હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
મુકુલ ચોક્સી

ગઝલ – ભગવતીકુમાર શર્મા

ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.

ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે નાચતી હતી તે કઠપૂતળી પડી.

જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે, જો, આ મારા હાથથી દીવાસળી પડી.

પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.

દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.

ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી કો ડાળખીથી ગુલાબી કળી પડી.

વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકા વિશે મારું દૃઢપણે એવું માનવું છે કે સાહિત્યને જે ચીવટાઈ અને ખંતથી એ આરાધે છે એટલી કાળજીથી આજનો અન્ય કોઈ સર્જક આરાધતો નહીં જ હોય. ગઝલ હોય કે ગીત, નવલિકા હોય કે નવલકથા, નિબંધ હોય કે વિવેચન, ભગવતીકાકા એમાં પોતાનો પ્રાણ રેડી દે છે. એમની ગઝલો જેમ-જેમ વધારે વાંચું છું, મારો આ મત વધુ અફર બનતો જાય છે. આ ગઝલના એક-એક શેરને હાથમાં લઈ જુઓ… અહીં ખરા સોના સિવાય બીજું કંઈ મળે તો કહેજો… દર્પ અને દર્પણની દોસ્તી ત્યજીને સભાન થયેલા આ શાયર પસાર થઈ ગયેલી ક્ષણોની કાંચળીનો પણ યાદોની ટાંપ તરીકે ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે જે કુમળી કળીના ખરી જવાથી પણ અકથ્ય વેદના અનુભવી આંખો મીંચી જાય છે જ્યારે આખી શેરી ઝબકીને જાગી જાય એવા ટકોરાં પડે તોય ન ઊઘડે એવા દ્વાર જેવા પણ કેટલાક હોય છે.

6 Comments »

  1. shaileshpandya BHINASH said,

    February 29, 2008 @ 3:55 AM

    nice………….

  2. Pinki said,

    February 29, 2008 @ 5:08 AM

    દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
    તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.
    અહંકાર નિર્મૂળ…..!!
    છ શેરમાં છ ઈન્દ્રિય સચેત થાય તે જ્ઞાન…

    તો સાતમો શેર,
    વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
    સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.
    આત્મજાગૃતિ…..!!

  3. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    February 29, 2008 @ 9:04 AM

    વાંચી મેં એકવાર આ ગઝલ,
    પછી વારંવાર વાંચવી પડી….

    ત્યારે માંડ માંડ થોડી સમજ પડી
    સમજ્યો ત્યારે વધારે મજા પડી!!!

    ખરેખર બહુ ગહન વાત કરી છે ભગવતીકુમારે!!

  4. pragnaju said,

    February 29, 2008 @ 11:30 AM

    સુંદર ગઝલ
    આ શેર ગમ્યો
    પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
    સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.
    મને તો આ ૭ શેરો કુંડલીનીના ૭ ચક્રો જેવા જણાય છે!
    તેની સરપ જેમ કાંચળી ઉતારી ઊર્ધ્વ ગતી કરવાની પ્રેરણા મળે છે.
    વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
    સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.
    મુલાધાર
    સ્વાધીસ્થાન
    મણીપુર
    અનહત
    િવશુધ્ધ
    આજ્ઞા માંથી
    સાતમા સહસ્ત્ર- ચક્ર પર ટકોરા પણ વાગ્યા…
    હવે કમાડ ઊઘડે તેની વાર…

  5. ધવલ said,

    February 29, 2008 @ 5:47 PM

    વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
    સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.

    સરસ… અલગ માહોલ બનાવતી ગઝલ.

  6. ઊર્મિ said,

    March 2, 2008 @ 12:51 PM

    WOW… આનાથી આગળ બોલવા માટે કોઈ શબ્દો જ નથી..
    મને તો આ પોથીની વચ્ચે ટાંપ મૂકવાની વાત પણ બહુ ગમી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment