સુરેશ દલાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 22, 2010 at 12:54 am by વિવેક · Filed under અછાંદસ, ઇન્દિરા સંત, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.
- ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ
રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !
Permalink
December 26, 2009 at 4:48 am by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
રીટા,
એક વૃદ્ધ તમારી પાસે આવશે
એ કેટલા વખતથી હઠ લઈને બેઠો છે :
એને તમને કશું કહેવું છે
તમે એને ના ન કહેશો
એ આવશે
કશું બોલવાનો પ્રયત્ન કરશે
બોલી શક્શે નહીં, થોથવશે.
ધ્રુજશે ને પછી
એક શબ્દ પણ બોલ્યા વિના
પાછો ચાલી જશે,
પચાસ વર્ષ પહેલાં ચાલી ગયો હતો તેમ જ !
-વિપિન પરીખ
રીટા નામની કાલ્પનિક પ્રેયસી સાથેનો કાવ્યનાયકનો આ સંવાદ કવિતા પૂરી થાય ત્યારે હૈયામાં એક ટીસ જન્માવે છે. પચાસ વર્ષના એકપક્ષી પ્રેમ અને પચાસ વર્ષની નિષ્ફળ પ્રતીક્ષાના અંતે કાવ્યનાયક પ્રિયામિલનની આશા ત્યજી શક્યો નથી. પ્રેમ હઠીલો છે. શરીરે કરચલી પડી ગઈ છે, હોઠ થોથવાવા માંડ્યા છે અને પ્રેયસીને જે કહેવું છે એ કહેવાની હિંમત તો પચાસ વર્ષ પહેલાં પણ નહોતી અને કદાચ આજે પણ નથી પણ પ્રેમનો દેહ એવો ને એવો જ છે… અજર. અમર. સુરેશ દલાલ આ કવિતાને નિષ્ફળ પ્રેમની સફળ કવિતા તરીકે ઓળખાવે છે.
Permalink
December 14, 2009 at 12:30 am by ઊર્મિ · Filed under ઓડિયો, ગીત, યાદગાર ગીત, સુરેશ દલાલ
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !
વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે: કેમ અલી ? ક્યાં ગઇ તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
- સુરેશ દલાલ
(જન્મ: ૧૧-૧૦-૧૯૩૨)
સંગીત: ક્ષેમુ દિવેટિયા
સ્વર: હંસા દવે ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: આરતી મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ. કવિ ઉપરાંત નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. સતત લખતા રહેતા આ કવિની ઘણી કવિતાઓ ઘણી જ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી )
રાધાની વકીલાત કરતી ગોપી કૃષ્ણને વાંસળીનાં સૂરમાં રાધાનું નામ વહેતું ન મૂકવાની ભલામણનાં કંઈ કેટલાયે કારણો આપે છે, પણ એમાં ફરિયાદનો સૂર તો જરાયે સંભળાતો જ નથી. જો કે, જે ગમતું હોય એની ના પાડવામાંય એક અનેરી મજા હોય છે; કારણ કે એ ‘ના’માં જ તો ‘હા’ હોય છે…
ન્યુજર્સીમાં ૨૦૦૭માં સુ.દ.ની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી વખતે પ્રશ્નોત્તરી દરમ્યાન આ ગીત વિશે એમણે કહેલી એક અંગત વાત, એમનાં જ શબ્દોમાં: કુંવારો હતો ત્યારે એક રવિવારે એક છોકરીવાળા મને જોવા આવેલાં અને તેઓ એમની છોકરીને જબરદસ્તી મને વળગાડવા માંગતા હતાં… ત્યારે કંટાળામાંથી આવેલું આ પ્રસન્નતાનું ગીત… ”રાધાનું નામ તમે વાંસળીનાં સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ…” અને આ ભજન નથી, પ્રણયકાવ્ય છે ! આ જ ગીતની જેમ મને યાદ આવે એમનું મને ઘણું ગમતું ડોસા-ડોસીનું લોકપ્રિય ગીત… કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે !
Permalink
August 29, 2009 at 12:30 am by વિવેક · Filed under ગીત, યિમિનેઝ, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
- તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
- યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ
સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !
આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…
મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…
Permalink
July 25, 2009 at 1:52 pm by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ, સુરેશ દલાલ
મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વૈશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વૈશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.
- અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)
કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.
Permalink
June 25, 2009 at 12:30 am by વિવેક · Filed under ગદ્ય સોનેટ, સુરેશ દલાલ
કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.
- સુરેશ દલાલ
સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.
સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !
Permalink
June 15, 2009 at 9:47 pm by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
ટેબલ પર નારંગી
મારા ધાબળા પર તારાં વસ્ત્રો
મારી શય્યામાં તારો શ્વાસ
ક્ષણની આ મધુર સોગાદ
શાતાદાયક અંધકાર
મારા અસ્તિત્વનો સ્ફુલિંગ.
- ઝાક પ્રિવર્ત
(અનુ. સુરેશ દલાલ)
પ્રેમિકા સાથે મિલનના કાવ્યને કવિ શરાબ નામ આપે છે – ભરપૂર નશાની ક્ષણને બીજું કહી પણ શું શકાય ? ( એમ તો ઘાયલે પણ કહેલું, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી ? ) છેલ્લી પંક્તિમાં મિલનની ક્ષણને કવિએ અજબ સુંદર રીતે વર્ણવી છે – મારા અસ્તિત્વનો સ્ફુલિંગ !
(સ્ફુલિંગ = અગ્નિનો તણખો, ચિનગારી )
મૂળ કવિતા અહીં જુઓ.
Permalink
June 8, 2009 at 8:02 pm by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ, સુરેશ દલાલ
સો સો સ્મિતોના
આગળિયા તને
વાસ્યા તો પણ
આંખની કટારના
કઠોર પહેરા
રાખ્યા તો પણ
ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ
બાંધ્યા તો પણ
ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી
ભરી તો પણ
તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ
તોડી નાખીશ ?
લલાટનો લેખ
વિનાશ થવાનો :
ભૂંસી નાખીશ ?
- કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)
કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી… જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.
Permalink
May 23, 2009 at 2:15 am by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય -
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં. નજદીક જવાનો
અર્થ એટલો જ કે ક્યારેક એનાથી
દૂર જવું પડશે. ભાગ્યે જ કોઈનો
સંબંધ અકબંધ રહે છે. સંબંધનો
એક અર્થ ઉઝરડા કરીએ તો
આપણે કદાચ ખોટા નહીં પડીએ.
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.
-સુરેશ દલાલ
અછાંદસના કેટલાક આયામોમાંથી એક સિદ્ધ કરતું સરસ કાવ્ય. પહેલી દસ લીટીમાં જે રીતે કાવ્યનો પિંડ અનવરત બંધાય છે અને આખરી બે લીટીમાં જે રીતે સોનેટની જેમ ચોટ ઉપસી આવી છે એ જોતાં એમ વિચાર આવે કે જો બે લીટી વધુ લખાઈ હોત તો આજકાલ સુરેશભાઈ જેના પર વધુ હાથ અજમાવી રહ્યા છે, એ મુક્ત સૉનેટ આપણને મળી શક્યું હોત.
ધ્યાનથી જોઈએ તો પહેલી દસ લીટીમાં કવિતા એક જ લયમાં વહેતી રહે છે. નદી જેમ પથરાની પરવા કર્યા વિના વહેતી રહે છે એમ દરેક કડી બીજી કડીમાં અટક્યા વિના વહેતી રહે છે. પંક્તિ પૂરી થાય છે ત્યાં વાક્ય પૂરું થતું નથી અને વાક્ય પૂરું થાય છે ત્યાં પંક્તિ ચાલુ જ રહે છે. એક લય આ પણ છે અછાંદસનો !
Permalink
March 11, 2009 at 10:18 pm by ધવલ · Filed under અછાંદસ, શેશ્લો મિલોશ, સુરેશ દલાલ
ચંદ્ર ઊગે છે અને સ્ત્રીઓ વાસંતી વસ્ત્રોમાં ટહેલે છે ત્યારે
હું મુગ્ધ થાઉં છું એમની આંખોથી, પાંપણોથી અને
આખાયે વિશ્વની આયોજનાથી.
મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે.
- શેશ્લો મિલોશ
(અનુ. સુરેશ દલાલ)
શાશ્વત સત્યોને ઉજાગર કરવાની તાકાત જે સૌંદર્યમાં છે એને સલામ કરીએ. દુનિયા આખી આકર્ષણથી ચાલે છે – પછી એ ગુરુત્વ-આકર્ષણ (તારાઓ ને ગ્રહો વચ્ચે) હોય કે લધુત્વ-આકર્ષણ (માણસો વચ્ચે) હોય! એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે.
Permalink