હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

નથી…… – મરીઝ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતા રહ્યાં સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

– મરીઝ

1917 ની 22 ફેબ્રુઆરી મરીઝસાહેબનો જન્મદિન….

ત્રીજો શેર જુઓ –

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

હું તો આ શેર પર જ જાણે અટકી ગયો છું…. શું સરળ વાણી અને કેવી ઊંડી વાત !! તું જીતતી હોય તો હાર શું ચીજ છે ! પણ આમ તો તારી જીત પણ નથી….. લાજવાબ !!

 

છેલ્લેથી બીજો શેર – જગતના દર્દ અને દુખને….. – આ શેરની ઊંચાઈ પણ જબરદસ્ત !

4 Comments »

  1. pragnajuvyas said,

    February 22, 2022 @ 9:12 PM

    ખૂબ જાણીતા ગઝલકાર, ગુજરાતના ગાલિબ “મરીઝ” સાહેબનો જન્મદિવસ, તેમની રચના માણીએ અને તેમને સ્મરણાંજલિ આપીયે.
    જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
    કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.
    અદભુત
    શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં માર્મિક વાત કહી જાય છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે.
    તેમના જીવનની રમુજી વાતમા ૧૯૬૫માં એક ધનવાન વ્યક્તિએ રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના આશયથી મરીઝ પાસેથી તેમની ગઝલોનો સંગ્રહ સારી એવી કિંમતે ખરીદી લીધો હતો અને સપ્ટેમ્બર ૧૯૬૬માં દર્દ નામે ૧૨૫ પાનાંના પૂસ્તક રૂપે તે પ્રગટ પણ કર્યો. પરંતુ સાહિત્યજગતમાં આ વાત ખુલ્લી પડી ગઈ અને સાહિત્યકારો તથા મરીઝના ચાહકોએ હોહા મચાવી દેતા તે પુસ્તક તાત્કાલિક વેચાણમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતુંએમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે.
    ડૉ તીર્થેશજીને આ ગઝલ અને આસ્વાદ બદલ ધન્યવાદ

  2. જયેન્દ્ર ઠાકર said,

    February 23, 2022 @ 6:10 AM

    “મરીઝ” સાહેબના દિલ અને દિમાગમાં દરિયાથી પણ વધુ ગહરાયી હતી. તેઓ કિતાબોમાં નહી પણ લોકોના દિલમાં જિવે છે. તેમણે કહ્યું હતું…
    બધો આધાર છે એની જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.

  3. Dhaval said,

    February 23, 2022 @ 7:14 AM

    સલામ !!

  4. Vineschandra Chhotai said,

    February 23, 2022 @ 7:49 AM

    બહુજ સરસ રજૂઆત

    અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment