…….ન દે – મરીઝ
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.
મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.
એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું “મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
– મરીઝ
સદીએ માંડ એક મરીઝ પાકે !! મત્લો, મક્તો અને પાંચમો શેર તો સુવિખ્યાત છે જ પણ બાકીના પણ કમ નથી. “આનંદ કેટલો છે બધી જૂની યાદમાં….” – આ શેર જરા મમળાવીએ તો કેવો સરસ ખુલે છે ! માનવીના મનની ગહેરાઈ છતી કરે છે, અંતહીન અપેક્ષાઓની હિન્ટ આપે છે.
ઘણીવાર એવું લાગે કે જેમ રસોઈમાં નમક છે તેમ કવિકર્મમાં જગતનું તલસ્પર્શી દર્શન છે. દર્શનના ઊંડાણ વગર કવિકર્મ અધૂરું છે અને દર્શન જો સ્પષ્ટ હો તો કવિકર્મ [ છંદ ઇત્યાદિ ] optional છે.
pragnajuvyas said,
February 23, 2021 @ 3:48 PM
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
વાહ!!!
અબ્બાસ અલીમાંથી ગુજરાતી ગઝલને ‘મરીઝ’રૂપી કોહિનૂર સાંપડ્યો.
એ શાયર જેણે પોતાના અફલાતૂન સર્જનથી ગુજરાતી ગઝલની બંજરભૂમિને રળિયાત કરી દીધી
Anil shah said,
October 8, 2022 @ 5:04 PM
ન મળવાનું કારણ બોલવા ના દે,
ને કહેવું હોય તો કંઈ કહેવા ના દે,
…….
મરીઝની શ્રેષ્ઠ ગઝલો માંની એક…….
Anil shah said,
October 8, 2022 @ 5:05 PM
ન મળવાનું કારણ બોલવા ના દે,
ને કહેવું હોય તો કંઈ કહેવા ના દે,
…….
મરીઝની શ્રેષ્ઠ ગઝલો માંની એક…….