જે નથી તારું તું એને પામવાના મોહમાં,
જે બધું તારું છે એ ત્યાગી મને ભરમાવ ના.
અશરફ ડબાવાલા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
January 14, 2011 at 12:07 AM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !
ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !
આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !
મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !
એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !
કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !
ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?
એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !
આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …
એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!
હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…
-રિષભ મહેતા
(સૌજન્યઃ સરનામું પ્રેમનું…)
આજે આ ગઝલનાં એકેક શેર લયસ્તરોનાં ફલક પર ચગેલા એકેક પતંગ હોય એવું નથી લાગતું ? 🙂
લયસ્તરોનાં વાચકમિત્રોને લયસ્તરો તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…
Permalink
January 12, 2011 at 11:12 PM by ધવલ · Filed under ગદ્ય કાવ્ય, મણિલાલ દેસાઈ
કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો
આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં
એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ
અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં રહું છું, મારી આસપાસ
પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ – ક્વૉલિટીનું
એરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે.
અને ભઠિયાર ગલી તો મણીનગરની વેશ્યાઓના પડછાયા
પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ
ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની.
સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો
બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે
કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલરિક્ષા ચલાવનાર
અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ
બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી,
અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર
નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો
ઘોડો હણહણ્યો હતો. કાલે – આદમ મારે બારણે ટકોરા
મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું ?’ ત્યારે
હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટ પોલીશ’ કરી આપવા
તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી
નાસી છૂટીશ.
– મણિલાલ દેસાઈ
દરેક શહેર એમાં રહેતા કવિઓને સતત પીડતુ રહે છે. કવિઓ પોતાના શહેરને જાણે ડંખતા જોડાની જેમ સહન કરે રાખતા હોય છે એવું લાગ્યા કરે છે. મહાદેવની જેમ વિષને ગળામાં રાખીને જીવવાની આ પીડા જાણે નગરકાવ્યોમાં બહાર આવે છે. ( સાથે જોશો : નગર એટલે, અમદાવાદ અને મુંબઈ )
Permalink
January 11, 2011 at 12:23 AM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
– રાજેન્દ્ર શુક્લ
દરવાજો ખોલવાની ગઝલથી આગળ આ દરવાજો તોડવાની ગઝલ માણો. કવિશ્રીના શબ્દોની તાકાત અને મીઠાશ બન્ને માણવા જેવા છે.
Permalink
January 9, 2011 at 2:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી,
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી.
અભિશપ્ત છું સિસિફસ સમો,ચઢું-ઊતરું છું હું પર્વતો,
હું કશેય પહોંચી નહીં શકું,બધું વ્યર્થ છે,આ સફર નથી.
અહીં કાળમીંઢ સદીઓ છે અને કાળખંડના ચોસલાં,
હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી અને પ્રહર નથી.
ગયો સાથ છૂટી દિશાઓનો,નહીં સ્પર્શ શેષ કશાયનો,
હું સ્વયંને પૂછ્યા કરું સતત,મને અંશ માત્ર ખબર નથી.
ગયો ક્યાં અનાહત નાદ એ ? મને ઝંખતો હતો સાદ એ ?
હું વિરાટ વિશ્વમાં એકલો, કોઈ ભાવભીનો યે સ્વર નથી.
આ નગર,ગલી અને ધૂળ આ,આ નદીનાં નીર ભર્યાં ભર્યાં,
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારું ઘર નથી.
હું વહાવી દઉં છું લખી લખી મારા અક્ષરો,મારી સંપદા
જે પ્રવાહ તે વહ્યો જાય છે,અહીં બીજું કૈં જ અમર નથી.
– ભગવતીકુમાર શર્મા
એક સળંગ સૂર ધરાવતી આ ગઝલ નો બીજો શેર સદાય યાદ રહી જાય તેવો છે. [ સિસિફસ એ ગ્રીક પુરતાનકથા અનુસાર એક શાપિત રાજા હતો જેને શ્રાપ હતો કે તેણે એક મસમોટી ગોળાકાર શિલાને એક સીધા ઢોળાવવાળા પર્વત ઉપર ચડાવવાની હતી,પરંતુ તે જેવો તેની ટોચની નજીક પહોંચતો કે તે શિલા પછી ગબડીને તળેટીમાં ચાલી જતી…-તેણે અનંત સુધી એક અંતહીન,અર્થહીન પ્રવૃત્તિ કરતા રહેવાનું હતું…] એક નિરાશાના સૂર સાથે જે એક આત્મખોજનો,આત્મનિરીક્ષણનો સૂર છે તે આ ગઝલની ખૂબી છે.
[ ગઝલની ઊંડી સમજ ધરાવતા ભાવકોને એક નમ્ર વિનંતી- મારી સમજમાં વધારો થાય તે હેતુથી આ વિનંતી કરું છું, કવિ વિષે કોઇપણ comment કરવાની મારી કોઈ જ લાયકાત નથી- છઠ્ઠો શેર મને કઠ્યા કરે છે, બહુ જામતો હોય તેમ નથી લાગતું. કદાચ તે શેર વગર ગઝલ વધુ સબળ થતે તેમ લાગે છે. આપ પ્રકાશ પાડો તો આભારી થઈશ. ]
Permalink
January 8, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મીના છેડા
હું રણની રેતી
રાહ જોતી બેઠી છું,
ક્યારે
આ
મૃગજળના દરિયામાં મોજાં આવે
અને
મને
નખશિખ ભીંજવે !
-મીના છેડા
કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે એ ઓછામાં ઓછા શબ્દોમાં મોટામાં મોટી વાત કરી શકે… મીના કવિતા જવલ્લે જ લખે છે પણ જ્યારે લખે છે ત્યારે અંદરતમ તારોને રણઝણાવી દે છે. પ્રતીક્ષા વિષયક આવી ચરમસીમાદ્યોતક કવિતા આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે…
*
તાજેતરમાં જ ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ અન્વયે મીના છેડાનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ પ્રકાશિત થયો છે. આ સંગ્રહની ત્રેવીસ વાર્તાઓ આંખના ખૂણાઓ સાડી ત્રેવીસવાર ભીંજવી દે એવી થઈ છે… સંગ્રહમાંની જ એક વાર્તા ‘આકાર’ને ‘લેખિની’ સામયિક તરફથી તાજેતરમાં ધીરુબેન પટેલ પારિતોષિક મળ્યું છે.
મીનાને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !
Permalink
January 7, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીલેશ પટેલ
તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.
કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.
જબાન પર હતા સહુના વિરોધના વાદળ,
પરંતુ લખતા રહ્યા એ જ તો ખુમારી છે.
તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
પછી જે આવશે બસ એ ગલી અમારી છે.
કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.
મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.
ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.
– નીલેશ પટેલ
સાયણના આ કવિ ભલે કહેતા હોય કે એમની ગઝલમાં બહુ કચાશ હોવાની ગુંજાઈશ છે પણ મને તો આખી ગઝલમાં એમની ખુમારીના જ દર્શન થાય છે… નર્મદનગરની નજીકના નિવાસી હોવાની અસર હશે ?!
Permalink
January 6, 2011 at 3:00 PM by ઊર્મિ · Filed under આકાશ ઠક્કર, ગઝલ
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.
સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.
ભગવી ધજાને ફરફરાવે એ રીતે,
જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે.
ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે,
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે.
પાંખો મળી પણ જાત માણસની મળી,
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે.
– આકાશ ઠક્કર
આખી ગઝલમાં ટેરવાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ. ટેરવે વસતાં નગરનું સૂના પડવું જ ટેરવાનાં સ્પર્શને મૃત:પાય કરી જતું હશે… કે પછી એનાથી ઊલટું પણ થતું હોય…?
Permalink
January 5, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, જયન્ત પાઠક
હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !
તું તારે ખેંચ્યા કર, છૂટવા હું હાર્યે ખેંચાવું,
આ પા તે પા દશે દિશામાં તું જાશે ત્યાં જાઉં,
આ ચરણો, આ ગતિ, હવે ક્યાં, પિયા, રહ્યા છે મારાં !
તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા,
એકમેકમાં ઓતપ્રોત, ક્યાં જોવા હવે જુદારા !
એક વૃક્ષનાં પંખી ? ના, ના… એક જ બીજ-જવારા !
– જયંત પાઠક
Permalink
January 4, 2011 at 11:32 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ
બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ
આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ
તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ
શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
– મનોજ ખંડેરિયા
રવિવારે બારણું બંધ કરવાની વાત કરતું ગીત આવ્યું એટલેદરવાજો ખોલવાનું કહેતી આ ગઝલ યાદ આવી ગઈ. (હવે ખરેખર બારણું ખોલવું કે પછી બંધ રાખવું એ પાછા મને ન પૂછતા ! 🙂
અંતરમનના દરવાજાને ખોલવાનું આવાહન કરતી ગઝલ બહુ ઊંડી વાત લઈને આવે છે. મરણના ઝાકળસમ પાતળા પોતને ઓળંગીને ઝળઝળ તેજ તરફ બોલાવતો પહેલો શેર આપણા શ્રેષ્ઠ શેરમાંથી એક છે. પહેલા જ શેરથી જે વાતાવરણ બંધાય છે એને કવિ છેલ્લે સુધી જાળવીને બતાવે છે. જીવનની ભંગૂરતા, સમજણનું છીછરાપણું, અગમ્યના કૌતુહલનો રોમાંચ – બધુ એક પછી એક આવે છે. છેલ્લો શબ્દમહિમાનો શેર ગઝલને ચરમસિમા પર લઈ જાય છે.
Permalink
January 3, 2011 at 9:40 PM by ધવલ · Filed under અછાંદસ, જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, શ્રીકાંત વર્મા
મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી
કે હું પાછો ફરી રહ્યો છું.
સવાલ એ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ?
મિત્રો,
આ કહેવાનો કોઈ મતલબ નથી
કે હું સમયની સાથે ચાલી રહ્યો છું.
સવાલ એ છે કે સમય તમને બદલી રહ્યો છે
કે તમે
સમયને બદલી રહ્યા છો ?
મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી,
કે હું ઘેર આવી પહોંચ્યો.
સવાલ આ છે
હવે પછી કયાં જશો ?
– શ્રીકાંત વર્મા
(અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )
જવાબો શોધવા કરતા પણ સવાલો શોધવા વધારે અઘરા છે. એક મુદ્દાનો સવાલ એક આખી જીંદગી બદલવા માટે પર્યાપ્ત હોય છે.
આજે બધા કામ પૂરા થઈ જાય પછી નિરાંતે સૂતા પહેલા પોતાની જાતને પૂછી જોજો, ‘સમય તમને બદલી રહ્યો છે કે તમે સમયને બદલી રહ્યા છો?’ – એકાદ અઠવાડિયું ચાલે એટલો વિચારવાનો સામાન મળી રહેશે 🙂
Permalink
January 2, 2011 at 2:30 AM by તીર્થેશ · Filed under કિસન સોસા, ગીત
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી
આજ ટેરવે સમજણ ફૂટી
એવી કંઈ અણધારી…
પળમાં તાજો થયો અનંતથી
છૂટી ગયેલો નાતો
પસાર થાતો જીવ કનેથી
પવન ઋચાઓ ગાતો
બારણું બાંધી રાખે,બારી
ઉડાન દે અલગારી…
કિરણગૂંથ્યા મોરપિચ્છથી
સજી એવી સંજવારી
ઓરડા સાથે અંતરમનમાં
ફોરી ઓજની ક્યારી
આજ કેટલી કુબેર દૃષ્ટિ
ગતની રંક બિચારી
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી….
– કિસન સોસા
આ નમણા કાવ્યમાં lateral thinkingથી લઈને “ઘૂંઘટકે પટ ખોલ રે,તોહે પિયા મિલેંગે…” સુધીની વાતો વણી લેવાઈ છે…. ‘બારણું બાંધી રાખે,બારી ઉડાન દે અલગારી…’ -પંક્તિ અદભુત સ્પંદનો જગાવે છે.
Permalink
January 1, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી
ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી
ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી
પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી
– વિવેક કાણે ‘સહજ’
વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ બદલ કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !!
કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ ‘લયસ્તરો’ તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
December 31, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
જુદી જુદી કંઈક બાબતમાં મળ્યાં
લોક એની એ જ હાલતમાં મળ્યાં
માણસોનાં ટોળાં ને ટોળાં અહીં
એક માણસની જરૂરતમાં મળ્યાં
જેમ તમને એમ અગણિત અન્યને
મિત્ર મળવાની જ આદતમાં મળ્યાં
એ જ ખુદ આવીને મળવાના કદી
એવી આશા આપતા ખતમાં મળ્યાં
મારા પહેલાં જે થયા જન્નતનશીન
એ મને આજે ન જન્નતમાં મળ્યાં
– ભરત વિંઝુડા
નદી પર્વત ફાડીને નીકળે ત્યારનું અને સાગરને ભેટે છે ત્યારનાં એનાં રૂપ કેવાં નોખાં હોય છે…! કવિતાનું પણ કંઈક આવું જ હોય છે. ક્યારેક એક કૃતિ જન્મે છે ત્યારે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે અને સમયના ખડકોની વચ્ચે વહેતાં વહેતાં કે કાવ્યસંગ્રહ સુધી પહોંચતાં પહોંચતાં એનો સમૂળગો કાયાકલ્પ થઈ ગયો હોય એવુંય બને. ભરત વિંઝુડાની આ ગઝલ એવી જ એક રચના છે. લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે ધવલે એમની પ્રસ્તુત ગઝલનું જૂનું -મૂળભૂત વર્ઝન મૂક્યું હતું. કવિના ધ્યાનમાં એ આવી ગયું એટલે એમણે મત્લાના શેર તરફ મારું ધ્યાન દોર્યું. એ ગઝલ ધવલે અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી લીધી હતી જેમાં મત્લામાં ‘અળગી અળગી’ જેવો શબ્દ વપરાયો હતો. એ જમાનામાં અમૃત ઘાયલ જેવા દિગ્ગજ કવિએ ભરત વિંઝુડાએ પ્રયોજેલા ‘જુદા જુદા’ની જગ્યાએ શબ્દની ફેરબદલ કરી હતી અને કવિએ મૌન સેવ્યું હતું. કવિએ મને અળગી અળગીના સ્થાને જુદી જુદી કરવાનું કહ્યું ત્યાં તો મારું ધ્યાન ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ સંગ્રહના 49મા પાને બિરાજમાન આખી ગઝલ પર પડ્યું. અહો ! અહીં તો મત્લા ઉપરાંતના એક શેરને બાદ કરતાં આખી ગઝલ જ અલગ છે… કવિએ કહ્યું, “વાત સાચી છે. ગઝલ આખી જ બદલાઈ ગઈ પણ આજે મને લાગે છે કે જૂની ગઝલના શેર વધુ સશક્ત હતા… એને કેમ કરીને મેં પડતાં મૂક્યા એ મનેય સમજાતું નથી પણ ગઝલસંગ્રહની બીજી આવૃત્તિમાં આ જૂના શેર જરૂરથી સમાવી લઈશ…”
આ ગઝલની લગોલગ જૂની ગઝલ માણવાનું ન ચૂકાય..
Permalink
December 30, 2010 at 11:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, દિલીપ ઘાસવાલા
જત જણાવવાનું સખી, જો પ્રેમનાં પુષ્પો ઝરે,
સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે.
વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી,
મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે.
શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને.
પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે.
મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો,
લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે.
ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,
હારની પીડા ખમી લે- તે જ ઊંચે સંચરે.
-દિલીપ ઘાસવાલા
દિલીપભાઈની આ સ-રસ ગઝલમાં મક્તાનો શેર શિરમોર થયો છે… કવિશ્રીનાં સ્વરમાં આ ગઝલનું પઠન અહીં સાંભળી શકો છો.
Permalink
December 29, 2010 at 11:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, રઈશ મનીયાર
યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
-રઈશ મનીઆર
Permalink
December 28, 2010 at 9:38 PM by ધવલ · Filed under મુક્તક, હિતેન આનંદપરા
આંધળો આવેગ લઈ જીવી રહ્યા,
ઝૂર ભેગાભેગ લઈ જીવી રહ્યા.
સૂર્યનું સંતાન કહેવાશો તમે,
કર્ણનો ઉદ્વેગ લઈ જીવી રહ્યા.
– હિતેન આનંદપરા
Permalink
December 27, 2010 at 11:09 PM by ધવલ · Filed under અછાંદસ
એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી
એક સુંદરીના રૂપમાં ખડી રહું
અને એના મિત્રોને મિજબાની માટે
બોલાવી શકાય અડધી રાત્રે પણ
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જાઉં
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી
પણ શકે.
– કાલિન્દી પરીખ
આજે પણ આ સચ્ચાઈ છે. હા, થોડી પરિસ્થિતિ સુધરી છે. પણ કહે છે કે the more things change, the more they stay the same.
Permalink
December 26, 2010 at 2:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જયા મહેતા, માર્જોરી પાઈઝર, વિશ્વ-કવિતા
હું પ્રથમ જાગી
વિશાળ નદીને કાંઠે કાંઠે પરોઢનું અભિવાદન કરતી
હસતા ગધેડાઓની અસંખ્ય ચીસોથી.
હું ફરી જાગી
પર્વત પરથી સૂર્યે
મને ઉઠાડવાને બહાર નીકળીને
ગીચ છોડ તરફ જવા માટે,
ઊંચા શ્વેત વૃક્ષો તરફ જવા માટે,
માછલી ભરી હોડીઓ અને પુરાણા
કબરસ્તાન તરફ જવા માટે
સાદ કરતો સ્પર્શ મારી આંખને કર્યો ત્યારે.
કબર પાસેના લાંબા ઘાસ પર
ઝાકળ જ ઝાકળ પથરાયેલું હતું, ભીનું;
અને મારો કૂતરો પતંગિયાં ને મધમાખીઓનો પીછો કરતો
એમની પર છલાંગ્યો.
જૂની કબરના પથ્થર ઢળતા જાય છે,બેસતા જાય છે,
ટેકરીની જમીન નીચે-
જૂના હાડકાં જૂની ભૂમિ પર માટીમાં ભળતાં જાય છે,
નવી જમીન અને નવું જીવન નિર્માણ કરતાં કરતાં.
આવી શાંત ટેકરી પર
આવી સ્વસ્થ ઊંડી નદીને કાંઠે
હું સૂઈ શકું
મારો સમય આવે ત્યારે
અને કૂતરા પીછો કરતા હોય પતંગિયાં અને મધમાખીઓનો,
મારા નકામાં હાડકાં પર.
– માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)
તત્ત્વમસિ !
Permalink
December 25, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
વરસી ગયા રે વાદળમાં વનમાળી;
કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ?
જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,
અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;
રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી. – વરસીo
તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,
જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;
શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી. – વરસીo
-પ્રિયકાન્ત મણિયાર
આમ તો શિયાળો બેસી ગયો છે પણ પ્રેમમાં તો બારે માસ ચોમાસુ જ રહેવાનું… કહ્યા વિના અચાનક જ આવીને પ્રિયતમ રોમે રોમે વરસી જાય પછી કંઈ કણ-કણમાં આગ લાગ્યા વિના રહે ?! હૃદયના કોઈ તપ્ત ખૂણો જરા ભીનો થાય કે મનમાં કેટલીક સ્મૃતિઓ કૂવા સમી છલકી ઊઠે અથવા સંગાથની સરવાણી સમયધારામાં વહી નીકળે, આ બધામાં પણ ખાલીપો ખાલીપો જ રહે છે જ્યાં લગી એ કાયમી વસવાટ કરવા નહીં આવે…
Permalink
December 24, 2010 at 6:57 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે
ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે
જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે
લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે
બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે
-યામિની ગૌરાંગ વ્યાસ
રસ્તો હોય, આપણી સફર હોય, ઘેલછા હોય કે મહત્ત્વાકાંક્ષા – કશાયનો ક્યાંય અંત નથી. તૃષ્ણા રસ્તાની જેમ જ પૂરપાટ દોડતી રહે છે, બસ ! અને મૃત્યુ જિંદગી સાથે જ જોડાયેલી કેવી અનિવાર્ય ઘટના છે કે ભલભલા પોતાની રમત અડધી મૂકીને ચાલ્યા જાય છે ! બધા શેર સારા છે પણ મને સૌથી વધુ ગમી ગયો આખરી શેર… વાત કયી ધરતીની છે ? આખા ઉનાળાભેર ધખેલી ધરતીનો તલસાટ વરસાદના બે-ચાર ફોરાં વરસતાં જ ગાયબ થઈ જાય છે… કોઈ સ્નેહપિપાસુ હૈયાની આ વાત નથી ?
Permalink
December 23, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીનાક્ષી ચંદારાણા
ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે!
સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે!
સાવ સોનલ સાંકળી શાં દીસતાં આ બંધનો,
દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે!
રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,
કુંભ આ અમ્રતનો અવરથ જાય રે, ચાલો હવે!
આ કલમ કાગળની વચ્ચે, ઝૂલતું કલરવ સમું,
વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે!
શ્વાસના આવાગમનના છળ વચાળે હર કદમ,
દૂર ઝળહળ જ્યોત શું વરતાય રે, ચાલો હવે!
– મીનાક્ષી ચંદારાણા
ગરબીના ઢાળમાં ગઝલ… પણ બધા જ શેર અટકીને વાંચવા પડે તેવા…
Permalink
December 22, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત
(કવયિત્રીના હસ્તાક્ષરોમાં એક ઓર ગઝલ લયસ્તરો માટે)
*
અજંપો આ મોસમનો ઘૂંટાય ભીતર,
ને વાદળ ઉદાસીનાં ઘેરાય ભીતર…
આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…
કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…
અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?
ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…
– દિવ્યા મોદી
હવે આ ગઝલના કયા શેરને ગમાડીએ અને કયાને નહીં? પ્રેમ અરુઢતાથી વ્યાખ્યાયિત કરતો ચોથો શેર જો કે મને વધુ ગમી ગયો…
Permalink
December 21, 2010 at 8:19 AM by ધવલ · Filed under આસિફ મીરાં, ગઝલ
પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે
ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં
ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે
આભાસી ભીંત ચીતરું છું ઝાકળની આંખમાં
શબ્દો ગઝલના પ્રાસ બની વિસ્તર્યા કરે
ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે.
– આસિફ મીરાં
પીળા પડી ગયેલા સમયની આ ગઝલમાં અભાવ અને ઉદાસીને કવિએ બારીકાઈથી કંડાર્યા છે.
Permalink
December 20, 2010 at 8:58 AM by ધવલ · Filed under અછાંદસ, સૌરભ શાહ
સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી,
વર્તુળને ખૂણાઓ હોયવાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.
મારા વગર તું ભલે
કૂપરમાં ડૉગ શો જોવા જઈ શકતી હોય,
ઈરોસના ઈંટરવલમાં કોન આઈસક્રીમ ખાઈ શકતી હોય,
સેટર્ડેએ સાંજે અમરસન્સમાં શૉપિંગ કરવા જઈ શકતી હોય.
અને તારા વગર હું ય ભલે
મહર્ષિ કરવે રોડ ઓળંગી શકતો હોઉં,
ઈરાનીમાં જ્યુક બૉક્સ સાંભળી શકતો હોઉં,
લૉટરીના રિઝલ્ટ ખરીદીને લૉટરી સહિત ફાડી શકતો હોઉં.
પણ જો તું હોત તો
રસ્તો ઓળંગવાને બદલે સબ-વેમાં જવાનું મન થાત,
જ્યુક બૉક્સમાંથી સિક્કા નાખ્યા વગર કોઈ સૂર સંભળાયા કરત,
લૉટરી…. ???!!!
બસમાં તારી ટિકિટ કઢાવું અને તું ‘થેંક્યું’ કહે
થોડી મોડી આવે અને તું ‘સૉરી’ કહે,
વાતવાતમાં ‘પ્લીઝ’ ને વાતવાતમાં ‘વેલકમ’.
પણ મને ક્યારેય આ બધા શબ્દોનું વાક્ય બનાવીને
એનો અર્થ કાઢતા આવડ્યું નહીં.
લોકો તો માનતા કે આપણા સંબંધો તો બારમાસી છે –
પણ એ ભોળાઓને ક્યાં ખબર
કે
શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
અને તારા મૌનને બારણે ઊભા ઊભા
એય થાકીને ખરી જતા હતા.
– સૌરભ શાહ
ઉપરથી સુંવાળા, સુરેખ દેખાતા સંબંધમાં અણીયાળો ખૂણો ઉપસી આવે ત્યારે ખ્યાલ આવે કે દરેક સંબંધ-વર્તુળને ખૂણા હોય જ છે. કવિએ એકપક્ષી સંબંધની વ્યથાને ધાર કાઢીને મૂકી છે.
Permalink
December 19, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત
લયસ્તરો.કોમની છઠ્ઠી વર્ષગાંઠ અને બે હજારથી વધુ કવિતાઓની ઉજવણી લગભગ બે અઠવાડિયાથી આપણે કરી રહ્યાં છીએ… જીવનમાં અગત્યનો ભાગ ભજવી ગયેલી કવિતાઓ વિશે અમારી સાથોસાથ આપે ઘણા બધા વાચકોની કેફિયત પણ માણી અને સાઇટ-મીટર અને પ્રતિભાવોની સંખ્યા અમને કહી રહ્યાં છે કે આ ઉજવણીને અમારી ધારણા કરતાં પણ ખૂબ વધારે સારો અને હૂંફાળો પ્રતિભાવ સાંપડ્યો છે… આ યાત્રામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાનાર સહુ દોસ્તોનો અંતઃકરણપૂર્વકનો આભાર… કેટલાક મિત્રોની કેફિયત અમે સહિયારા નિર્ણયથી સમાવી શક્યા નથી એ બદલ દિલગીર છીએ…
છેલ્લે છેલ્લે, બે-એક મિત્રોની વાત માણી લઈએ…
*
જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ પડતી અનુભવાય ત્યારે ત્યારે પ્રકૃતિના ખોળે બેસી બાલાશંકર કંથારિયાની “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે” હૈયે આવીને બેસી જાય અને મન શાંત થઇ જાય. તો વળી જીવનમાં ખુશી સાંપડે તો સુંદરમનું પેલું અદભુત કાવ્ય “વિરાટની પગલી”અને “મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે” હોઠ ગણગણવા લાગે. મને યાદ છે દીકરાના જન્મ વખતે, પૌત્ર-પૌત્રીના આગમન ટાણે, પ્રથમ પૂસ્તકના સર્જન સમયે કે આનંદના દરેક અવસરે એ કાવ્ય મનને માંડવડે અચૂક આવીને શોભી ઉઠે.
– દેવિકા ધ્રુવ
*
… દસેક વર્ષ પૂર્વે કાવ્ય લખવાની મારી શરૂઆત હતી. કાવ્ય સ્વરૂપોનો ખાસ ખ્યાલ નહોતો. એવામાં મુંબઈના સાન્તાક્રુઝ પરામાં નિયમિત ભરાતી સાહિત્ય સંસદમાં જવાનું થયું. એ દિવસના વક્તા આવ્યા નહોતા, એ દરમ્યાન નીતાબેન રામૈયાએ મને મારી કોઈ રચના સંભળાવવાનું કહ્યું. મેં એક રચના સંભળાવી. તરત જ શ્રોતાઓમાં બેઠેલા નીતિનભાઈ મહેતાએ કહ્યું, અરે ! આ તો કટાવ છે. અનાયાસે આવેલા કટાવ છંદ વિષે પછી તો મેં સંશોધન આદર્યું. આખરે શ્રી રા. વિ. પાઠક સાહેબના બૃહત પિંગળમાંથી મને માહિતી મળી. શબ્દ સાથેનો નાતો વધુ ઘેરો થયો. પિંગળના વધુ અભ્યાસે મને અનેક દેશી છંદોનો પરિચય કરાવ્યો.
– જ્યોતિ હિરાણી
*
સંજોગોએ મને એવો ઘેરી લીધો કે અંતે પદ્ય રચનાઓ લખ્યા વિના રહેવાયું નહી… પહેલો સંજોગ, જુનાગઢમાં જન્મ. કવિ પ્રફુલ્લ નાણાવટી સાથે કાકા હોવાને નાતે સંયુક્ત કુટુંબમાં રહેવું એ બીજો સંજોગ. કાકાને ત્યાં દર મંગળવારે કવિગોષ્ઠી થતી ત્યારે ખૂણામાં બેસી પ્રતિષ્ઠિત કવિઓ જેવા કે મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ, પ્રફલ્લ નાણાવટી,
બરબાદ જુનાગઢી, દરબાર સાહેબ (રૂસવા મઝલૂમિ), ગોવિંદ ગઢવી વગેરેને ખૂબ સાંભળ્યા, ખૂબ માણ્યા અને કદાચ અજાણતાજ ઉરમાં ઉતાર્યા, એ સંજોગ ત્રીજો ! મારા ખાસ મિત્ર અને રાહબર કવિ ડો, ઉર્વીશ વસાવડાના પ્રથમ સંગ્રહ ‘પીંછાનું ઘર’ ના વિમોચન પ્રસંગે મુશાયરાના માહોલ વખતે કદાચ નાનપણની સંઘરાયેલી ઊર્મિઓ સળવળી અને અંતે મારે પણ કંઈક લખવું એ નિર્ધાર સાથે લખવું શરૂ કર્યુ, એ સંજોગ ચોથો!
– ડૉ. જગદીપ નાણાવટી
*
કેફિયત મોકલનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…
Permalink
December 18, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, કરસનદાસ માણેક, ગીત, પ્રાર્થના
પાણી વહે તો પથ્થરો કોરાય નહીં તોય ભીના તો જરૂર થાય. કવિતા પણ ક્યારેક કોરે પણ ભીંજવે કાયમ. ગૌરાંગ ઠાકરની ગઝલો આંખ મીંચીને કોઈ બીજાના અવાજમાં સાંભળવાની થાય તોય ખ્યાલ આવી જાય કે આ ગૌરાંગ ઠાકરની કલમ છે. એમની રચનાઓમાં ખાસ એમની જ શૈલીમાં ઈશ્વર અને પ્રકૃતિ કેમ ડોકાતા રહે છે એનું રહસ્ય આજે આપણને ખબર પડશે…
*
જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીનદુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન
સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન
વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.
– કરસનદાસ માણેક
ગુજરાતી કવિતાની પ્રતિષ્ઠિત વેબ સાઈટ લયસ્તરો ડોટ કોમ એની સ્થાપનાના છ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તેના તમામ સંચાલક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું.
મારી વાત કરું તો મારા માટે આ પ્રશ્ન ખરેખર મુંઝવણ ઉભો કરતો પ્રશ્ન રહ્યો કારણ કે ગુજરાતી ભાષાની કંઈ કેટલીય કવિતાઓ મને સ્પર્શી છે અને મારા જીવનને વળાંક પણ આપ્યો છે, તેમાં માત્ર એક કવિતાની વાત હું કઈ આંગળીને કાપું ને લોહી ના નીકળે એવી વાત છે.તેમ છતાં જીવનના પ્રારંભિક કાળમાં શાળામાં ગવાતી આ કવિતા જીવન અંજલિ થાજો… મને ખૂબ ગમી હતી. આ પ્રાર્થના ગીતના બંધારણને મળતી છે એ તો પછીથી જાણ થઈ અને મારા આનંદનો પાર ન રહ્યો. અને જાણ્યું કે જે કવિતા પ્રાર્થના થઇ જાય તે સાચી કવિતા. પછી તો ભણવામાં કલાપીની આપની યાદી ગઝલ ભણ્યો,ને કવિતા તરફની મારી આ માન્યતા વધુ મજબુત થઇ અને આજે પણ હું જીવનના કપરા સંજોગોમાં આ કવિતાઓ ઉપરાંત ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા’ કે ‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના’ વાંચું કે સાંભળું તો જીવવાનું બળ મળી રહે છે. આમ કવિતાએ મારા માટે ઈશ્વર આરાધનાનું સ્થાન લીધું છે અને ત્યાર પછીની મારી કવિતાઓમાં પણ મેં મારી ઈશ્વર પ્રીતિ અને પ્રકૃતિ પ્રેમ વણવાનો પ્રયાસ કર્યો છે.
– ગૌરાંગ ઠાકર
Permalink
December 17, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, અછાંદસ, ઑક્તોવિયો પાઝ, જગદીશ જોષી
કોઈ એક કવિતા કે કાવ્યાંશના કારણે શું કોઈ માણસની આખી જિંદગી, જિંદગી તરફનો અભિગમ બદલાઈ શકે ખરો ? એક કવિની ભીતરની બારી શું ખુલીને આકાશ થઈ શકે ખરી? તો ચાલો, આજે જોઈએ મુકુલ ચોક્સીની કબૂલાત…
*
સૂર્યઘટિકાયંત્ર
પ્રણય એટલે પોતાના બધા નામો
એક્સાથે ઉતરડી નાખવા તે:
મને યાદ આવે છે મેડ્રિડ 1937
એંજલનો ચોકમાં સ્ત્રીઓ
પોતાના બાળકો સાથે સીવતી’તી ને ગાતી’તી
ત્યારે ઓચિંતી બૂમરાણ સંભળાઈ’તી ને સાયરનો ચીસી ઊઠી’તી
જ્યારે મકાનોને ધૂળ ચાટતા કરાયા’તા
ઈમારતોના ચહેરા ભાંગતા’તા
અને વિમાનોના યંત્રોનો સતત ઝંઝાવાત
બે વ્યક્તિઓએ પોતાના કપડા ફાડી નાખ્યા
અને સ્નેહ સંભોગ કર્યો
ઊગારી તેવા માટે શાશ્વતીના આપણા હિસ્સાને
સમયના અને સ્વર્ગના આપણા હિસ્સાને ઊગારી લેવા માટે,
આપણા મૂળિયા સુધી છેક ઊંડે જઈને આપણને તારવા માટે,
હજારો વર્ષ પહેલાં જીવનના લૂંટારાઓ આપણી પાસેથી જે
જીવનનો વારસો ચોરી ગયા હતા તે વારસાને બચાવી લેવા માટે
પેલા બન્નેએ પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં અને બાથ ભીડી દીધી
કારણ કે જ્યારે બે નગ્ન, નિઃસ્વાર્થ વ્યક્તિઓ ભેગી મળે છે
ત્યારે તેઓ સમયની આરપાર ઊડી જાય છે અને અભય બની રહે છે
કંઈ કરતાં કંઈ પણ તેમને સ્પર્શી શકતું નથી
ત્યાં કોઈ હું કે તું નથી, કે નથી આવતીકાલ
ગઈકાલ કે નથી નામો,
હું મારા ઉન્માદને, ઓરડીઓને, ગલીઓને અનુસરું છું
સમયની પરસાળોમાં હું ફંફોસતો ફંફોસતો ભમું છું
હું પગથિયા ચડું છું ને ઊતરું છું
હલનચલન વગર હું દીવાલો માટે આથડું છું
જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછો ફરું છું
હું તારો ચહેરો ઢૂંઢૂં છું
એક અનાદિ સૂર્ય તળેની મારી પોતાની
હયાતિની ગલીઓમાં હું પળું છું અને તું મારી પડખે
ચાલે છે એક વૃક્ષની જેમ
તું નદીની જેમ ચાલે છે,
મારા હાથમાં એક ખિસકોલીની જેમ તું સ્પંદે છે
તું ઊડે છે સેંકડો પંખીઓની જેમ, તારું હાસ્ય
મને પાણીના છંટકાવની જેમ ભીનાવે છે,
તારું માથું મારા હાથમાં એક નાનકડો તારલો છે
તું જ્યારે સંતરું ખાતાં ખાતાં હસે છે ત્યારે દુનિયા
ફરી હરિયાળી બની જાય છે.
– ઑક્તોવિયો પાઝ
(અનુ. જગદીશ જોષી)
એ જમાનો કોલેજકાળનો હતો, સ્વ. સુરેશ જોષીની અસરમાં પશ્ચિમના કવિઓના કાવ્યો વાંચવાનો હતો, નેરુદા, લોકૉ, યેસેનીન, હાલાન અને વાસ્કો પોપાના કાવ્યો મમળાવવાનો હતો. ત્યારે આ બધા કવિઓની ભાષાપ્રચૂરતા જોઈને દંગ રહી જવાતું. એ કાળ સંવેદનોનો, સંબંધોનો અને તીવ્ર લાગણીઓના ઊછાળનો કાળ હતો. પ્રણયની આવેશમય અનુભૂતિઓથી મન સતત તરંગિત રહેતું. ત્યારે સ્વ. જગદીશ જોષી દ્વારા લેટિન અમેરિકન કવિ ઓક્તોવિયો પાઝની આ દીર્ઘ કવિતાનો તૃતીય એવો ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ કાવ્ય પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ કાવ્ય કરાવે છે. આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું. ઉપર પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ…
-મુકુલ ચોક્સી
Permalink
December 16, 2010 at 12:45 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, હેમંત પૂણેકર
મરાઠી માનુસ હોવા છતાં ગુજરાતી ગઝલમાં પોતાનો ‘માર્ક’ છોડી શકનાર કેટલાક કવિઓમાં હેમંત પુણેકર પણ મોખરાનું સ્થાન ધરાવે છે. એમના સો ટચના સોના જેવા ‘હેમકાવ્યો‘થી આપણે સહુ પરિચિત છીએ. આજે એમની જ એક ગઝલ હારોહાર એમના કવિજીવનના વળાંકોથી પરિચિત થઈએ…
*
ગયાં સૌ સપન એ વિસારે ગયાં
નિશાના નિશાનો સવારે ગયાં
મળી છાંય દિલનેય ટાઢક મળી
બપોરે સજનના ઇશારે ગયા
સમી સાંજ ને યાદ ખંજર સમી
અમે તો તમારા વિચારે ગયા
પડી રાત રાહો નિરાંતે પડી
પ્રવાસી બધાયે ઉતારે ગયા
ભર્યા શ્વાસને લો તમે સાંભર્યા
દિવસ રાત એના સહારે ગયા
– હેમંત પુણેકર
કૉલેજકાળ (૧૯૯૬-૨૦૦૦) માં ક્યારેક અછાંદસ કવિતા લખતો. પછી ઉચ્ચશિક્ષણ અને વ્યવસાયને કારણે કવિતા સાથે સંપર્ક તૂટી ગયો. ૨૦૦૬માં વિવેકભાઈની સાઈટ “શબ્દો છે શ્વાસ મારા” જોયા પછી બ્લૉગજગતનો પરિચય થયો અને મારી જૂની રચનાઓ પોસ્ટ કરવાના ઇરાદાથી મેં મારો બ્લૉગ હેમકાવ્યો બનાવ્યો.
ગુજરાતી બ્લૉગજગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી કવિતાના સંપર્કમાં આવ્યો. લયસ્તરો અને ટહુકો જેવી સાઈટ્સ પર અનેક નામી અનામી કવિઓની કવિતાઓ વાંચવા મળી. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરી કવિતા લખવાનું ચાલુ કર્યું ત્યારે ગઝલસદૃશ રચનાઓ લખતો – ફક્ત રદિફ-કાફિયા સંભાળતો – પણ છંદ વિશે બહુ જાણકારી નહોતી. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા” સાહેબના બ્લૉગ પરથી છંદો વિશે જાણકારી વાંચીને ફક્ત ગમ્મત ખાતર આ રચના લખી. ત્યારબાદ છંદબદ્ધ ગઝલો લખવાનો સિલસિલો ચાલુ થયો જે આજેય ચાલે છે અને એવું લાગે છે કે હવે આજીવન ચાલુ જ રહેશે.
Permalink
December 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, ચિનુ મોદી
લયસ્તરોના નિયમિત વાચક દીપક પરમારની કવિતા માટેની લગન અને કાવ્યમાર્ગની સફર વિશે બે’ક વાતો:
*
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે. મને યાદ નથી કે ‘પર્વતને નામે પથ્થર’ ( ચીનુ મોદી) ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવી હતી પણ જે દિવસે મેં આ ગઝલ પહેલી વાર વાંચી, બસ વાંચતો જ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમાં પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધા જ કાવ્યો અને ગઝલ પહેલાં દિવસે જ વાંચી જતો.
આમ તો વ્યવસાયે હું સૉફટવેર એન્જીનીઅર છું એટલે આખો દિવસ મારે કમ્પ્યૂટર જોડે માથાકૂટ કરવાની હોય. એક દિવસ અચાનક હુ “લયસ્તરો” વેબ સાઇટ ઉપર જઈ ચડ્યો અને પછી તો તે રોજની દિનચર્યા થઈ ગઈ. બસ આમ જ એક દિવસ એક કવિતાના અભિપ્રાય રૂપે મેં મારી એક કવિતા મૂકી. થોડા દિવસો પછી મને સુરેશભાઈ જાની તરફથી મેલ આવ્યો કે મારી કવિતા એ એમના બ્લોગ ઉપર મૂકવા ઇચ્છે છે. મારે મન તો આ ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ હતો. બસ, પહેલી વાર મને વિશ્વાસ થયો કે આ નવા નિશાળિયાનુ લખાણ પણ બ્લોગ ઉપર મૂકી શકાય. અને, થોડા સમય પછી મેં મારો પોતાનો બ્લોગ શરુ કરવાની હિંમત કરી અને શરૂ થઈ એક નવી જ સફર… ચિનુ મોદીની એ કવિતા, લયસ્તરો અને…
– દીપક પરમાર
Permalink
December 14, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, રઈશ મનીયાર
અમારી માંગણીને માન આપીને રઈશભાઈ લયસ્તરોની આ યાત્રામાં જોડાયા એ અમારે મન મોટો પુરસ્કાર છે…
*
દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા
પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઈને નિહાળતો જા
આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા
ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઈને નિહાળતો જા
તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા
– રઈશ મનીઆર
હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.
કવિ રઈશ મનીઆરની આ રચના માનવ રઈશ મનીઆરને કેટકેટલા લાભ કરાવે છે! એના જીવનમાં કુતૂહલ વિરમે છે, બાળસહજ પ્રશ્નો વિરમે છે, વિચારબાહુલ્ય અને વિકલ્પોની નિરર્થકતા સમજાય છે, ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે, દરેક વસ્તુનો પ્રતિભાવ આપવા કે સેવવાની મજબૂરીમાંથી છૂટકારો મળે છે.
આજની તારીખે આ કવિતાના ભાવ પર મારું સંપૂર્ણ અવલંબન નથી. જીવન શાંતિપૂર્વક અને રસપૂર્વક જીવવા માટેના અન્ય આધારો કવિતામાંથી અને કવિતાઈતર જગતમાંથી શોધી કાઢ્યા છે. પણ નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે.
મારી કવિતાઓ સામાન્યરીતે મને લાંબો સમય સુધી ગમતી નથી. લખ્યાને સાત વર્ષ થયા, તો ય આજે પણ આ ‘લગાલગાગા’ના ચાર આવર્તનો પર ડોલવાનું મને હજુ ગમે છે.
Permalink
December 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, મનોજ ખંડેરિયા
ક્યારેક કોઈ કવિતા મનુષ્યની અંદરના કવિને જાગૃત કરે છે તો ક્યારેક કોઈ વેબસાઇટ પણ.. લયસ્તરો અને ફેસબુકના કારણે કવિતાની કેડી પર પગલાં પાડવાની શરૂઆત કરનાર નરેશ ડૉડીયા શું કહે છે એ આજે જોઈએ:
*
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
– મનોજ ખંડેરિયા
લગભગ દોઢ વર્ષ થયાં હું ફેસબૂકમાં જોડાયો. ત્યાર બાદ ગઝલોની અવનવી વેબસાઇટ સાથે મિલાપ થતો રહ્યો.. ફેસબુકમાં ગુજરાતનાં નામી કવિઓ સાથે જોડાતો ગયો. આમ તો સાહિત્ય સાથે અમારે બાપેમાર્યા વેર કહેવાય કારણ કે અમારો લોંખડનો વેપાર અને અભ્યાસ પણ બહુ ન કહી શકાય… ફેસબુકમાં બધાને લખતાં જોઈ માંહ્યનો સાહિત્યરસિક જીવ સળવળી ઉઠયો અને પછી વિવેકભાઈના કારણે લયસ્તરોનો મેળાપ થયો… પછી તો ‘મોસાળે જમણવાર અને મા પીરસે’ જેવો ઘાટ થયો…. લયસ્તરોમાં નામી કવિઓની રચના વાંચી વાંચીને ધીરે ધીરે લખતા શીખ્યો. જિંદગીમાં કદી રદીફ, કાફિયા, છંદ, આછાંદસ, મક્તા, મત્લા- એવાશબ્દો સાંભળ્યા ન્હોતા. ખરેખર મારી લેખિનીને લયમાં લાવવા માટે લયસ્તરોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
લયસ્તરોને છ વર્ષ પુરા થયા એનાં માટે હાર્દિક શૂભેચ્છાઓ, દિલ સે…!! અમારી આવનારી સાત પેઢી પણ લયસ્તરો સાથે સકળાયેલી રહેશે એવી આશા સાથે જય જય ગુર્જરી….. જય જય ગુજરાતી…
આ સાથે મારી મનગમતી અને મારા મનગમતા કવિ શ્રી મનોજભાઇની ખંડેરિયાની રચના મોક્લુ છું, જેં વાંચીને મનોજભાઇને શબ્દદેહે મારી આસપાસ ભાળુ છું.
– નરેશ કે. ડૉડીયા
Permalink
December 12, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગીત, ચંદ્રકાન્ત શાહ
આજે રેખા સિંઘલની કલમે હૃદયના તાર “હચમચાવી” મૂકે એવી કવિતા સાથે મૂળથી અળગા થયાની વેદના માણીએ…
*
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના.
શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવું
હોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવું
સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો
શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતાં – ઠીક છીએ ભૈ છીએ જેમ જ્યાં તહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
– ચન્દ્રકાંત શાહ
અમેરિકા આવ્યાની શરૂઆતના દિવસોમાં જાતની ઓળખના ચૂરેચૂરા થયા પછીની વેદના લગભગ દરેક ઈમીગ્રાંટે અનુભવી છે. નવી ઓળખ ઉભી કરતા પહેલાં અહીંના એટલે કે આ દેશના થવું પડે તે જરૂરી હોવા છતાં અઘરૂં હતું. જ્યાંના હતાં ત્યાંથી ઉખડી રહ્યા હતા અને અહીં હજુ રોપાવાના સંઘર્ષની શરૂઆત હતી. એ સમયમાં હ્રદયના ભાવોને એક વિશાળ ફલક પર મૂકતી આ રચના ચંદુભાઈના સ્વમુખે સાંભળવાનો મોકો મળ્યો ત્યારે સ્વ. શ્રી આદિલ મન્સૂરી અને બીજા કેટલાક નામી કવિઓ પણ આ સંમેલનમાં હતાં તે વાતને આજે પંદરથી વધારે વર્ષો વીતી ગયા છે પણ આ રચના દિલમાં ઊંડી ઉતરી ગઈ. પરમ તત્વ તરફ દ્રષ્ટિપાત કરતી આ રચનાના શબ્દે શબ્દમાં લય અને માધુર્ય નીતરે છે.
– રેખા સિંધલ
Permalink
December 11, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ઉપેન્દ્રાચાર્ય, બાળકાવ્ય
સુનિલ શાહને એમની કવિતાઓ- કવિતાનો ક-થી નેટ જગતમાં બધા ઓળખે છે. એક જ કવિતા ક્યારેક જીવનમાં અણધાર્યો વળાંક આણી શકે છે… બાળપણમાં ગમી ગયેલી એકાદ કવિતામાંથી કે કવિનું સર્જન પણ થઈ શકે છે.. આજે માણીએ સુરતના સુનિલ શાહની વાતો…
*
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
. એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
. એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
. એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
. એ તો કેવી અજબ જેવી વાત છે !
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
. એ તો કેવી અજબ જેવી વાત છે !
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
. એ તો કેવી અજબ જેવી વાત છે !
– ઉપેન્દ્રાચાર્ય
વાત..કવિતામાં સૌ પ્રથમ રસ ક્યારે પડ્યોની કરવી હોય તો પહેલા કે બીજા ધોરણમાં અને તે પછી અનેકવાર સાંભળેલ બાળગીતે મને કવિતામાં રસ જગાડેલો. કવિશ્રી ઉપેન્દ્રાચાર્યનું એ બાળગીત કે જેમાં બાળકના મનમાં છલકાતા વિસ્મયના ભાવોનું અદભૂત નિરૂપણ થયેલું છે. આ બાળગીત શાળામાં લયબદ્ધ રીતે ગવડાવાતું..તેને ગાવાની, ગણગણવાની આજેય મઝા પડે છે. શાળા કે કોલેજ કક્ષાએ તો વળી વિજ્ઞાનમય બની ગયેલો, તેથી સાહિત્ય સાથે ઝાઝો નાતો નહી, પણ અર્થસભર હિન્દી ગીતો–ગઝલો સાંભળવી ગમતી. એમ અનાયાસે મારો કવિતા પરત્વે નાતો બંધાતો ગયો. ૧૯૮૫માં સુરત સ્થાયી થયો, ૧૯૯૫ આસપાસથી કવિ સંમેલનો, મુશાયરાઓમાં શ્રોતા તરીકે સુરતના કવિઓને માણતો ગયો અને મારો ગઝલ પરત્વે નાતો બંધાતો ગયો. મને ગઝલમાં રસ લેતો કરવામાં સુરતી કવિઓનો ન ભૂલી શકાય તેવો ફાળો રહ્યો છે. મને ગમતી ગઝલો તો અનેક છે.. પરંતું મને સૌથી વધુ ગમતું ગીત…..મને વિશ્વાસ છે, એ તમને પણ ગમતું જ હશે…!
Permalink
December 10, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગીત, નાથાલાલ દવે
નેટ-જગતમાં શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસને આપણે સહુ પ્રજ્ઞાજુ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ અમિતાભ બચ્ચનની જેમ એક થી દસેદસ ક્રમ અંકે કરી શકે!! આજે જોઈએ કે કઈ કવિતા એમને ક્યાં અને કેવી રીતે સ્પર્શી ગઈ છે!
*
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
– નાથાલાલ દવે
જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…
-પ્રજ્ઞા વ્યાસ
Permalink
December 9, 2010 at 1:46 AM by વિવેક · Filed under અંગત અંગત, બાલમુકુન્દ દવે, સોનેટ
‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીમાં આજથી વાચક-મિત્રો જોડાશે… આપ પણ આપની અનુભૂતિ અમને ઇ-મેલ કરી શકો છો.
*
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
– બાલમુકુન્દ દવે
(દૃગ=આંખ)
સાલ હતી ૧૯૬૩. હું ત્યારે કપડવણજ કોલેજમાં ભણું. ચદ્રકાન્ત શેઠ અમારા ગુજરાતીના અધ્યાપક. તેમણે અમદાવાદ જવાનું વિચાર્યુ અને તેમની જગા લીધી ચિનુ મોદીએ. બન્ને કવિઓ પણ તેમની વચ્ચે આસમાન -જમીન જેવો ફરક! શેઠ સાહેબ તો મારી પોળ નાના નગરવાડામાં જ રહે પરંતુ હું બને તેટલો દૂર રહેવા મથું જ્યારે ચિનુભાઈને ઘેર હું ક્યારેક તો વણબોલાવ્યો પણ પહોંચી જાઉં! હું કવિતા કરું ને ગઝલો પણ લખું પણ બધું અધ્ધરીયા ! એકવાર મારી થોડીક અછાંદસ કવિતાઓ બતાવા હું ચિનુભાઈને ઘેર ગયો. શનિવારની બપોર હતી. ઘરની રવેશ થોડીક અંધારિયા અને યાદ છે ત્યાં સુધી કોઈ બારી પણ નહીં! મારી કવિતાઓ ઝડપભેર વાંચી ને પછી કાગળિયાં બાજૂ પર મૂકતાં કહે : જો ભરત, રવીન્દ્રનાથ આવું બધું લખી ગયા છે એટલે આપણે આપણી કવિતા લખવાની. અમે બેઠા હતા તે ખાટલા પાસે જ એક મેજ પરથી એક પુસ્તકનાં પાનાં ફેરવતાં એક કવિતા પર પસંદગી ઉતારી- તે કવિતા તે બીજી કોઈ નહીં પણ આ હતી! આખીયે કવિતા ભાવવાહી રીતે વાંચી સંભળાવી. તે એક પળ હતી જેણે મને જૂની ઘરેડની કવિતામાંથી નવી કે આઘુનિક કવિતાના દ્વાર પર લાવી ખડો કરી દીધો ! બીજા જ અઠવાડિયે તો મારી નવી કવિતા -“રોમિયો-જૂલિયટ વાંચતાં થયેલે એક સરિયલ અનુભવ” કુમારમાં વંચાઈ ત્યારે કેવળ ચિનુભાઈ જ નહીં પણ આદિલ, મનહર મોદી, લા.ઠા. પણ હાજર હતા! એક કવિતા આપણી દિશા બદલી શકે છે.
ભરત ત્રિવેદી
Permalink
December 8, 2010 at 12:50 AM by ઊર્મિ · Filed under અંગત અંગત, ગઝલ, નયન દેસાઈ, મુક્તક, રિષભ મહેતા
કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું. ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી. શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા. એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ ! રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી. ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-
તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…
અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છે… ચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું. મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો. કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…
સ્વર-સંગીત: રિષભ મહેતા
[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]
હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?
કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.
એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.
– નયન દેસાઈ
સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો. ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું. જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા. દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે. અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે. કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…
Permalink
December 7, 2010 at 2:00 AM by તીર્થેશ · Filed under અંગત અંગત, ગઝલ, ગની દહીંવાળા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
ભાવકોની ક્ષમા માંગતા આ રચના મૂકું છું-અતિ જાણીતી રચના છે,પરંતુ મારે માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સમાન રચના આ જ છે. કાવ્યપ્રકાર માટે પ્રથમ આકર્ષણ થયું હતું. ચોથા ધોરણમાં-૧૦ વર્ષની ઉંમરે, ૧૯૮૦માં – કલાપીની ‘રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો….’ -રચનાએ મને હલાવી દીધો હતો. ‘ રે રે શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘા ને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે…’ – આ પંક્તિઓની સચોટતા આજેપણ ઉરને હચમચાવી મૂકે છે.
આશરે ૧૫ વર્ષની ઉંમરે મિત્રોની મહેફિલમાં ગનીચાચાની આ રચના પહેલીવાર સાંભળી. ધગધગતી છૂરી માખણમાં જેમ ઉતરે તેમ આ રચના કાળજામાં ઉતરી ગઈ. અનેકવાર આ ગઝલ વાંચી. પહેલાં સ્થૂળ અર્થમાં જ સમજ પડી. ધવલે તેનો સૂક્ષ્મ અર્થ સમજાવેલો- ‘ નિજ શત્રુઓ…’ એટલે બાહ્ય નહિ, પરંતુ આંતરિક રિપુઓ ! એ કાળ જુવાળોનો કાળ હતો, ઝંઝાવાતોનો કાળ હતો. તે સમયે આ ગઝલે એક મિત્રની જેમ, એક સખાની જેમ, એક સુહૃદની જેમ બરડો પંપાળ્યો હતો.
આજે પણ જયારે આ ગઝલ સામે આવે છે ત્યારે નખશિખ ભીના થઈ જવાય છે- એ ભીનાશ એ આંસુઓની છે કે જે વહી ન શક્યાં. પ્રત્યેક શેર ઉપર હું પાનાંનાં પાનાંઓ ભરી શકું એમ છું, પરંતુ તેની જરૂર નથી. આ ગઝલે મને અંતર્મુખતા આપી હતી, પ્રેમની ચરિતાર્થતા એટલે શું તે સમજાવ્યું હતું, એક નવી જ દૃષ્ટિ ખોલી આપી હતી. ત્યારબાદ ઘણી લાંબી મજલ કપાઈ ગઈ….સમયનું ચક્ર ફરતું ગયું…..ચંદ ક્ષુલ્લક ભૌતિક સફળતાઓએ પોતાની ક્ષણભંગુરતા અને નિરર્થકતાની પ્રતીતિ કરાવી. સાચી સફળતા એક-મેકના મન સુધી પહોચવામાં જ છે તે મોડું મોડું સમજાયું. અને કવિએ મત્લામાં જે ક્ષણના આવવાની દ્રઢ શ્રદ્ધા પ્રકટ કરી છે, તે ક્ષણના ઇન્તઝારમાં આજેપણ સદીઓ સમી ભાસતી ક્ષણો કપાતી નથી. કોઈના શ્વાસ બંધ તો થયા, પવન અગન સુધી ન ગયો; પરંતુ હૃદયની આગ બુઝાઈ નહિ. બસ, હવે એક-મેકના મન સુધી પહોંચવાની યાત્રા સફળ થાય તો ધન્ય થઈ જવાય….અદભુત આદર્શો વ્યાખ્યાયિત કરતી આ ગઝલ આજે પણ મારા માટે ચિરયૌવના છે…..
Permalink
December 6, 2010 at 1:26 AM by વિવેક · Filed under અંગત અંગત, આદિલ મન્સૂરી, વિવેક મનહર ટેલર
‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જીવનમાં અગત્યનો ભાગ ભજવી ગઈ હોય કે મહત્ત્વનો ‘ટર્નિંગ પૉઇન્ટ’ સાબિત થઈ હોય એવી રચના પોતાની કેફિયત સાથે મૂકવાનું ધવલે સૂચવ્યું એ દિવસથી વિમાસણમાં પડી જવાયું. કઈ કવિતા પર આંગળી મૂકવી અને કઈ પર નહીં એ ધર્મસંકટ બની ગયું. મારા વાચનખંડના બધા જ પુસ્તકો એકસામટા છાતી પર ધસી આવ્યા. મનોજ ખંડેરિયાની ગઝલો જેણે મને અજાણપણે કાફિયા-રદીફનું જ્ઞાન આપ્યું હતું એમાંથી એક પસંદ કરું કે કલાપીની આપની યાદીથી ચડેલા અનંત કેફને યાદ કરું, મરીઝનું ગળતું જામ હાથમાં લઉં કે પછી ગનીચાચાની દિવસો જુદાઈના જાય છે ને સ્મરું, કાન્તની સાગર અને શશીના કારણે કવિતામાં આવતી સૌંદર્ય દૃષ્ટિ ખુલી હતી એની નોંધ લઉં કે પછી ઉમાશંકરના ભોમિયા વિનાની કંદરાની વાત કરું – આ વિમાસણમાં હતો ત્યાં જ ઊર્મિ સાથે ફોન પર વાત કરતાં કરતાં મનમાં પ્રકાશ થયો… શા માટે એ એક આખી ગઝલ અને એક ગઝલની પંક્તિની વાત ન કરું જેણે મારી આખી જિંદગી જ બદલી નાંખી હતી !
ગઝલ
રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.
ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.
તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.
દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.
બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.
હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.
-વિવેક મનહર ટેલર
*
ગઝલ પંક્તિ
(આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,)
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો !
– આદિલ મન્સૂરી
*
જે શાળામાં ભણ્યો હતો એ જ જીવનભારતીના ઑડિટોરિયમમાં 1990-91ની આસપાસ એક કવિસંમેલનમાં કવિતા વાંચવા ગયો. કોલેજની જ એક છોકરી એ કવિ સંમેલનના એક ખૂણામાં બેઠી હતી અને મારા શબ્દો પોતાના લોહીમાં આત્મસાત્ થતા અનુભવી રહી હતી. મારી જાણ બહારની અમારી એ મુલાકાત પછી તો પ્રણય અને પરિણયમાં પરિણમી પણ મારા હાથમાંથી ગઝલ અને એ રીતે કવિતા છટકી ગયાં. શરૂમાં કોલેજના અભ્યાસની તાકીદ અને પછીથી નોકરી, પછી કન્સલ્ટિંગ રૂમ અને એ બાદ હૉસ્પિટલ શરૂ કરી જીવનમાં ઠરીઠામ થવાની અસંમજસ હતી કે પછી એક જ દિશામાં વળી રહેલી મારી ગઝલ માટેનો સમયનો તકાજો હતો પણ દોઢ દાયકા સુધી કશું નોંધપાત્ર લખી ન શકાયું. પંદરેક વર્ષમાં તો હું ભૂલી પણ ગયો કે હું ક્યારેક કવિતા પણ કરતો હતો. લખવાનું ભૂલી ગયો અને વાંચવાનુંય વિસારે પડી ગયું. પણ મારી કવિતાને ન ભૂલી તો માત્ર ઑડિટોરિયમના ખૂણે બેઠેલી એ છોકરી જે એની દરેક વરસગાંઠ પર, અમારી દરેક પ્રપોઝલ એનિવર્સરી ઉપર અને દરેક લગ્નતિથિ પર ‘શું ભેટ જોઈએ છે’ એવા મારા પ્રશ્નના જવાબમાં દર વરસે આગલા વરસોની લાગલગાટ નિરાશાઓ ખંખેરીને, એક નવા જ ઉત્સાહથી અચૂક એક નવી ગઝલ જ માંગતી રહી, એટલી હદે કે આગલી વર્ષગાંઠ પર એને ભેટવાળો પ્રશ્ન પૂછતાં મને બીક અને શરમ પણ લાગવા માંડી.
મેં ગઝલ તો ન લખી આપી પણ અંદર સતત કંઈક કોરાતું રહેવાનું અનુભવી રહ્યો. 2005ના શરૂઆતના ગાળામાં જીવનભારતીના એ જ ઑડિટોરિયમમાં નવોદિત કવિઓનું ‘ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો’ નામથી કવિ સંમેલન યોજાયું. અમે બંને શ્રોતાગણમાં બેઠાં. એક પછી એક કવિ કવિતા રજૂ કરતાં ગયાં પણ અમે બંનેએ સમાન તીવ્રતાથી અનુભવ્યું કે અમે સમયના કોઈ બીજા જ ખંડમાં પહોંચી ગયા હતા… એ જ શાળા… એ જ મંચ… હું સ્ટેજ ઉપરથી ‘ઝાકળ’ ગઝલ રજૂ કરી રહ્યો હતો અને એ પાંખડી સમ ભીંજાતી હતી… વરસો પહેલાંની એ ઘટના અમે બંને એ એકસાથે અનુભવી. તીવ્ર વેદનાનો અનુભવ થયો. સખત ભીંસામણ છાતીના પિંજરાને કચડતી હતી, જાણે ભીતર જ્વાળામુખી ન ફાટવાનો હોય ! આર્દ્ર આંખે અમે બંનેએ એકમેક સામે જોયું. આજે આ જ મંચ ઉપર પેલા કવિમિત્રોની પડખે બેસીને કવિતા વાંચવાના બદલે હું શ્રોતાગણમાં બેસીને એમને સાંભળતો હતો…. એણે મારા હાથ પર એનો હાથ દાબ્યો… પથ્થર ફોડીને ઝરણું શું આ જ રીતે નીકળતું હશે ?
…બસ, એ ઝરણું એ પછી અવિરત vmtailor.comના નામે આપ સહુ સુધી પહોંચતું રહ્યું છે…
Permalink
December 5, 2010 at 5:29 PM by ધવલ · Filed under અંગત અંગત, અછાંદસ, સુનીલ ગંગોપાધ્યાય
ચાની દુકાનમાં
લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.
-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)
બીજું કાંઈ કહું એ પહેલા મારે કહેવું જોઈએ કે ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે.
આમ તો આ કાવ્ય ભારતમાં હતો ત્યારે પણ વાંચતો. પણ આજથી તેર વર્ષ પહેલા માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા ત્યારે આ કવિતા તો ખરો અર્થ સમજાયો. જીંદગીના રસ્તા પર અવળા વળાંકો આવ્યા ત્યારે સમજાયું કે દોસ્તો અને દોસ્તી એટલે શું. દેશ છૂટી જાય એમાં તો દુ:ખ છે જ પણ મને ખરેખરું દુ:ખ તો દોસ્તો છૂટી જવાનું છે. દોસ્તી એટલે સારા-ખરાબ પ્રસંગે એકબીજાની સાથે ઊભા રહેવાનો અતૂટ વાયદો. પણ હજારો માઈલ દૂરથી આ વાયદો પાળવો કોઈના માટે શક્ય રહેતો નથી. આડા વખતે પોતાના દોસ્તોના ખભે હાથ ન મૂકી શકાય એનો ભાર દીલ પર લઈને ફરવું બહુ અઘરું કામ છે. આ કવિતામાં આવે છે એવી ‘ચાની દુકાન’માં (એટલે કે કેંટીનમાં કે પાળી પર બેસીને) બહુ સપના સેવ્યા હતા. આજે તો હવે એ સ્વપ્નાના ભાગીદારોનું ઋણ લઈને ફરું છું. મારા અંગત લોકો કહે છે કે, હું મારા દોસ્તોની હાજરીમાં જેવું મોકળા મને હસુ છું એવું હવે બીજે ક્યારે ય નથી હસતો – એનાથી વધારે તો શું કહું ?
આડવાતમાં, દોસ્તો અને દોસ્તીને ગુજરાતી કવિતાએ (અને ખાસ તો ગઝલે) ખૂબ અન્યાય કર્યો છે. હેમેન શાહના શેર, ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર અને સૈફસાહેબના શેર જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો – બહુ અંગત-અંગત નામ હતાં – જેવા અનેક શેર ગુજરાતી કવિતામાં છે. પણ દોસ્તી વિષે હકારાત્મક લખાણ ખૂબ ઓછું છે એ વાત દીલને ખૂબ નડે છે.
Permalink
December 5, 2010 at 12:01 AM by વિવેક · Filed under અંગત અંગત, પ્રકીર્ણ, બ્લોગજગત
ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઇટ ‘લયસ્તરો.કોમ’ આજે છ વર્ષની લાંબી મજલ પૂરી કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે… વીતેલા છ વર્ષોમાં છસો જેટલા કવિઓની બે હજારથી વધુ કૃતિઓ આપણે ટૂંકા આસ્વાદ સાથે મનભર માણી. દર વર્ષે વર્ષગાંઠ નિમિત્તે અમે અમારી પસંદ કરેલી રચનાઓ મૂકીને ઉજવણી કરીએ છીએ પણ આજે અમે આપ સહુની વધારે નજીક આવવા માંગીએ છીએ. શરૂઆત અમે ચાર મિત્રો જ કરીશું પણ અંત આપના સાથ-સહકાર વડે થશે.
ગાંધીજીના જીવનમાં એમ આપણા સહુના જીવનમાં કોઈક પુસ્તક કે કોઈક કવિતા કે કોઈક પ્રવચન એક ‘ટર્નિંગ પૉઇન્ટ’ બની રહે છે… આપણે જો કે માત્ર કવિતાની વાત કરવાના છીએ. આપના જીવનમાં આવું કદી બન્યું છે? શું કોઈ કવિતા આપના જીવનમાં મહત્વનો ભાગ ભજવી શકી છે ? જો જવાબ હા હોય તો એ કવિતા કઈ છે અને એનો આપના જીવનમાં શો ભાગ હતો કે છે એ અમને લખી જણાવો…
હા, આપ આપની પસંદીદા કવિતા અને એની સાથેનું આપનું જોડાણ ખૂબ જ ટૂંકામાં – વધુમાં વધુ દસ-બાર લીટીઓમાં- અને માત્ર ઇ-મેલથી જ અમને જણાવજો… અમે એ બધાનું સંકલન કરીને ‘લયસ્તરો.કોમ’ પર અલગ પોસ્ટ બનાવીશું… આ વખતે અમે આપને પ્રતિભાવના વિભાગમાંથી ઉપર ઊઠીને પોસ્ટ-સ્વરૂપે અમારી અડોઅડ જોવા માંગીએ છીએ…
હા, લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ વિશે આપના પ્રતિભાવો આપ જરૂર અમને પ્રતિભાવ-વિભાગમાં આપી શકો છો…
-ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)
ઇ-મેલ અહીં મોકલાવશો:
Dhaval Shah: mgalib@gmail.com
Vivek Tailor: dr_vivektailor@yahoo.com
Permalink
December 3, 2010 at 1:26 AM by વિવેક · Filed under અછાંદસ, મારિના ત્સ્વેતાયેવા, વિશ્વ-કવિતા, વિષ્ણુ પંડ્યા
આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !
– મારિના ત્સ્વેતાયેવા (રશિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)
હયાતીના ઓગણપચાસ ટૂંકા વર્ષોમાં કવિ તરીકે રશિયામાં સતત અવહેલના પામેલ રશિયન કવયિત્રીએ આત્મહત્યા કરી એ બાદ બોરિસ પાસ્તરનાક જેવા દિગ્ગજ કવિએ એમને ‘વીસમી સદીની શ્રેષ્ઠ રશિયન કવયિત્રી’ તરીકે ઓળખાવ્યા.
ઓળખ માટેનો સંઘર્ષ અને ઓળખ માટેની ખાતરી -બંને આ કવિતામાં એક સાથે ઊઘડે છે.
Permalink
December 2, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
-શેખાદમ આબુવાલા
Permalink
December 1, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, પાર્ષદ પઢિયાર
સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે
વાયરો અડે ને ફૂટે પગરવની કેડીઓ, ફાળ થૈ હૈયામાં વિસ્તરે
ખુલ્લા રવેશમાં હું એકલતા ઓઢીને જોતી રહું સાજનની વાટ
અધરાતે-મધરાતે ઝબકીને જાગી જતી કુંવારા સપનાની જાત
કાચી આવરદાનો પીંડ મારી સૈયર, જોયાનું સુખ રોજ ચીતરે.
ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી ઊભી છે ધારણાની ઓથે
નજરું લંબાવીને અણસારા સૂંઘતી પ્રીતમનો પડછાયો ગોતે
ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.
-પાર્ષદ પઢિયાર
આમે ય જ્યારે પ્રિયજનની વાટ જોતાં હોઈએ ત્યારે પ્રિયનાં આવવા પહેલા એના આવવાનાં ભણકારા જ વધુ વાગતા હોય છે…! સાજનનાં આવવાનાં ભણકારા ભાસતી અને અણસારા તાગતી નાયિકાની વધતી જતી અધિરાઈ અને એની ઈચ્છાની વધતી જતી લંબાઈને કવિએ અહીં ખૂબ જ સુંદર વાચા આપી છે.
Permalink
November 30, 2010 at 5:26 PM by ધવલ · Filed under ગઝલ, દિલીપ વ્યાસ
તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !
કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં
જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.
સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં !
પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં !
– દિલીપ વ્યાસ
આજે એક શબ્દના ફકીરની અલગારી ગઝલ માણો !
Permalink
November 29, 2010 at 10:10 PM by ધવલ · Filed under ગીત, દિલીપ ભટ્ટ
એકલો પડું ને તમે સાંભરો.
થાળીમાંથી ચોખા લઈ વીણતાં હો એવે બપોર મને સપનામાં આવે,
બારણામાં ઊભા રહી, ટીકી ટીકી પૂછો, કાચી કેરીનું શાક ભાવે ?
જીંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી, છાના રહો જીવ, ન ભાંભરો.
એકલો પડું ને તમે સાંભરો.
ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ? એમાં સાત-સાત સમદરનાં જળ,
કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતાં અંજળ.
એકલો પડું ને ‘અમે’ સાંભરો
એકલો પડું ને તમે સાંભરો.
– દિલીપ ભટ્ટ
દરેક ગીત એક કથા લઈને આવતું હોય છે. ગીતે પહેલા કથાનું વાતાવરણ જમાવવાનું અને સાથે સાથે કથા પણ કહેવાની – આ બેવડી જવાબદારી વચ્ચે ઘણા ગીતો બેવડ વળી જતા હોય છે. પણ આ ગીત જુઓ કેવું સ્નિગ્ધ વાતાવરણ ઊભું કરે છે અને આખી કથા તો જાણે ઘૂંટાતી ધૃવપંક્તિમાં જ બયાન કરી દીધી છે. વર્ષોના સાનિધ્ય પછી પ્રિયજનના જતા રહેવાથી જનમતો મન ફાટી પડે એવો ખાલીપો આ ગીતમાં ઝમતો અનુભવી શકાય છે.
Permalink
November 28, 2010 at 2:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
જંગલને યાદ નથી કરવું વાલમજી !
ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.
પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.
– મનોજ ખંડેરિયા
પહેલી નજરે સરળ લાગતા આ કાવ્યમાં અત્યંત ખૂબીપૂર્વક નાયિકાના મનોભાવને વાચા અપાઈ છે. જંગલ એ અતીતનું પ્રતિક છે. સૂરજ,ખુલ્લું આકાશ તે આવનારી કાલ છે. વળી જંગલ અને તેને આનુષાન્ગિક રૂપકોને અજ્ઞાનના રૂપક ગણી શકાય અને સૂર્યને જ્ઞાનનું. જોકે અતીતના સંદર્ભમાં અર્થ વધુ બંધબેસે છે.
Permalink
November 27, 2010 at 12:30 AM by વિવેક · Filed under કાયમ હજારી, ગઝલ
ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !
તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.
સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !
જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.
કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !
તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !
હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.
– ‘કાયમ’ હઝારી
પરંપરાના રંગે રંગાયેલી આ ગઝલમાં મોટા ભાગના શેર અર્થગંભીર થયા છે અને આજે પણ પ્રાણવાન લાગે છે… પણ મને તો ‘ગજું’ શબ્દની ભાવકની ક્ષમતા મુજબ નાનાવિધ અર્થછટાઓ ઉપસાવતો અને તખલ્લુસને બખૂબી નિભાવતો મક્તાનો શેર ખૂબ ગમી ગયો…
Permalink
November 26, 2010 at 1:02 AM by વિવેક · Filed under અછાંદસ, ઈન્દુકુમાર ત્રિવેદી
શાન્ત શિયાળુ સવાર…
ને આ નભનીલ સરોવર નીર
જેનાં સ્વચ્છ તરંગે
રંગ રંગનાં પંખી,
તરતાં, ફરતાં,
કહીં કહીં ગગનમાં ઊડતાં
આછાં આછાં જણાય નજરે
એને દૂરબીનથી જોતાં
લાગે પાસે
અડવા ઇચ્છા થાય એટલાં પાસે
દૃગથી જ્યાં પંપાળું
ત્યાં તો
બધાંય સરરર… ગેબ મહીં ગાયબ –
– ઈન્દુકુમાર ત્રિવેદી
નળસરોવરમાં પક્ષી જોવા જઈએ… પક્ષીઓના રંગો અને અજાયબ વિશ્વો જોઈને દંગ થઈ જઈએ અને હળવેથી નજીક જઈ અડવા જઈએ કે તરત બધા ઊડી જાય… આમાં વળી કવિતા ક્યાં આવી? પણ આ ગદ્યકાવ્યને જરા ‘દૂરબીન’ માંડીને જોઈએ તો ગદ્ય અને કાવ્ય વચ્ચેનો ઝીણો તફાવત ઊડીને આંખે વળગે અને વાહ..વાહ.. બોલી ઊઠાય! દૂરબીનથી નજીક લાગે એવા પક્ષીઓને ઇચ્છાની આંખોથી પંપાળીએ અને એ ગેબ મહીં ગાયબ… આ સમાધિ જ કવિતાનો સાચો પ્રાણ છે…
Permalink
November 25, 2010 at 11:37 PM by ધવલ · Filed under મુકુલ ચૉકસી, મુક્તક
આંસુ મારાં, ન પૂછ શાનાં હતાં?
તેઓ બીજે તો ક્યાં જવાના હતાં?
તેં લૂંટાવેલા ટાપુઓ ફરતે
થોડા દરિયા બનાવવાના હતા.
– મુકુલ ચોકસી
Permalink
November 23, 2010 at 10:24 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
છે અનંત નીલ આકાશ
અને અનંત છે તારા
જાણું બધું.
ચોરસ જેવી મારી બારીને
ભરી દેતું આ ચોરસ આકાશ,
અને તેમાંના ચાર પાંચ તારા
મને પ્યારા…
– અનંત કાણેકર
(અનુ. જયા મહેતા)
આકાશ ગમે તેટલું મોટું હોય, આપણા માટે તો એનો ખરો વિસ્તાર બારી જેટલો જ રહેવાનો. એ સિમિત આકાશ(ના ટુકડા)માં પણ થોડા તારાને પ્યારા કરી લેવાના … એનું નામ એ જીંદગી !
Permalink
Page 72 of 113« First«...717273...»Last »