ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગુલામમહોમ્મદ શેખ

ગુલામમહોમ્મદ શેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વરસે ફોરાં – ગુલામ મોહમ્મદ શેખ

વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં,
આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં !
આજ ફરી પાછાં વરસે ફોરાં.

કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને આપણા ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !

ઢળું ઢળું તારી પાંપણો જેવી આખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !
આજ ફરી પાછાં વરસે ફોરાં.

મનને મારે ખોરડે આજેય ચૂવતી જાણે આંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
આપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું − આવજો ઓરાં !

− ગુલામ મોહમ્મદ શેખ

વરસે ફોરાં. વરસે આંખ. વિદાયટાણાની વાત. શબ્દ-સુકા હોઠ. તાજા ફોરાં-સમ વેણ. ને નેણનો નાતો. – આ ગીતનું ભાવવિશ્વ જ એટલું મીઠું છે કે પરાણે ગમી જાય.

Comments (7)

જેસલમેર – ગુલામ મહોમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.

ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે.

આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.

Comments (7)

સ્વજનને પત્ર – ગુલામમોહમ્મદ શેખ

(નીલિમા, સમીરાને)

હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલા
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઈટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોના શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશ જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.

– ગુલામમોહમ્મદ શેખ

કાવ્ય ‘સ્વજનને પત્ર’ તરીકે લખાયેલું છે – નીલિમા અને સમીરાને. સ્વજનથી છૂટા પડવાની ક્રિયા અનેક સ્તરે માણસને અંતરદર્શન કરવા પ્રેરે છે. કવિતા શરૂ સ્ટેશનના શબ્દચિત્રથી થાય છે. ગાડી સ્વજનને લઈ જતી હોય ત્યારે એક એક ચીજ કેટલી આકરી લાગે છે તે કવિએ પસંદ કરેલા શબ્દોમાં જોઈ શકાય છે. એ પછી આવે છે કાવ્યનો મુખ્ય-વિચાર. રખે તમે એ ચૂકી જાવ એટલા માટે કવિ એને કૌંસમાં મૂકીને સમજાવે પણ છે !

Comments (5)