પુનરાગમન – શ્રીકાન્ત વર્મા
મેં તેને આ જ રસ્તે
જતાં જોયો:
એકલો નહોતો તે,
સૈન્ય હતું,
હાથી હતા,
ઘોડા હતા,
રથ હતા,
વાજિંત્રો હતાં –
જાહોજલાલી હતી.
એ બધાંની વચ્ચે
એક ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે જઈ રહ્યો હતો,
જેમ કે લગામ
તેના હાથમાં હોય
બધાં
માત્ર અનુગમન
કરી રહ્યાં હોય.
વીસ વર્ષ પછી
હું તેને એ જ રસ્તે
આવતાં
જોઈ રહ્યો છું:
એકલો નથી તે,
સૈન્ય છે,
હાથી છે,
ઘોડા છે,
રથ છે,
વાજિંત્રો છે –
જાહોજલાલી છે.
એ બધાંની વચ્ચે
ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે પસાર થઈ રહ્યો છે
જેમ કે લગામ
કોઈ બીજાના
હાથમાં હોય,
તે
માત્ર અનુગમન
કરી રહ્યો હોય.
– શ્રીકાન્ત વર્મા
(અનુવાદ : જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )
શ્રીકાંત વર્માના સંગ્રહ ‘મગધ’માંથી આ કાવ્ય છે. ‘મગધ’ સંગ્રહમાં કવિ સમયનું સંમોહન કરીને, પોતાની સાથે આપણને પણ, મગધના સુવર્ણયુગમાં લઈ જાય છે.
આ સંદર્ભ વિના પણ આમ તો કાવ્ય માણી શકાય એમ છે. પણ આટલી વાત કરો એટલે તરત ખ્યાલ આવે કે વાત સમ્રાટ અશોકની છે. દુનિયાને દોરવાનું ગુમાન રાખતો અશોક, પાછા વળતી વખતે વિચારમાં લીન, હતહ્રદય, ને જાણે દુનિયામાં પોતાનું સ્થાન શોધવા મથતો હોય એવી સ્થિતિમાં દેખાય છે. કવિના વર્ણનથી શરુઆતમાં લાગે છે કે જાણે કાંઈ પણ બદલાયું નથી. પણ, પછી ખ્યાલ આવે છે કે કશું ય બદલાયા વિનાનું રહયું નથી… ને એક ટીસ નીકળી જાય છે.
સાથે જુઓ, આ જ કવિનું કાવ્ય કલિંગ. એમાં આ જ વાત, તદ્દન અલગ રીતે કરી છે. ને વળી, આ જ સંગ્રહમાંનું અદભૂત કાવ્ય, મિત્રોના સવાલ પણ જોજો.
મીના છેડા said,
August 3, 2011 @ 6:33 AM
સમયને ક્યાં કોઈ બંધન હોય છે … વીસ વર્ષનો ગાળો આવી ગયો વચ્ચે ને એક દિવસ એણે એ જ બતાવ્યું જે એણે ધાર્યું હતું ….
ત્રણે કાવ્યો આજે સાથે માણ્યા…
વિવેક said,
August 3, 2011 @ 9:23 AM
સાદ્યંત સુંદર રચના…
himanshu patel said,
August 3, 2011 @ 11:10 AM
ઘણા વખત પછી સ્પર્શે તેવા ઐતિહસિક-મનોવૈજ્ઞાનિક કાવ્યો વાંચવા મળ્યા,આભાર ધવલભાઇ.