અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા
મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જાતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
-મનોજ ખંડેરિયા
અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.
મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.
મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…
હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?
Pinki said,
March 15, 2008 @ 1:55 AM
ટહુકાનાય સરવાળાની વાત કરીને
કવિએ અમથા અમથા ખુશ કરી દીધા ….
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
ભાષાની ભરમાળામાં ગઝલ પેશ કરી
નિઃસ્પૃહ બનવાની વાત ….. !!
કોઇ તર્ક કે કારણ વગરનો નિજાનંદ જ
સમાધિનો પ્રારંભ છે …..
Rajendra Trivedi, M.D. said,
March 15, 2008 @ 3:07 AM
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું.
ભાષાની ભરમાળા નીરખી અમથો થાઉં છું
ભાષાની ભરમાળામાં ગઝલ પેશ કરી
નિઃસ્પૃહ બનવાની વાત ….. !!
કોઇ તર્ક કે કારણ વગરનો નિજાનંદ જ
સમાધિનો પ્રારંભ છે ….
. સ્વાસ છે પ્રાણ મારા ને
પ્રભુ પ્રાર્થનાછે પ્રાણ મારા….
સાર…..
તારા ઈ મેલમા નિત જાન મારા,
સુરેશ દિનેશ સાથ રહે મારા.
જુગલ કિશોર રહે નિજ સાથ મારા.
શુઁ કહુઁ…..
શુઁ કહુઁ નિશ દિન મુજને સાથ છે?
પ્રેમ ને પ્રભુ જ રાજ સાથ છે.
માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર
gopal parekh said,
March 15, 2008 @ 5:16 AM
આ વાંચતા ભગવદ ગીતાનો શ્લોક યાદ આવ્યો:પ્રસાદે સર્વદુઃખાનામ્ હાનીરસ્યોપજાયતે, પ્રસન્નચેતસો હ્યાસુ બુધ્ધિઃ પર્યવતિષ્ઠતિ(અધ્યાય બીજો,શ્લોક65)
Vijay Shah said,
March 15, 2008 @ 10:10 AM
અજ્વાળા, ગરમાળા,તડકાળા ઘરઢાળા, અને ભરમાળા જેવા શબ્દો તો મનોજ ખંડેરીયા પાસેથી જ સાંભળવા મળે…
ખુબ જ મઝા આવી
MAHESHCHANDRA NAIK said,
March 15, 2008 @ 10:27 AM
ખુબ આભાર તમારા ઈમૈલ લિસ્તમા મને સામેલ કરવા માટ I am very happy to read ghazal as I was listening the Manoj Khanderia’s Ghazal over dvd player,” PIDANA TANKANANI BHAT LAINE DARWAJE UBHO CHHUN ” and also enjoyed LAY STARO GHAZAL with OUR BLOG> I hope you will permit us to say as OUR BLOG, you both the friends are giving good reading ot persons like me staying abroad at the retirement age. VERY BIG THANK YOU. AAJE KHUSH THAVU KETLU MUSHKEL CHHE, KAVI AAPANE SAUNE KHUSH SAMATHI THAVANU TENI TIPS AAPTA HOY AVO AHESAS THAY ATLE KHUB AANA D THAYO. SORRY I COULD NOT WRITE COMPLEAT EMAIL IN GUJARATI.
pragnaju said,
March 15, 2008 @ 11:46 AM
સુંદર ગઝલ
ભારતમાં વૈશાખમાં ગરમાળો અને કેશુડો નીરખી મન પ્રસન્ન થતું
તેવી જ પ્રસન્નતા આ શેર વાંચીને થઈ
આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
અને આ
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
વાહ્
મનોજ તે મનોજ
janak naik said,
March 15, 2008 @ 4:52 PM
અમથા અમથા ખુશ થવાનુઁ અતિ મુશ્કેલ. આજના ભાગમદોડના યુગમાઁ ખુશ થવા માટેય કોઈને કોઈ સ્વાર્થ જોઈએ. કવિતા જ આપણને નિતાઁત આનન્દમાઁ રહેવાની કળા શીખવે. વિવેકભાઈને અભિનઁદન.
nilam doshi said,
March 15, 2008 @ 11:19 PM
ભાષાની ભરમાર પણ કેવી પ્રસન્નતા અર્પી જાય છે. મનોજ ખંડેરિયા જેવા સમર્થ કવિ ના શબ્દોનું સામર્થ્ય માણવાનો આનંદ અનેરો જ હોય ને ?
અભિનન્દન..વિવેકભાઇ…
ઊર્મિ said,
March 16, 2008 @ 7:14 PM
આ અમથી અમથી ગઝલ અને ઉપરથી આ અમથો અમથો આસ્વાદ વાંચીને હું અમથી અમથી નઈં પણ હાચ્ચેહાચ ખુશ થઈ ગઈ! ખૂબ જ મજા આવી ગઈ…
DR.GURUDATT said,
March 23, 2008 @ 3:55 PM
અમથી ય જાણે મનોજ ભાઈ એ મારા મન ની વાત કરી નાખી! ગજ્જબનું પોતીકાપણુ
આપી ગઈ આ ગઝલ..આભાર-લયસ્તરો..
Chetan Chandulal Framewala said,
March 24, 2008 @ 2:41 AM
આભાર……….
આવી સુંદર ગઝલ અને વિવેચન માટે,
મનોજ ભાઈ ને મુંબઈનાં એમનાં છેલ્લા મુશયરામાં માણ્યા હતાં એ દ્રશ્ય આંખો સામે તાદ્રશ્ય થઈ ગયું છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
nitin devlekar said,
April 2, 2008 @ 12:15 AM
મને તમે ગુજરાતિ ગઝલ મોક્લો …….તમારો આભાર તમારો ચાહક નિતિન
ઉવૈસ ચોકસી said,
August 8, 2008 @ 9:37 AM
ગજ્જબનું પોતીકાપણુ
આપી ગઈ આ ગઝલ..આભાર
ખૂબ જ મજા આવી ગઈ..
જય ગુર્જરી
ઉવૈસ ચોકસી
Mansuri Taha said,
August 9, 2008 @ 12:25 AM
ઘણી જ સુઁદર ગઝલ.
malvikasolanki said,
April 28, 2013 @ 8:44 AM
ખુબ જ મજા નેી ગઝલ ……
Milan Kumar said,
January 29, 2021 @ 2:03 AM
ચોથા શેરમાં “ઘણા જતા” શબ્દમાં થોડી શંકા છે, જોઈ લેવા વિનંતી.
વિવેક said,
January 29, 2021 @ 6:54 AM
@ મિલનકુમાર:
ખૂબ ખૂબ આભાર…. સુધારી લીધું છે…