જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

અંધારપટ – મીનાક્ષી કૈલાશ પંડિત

મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગાય થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની
ઠેકડી ઉડાડી.
રસ્તાની હૉટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે
દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!!

– મીનાક્ષી કૈલાશ પંડિત

આમ તો આપણી દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, હવાઈ જહાજના માધ્યમથી હજારો કિલોમીટરનું અંતર પણ વર્તાતું નથી પણ મુંબઈ જેવા મહાનગરમાં આપણા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ જેટલું અંતર કાપવામાં મહિનાઓ અને વરસો લાગી જતા હોય છે. કૈલાશ પંડિત જેવા ગઝલકારના પત્નીની આ કવિતાના અંતે સૉનેટ જેવી ચોટ છે અને પંક્તિઓ પણ ચૌદ છે. કવિ શ્રી સુરેશ દલાલ આ અછાંદસને કદાચ મુક્ત સૉનેટ તરીકે પણ ઓળખાવે.

10 Comments »

  1. Rina said,

    August 20, 2011 @ 12:51 AM

    એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
    બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
    ટેબલ પર બળતી મીણબત્તીએ
    પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
    વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!!…..awesome..

  2. amirali khimani said,

    August 20, 2011 @ 3:55 AM

    સરસ અન્ને સચોત રચ્ના વઆરુમ વઆર વચ્વિ ગમે અભિનન્દન

  3. Pushpakant Talati said,

    August 20, 2011 @ 9:16 AM

    ખરેખર ઘણી જ ઉમદા રચના.

    પહેલી પંક્તિ – “મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો” – થી લઈ ને અંતિમ પંક્તિ – “વીજળી આવી જતાં ફરી બધે અંધારું” – વચ્ચે આ રચના એક સફળ અને ટેસ્ટી સેંડવીચ જેવી બની ગઈ છે કે જેને બસ ખાતા જ રહીયે એવી.

    આજના આ ઈલોક્ટ્રોનિક તથા કોન્પ્યુટરાઈઝડ યુગમાં આ વિશાળ દુનિયા/વિશ્વ કેટલું બધું નાનું બની ગયું છે ! !! – તો તેની સામે આ નાનકડી દુનિયા એટલે કે એજ નાનું વિશ્વ એટલું વિશાળ થઈ ગયું છે કે એપાર્ટમેન્ટમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ જેટલું અંતર કાપવામાં મહિનાઓ અને વરસો લાગી જાય છે તે બ-ખુબી આ રચનામાં – – – -“બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ” – – – તેમ કહીને પ્રસ્તુત કરી છે.

    આમ આ રચના એ તો હદ જ કરી દીધી. અને વળી છેલ્લી પંક્તિએ તો એવી જોરદાર ‘ચોટ’ નહિં પણ ‘સણસણતી થપ્પડ્ડ’ જ ફટકારી એમ જ કહોને !! !

    ઉત્તમ રચના બદલ આભાર.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 20, 2011 @ 10:48 AM

    ચાલો,ઘ્ણો આનંદ થયો;કૈલાશ પંડિત આ રીતે જીવંત થયા.

  5. urvashi parekh said,

    August 20, 2011 @ 12:16 PM

    સરસ રચના,
    વીજળી આવિ જતા ફરી બધે અન્ધારુ,,
    સરસ.

  6. himanshu patel said,

    August 20, 2011 @ 12:37 PM

    વિસંગતિને ઉત્તમ વાચા મળી.

  7. Dhruti Modi said,

    August 21, 2011 @ 4:27 PM

    મઝાની અછાંદસ.

  8. paras said,

    August 22, 2011 @ 12:27 PM

    ખુબ સરસ …..હકિકત

  9. Pancham Shukla said,

    August 23, 2011 @ 4:00 AM

    વેધક કાવ્ય.
    સાચે જ મુક્ત સોનેટ કહેવાનું મન થઈ જાય એવો આખરી ભાવપલટો.

  10. Taha Mansuri said,

    August 25, 2011 @ 3:12 AM

    વાહ . . . મસ્ત રચના . . . યાદ આવ્યો એક શેર

    સિમટ રહેં હૈં સિતારોંકે ફાસલે “અનવર”,
    ઔર પડોશીકા હાલ કોઈ જાનતા નહીં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment