દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
કાલિન્દી પરીખ

સવા-શેર : ૫ : એક વારનું દર્દ – મરીઝ

કાયમ   રહી   જો   જાય  તો પેગંબરી મળે
દિલમાં  જે   એક   દર્દ  કોઈ વાર  હોય છે

– મરીઝ

સામાન્ય માણસ પણ પયગંબરને સમકક્ષ કામ કરતો હોય જ છે. ફરક માત્ર એટલો કે એ કામ લાંબો સમય ટકતું નથી. એક દર્દ માણસને મસિહા બનાવવા પૂરતું હોય છે. તકલીફ માત્ર એટલી છે કે એ દર્દ હંમેશ માટે ટકતું નથી. આપણું કામ એ દર્દને રાતવાસો અને બને તો જનમ-વાસો કરવા સમજાવવાનું છે. એક જણસની જેમ જે દર્દને જીગરમાં સાચવી રાખી શકે એની પયગંબરી પાકી !

– ધવલ

દર્દ એ કવિતાના શરીરનો આત્મા છે. પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. ગાલિબ યાદ આવે: रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई । એ જ ગાલિબ આજ મિજાજની વાત ફરી આ રીતે કરે છે: दर्द का हद से गुजर जाना है दवा हो जाना । પણ દર્દ ટકી જાય તો? રાજકુમાર સિદ્ધાર્થે સંસારની તકલીફો જોઈ. આ તકલીફો એનામાં કાયમી ઘર કરી ગઈ અને એ બુદ્ધ બન્યા. દર્દ ટકાવી રાખીએ ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એ ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત હોવી ઘટે.

– વિવેક

દિલમાં એક દર્દનું કાયમી સ્થાપન દેશ અને સમાજમાં કેવી મહાન ક્રાંતિ સર્જે છે એ સમજવા માટે ગાંધીબાપુથી વધુ ઉમદા ઉદાહરણ બીજું કયું હોઈ શકે!

– ઊર્મિ

અહીં ‘દર્દ’ એટલે all-encompassing compassion – સર્વ ને આવરી લેતી કરુણા -………જડ-ચેતન સઘળું. મને તો મારું સંતાન મારા પાડોશીના સંતાન કરતા વધુ વ્હાલું છે……..આગળ બોલું જ શું !!!!!

– તીર્થેશ

8 Comments »

  1. perpoto said,

    December 10, 2013 @ 8:21 AM

    તીર્થેશભાઇની વ્યાખ્યા વધુ સર્વવ્યાપી પણ વારંવાર એમ જણાય છે કે અનુભવને,શબ્દમાં ઢાળવાં
    જતાં,અનુભવ ઢોળાય જાય છે…
    વિવેકભાઈ -સિધ્ધાર્થ,બુધ્ધ થાય છે કે મહાવીર?

    મારાં છતાંયે
    ક્યાં લગણ સાચવું
    દર્દ પરાયાં

    મરીઝસાહેબને અર્પણ

  2. વિવેક said,

    December 10, 2013 @ 9:22 AM

    @ પરપોટો:

    ભૂલ સુધારી લીધી છે… આભાર !

  3. Girish Parikh said,

    December 10, 2013 @ 9:36 AM

    http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટઃ
    ‘લયસ્તરો’ની અમર ટીમ
    ઊર્મિ
    વિવેક
    ધવલ
    તીર્થેશ.

  4. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    December 10, 2013 @ 10:34 AM

    દર્દનું છેજ એવું ખીંટી જેવું, હેંગર જેવું,સૌની જરુરીયાત જેવું- પ્રદર્શનીય ચીજ જેવું! અને છેવટે સૌની સહાનુભૂતી એકત્ર કરવા જેવું! દર્દ ની તીવ્રતા કે હદ જેવું સાંભળ્યું છે, હોય કે કેમ ખબર નથી પરંતુ દર્દ નું મહત્વ વ્યક્તિ વ્યક્તિએ અલગ હોઈ શકે! દર્દ ની શારિરીક અવસ્થા તે શારિરીક ગેરવ્યવસ્થાની ફલશ્રૃતિ હોય તો કોઈ ક્ષેત્રે નિષ્ફળતા ને માનસિક ગેરવ્યવસ્થા કે અણઆવડત ને જવાબદાર કેમ ન ગણાય?!ઘણી વખત “ગાલિબ” કહે છે તેમ ” दर्द का हद से गुजर जाना है दवा हो जाना ।” એટલે કહો ને આદત જેવું થઈ પડે છે!એક વધુ સારું ઉદાહરણ; એક બહેન ને હાથની આંગળી માં ફાંસ લાગી, ઘણી વાર સુધી પંપાળતા અને સૌને બતાવતા રહ્યા,તેમના સાસુ ને પણ બતાવ્યું,આંગળી જોતાં જોતાં તેના પગ ..પગ માર્યો.. વૉય માડી.. વહૂ ની ચીસ નીકળી ગઈ અને પગ પકડી ને બેસી ગઈ! લ્યો ત્યારે વધુ મહત્વનું અને વધુ તીવ્રતા વાળું દર્દ જુના દર્દ ને ક્ષન ભર ભૂલાવી ગયું ને? દર્દ નું આવું છે! રોગ કે દર્દ ને બહુ પંપાળવું નહીં કંઈજ કયમી નથી આ દુનિયામાં.-

  5. ધવલ said,

    December 10, 2013 @ 12:04 PM

    સરસ વાત, ભૂપેન્દ્રભાઈ.

    અહીં હું ‘દર્દ’ને ‘દુઃખ’ના અર્થમાં લેવાને બદલએ ‘અણખટ’ જેવા અર્થમાં લઉં છું. એક અણખટ જેના પર મોતી બનાવી શકાય.

  6. perpoto said,

    December 10, 2013 @ 1:33 PM

    ધવલભાઈની વાત પ્રમાણે-હાયકુમાં

    દર્દ એટલે
    અનકટ પત્થર
    ઝીલવા પાસા

  7. ધવલ said,

    December 10, 2013 @ 3:04 PM

    મઝાનું હાઈકુ !

  8. Sharad Shah said,

    April 17, 2020 @ 2:29 AM

    દિલનુ દર્દ તો એકજ છે જે પરમ પ્યારા (પરમાત્મા) ના વિરહનુ છે. જે મીંરા ગાઇને કહે,” મૈં તો દર્દ દિવાની, મેરો દર્દ ન જાને કોઇ.”. બાકી દેહના સ્તરે જે દર્દ છે તેનુ નિવારણ તો કોઇ વૈદ હકીમ કરી પણ દે. પણ દિલનુ, વિરહનુ દર્દ તો પરમાત્મા માં આપણા અહમનુ વિસર્જન ન થાય ત્યાં સુધી દુર નથી થતું. આ એક જ બહુમુલ્ય દર્દ છે, જેને વધુને વધુ સઘન કરો. જેમ જેમ સઘન થશે પીડા તેમ તેમ એ પરમ પ્યારાની નિકટતા વધશે. અને એક દિવસે ઓગળી જતા સ્વયં પૈગંબર બની જવાશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment