આ ગઝલમાં નવાઈ એ વાતની લાગી કે બે પંક્તિઓમાં (બીજા અને પાંચમા શેરની પહેલી પંક્તિઓમાં) છંદ તૂટે છે. આજ સુધી મરીઝ સાહેબની એકેય ગઝલમાં આવું જોયું નથી. તીર્થેશભાઈ, આપનું ટાઇપિંગ મોટેભાગે ક્ષતિરહિત હોય છે તેમ છતાં એક વાર જોઈ જશો.

  4. perpoto said,

    February 11, 2013 @ 10:50 AM

    જે.કૃષ્ણમૂર્તિ હંમેશા કહેતા,હું કથાકાર નથી,તમારી જાતમાં ઝાંકો,અને પુર્ણ સત્યતાથી શોધ કરો.
    સત્ય એટલું સેહલાઇથી પ્રાપ્ત થતું હોત ,તો માનવ જગત આટલા વિષાદમાં ખુંપ્યો ન હોત.

  5. vijay joshi said,

    February 11, 2013 @ 11:02 AM

    All these lofty ideals and thoughts from Krishamurti and others like him will only be justified if only the world at large was to live by it. Most of us read or listen to these great thinkers, give a lot of lip service, analyse it, dissect it and then go home and forget all about it and go about their lives the same way they always had.

  6. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    February 11, 2013 @ 11:22 AM

    આજે દરરોજનો ક્રમ ઉલટાવવાની જરૂર લાગી ! પહેલા બધાની ટીપ્પણી જાણો અને માણો ! અસલી ગઝલ પણ માણવા જેવી છે પણ …
    કુરાન,ગીતા,અવેસ્તા, હવે જવા દે વાત,
    હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.
    અને याद आया एक जगजीत सिंह का गया हुआ एक शेर….
    आज पिने दे और पिने दे
    कल करेंगे हिसाब ए साकी!
    બસ !ઘણી વાર મનમાં થાય કે, આજ બસ બદ્ધાને સાંભળું,સમજું ! બીજાને સાંભળવાથી-સમજવાથી બીજું કંઇ નહીં સારૂં લાગે તે તન-મનની તંદુરસ્તી માટે સારું છે

  7. pragnaju said,

    February 11, 2013 @ 1:17 PM

    સુંદર

  8. Maheshchandra Naik said,

    February 12, 2013 @ 1:15 AM

    સરસ ગઝલ…………

  9. tirthesh said,

    February 12, 2013 @ 1:56 AM

    હેમંતભાઈ, મેં બરાબર ચેક કર્યું-પુસ્તક માં આ પ્રમાણે જ પ્રિન્ટ થયું છે . મેં આ ગઝલ ‘છીપનો ચહેરો ગઝલ’ માંથી લીધી છે . ‘સમગ્ર મરીઝ’ માં આ ગઝલ પૃષ્ઠ 274 પર છે જેમાં 3-4 વધુ શેર છે .

  10. હેમંત પુણેકર said,

    February 13, 2013 @ 1:03 AM

    ફરીથી ચકાસી લેવા બદલ ધન્યવાદ તીર્થેશભાઈ!

  11. સ્મિત પાઠક said,

    June 14, 2017 @ 8:54 AM

    મેં જે આવૃત્તિ મે,2017 ની વાંચી છે, એમ કંઈક આવું છે…

    “કુરાન, ગીતા-અવસ્થા હવે જવા દે વાત,
    હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.”

  12. વિવેક said,

    June 15, 2017 @ 3:30 AM

    @ સ્મિત પાઠકઃ

    અવેસ્તા શબ્દ જ બરાબર છે… અવેસ્તા એટલે પારસીઓનું મૂળ ધર્મપુસ્તક.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment