જેસલમેર – ગુલામ મહોમ્મદ શેખ
મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.
વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.
– ગુલામ મોહમ્મદ શેખ
સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે.
આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.
વિવેક said,
September 3, 2009 @ 2:13 AM
સાચી વાત છે ધવલ…
જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે… સાજના સમયે આખું શહેર કિલ્લાની રાંગ ઉપરથી અથવા શહેર બહારના કબ્રસ્તાન પાસેથી સોનાનું બનેલું હોય એવું પીળું પીળું લાગે છે. કવિતાના પહેલા ભાગમાં કવિ નગરની ભીંતોને નારંગી રંગે લહેરાતી બતાવીને શહેરના સચવાઈ રહેલા સૌંદર્યને ઉજાગર કરે છે તો છેલ્લા ભાગમાં અજવાળાંના અભાવે યોગ્ય માત્રામાં કદી દૂર ન થઈ શકેલ અંધારાને ફૂગાતું બતાવી કવિ ગરીબીની વેદના અને દીવાના નહીં પણ ચૂંદડીના અજવાળે રોટલા ટીપતી ‘સોનેરી’ કન્યાની વાત કરે છે… આ સોનેરી કન્યા એ જેસલમેર શહેર પોતે જ નહીં?!
mrunalini said,
September 3, 2009 @ 4:09 AM
યાદ આવી
એક ફિલ્મ કલાકાર અને રાજસ્થાની છોકરાની મિત્રતા અને વિશ્વાસ પર આધારિત વાર્તા
નન્હે નામનો નાનકડો છોકરો તેની માતા, બહેન અને તેના પ્રિય ઊંટ સાથે રાજસ્થાનના જેસલમેરમાં રહેતો હોય છે. આ પરિવારની એકમાત્ર આજીવિકા ઊંટ છે. નન્હે ઊંટને કેમલ સફારીમાં આવતા પયર્ટકોને ભાડે આપીને તેમાંથી કમાણી કરી લેતો હોય છે. જે આવક ઉપજે તેના પર નન્હેના પરિવારનું ઘર ચાલે છે.
નન્હેના જીવનમાં ત્યારે પરિવર્તન આવે છે જયારે એક અભિનેતા બોબી) મિત્ર બનીને તેના જીવનમાં આવે છે. એક નાનકડી મુલાકાત તેની બોબી સાથેની મિત્રતામાં મોટો ફાળો નોંધાવી જાય છે.
pragnaju said,
September 3, 2009 @ 4:20 AM
વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.
એક તરફ આ વાસ્તવિકતા છે તો બીજી તરફ પ્રકૃતિ પણ અહીં એવાં જ વિવિધ રૂપે વિસ્તરે છે. પ્રવાસીઓ એક દિવસ જેસલમેર પાસે સામના રણમાંના રેતીના ઢૂવામાં ઊંટ પર મુસાફરી કરે છે તો બીજે દિવસે ઉદયપુરના પિછોલા સરોવરમાં કે જળસમંદરમાં નૌકાવિહારની મજા માણે છે. આ પ્રદેશમાં એક પાસ રણ છે તો બીજી પાસ સરોવરોનો ય પાર નથી. જેસલમેર નજીક રક્ષિત સ્થાને લાખો વર્ષ જૂના-સમુદ્રમાં અને પછી રણમાં વિલુપ્ત જંગલોમાં અવશેષો – આશ્મકો રૂપે જોવા મળે છે
Pinki said,
September 3, 2009 @ 7:42 AM
બુઠ્ઠી તરવારોના તોરણ.
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.
વાહ્…… જેસલમેરનું સરસ શબ્દચિત્ર !!
preetam lakhlani said,
September 3, 2009 @ 8:35 AM
ભાઈ ધવલ્, શેખ સાહેબ નો કાવ્ય સગ્રહ ‘અથવા” આખો ખરેખર વાંચવા જેવો છે,આ કાવ્ય સગ્રહ મા આ કાવ્ય જેવા જ બે ચાર અદભુત કાવ્ય અચુટ મનને જેસલ મેરનુ રોમાચક ચિત્ર આંખ સામે ઉભુ કરી દે છે….શેખ સાહેબનુ પેલુ કાવ્ય મારુ પ્રિય કાવ્ય છે,’ હુ મારા વિચારો ને બધ મુઠીમા જાલેલ કાચની કણીની જેમ પીસુ છુ””…….થોડા વખત પહેલા ‘પરબ્ ‘ મા યોગેશ જોશી ના બે ચાર જેસલ મેર પર લખાયેલા કાવ્યો પ્રગટ્ થયા હતા, તૅ પણ આટલા જ સરસ હતા…….શેખ સાહેબ એક સારા કવિ જેટલાજ ઉત્તમ ચિત્રકાળ છે……આવુ સરસ કાવ્ય મુકવા બદલ તમારો બને મિત્રોનો ખુબ ખુબ આભાર્!!!!!!!
Pancham Shukla said,
September 3, 2009 @ 2:23 PM
જૂનું અને જાણીતું અન ખૂબ વખાણાયેલું કાવ્ય.
એક ચિત્રકારની કલમે દોરાયેલું/રંગાયેલું કાવ્ય.
indravadan g vyas said,
September 4, 2009 @ 7:42 AM
કાવ્યની પાંખે બેસી જેસલ્રમેર ની સેર કરી.ઘણા કવિઓ ચિત્રકાર પણ હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર્,પ્રદ્યુમ્ન તન્ના,માધવ રામાનુજ ના ઉદાહરણ આપી શકાય .એક ડૉક્ટર મીત્રે આ કવિતા માણવા મોકલી.મઝા આવી ગઈ.