હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નલીની માડગાંવકર

નલીની માડગાંવકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંતરાલોક – સમીર રાય ચૌધરી (અનુ. નલિની માંડગાવકર)

શું કોઈ પ્રેમ કરી શકે છે
આ નિર્મળ ઝરણાને કિનારે
એકાકી દેવદાર વૃક્ષ જેવો !
શિયાળુ તડકાને સમગ્ર દેહ પર ચોળવા માગે છે
તેથી ઢગલેઢગલા પાંદડાં ખેરવી શકે ?
હું તો છું ડરપોક શાલવૃક્ષ અને અશ્વત્થવૃક્ષની ડાળી
પાંદડે પાંદડે મારું શરીર ઢંકાયેલું;
કોણ જાણે, કોને ખબર, આખું વરસ શું કામ
આમ પાંદડાં ખરે !

– સમીર રાય ચૌધરી
(અનુ. નલિની માંડગાવકર)

ચંદ પંક્તિઓમાં પ્રણયની કેવી બળકટ ઉત્કટ વાત ! સ્વચ્છ ઝરણાના કિનારે એકલું ઊભેલું દેવદારનું વૃક્ષ શિયાળામાં બધા પાંદડાં ખેરવીને સાવ નગ્ન થઈને એક-એક ડાળ પર તડકા સાથે સંવનન કરવાની હિંમત રાખે છે પણ આવી હિંમત કવિ કરી શકતા નથી.

Comments (1)

(ભિખારી) – કૈલાસ વાજપેયી (અનુ. નલિની માડગાંવકર)

મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.

– કૈલાસ વાજપેયી
(અનુ. નલિની માડગાંવકર)

માખણમાં છરી ઊતરી જાય એમ દિલની આરપાર નીકળી જાય એવી કવિતા… ખરું કહો, કોણ વધુ દાતાર છે?!

Comments (8)

— – સાનાઉલ હક – અનુ.નલિની માડગાંવકર

સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.

રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.

– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)

માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.

Comments (5)