ઢેલ કહી ગઈ કાનમાં કે, ખુશ થા, એ આવી નથી;
એ જો આવી હોત ને, તો આ ગઝલ આવી ન હોત.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

આપણી યાદગાર ગઝલો : ૧૪ : પર્વતને નામે પથ્થર- ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’  (જન્મ: 30 સપ્ટેમ્બર, 1939)

ચિનુ મોદીની યાદગાર ગઝલ વિશે વિચારવાનું થાય તો ક્ષણાર્ધનાય વિલંબ વિના આ ગઝલ માનસપટ પર ઉભરી આવે. ખુદ ચિનુ મોદી ‘પ્રતિનિધિ ગુજરાતી ગઝલો’ના સંપાદનમાં આ તસ્બી ગઝલનું ચયન કરે છે. આંસુ ઉપર નખનો ઘસરકો પડવાનું કલ્પન એ કદાચ ગુજરાતી ગઝલમાં નજાકતનું એવરેસ્ટ શિખર છે. ગઝલના મિજાજને અનુરૂપ બે આવર્તનવાળા લયાત્મક છંદ (ગાગાલગા લગાગા X 2)ની પસંદગી, અને હમરદીફ-હમકાફિયા સ્વરૂપમાં ઘુંટાતો ચિનુ મોદીનો નવી ગઝલનો ઘેઘૂર અવાજ આ ગઝલને વધુ ને વધુ આસ્વાદ્ય બનાવે છે…

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૧૩ : આઘાત ચાલે છે – મનહર મોદી

ગયાં વર્ષો હવે આવ્યાંઅને આઘાત ચાલે છે,
સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે.

ઘણી વેળા મને થઇ જાય કે મારા ઉપર પડશે,
અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે !

બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,
કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે.

સમયનું નામ મઠ્ઠી હોય તો ખોલવી પડશે,
-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. 

-મનહર મોદી

(જન્મ: 15-4-1937 – મૃત્યુ: 23-3-2003)

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. પરંપરાની ગઝલો અને પછીથી આધુનિક ગઝલ અને છે…ક એબ્સર્ડ ગઝલો સુધી એમણે નોંધપાત્ર પદાર્પણ કર્યું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને અસંદિગ્ધ પણ લાગે છે છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ પાછા નથી પડ્યા. મનહર મોદી વિના યાદગાર ગઝલોની વાત અધૂરી જ ગણાય…

‘બગીચામાં ફૂલોની ઘાત ચાલે છે’ વાળો શેર મ.મો.નો બ્રાન્ડ-એમ્બેસડર શેર ગણી શકાય. ખુશબૂ જેવા અદેહી તત્ત્વને મ્યાન જેવી સાકાર સંજ્ઞા સાથે પ્રયોજવામાં કેવું અદભુત કવિકર્મ થયું છે ! અહીં આ શેરને આપ ફૂલ અને ફોરમના સંદર્ભે તો માણી જ શકો છો, સુરભિત જીવો સાથે પણ સાંકળી શકો છો. સત્કાર્યની સુવાસ ફેલાવતા જીવોને કળિયુગની ચેતવણી પણ ગણી શકાય. સજ્જન થવામાં બહુ સાર નથી એવી ચેતવણી પણ અહીં સંભળાય છે.

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે – આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)

સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/12 nadi ni ret ma MUSIC.mp3]

મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…

[audio:http://urmisaagar.com/saagar/audio/Story of Maley na maley.mp3]

આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.

Comments (19)

આપણી યાદગાર ગઝલો : ૧૧ : ઉદાસી આ સૂરજની આંખે ચડી છે – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

– ભગવતીકુમાર શર્મા (જન્મ: 31 મે 1934)

આખી ગઝલમાં કવિએ ઉદાસીને ઘૂંટી છે અથવા ઉદાસીને ઉજવી છે એમ પણ કહી શકાય. અહીં કવિ કશું જ મોઘમ નથી રાખતા. શરૂઆત જ ઉદાસી શબ્દથી કરે છે જે આખી ગઝલમાં આવનારી ઉદાસીનાં એંધાણ આપી દે છે. પ્રિયતમની કંઈક એવી આતુરતાથી પ્રતિક્ષા થઈ રહી છે કે સ્વયં પ્રતિક્ષા જ હવે આતુર થઈ ઉઠી છે… અને ઝરૂખે ઊભા રહીને પ્રિયતમની રાહ જોતું પ્રિયજન જાણે કે ખુદ પ્રતિક્ષાનો જ એક પર્યાય બની ગયું છે, પરંતુ પ્રિયતમનાં આવવાનાં કોઈ એંધાણ નથી. અને આ પ્રતિક્ષા એટલે કંઈ થોડા કલાકોની કે થોડા દિવસોની પ્રતિક્ષા તો નથી જ. આ તો છે ચીર-પ્રતિક્ષા…! અને એનાં સમયનો ખ્યાલ આપણને ત્યારે આવે છે જ્યારે કવિ કહે છે જે ભીંત ઉપર એકવાર પ્રિયતમે મારું નામ લખ્યું હતું એના પર તો હવે મધુમાલતી છવાઈ ગઈ છે. અહીં ભીંત ખંડેર થઈ ગઈ છે એમ કવિ નથી કહેતા, પરંતુ નામ આખરે તો પ્રિયતમ દ્વારા લખવામાં આવ્યું છે એટલે જ કદાચ મધુમાલતી જેવો નાજુક અને સુગંધી શબ્દ વાપરે છે અને પ્રતિક્ષાની લંબાઈ સમજાવવા માટે તેઓ મધુમાલતીની વેલનાં ભીંતે ચડવા જેવો કોમળ વાક્યપ્રયોગ કરે છે. ઉદાસ ક્ષણોમાં જ્યારે ખાતરી થઈ જાય છે કે આ પ્રતિક્ષા પણ અનંત જ છે ત્યારે કવિ પ્રેમની પળોની યાદોની સભામાં ભૂલાયેલી પંક્તિને ગણગણવાની વાત કરે છે… જે પંક્તિ ખરેખર ભૂલાયેલી તો છે જ નહીં. અને આ પંકિત એટલે કે પ્રિયતમે કરેલી પ્રેમની વાતો. આમ પણ જ્યારે પ્રિયતમની પ્રતિક્ષા કરતાં હોઈએ ત્યારે તો ખાસ આપણું મન-હૃદય પ્રિયતમે કહેલી ઘણી વાતો અને ઘણા શબ્દો ઘૂંટવા અને ગણગણવા લાગી જાય છે; એ વાતો અને શબ્દો પ્રિયતમની હાજરીમાં તો કદાચ યાદ પણ નથી રહેતા. એક જ ભાવજગતમાં રહીને કવિ ચારેય શેરોમાં ડુસકાં, પ્રતિક્ષા, એકલતા અને યાદો દ્વારા જાણે કે આપણને ઉદાસીની પરિક્રમા કરાવે છે. એટલે જ ગઝલમાં માત્ર ચાર શેરો હોવા છતાં એ જરાય અધૂરી નથી લાગતી.

આ ગઝલનાં ભાગ-2 જેવી લાગતી એમની બીજી એક ગઝલ પણ આ જ રદીફ અને કાફિયા સાથે અહીં માણો.

Comments (11)

આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

– હરીન્દ્ર દવે
(1930 – 1995)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Harindra Dave – Aansu ne Pee Gayo Chhun.mp3]

1962માં લખાયેલી આ ગઝલનો “ગયો છું, મને ખ્યાલ પણ નથી” જેવો લાંબો રદીફ ગઝલનાં ભિન્ન ભિન્ન શેરનાં અલગ અલગ ભાવજગતને જબરદસ્ત રીતે જકડી રાખે છે. અને સાથે જ અનેક અર્થો, શક્યતાઓ અને સંભાવનાઓનું આકાશ પણ ઉઘાડી આપે છે.  પ્રેમમાં ભૂલી-કરગરી-કહી “ગયો છું” જેવું કહીને કરેલા સહજ સ્વીકારની સાથે જ કવિની આ બધું કર્યાનો તો “મને ખ્યાલ પણ નથી” જેવી બાળ-સહજ અભિવ્યક્તિ બિલકુલ એક ગીતની ધ્રુવપંક્તિ જેવી લાગે છે… અને એનાથી જ કવિ ગઝલનાં મિજાજનું સુંદર રીતે જતન કરીને ગઝલને ગરિમા બક્ષે છે.  પ્રેમમાં મજબૂરીથી પોતાના પ્રિયજનને ભૂલી જવાના પ્રયત્નો કરવા જતા ઘણીવાર ખરેખર ‘એમને ભૂલી ગયા છે’ ની હકિકતનો ખ્યાલ પણ રહેતો નથી, કારણ કે ખાસ તો ‘પ્રિયજનને ભૂલી જવાની વાત’ જ બિલકુલ ભૂલાતી નથી. ભૂલવાની વાત તો ઘૂંટાયા કરે છે અને આમ પ્રેમનું ચક્ર ફર્યા જ કરે છે. ઘણીવાર પ્રેમમાં સ્વમાન અને સમર્પણ વચ્ચેની પાતળી ભેદરેખા પરખાતી નથી, અને સર્મપણની જગ્યાએ પ્રિયજનની આગળ પ્રેમી ક્યારે પોતાના સ્વમાનને ઠોકરને મારી દે છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો.  કરગરવું એ પ્રેમની દર્દનાક અવસ્થા છે.  પ્રેમમાં કરગરવું પડે એવી પરીસ્થિતિ જ પ્રેમની ગરિમાને ઝાંખી પાડે છે અને એનો ખ્યાલ કવિને છે જ, પરંતુ કરગરવાની ક્રિયા ક્યારે થઈ જાય છે, બસ એનો ખ્યાલ નથી રહેતો.  જીવનમાં ઘણા સંબંધો ફૂલો જેવા હોય છે, જે અનુકૂળ વાતાવરણમાં આપોઆપ મ્હોરે છે. પરંતુ ઘણા સંબંધો કંટકો જેવા હોય છે જેને દુનિયાદારી નિભાવવા માટે પણ ક્યારેક નિભાવવા પડે છે અને એની માવજત પણ કરવી જ પડે છે.  આવી દુનિયાદારી નિભાવવામાં આપણે જ્યારે ગળાડૂબ હોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ફૂલ જેવાં કોઈ સુગંધિત સંબંધની સાવ નજીક પહોંચી જઈને અજાણ્યે એને સ્પર્શી પણ લઈને પછી એમાં બંધાયા વગર અજાણ્યે જ આપણે પાછા વળી જઈએ છીએ. અને એ ફૂલ જેવા સંબંધમાં ન બંધાઈ શકવાની ખબર હોવી કે ન હોવી, બંને પરીસ્થિતીમાં પ્રાધાન્ય તો લાચારીનું જ છે… જે ‘મને ખ્યાલ પણ નથી ‘ દ્વારા છતી થાય છે.  છેલ્લા શેરમાં કવિએવાતાવરણમાં મિત્રોનાં મૌનનાં ભાર તરફ આંગળી ચીંધીને પોતાના મિત્રોની થોડી ફરિયાદ પણ કરી લીધી. પરંતુ મિત્રો આખરે તો અંગત અને પ્રિય છે, એટલે ફરી અહીં કવિએ “હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી” કહીને મિત્રોની વાતને મોઘમ જ રાખી અને આમ એમણે મિત્રતા પણ નિભાવી લીધી.  વર્ષો પહેલા લખાયેલી આ ગઝલમાં કવિએ એવી ચમત્કૃતિ સર્જી છે કે આજે વર્ષો પછી પણ આ ગઝલ એટલી જ તરોતાજા લાગે છે.

Comments (9)

આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? – બેફામ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!  

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Befam-O_HRIDAY.MP3]

ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખનાર બેફામસાહેબ ‘શયદા’સાહેબનાં જમાઈ હતા.  એમની એક ગઝલને પસંદ કરવાનું અઘરું કામ કર્યું તો ખરું, પણ આ ગઝલની પસંદગી કરીને બીજી ઘણી ગઝલોને અન્યાય કર્યો હોય એવું પણ લાગ્યું.  ફરી જો એક યાદગાર ગઝલ પસંદ કરવા બેસું તો 100%  ગઝલ બદલાઈ જ જાય… એવી એવી સુંદર અને સ-રસ ગઝલોની એમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે.  એમની મોટાભાગની ગઝલોનાં મક્તાનાં શેરમાં એમણે મોતને જ ઉજવ્યું છે.  આ ગઝલનો મત્લા, મક્તા અને બીજા થોડા અશઆર ખૂબ જ લોકપ્રિય થયેલા છે.  ત્રીજા શેરમાં અન્યનાં પ્રેમમાં જાતને ભૂલી જવાની એમની ‘સાવ સહેલી વાત ‘ હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. અને પછી પ્રેમીને ગુમાવવાની વેદના વ્યક્ત કરીને તરત જ ‘એણે પણ ગુમાવ્યો છે મને’ ની હૂંફ મૂકી દઈને કવિએ કમાલ કરી છે…!  જીવનમાં મળેલાં દર્દોની કવિએ ખુદા આગળ ફરિયાદ નથી કરી, ઊલટાનું દર્દ અને ખુશીઓને જીવનમાં સમતોલ રાખવાનાં ખુદાનાં ન્યાયને સાવ સહજ તરીકે સ્વીકારીને જાણે ખુદાનાં વકીલનું કામ કરતા હોય એમ લાગે છે.  અને આમ જોઈએ તો આખી ગઝલમાં જીવનમાં મળેલા દર્દોની કવિ દ્વારા કોઈ ફરિયાદ જ નથી… માત્ર વેદનાનો સહજ અને બખૂબી સ્વીકાર છે.

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૦૮ : ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.           

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા ! 

 – સૈફ પાલનપુરી
(1923 – 1980)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Saif Palanpuri-Khushboo Na Khilela Phul.mp3]

સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા…. એટલે કે આપણા પ્રિય ગઝલકાર ‘સૈફ’ પાલનપુરી. પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા સૈફ સાહેબનું  ગુજરાતી ભાષાની મુશાયરાપ્રવૃત્તિના વિકાસમાં ખૂબ જ નોંધનીય યોગદાન રહ્યું છે.  અને એમની કોઈ યાદગાર ગઝલની પસંદગી વાત આવે એટલે યાદ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ ગઝલ તરત જ મગજમાં આવી જઈ જાતે જ છવાઈ જાય.  એક એકથી ચડિયાતા શેરવાળી એમની આ ગઝલ ખૂબ જ લોકપ્રિય થયેલ છે. 

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં“… ફૂલ તો આમેય ખુશ્બૂમાં જ ખીલતું હોય છે, એ જ રીતે ખીલવાનો એનો સ્વભાવ છે. પરંતુ કવિ મત્લાનાં શેરમાં જ આપણને પ્રણયનાં ચાર તબક્કાની સફર કરાવી દે છે. પ્રેમનાં સાન્નિધ્યમાં ખીલવાનું એટલે કે ‘કંઈક થયું છે ‘નો પ્રથમ તબક્કો. અને બીજો તબક્કો એટલે પ્રેમથી છલોછલ અને લાગણીથી ભરપૂર એવા નશાનો જાજરમાન તબક્કો… પરંતુ પછી મોટા ભાગની પ્રેમકથામાં કહાનીમેં ટ્વીસ્ટ ની જેમ આવતો ત્રીજો તબક્કો…! એટલે કે અશ્રુઓનાં સમીકરણોથી લખાતો આંસુઓનો ભૂતકાળ… જે અધૂરી ઈચ્છાઓની લાશો અને અનાથ સ્વપ્નોનાં ખંડેરોથી ભર્યો ભર્યો હોય… અને વળી એ એક એક આંસુઓનાં નામો પાડી શકાય એટલો અકથ્ય વિરહ એટલે કે પ્રણયનો ચોથો અને પરિપક્વ તબક્કો… (અને કુલ કેટલા તબક્કાઓ હોય છે, એ તો દરેક પ્રણયકથા પર અંગત-આધારિત હોય છે!) આવી રીતે મને તો એમ જ લાગે છે કે આ એક જ શેરમાં કવિએ જાણે આખી પ્રણયકથા કહી નાંખી છે.      

મનુષ્યમાત્રને જેટલું જીવન હોય એટલું ઓછું જ લાગે. આપણે હમણાં કોઈને પૂછીએ તો મોટાભાગનાં લોકો લગભગ એમ જ કહેશે કે અત્યારે મોત આવે તોય મને જરાય વાંધો નથી. પરંતુ જો કોઈ જ્યોતિષ આપણને ખાનગીમાં કહે કે આવતા ફલાણા દિવસ સુધી તમારા માથે ભારે ઘાત છે તો એના નિવારણ માટે આપણે લગભગ બધું જ કરી છૂટીએ… અને જો મોતનાં સમયની સાચે જ ખબર પડે અને યમદેવતા સાથે જો વાત કરવાનો મોકો મળે તો આપણે બધા 100% એમ જ કહીએ કે બેચાર કામ પતી જાય પછી અમને તમારી સાથે આવવામાં બિલકુલ વાંધો નથી… વળી સાથે સાથે થોડી શિકાયતો અને ખુલાસાઓ બાકી રાખ્યા હોય તો એનો હિસાબ પણ પતાવવાનો તો હોય જ. અને આ બધી તો આપણા બધાની સાવ સીધી, સાદી ને સાચી વાત છે, જેમાંથી લગભગ કોઈ જ બાકાત નથી. પરંતુ કવિએ આ જ સહજ વાતને એકદમ સહજતાથી સ્વીકારીને આપણને એક અસહજ શેરની ભેટ ધરી દીધી છે.

માણસ ભલે અંદરનાં અજવાળે સફર કરતો હોય પરંતુ જ્યારે ખુદ મંઝિલ અને એ મંઝિલ ઉપર પહોંચવાના બધા રસ્તાઓ જ બદનામ હોય તો એની સફર ગમે તેટલી સ્વચ્છ હોય, પણ એ સફર વિશે જાતજાતની અફવાઓ તો નક્કી ઉડવાની જ. અને જ્યારે આ લખું છું ત્યારે મને વિચાર આવે છે કે નેક ઈરાદાવાળા ગણ્યાંગાંઠ્યા થોડા સારા માણસોની અત્યારે બિલકુલ આવી જ દશા હશે, કે જેઓ આપણાં દેશનાં રાજકારણની ગંદકી સુધારવા માંગે છે.

જખ્મોવાળો પ્રખ્યાત શેર તો બધાને સાવ પોતીકો લાગે છે… સૌને જાણે એમના માટે જ કવિએ લખ્યો હોય એમ જ લાગે છે. જો કે, વાતેય સાવ સાચી છે. જીવનની સમી સાંજે જો આપણે આપણને મળેલા જખ્મોથી યાદી તપાસવા બેસીશું, તો જખ્મો આપવાવાળાઓનાં નામો યે કદાચ નામ લઈ પણ નહીં શકાય એવાં સાવ અંગત અંગત જ નીકળશે… અને જો અંગત ન હોય તો એમનું નામ જખ્મોથી યાદીમાંયે શું કામ આવે?! એમ પણ કોઈકે સાચું જ કહ્યું છે કે આપણને સૌથી વધુ દુ:ખ આપવાની શક્તિ માત્ર એમનામાં જ હોય છે કે જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ.

આપણે આપણી જાતથી અલગ થઈને કેટલી વાર સ્વને ચકાસીએ છીએ?  કવિએ મક્તાનાં શેરમાં તો ખરેખર કમાલ કરી છે. જેમ આપણે અન્ય લોકોનું આસાનીથી અવલોકન કરી શકીએ છીએ, બસ એવી જ રીતે કવિની જેમ જો જાતને અવલોકીશું તો ખબર પડશે કે આપણું સાચું મ્હોરું કયું છે અને કયું લગાવીને હંમેશા ફર્યા કરીએ છીએ…!

ઉર્દુનાં ગઝલકાર સૈફ ગુજરાતીનાં ગઝલકાર કેવી રીતે બન્યા?!… એ વાત એમના જ શબ્દોમાં વાંચો !

(ઓત્તારી… ગઝલ વિશેનાં મારા વિચારો પ્રગટ કરવા જતાં આ તો હારો નિબંધ જ લખાઈ ગયો…!  🙂 )

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૦૭ : તમારા પ્રતાપે બધા ઓળખે છે – શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Shoonya Palanpuri-Parichay Chhe Mandir Ma Devo Ne.mp3]

જીવનમાં એક એવી પણ દશા આવે છે જ્યારે માણસને કહેવાનું થાય કે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. મંદિર-મસ્જીદ-સુરાલય-સાગર બધાની વારંવાર મુલાકાત લેવાની થાય છે. કોઈ એને વ્યથાની દશા કહે પણ કવિ તો આ દશાને પણ પોતાની રીતે માણી રહ્યા છે. પોતાની જાતમાંથી બહાર નીકળીને જાતને જોવી, અને એ પણ વ્યથાના સમયમાં, એ બહુ મોટી વાત છે. એ અહીં કવિએ અજબ ખુમારી સાથે કરી બતાવે છે – નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે ! તબીબોને તો એમના સૌથી પ્રખ્યાત શેરમાથી એક છે. છેલ્લા શેરમાં વ્યથાનો સામનો કરવાના ચાર હથિયાર (ધીરજ, વફા, દયા અને ક્ષમા)ની વાત એમણે બહુ સરસ રીતે કરી છે.

Comments (8)

આપણી યાદગાર ગઝલો : ૦૬ : આવ્યો ન ખુદા યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ
(1917 – 1983) 

સ્વર: મન્ના ડે

[audio:http://tahuko.com/gaagar/layastaro/Mariz-Raheshe aa mane mari.mp3]

મરીઝની ઓછામાં ઓછી પાંચ ગઝલો આ યાદીમાં લઈ શકાય એવી છે. મરીઝે પોતાના ‘ગળતા જામ’ જેવા જીવનને હંમેશા ગઝલથી છલકતું રાખ્યું. ગઝલની ગુણવત્તામાં એમની સરખામણી હંમેશા ગાલિબ સાથે થાય છે. અને ગાલિબનો એમની રચનાઓ પર પ્રભાવ પણ દેખાઈ જ આવે છે. જીવનના કડવા સત્યોને બે લીટીમાં બયાન કરી દેવાની એમને ઈશ્વરી દેન હતી. એમને ગુજરાતી ગઝલના શ્રેષ્ઠ ગઝલકાર કહેવામા કોઈ અતિશયોક્તિ નથી.

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું – ઘાયલ

શબ્દની આ૨પા૨ જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદ૨ બહા૨ જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકા૨ જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મા૨મા૨ જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહા૨ જીવ્યો છું.

હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

– અમૃત ઘાયલ

ઘાયલ એટલે ખુમારી. ઘાયલ એટલે વાવાઝોડું. ઘાયલ એટલે ધારદાર. ઘાયલની ગઝલમાંથી એકની પસંદગી કરવી બહુ અઘરી છે. આ ગઝલ એમના મિજાજનો બખૂબી પરિચય આપે છે અને ‘ઘાયલની ગઝલ’નો ‘ટ્રેડમાર્ક’ જુસ્સો પણ ધરાવે છે. પોતાના ઉપનામનો એમણે હંમેશા જ બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમણે ગઝલક્ષેત્રે અવનવા પ્રયોગો પણ બેશૂમાર કરેલા. એક ઘાયલ જ બુલંદ અવાજે કહી શકે, સર્વથા શાનદાર જીવ્યો છું !

Comments (5)

આપણી યાદગાર ગઝલો : ૦૪ : દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા
(1908 – 1987)

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : મુહમ્મદ રફી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Gani Dahiwala-DIVASO JUDAI.mp3]

ગનીચાચાની આ ગઝલ કદાચ ગુજરાતી ગઝલની સૌથી પ્રસિદ્ધ ગઝલ છે. એમનું ભણતર નજીવું અને ઘંઘો દરજીનો. માત્ર હૈયાઉલકતના સહારે એમણે ગુજરાતી સાહિત્યની કેટલીક સર્વોત્તમ કૃતિઓનું સર્જન કર્યુ. માણસ તરીકે એકદમ પારદર્શક. એમને મળો તો ઓળખાણ તો પછી થાય પણ પહેલા એમના ચહેરા પર સ્મિત છલકાઈ જાય. એમની કૃતિઓમાં પણ એમના સ્વભાવનો પડછાયો જોઈ શકાય છે. ગઝલકારો તો ઘણા આવ્યા અને આવશે પણ બીજા ગનીચાચા મળવા અશકય છે.

Comments (6)

આપણી યાદગાર ગઝલો : ૦૩ : ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા
(1892 -1962)

ગુજરાતી ગઝલને પોતીકુ રૂપ આપવાનુ શ્રેય શયદાને જાય છે. એમણે મુશાયરાની પરંપરાને જીવંત કરીને ગઝલને ગુજરાતમાં લોકપ્રિય બનાવી. ગઝલમાં ફારસી શબ્દોનો ઉપયોગ ઓછો થયો અને ખરેખર ‘ગુજરાતી’ ગઝલ લખાતી થઈ.  શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી. ગુજરાતી ગઝલના પિતામહ શયદાની આ ગઝલ એમના મિજાજ અને શૈલીની સારી ઓળખાણ આપે છે.

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૦૨ : જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

વધુ આગળ વાંચો…

Comments (18)

આપણી યાદગાર ગઝલો : ૦૧ : ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

વધુ આગળ વાંચો…

Comments (13)

‘લયસ્તરો’ના ચાર વર્ષ : ગુજરાતી કવિતાના યાદગાર મુકામોની સફર

4rth birthday

આજે લયસ્તરો ચાર વર્ષ પૂરા કરે છે. કવિતાના આનંદને વહેંચવાનો આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે આટલો લાંબો ચાલશે એવો ખ્યાલ નહોતો તો કવિતાના આટલા ચાહનારાઓ દુનિયાભરમાં મળી આવશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય ! લયસ્તરો દ્વારા ચાર વર્ષમાં જે દોસ્તો મળ્યા છે એ જ સૌથી મોટી ખુશીની વાત છે. ચાર વર્ષમાં કાંઈ કેટલાય એવા લોકો જોડે ઓળખાણ થઈ, કેટલાય લોકોને જાણવાનો મોકો મળ્યો… અને કવિતા આપણા બધાના જીવનમાં કેટલી હદે વણાઈ ગયેલી છે એ નજીકથી જાણવાનું મળ્યું. આજે લયસ્તરો પર 450થી પણ વધારે કવિઓની 1250થી વધુ રચનાઓ છે.

કવિતા એ આમ તો બહુ જ અંગત વાત છે. તમને કઈ કવિતા ગમે છે એ ઉપરથી તમારા વ્યક્તિત્વ અને વિચારશ્રેણીને જાણવાનું બહુ સહેલુ થઈ પડે છે. કવિતા વિષે વાત કરવી એ જાહેરમાં દિલના અંદરના દરવાજાને ખોલવાનું કામ છે. છતાંય કવિતા ઉપરનો પ્રેમ લોકોને આ મહેફીલમાં આખરે ખેંચી જ લાવે છે. અને આપણે અહીં જોયું છે કે લોકો વર્ષો સુધી મનનાં ખૂણામાં જતનથી જાળવી રાખેલી બે-ચાર કાવ્યપંક્તિઓ પણ અહીં બધા જોડે વહેંચીને માણે છે. આ ઘટના પોતે જ કવિતાના જાદૂનો પુરાવો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અલગ પ્રયોગ કરીને લયસ્તરોની વર્ષગાંઠને ઊજવવાનો વિચાર છે. આવતા દસ દિવસમાં આપની સામે ગુજરાતી ગઝલના લાંબા ઈતિહાસમાંથી ખાસ પસંદ કરેલી વીસ સૌથી યાદગાર ગઝલો રજૂ કરવાના છીએ.

આટલી બધી ગઝલમાંથી માત્ર વીસ ગઝલ પસંદ કરવાનું કામ લગભગ અશક્ય છે. અને કઈ ગઝલ પસંદ કરવી અને કઈ ન કરવી એ એક મોટો અને મહા વિકટ પ્રશ્ન છે. આના ઉપાયરૂપે પહેલા અમે વીસ ગઝલકારોને પસંદ કર્યા (જે કામ ધારવા કરતાંય અઘરું જ જણાયું) જેમણે ગુજરાતી ગઝલના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને પછી અમે એ ગઝલકારોની અમને ગમતી ગઝલોની પસંદગી કરી છે. આ આખો ઉદ્યમ માત્ર અમારી અંગત પસંદગી ઉપર જ આધારિત છે. વીસ ગઝલની મર્યાદાને કારણે કેટલીય યાદગાર ગઝલોનો સમાવેશ નથી થઈ શક્યો એનો પણ અમને ખ્યાલ છે જ. તેમ છતાં ગુજરાતી ગઝલના યાદગાર ઈતિહાસની ઝાંખી કરાવતી આ યાદગાર સફરમાં આપને બધાને સો ટકા મઝા આવશે જ, એવું અમારું વચન પણ છે!

… તો આવતી કાલથી દસ દિવસ માટે લયસ્તરો પર માણો, ગુજરાતી ગઝલના ઈતિહાસની સૌથી યાદગાર વીસ ગઝલો !

Comments (40)

હું તમારી કવિતા વાચું છું ત્યારે – શ્રીનાથ જોશી

હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાન્નિધ્યમાં છું.
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:

તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતાં જોયો છે.
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બન્ને હાથની રસાળ ડાળીઓ વચ્ચે

અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.

હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.

-શ્રીનાથ જોશી

કવિતા વાંચતા કેવી અનુભૂતિ થાય છે એને વણી લઈને દુનિયાના બધા કવિઓને એમની કવિતાઓના જવાબમાં આ કાવ્ય લખેલું છે. કવિતાઓનું વાંચન એક નવું વિશ્વ, નવું સંગીત, નવો પ્રકાશ ને  નવી સંવેદના રચી આપે છે. આ બધા માટે આપણે કવિઓના ઋણી છીએ… અને એ ઋણ ચુકવવાનો સાચો રસ્તો ? – એક વધુ કવિતા લખીને આભાર માનવો !

Comments (3)

નાનીસૂની વાત નથી – હરીશ જસદણવાળા

જીવન આખું અર્પણ કરવું નાનીસૂની વાત નથી;
બળતા હાથે સર્જન કરવું નાનીસૂની વાત નથી.

કક્કાથી કવિતાના રસ્તે શબ્દોનો વિશ્વાસ મળ્યો ?
ભાષા સાથે સગપણ કરવું નાનીસૂની વાત નથી.

માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી.

તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું,
એ સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી !

– હરીશ જસદણવાળા

Comments (11)

અશબ્દ રાત્રિ – પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
       મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.

– પ્રિયકાંત મણિયાર

કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા 🙂

Comments (5)

મુક્તક – ચિનુ મોદી

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છે તમે

– ચિનુ મોદી

Comments (2)

શહીદ – કૃષ્ણ દવે

નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !

-કૃષ્ણ દવે

આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?

આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?

Comments (13)

ગુમાવીને – કિરણસિંહ ચૌહાણ

Mijaj- Kiran Chauhan

*

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.

-કિરણસિંહ ચૌહાણ

‘સ્મરણોત્સવ’ પછી કિરણકુમાર ચૌહાણ એમનો બીજો ગઝલ સંગ્રહ ‘મિજાજ’ લઈને આવે છે. ગયા રવિવારે તા. 23-11-2008ના રોજ એમના આ સંગ્રહનો સુરત ખાતે લોકાર્પણ વિધિ થયો. આ નાનકડી પુસ્તિકાની 56 ગઝલોમાં કિરણકુમારનો મિજાજ સુપેરે વ્યક્ત થયો છે. બધી ગઝલો આસ્વાદ્ય થઈ છે અને કિરણકુમારની ગઝલોમાંનો લોકબોલીનો કાકુ, સરળતા વચ્ચે વસેલું વેધક ઊંડાણ અને છંદ-વૈવિધ્ય ફરીથી ઊડીને આંખે વળગે છે. આ સંગ્રહમાંની બે ગઝલ – ઘડિયાળની સાથે તથા ચલાવો છો આપ અગાઉ લયસ્તરો પર એમના પોતાના હસ્તાક્ષરમાં માણી ચૂક્યા છો.

કિરણકુમાર ચૌહાણને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

Comments (14)

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં…

વ્હાલા મિત્રો,

મુંબઈમાં ફરી એકવાર થયેલા ભારતવર્ષના ઈતિહાસના સૌથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર આપે જાણ્યા જ હશે. તાજ અને ઑબેરોય જેવી પંચતારક હોટલ, રેલ્વે સ્ટેશન અને અન્યત્ર સ્થળો પર થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ, અંધાધૂંધ ગોળીબાર અને આગજનીના કારણે સેંકડો નિર્દોષ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ જિંદગીઓ ઉપર અવલંબિત સેંકડો કુટુંબો પોતાના ભવિષ્યના સ્વપ્નાંઓના ફુરચેફુરચા ઊડતાં અનુભવી રહ્યાં હશે. કેટલાય લોકો ઘાયલ થઈને બચી ગયા જેઓ આખી જિંદગી મૃત્યુના દરવાજે ટકોરા મારી પાછાં ફર્યા હોવાનો અનુભવ હાશકારાથી નહીં પણ હાયકારાથી અનુભવતા રહેશે. મુંબઈ અને ભારતવર્ષની કરોડોની જનતા અવારનવાર કોઈપણ પૂર્વચેતવણી વિના ગમે તે સ્થળે અને ગમે તે સમયે ગમે તેના પર થતા આ આતંકવાદી હુમલાઓના પરિણામે સતત અસુરક્ષિતતાના ઓથાર તળે જીવતી થઈ જશે…

…કદી જેનો અંત આવવાનો જ નથી એવા આ ભયાવહ દુઃસ્વપ્નના વિરોધમાં અને નિર્દોષ મૃતકોના માનમાં ‘લયસ્તરો’ આજે એક દિવસ પૂરતું મૌન પાળશે. જાણીએ છીએ કે અમારા આ નાનકડા વિરોધનો કોઈ અર્થ નથી. પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે પણ આ હુમલાના કારણે ઘવાયા છીએ. અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે ઝેડ કેટેગરીના સુરક્ષાકવચ વચ્ચે નિરાંતે ઊંઘતા અર્થહીન અને સંવેદનહીન રાજકારણીઓથી અલગ અમારા પોતાના આત્માની શુદ્ધતા અને મુઠ્ઠીમાં સતત શ્વસતા મૃત્યુને અડોઅડ અડધીપડધી ઊંઘ સાથે પણ અમે આવા હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી… અમે નથી હિંદુ કે નથી મુસલમાન. અમે સહુ માત્ર ભારતીયો જ છીએ. અમે સહુ સાથે જ હતા અને સાથે જ રહીશું…
અસ્તુ !

Comments (22)

ગઝલ – મહેક ટંકારવી

આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.

બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !
નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.

હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !

દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

-‘મહેક’ ટંકારવી

અવાજની આજુબાજુ પડઘાતી રહેતી એક મજાની ગઝલ. બધા જ શે’ર અનવદ્યપણે આસ્વાદ્ય બન્યા છે. અંધકારમાં પ્રકાશ અને દિલની દીવાલોના યાદના પડઘે ગુંજવાની વાત તો આ ગઝલની જાન છે… આ કવિ વિશે કોઈ વિશેષ જાણકારી આપી શકે ખરું?

Comments (5)

વર્ષા – હર્ષદ ચંદારાણા

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.

રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.

– હર્ષદ ચંદારાણા

વર્ષા-ગીત તો આપણે બહુ જોયા છે, આજે એક વર્ષા-ગઝલ માણો ! મેઘપુત્રી ધરતીને લગ્નપ્રસંગે આણાંમાં વર્ષા આપવાની કલ્પના જ કેટલી સરસ છે, ને વળી એ શેરમાં મેઘને માટે ‘ઘનશ્યામદાસ’ શબ્દ વાપરીને કવિએ મઝા કરાવી દીધી છે. ગઝલ લખ્યાની તારીખને કવિએ છેલ્લા શેરમાં આબાદ વણી લીધી છે.

Comments (9)

તું – સુરેશ ભટ્ટ

તું મારા આયુષ્યની સવાર,
તું મારા કેફનાં મોજાં બેસુમાર.

તું ગયા જન્મનો આર્ત સાદ,
તું માનસકુંજનો વેણુનાદ.

તું મારા એકાંતનો પ્રકાશ,
તું મારા ગીતોનો બાહુપાશ.

તું મારાં દુ:ખોની ચાંદરાત,
તું મારાં સ્વપ્નોનું પારિજાત.

તું મારા અમૃતાભાસનો ચંગરાગ,
તું મારા ઓલવાયેલા દેહનો દીપરાગ.

તું મારા શ્વાસનો પ્રવાસ,
તું મારા લોહીની લાલાશ.

તું મારી હયાતીનો અંશેઅંશ,
તું મારા ન હોવાનો મધુર દંશ.

– સુરેશ ભટ્ટ
(મૂળ મરાઠીમાંથી અનુવાદ સુરેશ દલાલ)

એક સંબંધની આખી કથા કવિએ અહીં માત્ર ઉપમાઓના ઉપયોગથી કરી છે. ઉપમાઓનો કવિએ ઓચ્છવ કરી દીધો છે ! – ‘તું મારા આયુષ્યની સવાર’ થી શરૂ થતી સફર ‘તું મારા ન હોવાનો મધુર દંશ’ પર પૂરી થાય છે. આ કાવ્ય હું વર્ષોથી વાંચું છું અને દરેક વખતે આ ઉપમાઓની નવી અર્થછાયાઓ પકડાય છે.

(ચંગ=આનંદમય, મનોહર; આર્ત=વ્યાકુળ)

Comments (7)

બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.

– વાડીલાલ ડગલી

ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.

Comments (9)

આકાશ – ચિનુ મોદી

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…

Comments (7)

નયનને બંધ રાખીને – બેફામ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે

ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હું થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

-બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની આ વિખ્યાત ગઝલની ફરમાઈશ ઘણા મિત્રો અવારનવાર કરતા રહ્યા છે. એટલે લયસ્તરોના સાગરમાં જેની ખોટ વર્તાતી હતી એવું મોતી આજે અહીં ઊમેરીએ છીએ…

ગુજરાતી સુગમ સંગીતની તાસીર સમૂચી બદલી નાંખવામાં આ ગઝલનો ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવામાં લગભગ વિફળ રહેલી ગઝલને મનહર ઉધાસે એમની સરળ અને લોકભોગ્ય ગાયકીના બળે ઘેર-ઘેર પહોંચાડી એમાં આ ગઝલનો સિંહફાળો છે. લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…

Comments (12)

હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. ‘પોતાની’ એક ક્ષણ પરત મળે તો કવિ બદલામાં જે માંગવામાં આવે એ આપવા તૈયાર છે. અહીં ‘મારી’ શબ્દ ખાસ ધ્યાન માંગી લે છે. વિતેલી ક્ષણ પાછી મેળવવાનું કામ જ આમ તો દુષ્કર છે પણ અહીં કવિની એક માત્ર શરત એ છે કે એ ક્ષણ પણ જો પરત મળે તો એ એમની જ પોતાની હોય. અને પોતાની ભીતર આવવા માટેનું આહ્વાન પણ કેવી સ-રસ રીતે કવિ આપે છે!

Comments (10)

યાદ આવશે – શકીલ કાદરી

મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે
નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ –
એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે

– શકીલ કાદરી

Comments (9)

નયન દેસાઈ એસ.એસ.સી. – નયન દેસાઈ

અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.

મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?

પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.

વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.

રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

– નયન દેસાઈ (એસ.એસ.સી.!)

માણસ પોતાની જાતને કઈ રીતે જુએ છે એનાથી એની જીવનદ્રષ્ટિનો અંદાજ આવે છે. પોતાની જાતને ઓળખ્યા સિવાય બીજું કાંઈ જાણવું શક્ય નથી. રમેશ પારેખે પોતાની જાતને સાંકળી લેતી અનેક ગઝલો લખી છે. (એમણે પોતાના સંગ્રહનું નામ પણ ‘છ અક્ષરનું નામ’ આપેલું!) ચંદ્રકાંત શેઠનું ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ પણ યાદ આવે છે. ગઝલ વાંચો તો એક ધરતી-સરસા માણસનું પ્રમાણિક ચિત્ર ઉપસી આવે છે.

Comments (10)

(સ્મરણનું નામ) – શ્યામ સાધુ

કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણને છલકાવી દીધું છે.

પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.

નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.

તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌનને બહેલાવી દીધું છે.

પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.

– શ્યામ સાધુ

આખા રણને છલકાવી શકે એવી અમીરાત ધરાવતું કમળ એ સ્મરણ. પવન અને ફૂલનો સંબંધ – એટલે કે સુવાસ – એ સ્મરણ. નદી જેવા, સદા બદલાતા મન પર પણ એક નામનું અમીટ છૂંદણું રચી દે એ સ્મરણ. સૂની રાત્રે ખુદ એકલતાને ય બહેકાવી દે એ સ્મરણ. સમયના પ્રબળ વ્હેણને એક નાની શી પળમાં કેદ કરી રાખે એ સ્મરણ.

Comments (7)

પાંદડીશી હોડી – ચંદ્રવદન મહેતા

પાંદડીશી  હોડી  રે  હો,  પાંદડીશી   હોડી !
જળમાં તરવા છોડી રે હો, પાંદડીશી હોડી !

તણખલાનું  હલેસું ને રેશમની છે દોરી
પવનનું પારેવું હું તો મારો મારગ ધોરી.
                                              પાંદડીશી હોડી…

ચાંદરણાનું પાથરણું ને એમાં ટપકી તારા
શાંતિને સળકાવે મારા હૈયાના ધબકારા.
                                              પાંદડીશી હોડી…

– ચંદ્રવદન મહેતા

‘કવિ શું કહેવા માંગે છે?‘ની લપ્પનછપ્પન છોડીને માત્ર કાન ને કલ્પનાના ઉપયોગથી માણવાયોગ્ય નિતાંત મુલાયમ ગીત.

Comments (3)

ઝેર તો પીધાં છે જાણી જાણી – મીરાંબાઈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.         મેવાડા 0

કોયલ ને કાગ રાણા ? એક જ વર્ણાં રે;
કડવી લાગે છે કાગવાણી.             મેવાડા 0

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.              મેવાડા 0

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.               મેવાડા 0

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
મન રે મળ્યાં સારંગપાણિ.            મેવાડા 0

-મીરાંબાઈ

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…

Comments (14)

સાબુભાઈની ગાડી – વિવેક મનહર ટેલર


(……                     …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

(આજે ચૌદ નવેમ્બર, બાળદિન અને મારા લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠ પણ… એટલે લયસ્તરોના મિત્રોને માટે એક બાળગીત… પણ હા, આ ગીત વાંચવાની મનાઈ છે. આ ગીત આજે બાળદિન નિમિત્તે ફરજિયાત તમારા બાળકને ગાઈ સંભળાવવાનું રહેશે.)

Comments (12)

બોલ હે ઈશ્વર ! – અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

ઈશ્વર જેવા ઈશ્વરને ધમકાવીને એની ભૂલનો હિસાબ માંગતા કવિની આ ગઝલ સહેજે ગમી જાય એવી છે. એમાંય માણસ નામની શીશી ફૂટે અને ઢાંકણાંઓની સભા ભરાય એ વાત શીઘ્ર પ્રત્યાયનમાં જેટલો સહજતાથી સમજાઈ જાય છે એટલો જ માર્મિક પણ છે…

Comments (15)

બાંકડે બેઠો છું – હરિકૃષ્ણ પાઠક

ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.

આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.

કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું-
નામ કેમ પુછાય ? બાંકડે બેઠો છું.

સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.

ઘટ આવે કે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.

ખુદાબક્ષ છે, કોઈ છે ઈજ્જતવાળા;
બાકી શું કહેવાય ? બાંકડે બેઠો છું.

ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાંવા ભરતી,
ભોંય સરકતી જાય, બાંકડે બેઠો છું.

ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું;
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.

– હરિકૃષ્ણ પાઠક

સ્ટેશન પરની ગતિવિધિને બાંકડેથી જોતા સ્ફૂરેલી, ઘટનાઓની વર્તુળાકાર ગતિને સમજવા મથતી ગઝલ.

(ઝાંવા = વલખાં, તરફડીયાં)

Comments (4)

તું – સુરેશ દલાલ

તું મને ખૂબ પ્રિય છે
છતાંય
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
એટલે જ
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
મારા એકાન્તથી ય વિશેષ
એટલે
તને બહાર પણ નહીં નીકળવા દઉં.

કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.

– સુરેશ દલાલ

આ કાવ્ય જરા અટપટુ છે. સંબંધ-વર્તુળ અને એકાન્ત-વર્તુળની પરિમિતિ ટકરાય ત્યારે શું કરવું તેનો તો કોઈ ખરો જવાબ નથી. જીબ્રાને કહેલી વાત યાદ આવે છે : But let there be spaces in your togetherness. બીજાઓ સામાન્ય રીતે પ્રિયજનની સરખામણી ચાંદ-તારા-મેઘધનુષ સાથે કરે છે જ્યારે અહીં કવિ પોતાના પ્રિયજનની સરખામણી, પોતાની સૌથી મહામૂલી મિલકત, પોતાના એકાન્ત અને એકલતા સાથે કરે છે.

કાવ્યને ઉપર કરતા તદ્દન જુદી રીતે, એકથી વધારે રીતે, મૂલવી શકાય એમ છે. અરીસામાં એક જ પ્રતિબિંબ પડે એ જરૂરી નથી.

Comments (9)

સૈયર શું કરીએ? – અનિલા જોશી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
                     સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
                     સૈયર, શું કરીએ?

ઊંધમાં જાગે ઉજાગરો
ને શમાણાંની સોગાદ
                     સૈયર, શું કરીએ?

મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
                     સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું
કે સાસરિયાનો સ્વાદ
                     સૈયર, શું કરીએ?

પગમાં હીરનો દોરો વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
                     સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
                     સૈયર, શું કરીએ?

– અનિલા જોશી

પ્રેમની વિષમતાઓ અને પ્રેમીજનની વિવશતાઓનું ઝટ જીભે ચડી જાય એવું ગીત. 

Comments (8)

પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈપણ ભાષાસંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતાં જ શીખે છે અને પછી જ વાંચતા-લખતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે કારણ કે આપણી બા આજે ‘મમ્મી’ કે ‘મૉમ’ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પભાષાપ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોળી-તોળીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈકળા સીધી દિલમાંથી નીકળતી હતી અને એના હાથ ત્રાજવાના મિલિગ્રામ-ગ્રામ કરતાં વધુ સચોટ હતા એટલે તોલ-માપ વિના પણ એ જે મસાલા નાંખતી હતી એ એની રસોઈને અમૃતકરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી?

Comments (10)

આદિલ મન્સૂરીને ગઝલ-અંજલી – ભગવતીકુમાર શર્મા

અ-પૂર્વ, નવ્ય ને ઉજ્જળ અચલ મળે, ન મળે!
ગઝલનો આવો મનોહર મહલ મળે, ન મળે!

ફરીથી આટલી ઉમદા ગઝલ મળે, ન મળે!
ગઝલનું શોભિતું શતદલ કમલ મળે, ન મળે!

કરી તે કાયાપલટ ગુર્જરી ગઝલ કેરી;
ફરી એ ગઝલો, એ મુક્તક તરલ મળે, ન મળે!

પરંપરાઓને તોડી છતાં ગઝલ કાયમ;
ફરી ગઝલનો એ નવલો અમલ મળે, ન મળે!

લચી પડ્યા છે હવે ખેતરો ઘણાં કિન્તુ;
ઉતારી તેં જે ગઝલની ફસલ મળે, ન મળે!

નવી જ ભોંય તેં ભાંગી પુરાણા વિસ્તારે;
ફરીથી આવી કો સિદ્ધિ વિરલ મળે, ન મળે!

– ભગવતીકુમાર શર્મા

આદિલસાહેબને ભગવતીકુમાર શર્માની અંજલી, આદિલસાહેબની સૌથી પ્રસિદ્ધ ગઝલના રદીફને કાયમ રાખીને લખેલી ગઝલ સ્વરૂપે.

Comments (9)

પરંતુ – ‘આદિલ’ મન્સૂરી

સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)

કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)

આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)

તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)

નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)

બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)

કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)

– ‘આદિલ’ મન્સૂરી

આદિલ મન્સૂરી માટે આજે ‘હતા’ કહેવું પડે છે. એ અવાજ જે ગુજરાતી ગઝલની આધુનિક યુગમાં દોરી લાવ્યો એ હવે આપણી વચ્ચે નથી. એમની હસ્તી શબ્દરૂપે તો સતત આપણી વચ્ચે રહેશે જ. આજે એમની યાદમાં એમની જ આ ગઝલ. આદિલસાહેબની કૃતિઓમાંથી મારી સૌથી પ્રિય કૃતિ કોઈ ગઝલ નથી, એ છે આ અછાંદસ : કબૂલાત. એ પણ સાથે જોશો.

Comments (5)

ગુજરાતી ગઝલના મોભ આદિલ મન્સૂરીનું નિધન

untitled12

ગુજરાતી ગઝલના વિકાસમાં પાયાનો ફાળો આપનાર આદિલ મન્સૂરીનું આજે ન્યુ જર્સી ખાતે અવસાન થયું છે. છેલ્લા પચાસ વર્ષોમાં એમણે અગણિત ગઝલ રચી છે પણ આજે ય એમને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ થી લોકો યાદ કરે છે. કવિ હોવા ઉપરાંત એ સારા કેલીગ્રાફર પણ હતા. 1985ની સાલથી એ યુ.એસ.એ.માં સ્થિર થયા હતા. ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર લઈ જનાર કવિ આદિલ મન્સૂરીને કદી કોઈ ગઝલચાહક ભૂલી શકે એમ જ નથી. એમનું નામ ગુજરાતી ગઝલના ઈતિહાસમાં હંમેશા સોનેરી અક્ષરે લખાશે.

Comments (26)

ગીત – વિનોદ ગાંધી

તોળ્યું તો તરણાંના જેવું માપ્યું તો છે માટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

તાણીતોસી તારણ કાઢ્યું
.               એનો શો વિશ્વાસ ?
માખણ નીચે ઠરી રહ્યું ને
.             ઉપર તરતી છાશ,
પાંદડીઓને ઉપર મૂકી નીચે સુગંધ દાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

ઉપર પાકું ભીતર કાચું
.                એમાં શું ટકવાનું?
સ્વયમ્ ન પગટે એ જ્યોતે
.             ના અંધારું ઘટવાનું,
ઊંડા પર્વત, ઊંચી ખીણો, વચ્ચે સીધી ઘાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

– વિનોદ ગાંધી

તોલમાપ કરવાની આપણી પ્રકૃતિ અને પાયો પાકો કર્યા વિના જ બાંધકામ કરી દેવાનો આપણો સ્વભાવ અહીં ગીતના લયમાં સરસ રીતે ઉપસી આવ્યા છે. વસ્તુને માપી શકાય પણ એના તત્ત્વને નહીં એ આપણે જાણવા છતાં જાણતા નથી. તરણાંને આપણે જોઈએ છીએ ત્યારે માટીમાં રહેલા મૂળને ઉવેખીએ છીએ. દરિયાની સપાટીને જોઈએ છીએ ત્યારે એનું ઊંડાણ અનુભવતા નથી. જ્યાં સુધી આપણે આપણા માંહ્યલાને પાકો નહીં કરીએ ત્યાં સુધી આ અંધારું ઘટવાનું નથી.

Comments (1)

મોસમ – ડેવિડ ઈગ્નાતો

મારે માટે જીવ
પવને કહ્યું
મારે માટે જીવ
વરસાદે કહ્યું
મારે માટે જીવ
રાત્રિ એ કહ્યું

મેં માથું નમાવ્યું
ને કૉલર ઊંચો કર્યો.

– ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

પ્રતિકૂલ મોસમમાં પ્રકૃતિના પરિબળો એક પછી એક આવીને કહે છે, મારે માટે જીવ – એટલે કે મારી આગળ નમી જા. માણસ એમની આગળ માણસ સહેજ માથું નમાવે છે – એમનું ગૌરવ કરવા. પણ પછી જાત પરના વિશ્વાસના પ્રતીક-સમ કોલર ઊંચો કરે છે. પ્રકૃતિ ગમે તેટલો મથાવે તો પણ માણસ એની સામે એક હદથી વધારે ઝુકવા તૈયાર નથી.

Comments (1)

ક્ષણ હસવું, ક્ષણ રડવું – નિરંજન ભગત

ક્ષણ હસવું,  ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?

સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું !

સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !

– નિરંજન ભગત

‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.

Comments (5)

તારી સુવાસ – હરીન્દ્ર દવે

તારી  સુવાસ અંગ થકી  ઓસરી નથી,
આશ્લેષથી  તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ  કેમ  જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો  મેં  આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં  તો  હજી  બે પાંપણો ભેગી  કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ  લોકોએ  કદીય  મહોબ્બત  કરી નથી.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે કોમળતાના કવિ છે. એ જ્યારે પ્રેમ-ગઝલ લખે તો કેટલી ઋજુ બને એ જ જોવાનું રહે ! ‘એમનો વાંક ક્યાં / એ લોકોએ કદી મહોબ્બત કરી નથી’ એ ઈસુ ખ્રિસ્તના કે ગાંધીના મોઢે શોભે એવો ઉદ્દાત-મન શેર થયો છે. પણ મારો પ્રિય શેર એનાથી આગલો છે. પોતે હકીકત જાણતા હોવા છતા માત્ર પ્રિયજનના કહેવાથી એને સ્વપ્ન માની લેવાની તૈયારી એ નકરો પ્રેમ છે. કોઈની આંખમાં જોવાથી હકીકત અને શમણાં વચ્ચેની સરહદ ઓગળી જાય તેનાથી વધારે સાચી પ્રેમની વ્યાખ્યા કઈ હોઈ શકે ?

Comments (8)

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.

અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.

પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.

હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.

– અલ્પેશ ‘પાગલ’

આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ મત્લાનો શેર અને એનું ઊંડાણ ચૂકી ન જવાય એ ખાસ જોજો. સાંજ નિઃશબ્દ આવે છે અને નિઃશબ્દ જાય છે. પણ આથમતા ઉજાસનું રંગસભર એકાંત આપણી અંદરની વેદનાના બંધને રોજેરોજ તોડી દે છે. ઉદાસી અને સાંજનો ગહરો સંબંધ છે. માણસ દુઃખી હોય ત્યારે સૂર્યાસ્ત વધુ પોતીકો લાગે છે… બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છેવાળો શેર પણ અદભુત ચોટ કરી જાય છે અને વ્યક્તિ તથા સમષ્ટિના પરસ્પર ચાહવાની વાતના ખોટાપણાવાળો શેર પણ એવો જ મજાનો થયો છે.

Comments (6)

ગઝલ – હેમાંગ જોશી

પાંપણે ઊભો રહી જોયા કરું,
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.

લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.

ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.

ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા,
જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું.

– હેમાંગ જોશી

હવાનો હાથ લઈને મહેકની રેખા શોધતા કવિની નવ્યતર કલ્પનસભર આ ગઝલ ગમી ન જાય તો જ નવાઈ…

Comments (6)

નવા વર્ષે – ઉમાશંકર જોશી

નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

-ઉમાશંકર જોશી

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…

Comments (3)