ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ છે આ,
શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ.
લલિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

તું નથી – જવાહર બક્ષી

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે

આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે

અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે

અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

– જવાહર બક્ષી

Comments (5)

શું બોલીએ? – રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

ત્રણ જ શેરની ગઝલ છે, પણ ગહનતા જુઓ !!!!

Comments (7)

બોલો, કંઈક તો બોલો… – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

સંબંધોમાં મૌન સૌથી ઘાતક શસ્ત્ર પૂરવાર થાય છે. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે… મગફળી જેવું મૌન થોડું ફોલીએ તો ભીતરથી સિંગદાણા હાથ આવે, હોઠની છીપ ન ખુલે ત્યાં લગ સમાધાનનું મોતી કંઈ હાથ લાગે? બીજા અંતરામાં કાનના ફળિયું થવાનું અને મૂક પ્રેયસીના શબ્દોનું ચંપો થઈ કોળવાનું કલ્પન સર્વશ્રેષ્ઠ છે. વાંસળી જેવી વાંસલી પણ બે હોઠ ફૂંક ન મારે તો પોલા વાંસથી વિશેષ શું છે? રિસાઈ ગયેલા પ્રિયજનો માટેનું રાષ્ટ્રગીત થઈ શકે એવું ઉત્તમ ગીતકાવ્ય…

Comments (16)

તારાથી જે થાય કરી લે – તેજસ દવે

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

– તેજસ દવે

અમદાવાદ શનિસભામાં પહેલીવાર જવાનું થયું અને તેજસ દવેના મોઢે આ ગઝલ સાંભળી. સાંભળતાવેંત આફરીન પોકારી જવાયું. એકવડા બાંધાના દેખાવડા કવિનો બેવડા બાંધાનો ભીતરી મિજાજ અને ત્રેવડા બાંધાની ખુમારી ગઝલના શબ્દે-શબ્દે અનુભવી શકાય છે. ‘તારાથી થાય એ કરી લે’ તો આપણે વાતે-વાતે બોલીએ. બોલચાલના આ શબ્દોને એમના શબ્દગત કાકુસહિત કવિ ચાર શેરમાં લાંબી રદીફમાં જે રીતે વણી શક્યા છે એ કામ સાચે જ કાબિલે-દાદ છે. સૂરજ જેવા વિરાટ અસ્તિત્વની સામે પોતાની બે આંખ – જે ખબર જ છે કે પ્રકાશથી આંધળી જ થઈ જવાની છે, તો પણ દાદાગીરીપૂર્વક કવિ જે રીતે મૂકે છે એ જ પ્રેમની સાચી તાકાત છે. તું ના જ કહેવાની છે એ ખબર છે, પણ તારી સામે મારી ઇચ્છા તો હું વ્યક્ત કરીશ, કરીશ ને કરીશ જ. લાખ માર-અપમાન સહન કર્યા પછી પણ, કોઈપણ પ્રકારના ધમકી-દાટી સામે હાર ન માને એ જ સાચો પ્રેમ. હોડી ભલે કાણાંવાળી હોય, મન્સૂબા કાણાંવાળા ન હોય તો દરિયા જેવા દરિયાને પણ ડારી શકાય. અને આખરી શેરની અમર આશા તો આખી ગઝલને નવી જ ઊંચાઈ બક્ષે છે.

આવો જ મિજાજ દીપ્તિ મિશ્રાની હિંદી ગઝલ “હૈ તો હૈ”માં પણ જોઈ શકાય છે.

Comments (5)

પાણી છીએ – મનોજ ખંડેરિયા

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

Comments (5)

ગઈ – ભગવતીકુમાર શર્મા

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

અમથો ટહેલું! – રાજેન્દ્ર શુક્લ

નોખું, ન્યારું, સાવ નવેલું,
પરથમ ને વળી પ્હેલું વ્હેલું!

કેમ કરીને પાછું ઠેલું,
હોય બધું તારું દીધેલું!

આ તારી સંગે જે ખેલું,
મેં તો બહુ સ્હેલું માનેલું!

આગળિયે અડકીર્યું ડ્હેલું,
એક વખત એ પણ ખખડેલું!

ભવ ભવથી આ છે ઊચકેલું,
મેલું તોયે ક્યાં જઈ મેલું!

અધખૂલી બારી બોલાવે,
બાકી આખું જગ ભીડેલું!

લે મારી પૂરી પરકમ્મા,
તારી સન્મુખ મને અઢેલું!

તું તારી મરજીનો માલિક,
તેં ક્યાં અમને કાંઈ પૂછેલું!

એક સંચર્યું સીધી વાટે,
એક સતત આડું ફાટેલું!

પ્હેલાં તો પાણા ઊપડાવ્યા,
પછી હાથ પકડાવ્યું લેલું!

મીઠાંને મધમીઠું કહિયેં
કડવાને કહિયેં કારેલું!

તું જાતે ગોતે તો મળશે,
છેવાડે ઊભું જો છેલ્લું!

ખડખડપાંચમ અધવચ અટ્ક્યું,
એક જ પડખે ઝૂકી ગયેલું!

બોલ્યા કે સમજો બંધાયાં,
અડધું ડાહ્યું, અડધું ઘેલું!

પૂછો તોયે હું નહીં બોલું,
ટ્હેલ નથી કંઈ, અમથો ટ્હેલું!

– રાજેન્દ્ર શુક્લ

ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની કલમે ટૂંકી બહેરની લાં…બી ગઝલ… બધા જ શેર સહજ અને મનનીય…

Comments (4)

(ચાલ્યું ગયું છે ક્યાંક) – અનંત રાઠોડ “અનંત”

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

– અનંત રાઠોડ “અનંત”

ઓછા શેર અને લાંબી બહેરવાળી મજબૂત રચના. કોઈ એક પ્રિયજન અચાનક કોઈ જ કારણ વિના અને કહ્યા વિના ક્યાંક ચાલ્યું જાય એ પછી નગરમાં ક્યાંકથી ક્યાંક જવાના રસ્તાઓ તો રહે છે, પવન પણ ફૂંકાય છે, સૂરજ ઊગે છે ને આથમે છે એટલે અજવાળું પણ થાય છે ને રંગોથી ભરેલી ભરચક સાંજ પણ થતી રહે છે પણ જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ માણસ માટે આ તમામ અસ્તિત્વનો સંદર્ભ ગુમાવી બેસે છે. ચારેતરફ હવે સ્તબ્ધતા સિવાય કાંઈ નથી. કવિ “સ્તબ્ધતાના સ્તંભ” એમ બહુવચન વાપરવાને બદલે “સ્તબ્ધતાનો સ્તંભ” એમ એકવચન વાપરે છે જે સૂચક છે. આ સ્તબ્ધતા ‘સ્વ’થી ‘સર્વ’ સુધી વિસ્તરી ચૂકી છે એટલે ચોતરફ ભલે ખોડી દેવાયા હોય પણ સ્તબ્ધતાનો સ્તંભ તો એક જ છે, અનેક નહીં… કુંવારી કુંતી અનૌરસ કર્ણને નદીમાં તરતો મૂકી દે એમ પ્રિયજનની પ્રતીક્ષા હાથ ચડી છે. આ પ્રતીક્ષા ટૂંકી કે નાની નથી એ વાત વહેલી સવાર અને નવજાત શિશુના કલ્પનથી સમજી શકાય છે. હજી તો વહેલી સવાર થઈ છે, ઇંતેજારનો આખો દિવસ બાકી છે. પ્રતીક્ષા હજી તો નવજાત શિશુ છે, એને પુખ્ત થવામાં જન્મારો વીતી જશે… બધી જ સાધનસામગ્રી હાથવગી હોવા છતાંય જિંદગીનું ચિત્ર સાવ અધૂરું છે કેમકે કોઈક અધરસ્તેથી જ ત્યાગી ગયું છે. ચિત્ર સ્થિરતા, ગતિહીનતાનો ભાવ પણ ઈંગિત કરે છે… ઝાડ અજંપાનું છે પણ લીલુંછમ છે. આ અજંપો સૂકાવાનો નથી, એ એવોને એવો જ રહેવાનો છે. લાખ કોશિશ કરવા છતાંય આ અજંપાને જીવનના આંગણામાંથી હટાવવો હવે નામુમકિન છે.

લાંબી બહેરવાળી રચનાઓનું સૌથી મોટાં ભયસ્થાન ભરતીના શબ્દો અને સહજ વ્યાકરણના નિયમોનું અતિક્રમણ છે. એકાદ અપવાદને બાદ કરતાં અનંત રાઠોડની આ રચના આ ભયસ્થાનોથી બચી શકી છે એ સૌભાગ્ય. ગઝલના રદીફમાં આવતો “અને” શબ્દ “ને”ના સ્થાને અથવા “દઈ/લઈ”ના સ્થાને વપરાયો હોવાનું તરત જ ધ્યાનમાં આવે છે. એ જ રીતે મત્લાના શેરમાં “સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી”માં આવતો “એ” પણ ભરતીનો શબ્દ છે, જે હકીકતે ગઝલના પઠનની પ્રવાહિતા અવરોધે છે.

Comments (12)

તો કહેજો… – દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !

-દલપત પઢિયાર

સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….

Comments (6)

ખેલ ખેલમાં – અમૃત ‘ઘાયલ’

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં,
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી,
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ,
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

– અમૃત ‘ઘાયલ’

સરળ શબ્દોમાં એક ક્લાસિક રચના….

Comments (2)

ओस की बुंदो पर – नेहल

पीली पत्तीओं के रास्तो से हो कर पहुंचे हैं;
उन मौसमो के मकाम पर,
जहां अब तक एक डाल हरी भरी सी है!
फूलों और काँटों से परे,
तितलीओं और भवरों से अलग,
मौसम के बदलते मिज़ाज ठहर गए है वहां!
ढूँढते नहीं वे अब
बहारो के निशान।
डरते नहीं
पतझड़ की तेज हवाओं के
थपेडो से।
हरी भरी डाली झुकी है जिस
निली सी नदी पर
जहां अब पानीओंमें अक्स
बनते-बिगडते नहीं।
समय का फूल;
अब न सूरज की गर्मी से झुलसता है,
न बारिषों में बहता है!
स्फटिक सा रंगहीन फूल
समाये हुए है सारे रंग
अपने अंदर।
सुकून के पाखी
जीते है उसी की
ओस की बुंदो पर।

– नेहल

મનુષ્ય જીવન નું અંતિમ લક્ષ્ય મોક્ષ કે મુક્તિ કે નિર્વાણ કહો એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે નહીં. ‘નેતિ નેતિ ‘ દ્વારા એ શું નથી એ જ વર્ણવી શકાય. એ જ રીતે ઉપરોક્ત ઝેન કવિતા દ્વારા ‘સત્ ચિત્ આનંદ ‘ ની સ્થિતિએ પહોંચેલ મન કેવું હોય એ વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. ‘પીળી પત્તીઓ’ નો સંદર્ભ પાનખર , બધી ૠતુઓ માણ્યા પછીની ૠતુ….હરમાન હેસ ના ‘સિધ્ધાર્થ ‘ની જેમ જીવન ની બધી અનુભૂતિઓ થી પસાર થઈ ને જ મુકત અવસ્થા સમજાય. ‘હરી ભરી ડાળી’ શિશુ સહજ વિસ્મય અને તાજગીભરી નજર થી દુનિયાને, જીવન ને જોવાના સંદર્ભ માટે વપરાયું છે.

મનની મૌસમ એ મુકામ પર આવીને સ્થિર થઈ છે જ્યાં સુખ દુ:ખ ના ફૂલ કાંટા સમાન છે. બાહ્ય આકર્ષણ, ચળકાટ પર ભમતા પતંગિયા અને ભ્રમરવૃત્તિ થી મન આગળ વધી ગયું છે.મન ને હવે વસંત ની પાછળ ભાગતું નથી અને પાનખર ના તોફાનોથી ડરતું નથી, નકારતું નથી. શિશુ સહજ વિસ્મયથી જીવનને નિહાળવા મનનું જળ દર્પણ સ્થિર જોઈએ અથવા એમ કહી શકાય કે જે તે વસ્તુ પરિસ્થિતિઓનું પ્રતિબિંબ વિકૃત કર્યા વગર પાડી શકે.

સમય નિત્ય છે, સ્ફટિક ની જેમ નિર્મળ છે- neutral છે….એમાં બધા રંગો સમાયેલ હોવા છતાં તે તટસ્થ છે. જે વ્યક્તિએ સમયને, કાળને સમજ્યો છે એને જીવનની વિપરીત પરિસ્થિતિઓનો તાપ અસર કરતો નથી. નથી એ વહી જતો સમયના ઝંઝાવાતી વહેણમાં. પાખી..પંખી..મુકત મનનું પ્રતિક છે સુકૂન…શાંતિ….મુક્ત મન જ અનુભવી શકે અને એને પોષતું તત્ત્વ છે સમયનું ઝાકળ…ક્ષણ…જો ક્ષણમાં જીવતા આવડી જાય તો સુકૂન…શાંતિ…મુક્તિ…દુષ્પ્રાપ્ય નથી.

રચના તેમજ રસાસ્વાદ :- ડૉ. નેહલ વૈદ્ય

આ જ કવયિત્રી દ્વારા ચલાવતો સ્વ-રચિત તેમજ અન્ય ગમતી રચનાઓ નો બ્લોગ – www.inmymindinmyheart.com માણવો આપણે ગમશે…

Comments (9)

‘મરીઝ’ સાહેબને સલામ * – હેમેન શાહ

આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

– હેમેન શાહ

મરીઝની જાણીતી ગઝલની જમીન પર કામ કરીને હેમેન શાહ મરીઝની જ બાનીમાં એક-એકથી વધુ ચડિયાતા ચોટદાર શેરની ગઝલ લઈ આવ્યા છે… ધીમે ધીમે મમળાવીએ…

(*બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે)

Comments (6)

પાછાં પધારો પણ – ‘જટિલ’ વ્યાસ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?

કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.

હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.

હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.

જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?

મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !

તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.

મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.

‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.

– જટિલરાય કેશવલાલ વ્યાસ

લગભગ સો વર્ષ પહેલાં રાજકોટના કોટડા સાંગાણીમાં 11-5-1917ના રોજ જન્મેલા, બીએ ભણેલા અને પશ્ચિમ રેલવેમાં ઑડિટર તરીકે સેવા આપનાર આ કવિની ગઝલસ્વરૂપ વિશેની નિસ્બત અહીં સાફ નજરે ચડે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં 1967ની સાલમાં ‘નવનીત’માં છપાયેલ આ ગઝલ છંદની ચોકસાઈ, કાફિયા-રદીફની ચુસ્તતા, વિચારોની સફાઈ અને વાંચતા જ યાદ રહી જાય એવી સાફબયાનીવાળા શેરોના કારણે ધ્યાનાર્હ બની રહે છે. વિયોગ અને વિષાદનો ગુણાકાર એ આ ગઝલનો સાચો સરવાળો છે.

Comments (6)

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

Comments (13)

પિંડને પાંખ દીધી – રાજેન્દ્ર શુક્લ

પિંડને પાંખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,
એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !

કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે –
છો ભરણ આકરા, આકરી બળતરા, દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !

કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી ! [જામોકામી = અમર ]

કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !

– રાજેન્દ્ર શુક્લ

ખૂબ બારીક ગૂંથણી છે…..નિમિત્ત કોઈ ભિન્ન છે અને નિયંતા કોઈ ભિન્ન…..મદારી કોઈ ભિન્ન છે, તેની બિન દ્વારા છેડાતાં સૂર પર ડોલતો નાગ ન તો નૃત્ય કરે છે ન તો સંગીત માણે છે…..એ તો ડરે છે અને સ્વરક્ષા કાજે હલતો હોય છે, અને આ સમગ્ર દ્રશ્યને માણતો બાળક કંઇક જુદું જ સાંજે છે. ઘણાબધા પડળો ઊખડશે ત્યારે મૂળતત્વની ઝાંખી સુધ્ધાં થશે.

Comments (4)

બીજું પણ કંઈ ઘણું બધું છે – અનિલ ચાવડા

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

કાયમ નવતર કલેવર અને માવજત સાથે સર્જન કરનાર અનિલની આ એક તાજગીસભર રચના….વાતચીતની ભાષામાં આખી રચના છે.

Comments (9)

તમે સાથ આપો… – દિવ્યા મોદી

અમારી સફર ને તમારો તરાપો;
જવું પાર સામે, તમે સાથ આપો!

મુહબ્બતમાં કીધી આ મબલખ કમાણી,
કદી ડૂસકાં તો કદી બસ ઝુરાપો!

અમારા હૃદય પર કરો ના પ્રહારો;
ભલે, ટુકડે-ટુકડે એને કાપો!

નથી કાંચળી કે ઉતારી શકું હું,
ડસે રોજ મનને વિચારોના સાપો!

અમારી ખુશીના બધા સ્પંદનોને,
તમે દર્દની માપપટ્ટીથી માપો!

અમે તો સદા આપની વાત માની,
તમે ના અમારી વિનંતી ઉથાપો!

– દિવ્યા મોદી

કેટલીક રચના ઊઘડતાની સાથે તમને જકડી લે છે. જુઓ આ ગઝલ… મત્લાનો શેર વાંચ્યા પછી આગળ જવાનું મન જ ન થાય. એકદમ સરળ ભાષામાં કેવી મજાની વાત! કાફિયાનો આવો મજબૂત પ્રયોગ સુખદ અનુભૂતિ કરાવે છે. અને આમ જુઓ તો આખી ગઝલ પણ આસ્વાદ્ય છે…

Comments (4)

કપૂરી સુગંધો – પંચમ શુક્લ

મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.

અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.

સૂરજને ન હોયે જરાયે રહેમ તો,
આ રણમાં ખજૂરી કદી આવજો ના.

ન દેતી ગડેડાટ, વર્ષા, ન ભીનપ,
નયનમાં બિજુરી કદી આવજો ના.

ઊડી જો જવાની ઘડીભરમાં હો તો,
સુગંધો કપૂરી કદી આવજો ના.

અડો ત્યાં બિડાતી છૂઈમૂઈની માફક,
પરસમાં ફિતૂરી કદી આવજો ના.

જળેલો ય ગમછો ન પસવારે કોઈ,
તો મીઠી વલૂરી કદી આવજો ના.

છે સ્વપ્નોની પીડા દિવાસ્વપ્નોથી કમ,
અનિદ્રા મધુરી કદી આવજો ના.

પ્રણયની આ ખાટીમીઠી જહાંગીરીમાં,
જૂઠી જીહજૂરી કદી આવજો ના.

છે ધપવાનું ખાંડાની ધારે સુમારે,
કદમ પર કસૂરી કદી આવજો ના.

અહલ્યાની શિલા રહે ના સદાયે,
સદાની નિઠુરી કદી આવજો ના.

– પંચમ શુક્લ

આજે 20:20ના જમાનામાં બહુ ઓછા કવિઓ લાંબી ગઝલ લખવી પસંદ કરે છે પણ પંચમભાઈ રાજેન્દ્ર શુક્લના ભત્રીજા છે… એ લાંબી ગઝલ તો લઈને આવ્યા જ છે, સાથે “કદી આવજો ના” જેવી શરતવાચક નિભાવવી અઘરી પડે એવી રદીફ પણ લાવ્યા છે પણ લગભગ બધા જ શેરમાં કવિએ રદીફ બ-ખૂબી નિભાવી છે અને સરવાળે આપણને મળે છે એક સાદ્યંત સંતર્પક રચના…

*

પરસ : સ્પર્શ
ફિતૂરી: નખરાંબાજી, ઢોંગ
જળેલું: જૂનું, જીર્ણ, ઘસાયેલું
ગમછો: ટુવાલ,શરીર લૂછવાનું કપડું
જહાંગીરી : આપખુદી, જોહુકમી, અમીરી
સુમારે: અટકળે, અંદાજે, હિસાબે
કસૂરી: ભૂલચૂક, ખામી, અપરાધ, દોષ

Comments (5)

યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા

‘લયસ્તરો’ના બારમી વર્ષગાંઠ નિમિત્તે આદરેલી યાદગાર મુક્તકોની સફરનો આજે આ આખરી પડાવ… આપણી ભાષાના ઘણા બધા માતબર કવિઓના સર્વકાલીન શ્રેષ્ઠ મુક્તકો અમે સમયના અભાવે, વાચનની સીમિતતાના કારણે ચૂકી ગયા જ હોઈશું… પણ ઉજવણી અટકે છે, મુક્તકોનો આસ્વાદ નહીં… સમય-સમય પર એક-એકથી ચડિયાતાં મોતીનો ઝળહળાટ આપણે માણતા રહીશું…

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા, કેટલી રાતો !
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો;
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી,
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

છેડો પણ નજરે ન ચડે એવી વિપત્તિઓની વણઝારમાં જીવતરની મંજરી કાળના તાલમાં વાગે કે ન વાગે, વણઝારાનું કામ તો સર્વ સંજોગોમાં ગાવા ને ચાલતા-વધતા રહેવાનું જ છે. ‘ટાઇટનિક’ ફિલ્મના અંતે ડૂબતા જહાજની વચ્ચે પણ સંગીત વગાડવાની પોતાની ફરજને વળગી રહેતા સંગીતકારો યાદ આવી જાય…

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

મનહર મોદીનું આ મુક્તક આમ તો હઝલના કુળનું છે પણ એ લોકોની જીભે એ રીતે ચડી ગયું છે કે યાદગાર મુક્તકોની મહેફિલ એના વિના અધૂરી જ ગણાય… પાક્કી અમદાવાદી કવિતાનો આ આદર્શ દાખલો છે.

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

કેટલીક રચનામાં કી-વર્ડ નજરબહાર રહી જાય તો કવિતા એનો સાર ગુમાવી બેસે. ‘તારા રૂપની પૂનમની પાગલ એકલો’માં ‘એકલો’ શબ્દ પર ધ્યાન ન આપીએ તો કવિતા સાથેની મુલાકાત ચૂકી જવાય. એ જ રીતે આ મુક્તકમાં ‘સર્વ’ અને ‘સખત’ શબ્દ કી-વર્ડ્સ છે. આ બે શબ્દનો હાથ ઝાલતાં જ મુક્તકની તાકાત અલગ જ અનુભવાશે…

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

ઉપર ગનીચાચાના મુક્તકમાં જે વાત હતી, એ જ વાત હિતેનભાઈ લઈ આવ્યા છે. જિંદગીને પ્રેમથી સત્કારવા-સ્વીકારવાની પોઝિટિવિટિથી ભર્યું ભર્યું આ મુક્તક જીવનમાં ઉતારી લઈએ તો ફરિયાદ જ નહીં રહે…

Comments (4)

યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.

 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.

એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !

-ભરત વિંઝુડા

કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…

Comments (5)

યાદગાર મુક્તકો : ૧૦ : અમૃત ઘાયલ

મુક્તકોની મહેફિલ હોય અને મુક્તકોના રાજા જ હાજર ન હોય તો કેમ ચાલે? બાઅદબ, બામુલાહિજા હોંશિયાર… શહીદ-એ-ગઝલ અમૃત ઘાયલની સવારી આવી પહોંચી છે…

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ઘાયલની
બાઅદબ, બામુલાહિજા, હુશિયાર…

આંખમાં ખુમાર લઈ આવી પહોંચેલા આ શાયર પોતાની શાયરીની તાકાતથી સુપેરે વાકેફ છે. એ જાણે છે કે કવિતા મડદાને પણ બેઠા કરી શકે છે.

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

તાકાત હોવી અને તાકાતથી માહિતગાર પણ હોવું આ બેવડું સદભાગ્ય તો હનુમાનને પણ હાથ નહોતું. આ માત્ર શાયરના અને શાયરીના જ વશની વાત છે. અને ઘાયલ તો ન માત્ર પોતાની શક્તિથી માહિતગાર છે, એમના પોતાની જિંદગી વિશેના વિચારો પણ સ્પષ્ટ છે…

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

ભલભલા ચમરબંધીનેય એ સાચું કહેતાં અચકાતા નહીં. સૌરાષ્ટ્ર જ્યારે અલગ રાજ્ય હતું અને ઉછંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રીશ્રી તથા ધારાસભ્યો સમક્ષ કાવ્યપઠન કરવા જવાનું હતું પણ પૂર્વસંમતિ લેવામાં આવી ન હોવાના કારણે ઘાયલે નકાર પકડાવ્યો. સરકારી નોકર હોવાની ચીમકી આપવામાં આવી ત્યારે ઘાયલે કહ્યું, ‘ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ભલે સરકારી નોકર હોય, ઘાયલ નથી.’ શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે એમના શાસનથી અસંતોષ હોવાના કારણે ઘાયલે એમના મોઢા પર જે મુક્તક સંભળાવ્યા હતા એમાંનું એક:

થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !

– અમૃત ‘ઘાયલ’

Comments (5)

જુઓ મા ગુજરાતીનો દબદબો !

વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.

આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે 🙂

આ ગીત ગુજરાતી ફીલ્મ ‘મિશન મમ્મી’માંથી છે. મા ગુજરાતીનો મહિમા બુલંદ અવાજે ગાતા આ ગીતમાં પાંચ-સાત નહી પણ પુરા સત્તાવીસ ગાયકોએ પોતાનો સુર આપ્યો છે. ગીતના શબ્દો કવિ તુષાર શુક્લના છે અને સંગીત છે નિશીથ મહેતાનું.

 

બીજો વિડીયો અવિનાશ વ્યાસના અમર ગીત ‘કોણ હલાવે લીંબડી’નું cover version છે. એમાં સ્વર છે કીર્તિ સાગઠિયા અને નીસા સાગઠિયાનો. જેટલા પ્રેમ અને જતનથી આ વિડિયો બનાવ્યો એ જોઇને મૂળ ગીત પ્રત્યેનો કલાકારોનો પ્રેમ અને આદર દેખાઈ આવે છે.

Comments (5)

યાદગાર મુક્તકો : ૦૯ : ખલીલ ધનતેજવી, ભગવતીકુમાર શર્મા, વિવેક મનહર ટેલર

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

જીવનમાં ‘Ego’ રાખીને જીવીશું તો પેલા આંધીના વૃક્ષની જેમ સાવ જળમૂળથી ઉખડી જઈશું… પણ જો તરણા જેવા હળવા બનીશું તો ગમે એટલા સંઘર્ષમય સમયમાંથી પણ સહજતાથી પસાર થઈ જઈને ભારવિહીન જીવનને ભરપૂર માણી શકીશું… જિઁદગી અંતે ભલે થાકી જાય પણ જીવવાનો થાક નહીં લાગે એ રીતે જીવાયેલું જીવન જ સાચા અર્થમાં સાર્થક કહેવાય… કવિતામાં ખુમારી ભારોભાર પિરસવી એ ખલીલભાઈની ખૂબી છે.

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંધ છું

– ભગવતીકુમાર શર્મા

આ મુક્તક વાંચતાવેંત જ એક ઘોર નિરાશા ઘેરી વળે છે… જે આપણને અંદરથી અકળાવી જાય છે. જરાસંધની સાથે પોતાને સરખાવીને કવિ જણાવી દે છે કે પોતાના જીવનને વરદાન નહીં પરંતુ શાપરૂપ માને છે. જેમ જરાસંધના જીવનનો અંત એના શરીરનાં બે ટુકડા વચ્ચે રેતીનાં ઢગલો કરી શિવલીંગ બનાવવાથી થતો શ્રીકૃષ્ણને ભીમને બતાવેલો… એમ જ કવિ પણ ઈશ્વર પાસે જીવનથી છુટકારો માંગે છે.

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એવી રીતે-
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

-વિવેક મનહર ટેલર

ચિરવિરહ પછી વિરહની બધી ફરિયાદો અને સઘળી વેદનાઓને પળમાં ઓગાળી નાંખતું મધુરું મિલન.. એમ જ માણીશું!

Comments (2)

યાદગાર મુક્તકો : ૦૮ : જલન માતરી, દિલીપ મોદી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

માણસનું અને માણસના સ્વભાવનું ખરેખર આવું જ છે. પાયામાં જ પરમ વિશ્વાસ અડગ નથી હોતો એટલે જીવનમાં જરાક વધુ પડતો સંઘર્ષ આવે તો ભગવાન પરની શ્રદ્ધા સાવ સહજતાથી ડગી જાય છે… માપસરનું બધુ કરવા માટે ટેવાયેલા આપણા બઘાની શ્રદ્ધા પણ માપસરની જ હોય છે… પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધામાં અડગ અને અમાપ થતા આવડી જશે તો જીવન ભયો ભયો… ને ભર્યું ભર્યું…

વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

– દિલીપ મોદી

આ મુક્તક તો કવિએ મારા માટે જ લખ્યું હોય એમ લાગે છે… 🙂 (આખાને આખા મુક્તક સંગ્રહો આપણી ભાષાને આપનાર દિલીપભાઈને મુક્તકોની મહેફિલમાં યાદ ન કરીએ તો કેમ ચાલે?)

Comments (2)

યાદગાર મુક્તકો : ૦૭ : મુકુલ ચોક્સી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી

નાની સરખી વાતને કવિએ કેટલી આસાનીથી સમજાવી છે! કાશ, કે એ વાતને એટલી જ આસાનીથી ‘બેઉ વ્યક્તિ’ સમજી શકે તો પલ્લું નમ્યાનાં અને ઊંચે ગયાના આનંદની સીમાઓ એક થઈ જાય…. અને પછી તો જીવન મધુબન હો જાયે…

 

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વણકહ્યે કૃષ્ણ-સુદામાની મૈત્રીની ચરમસીમા આલેખતું સુંદર મૈત્રી-મુક્તક… આથી વિશેષ કોઈ પિષ્ટપેષણની જરુરત ખરી?!

Comments (4)

યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

Comments (6)

યાદગાર મુક્તકો : ૦૫ : રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

રઇશનું એક જ મુક્તક પસંદ કરવાનુ હોય તો પછી હું આ મુક્તક જ પસંદ કરું. આ મુક્તકની ધૃવપંક્તિ એ એની ત્રીજી પંક્તિ છે. ‘હાંફતા’ના આવર્તનો એક aural tension ઊભુ કરે છે અને મુક્તકને એની ધાર આપે છે. જીવનની સફરમાં હાંફવું બહુ જરૂરી ચીજ છે. શ્વાસ ફૂલી જાય, મોઢું લાલચોળ થઈ જાય ને આંખોમાં ટશર ફૂટવા પર આવે ત્યાં સુધી હાંફવું જરૂરી છે. હાંફવા વિના કશું હાંસિલ નથી. અને એક વાર હાંફવાની તૈયારી હોય તો પછી કશું અસંભવ નથી. જીવનની ઘણી અઘરી ક્ષણોએ આ મુકતકે છાંયો કરેલો એટલે આ મુક્તક એટલું વધારે પોતિકું લાગે છે. આડવાત: હું પોતે આ મુક્તક વાંચતી વખતે (કવિની માફી માંગીને) છેલ્લા “એક દિ'” ને બદલે ‘હાંફતા’નુ એક વધુ આવર્તન ઉમેરું છું. એ version મને વધુ અસરકારક લાગે છે.

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

રઇશ આમ તો કોમળતાનો કવિ છે. પણ કોઈક વાર આવી કડવી વાસ્તવિકતાને ધારદાર રીતે રજુ કરવાની આવડત પણ રાખે છે.

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

કવિએ બહુ અઘરી વાત બહુ સરળ ભાષામાં કરી છે. દુઃખના ભાર નીચે દબાવાની વાત તો હજીયે સમજી શકાય. પણ સુખના ભાર નીચે દબાયેલાની સ્થિતિ એનાથી પણ વધારે કફોડી હોય છે! (જોકે બીજી રીતે જુઓ તો કવિ ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની વાત કરતા હોય એવુ પણ શક્ય છે 🙂 🙂 )

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

હિન્દુ-મુસ્લિમની જ નહીં, પણ બધા રૂઢિગત ધર્મની પરંપરાઓને ઓળંગી જઈને એક નવા જ ગઝલ-ધર્મની બંદગી કરવાનું કવિનું કોમળ એલાન. આમીન!

Comments (7)

યાદગાર મુક્તકો : ૦૪ : શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

શેખાદમ એટલે મુક્તકોનો રાજા. એના બધા મુક્તકોમાંથી એક જ પસંદ કરવાનું હોય તો ‘તાજમહાલ’ જ પસંદ કરવું પડે. એમા ચમત્કૃતિ પણ છે અને ડંખ પણ છે. બધા જેને પ્રેમના પ્રતિક તરીકે ઓળખે છે એ તો ખરેખર તો પૈસાના જોરનું પ્રતિક છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમને દેખાડા સાથે સાપ ને નોળીયા જેવો સંબંધ છે છતાં કોણ જાણે કેમ તાજમહાલને આપણે પ્રેમના પ્રતિક તરીક સ્વીકારી લીધો છે?

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

શેખાદમનો આ બીજો રંગ છે. જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે છે ત્યારે આ મુક્તક અચૂક રસ્તો બતાવે છે. મોતને પણ લાગમા લેવાની કવિની ખુમારી પર સલામ કરવાનુ મન થાય છે.

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે રાજકીય કાવ્યોનો ‘ખુરશી’ નામે એક નાનકડો સંગ્રહ કરેલો. યોગાનુયોગ એ પ્રગટ થયો અને તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. એમાંનુ સૌથી ધારદાર મુક્તક.

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ ?

શેખાદમની મૂળ પ્રકૃતિ મસ્તીની. રમતિયાળ રીતે બહુ મોટી વાત કરી દેવાની આવડત એને કેવી સિદ્ધહસ્ત હતી એનો આ મુક્તક આબાદ નમૂનો છે.

Comments (7)

યાદગાર મુક્તકો : ૦૩ : ચિનુ મોદી ‘ઈર્શાદ’, સૈફ પાલનપુરી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

*

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

ચિનુ મોદીનું મુક્તક વ્યંજનાની ચરમસીમાએ છે તો સૈફ પાલનપુરીનું મુક્તક વિરોધાભાસની ચરમસીમા ઈંગિત કરે છે. બંને આપણી ભાષાના યાદગાર મુક્તકો… પ્રસંગોપાત મમળાવતા-સંભળાવતા રહેવું પડે એવા..

Comments (6)

યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

*
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

Comments (5)

યાદગાર મુક્તકો : ૦૧ : રમેશ પારેખ, મુસાફિર પાલનપુરી

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
– રમેશ પારેખ

*
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી

*
મૈત્રીવિષયક બે મુક્તકોથી યાદગાર મુક્તકોની શ્રેણીની શરૂઆત કરીએ…

કાવ્યપ્રકાર તરીકે મુક્તક કંઈ નવો પ્રકાર નથી. સંસ્કૃત, માગધી અને પ્રાકૃત ભાષામાં મૌક્તિક-મોતી-મુક્તક બે હજારથી પણ વધુ વર્ષોથી લખાતાં આવ્યાં છે. ગઝલના છૂટા શેરની જેમ જ મુક્તક પણ સ્વયંસિદ્ધ અને અર્થ બાબતમાં સ્વયંસંપૂર્ણ છે. મોતીની જેમ જ મુક્તક એટલે ગાગરમાં સાગર. બેથી માંડીને ચાર પંક્તિના ટૂંકા વિસ્તારમાં ધૂમકેતુની જેમ અર્થ્લિસોટો ભાવકના હૈયામાં છોડી જવા સક્ષમ હોય એને મુક્તક ગણાય.

મુક્તક શબ્દ મૌક્તિક આને મોતી પરથી ઊતરી આવ્યો હોવાનો એક મત છે મુક્તક શબ્દ ‘મુક્ત’ અટલે કે ‘છૂટું’ પરથી ઉતરી આવ્યો હોવાનો મત વધુ પ્રબળ છે. ઉર્દૂમાં મુક્તકને ‘કત્આ’ કહે છે. અરબી શબ્દ ‘કત્અ’ અર્થાત્ ‘કાપવું’ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. મુક્તકની પ્રાસરચના અ-અ-બ-અ, અ-બ-ક-બ અથવા અ-અ-અ-અ પણ હોઈ શકે. છંદ બહુધા ગઝલમાં વપરાતા જ પ્રયોજવામાં આવે છે.

 

Comments (8)

યાદગાર મુક્તકો : ૦૦ : બાર – બાર યે દિન આયે…

૧૨   ૧૨   યે દિલ ગાયે…
૧૨   ૧૨   યે દિન આયે…

‘લયસ્તરો.કોમ’ની બારમી વર્ષગાંઠે આ યાત્રામાં સદૈવ અમારી સાથે રહેલા કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…

દર વર્ષગાંઠ ઉપર કંઈક નવું આપવાની અમારી ઇચ્છાના પરિપાકરૂપે અત્યારસુધી કરેલ ઉજવણીની એક ઝલક :

જે-તે કેટેગરીના નામની ઉપર ક્લિક કરવાથી આપ જે-તે વર્ષની ઉજવણીમાં ફરી એકવાર સામેલ થઈ શકશો… પણ હા, એક શરત છે- આપના પ્રતિભાવ આપવા ભૂલશો નહીં.

  1. 2005 – ~~~
  2. 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
  3. 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
  4. 2008 – યાદગાર ગઝલો
  5. 2009 – યાદગાર ગીતો
  6. 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
  7. 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
  8. 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
  9. 2013 – સવા-શેર (યાદગાર શેર)
  10. 2014 – बज़्म-ए-उर्दू  (ઉર્દૂ રચનાઓ)
  11. 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
  12. 2016 – યાદગાર મુક્તકો – આવતીકાલથી શરૂ….

Comments (9)

આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા!

layastaro_12

બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.

વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.

દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!

– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો

Comments (51)

પવન – ભગવતીકુમાર શર્મા

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

આદમખોરની માફક – શોભિત દેસાઈ

ત્વચા પર રાતે મોકો શોધું છું હું ચોરની માફક
અને આ સ્પર્શ જાણે ભૂખ્યા આદમખોરની માફક

ક્ષણો આવે, લઈને ઈન્તઝારી, પાછી ચાલી જાય…
સમય વીતે છે બોટાઈ ગયેલા બોરની માફક

નથી હલચલ કોઈ પણ, ખાસ જેને કહી શકાય, એવી…
હવે મન થઈ ગયું છે ગ્રીષ્મની બપ્પોરની માફક

પલાળે છે મને વરસાદના છાંટાય આઘેથી
ઊભો છું ક્યારનો ધરતી ઉપર હું થોરની માફક

અહીંથી ત્યાં, ને ત્યાંથી અહીં, કવિ, બદલી વફાદારી-
ચરે છે ઘાસ લીલુંછમ, હરાયા ઢોરની માફક

– શોભિત દેસાઈ

પાંચમાંથી કયા શેર પર આંગળી મૂકવી એ વિમાસણ થઈ આવે એવી સંઘેડાઉતાર રચના.. મનુષ્યની આદિમવૃત્તિ -સેક્સભૂખ-ને દર્શાવતો આવો ઉત્તમ મત્લા ગુજરાતીમાં જડવો એ જ દુર્લભ ઘટના છે. આદમખોર કાફિયો અદભુત રંગછટા સર્જે છે.

શબરીના બોર જેવી એંઠી પણ અધૂરી જ રહેવા જન્મેલી પ્રતીક્ષા વિશેનો શેર પણ ‘એંઠા’ને બદલે ‘બોટાઈ’ શબ્દના કારણે વિફળ પ્રતીક્ષાની તીવ્રતમ ભાવસ્થિતિ સફળતાપૂર્વક જન્માવે છે.

ઉનાળાની બપોરે ખાલી થઈ જતા રસ્તાઓને શૂન્યમનસ્ક અવસ્થા સાથે સાંકળતો શેર પણ અંદાજ-એ-બયાઁની છટાના કારણે ધ્યાનાર્હ બન્યો છે.

છેલ્લા શેરનો કટાક્ષ તો ભઈ, વાહ !

Comments (5)

ટેવાઈ જાયે છે – અમૃત ઘાયલ

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,
વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણયવાતો કદી છાની નથી રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

જુદાઈમાં વલણ શું પૂછવું અશ્રુ-ઘટાઓનું !
ઘડી ઘેરાઈ આવે છે, ઘડી વિખરાઈ જાયે છે.

જીવનમાં એક એવી આંધી આવે છે પ્રલયકારી,
દીપક હો જેટલા ઉરમાં બધા ઓલાઈ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોનાં મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન !

Comments (3)

ક્યાં જઈ… – ગિરીશ પરમાર ‘રઢુકિયા’

ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.

હું તને ભૂલી ગયો છું ક્યારનો,
એમ બોલીને કરું છું યાદ પણ.

કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.

સેંકડો પંખી હણાતાં જાય છે,
કોઈએ છેડ્યો નહીં વિવાદ પણ.

છે રઢુ વ્હાલું અમોને, છે જ છે,
એટલું વ્હાલું જ અમદાવાદ પણ.

– ગિરીશ પરમાર ‘રઢુકિયા’

રઢુ ગામના ગિરીશ પરમારે જે કાબેલિયતપૂર્વક “પણ” જેવી સંભાવનાસૂચક રદીફ યથાર્થ વાપરી છે એ સાચે જ કાબિલે-દાદ છે. એક પણ શેરમાં રદીફ લટકી પડી નથી બલકે શેરના અર્થમાં ભાવપૂર્ણ ઉમેરણ કરવામાં સફળ નિવડી છે. વાહ, કવિ!

Comments (9)

લાખ ટુકડા કાચના – હેમેન શાહ

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છે ઘણા નાના તફાવત, માત્ર દ્રષ્ટિકોણના;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં…
બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

કંઇક વસ્તુઓ ફકત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શક્તા સમંદર લાખ ટુકડા કાચના?

જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.

– હેમેન શાહ

એક ખોળિયામાં અસંખ ભિન્ન ભિન્ન ‘સ્વ’ [ I ] વસતા હોય છે……એ અસંખ્ય ‘સ્વ’ એ જ લાખ ટુકડા કાચના….

Comments (2)

કોતરી ગયાં ! – રાજેન્દ્ર શુક્લ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુક્લ

Comments (2)

પૂછે તો ! – હર્ષ બ્રહ્મભટ્ટ

જો એને માણસો જેવું સૂઝે તો !
અરીસાને કોઈ ચહેરો ખૂંચે તો !

ટકોરાને તરસશે આંગળીઓ,
નજર પડતાં જ દરવાજો ખૂલે તો !

મને છોડી તમે જ્યારે જતા હો,
હૃદય મારું છતાંયે ના તૂટે તો !

તો હું સાચું કહું એને કે ખોટું ?
મને તારા વિશે કોઈ પૂછે તો !

ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !

ઘણીયે વાર પંખીઓને જોઈ,
વિચારે માછલી, દરિયો ઊડે તો !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એકદમ સરળ અને સહજ ભાષા. એકપણ શેર ટિપ્પણીનો મહોતાજ નહીં પણ તોય સરવાળે કેટલી મજબૂત અને હૃદયંગમ રચના !

Comments (8)

ગઝલ – ભાવિન ગોપાણી

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.

જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને ?
સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.

– ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણીની રચનાઓમાંથી પસાર થતાં એક વિશેષતા જે અનુભવાઈ એ મત્લાની બળકટતા. મત્લાનો શેર જ એવો મજબૂત, નાવિન્યસભર હોય કે આખી ગઝલ વાંચવી જ પડે.

Comments (12)

શું કરીશું ! – મનસુખ લશ્કરી

શ્વાસની સાબિતીઓને સંઘરીને શું કરીશું ?
આંસુઓમાં ડૂબવા આંખો ભરીને શું કરીશું ?

હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?

ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?

પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?

‘શું કરીશું?’ ‘શું કરીશું ?’ શું કરે છે? ગોત ઉત્તર!
પંડને આ વૈખરીથી તંતરીને શું કરીશું !

– મનસુખ લશ્કરી

એકેએક શેર પાણીદાર… વર્તમાનનું મહત્ત્વ સમજાવતું ‘કાલની ખાલી નદી’નું કલ્પન જ આખી ગઝલનો ભાર ખભે ઊંચકી લેવા પૂરતું છે. ટકોરાબંધ ગઝલ.

Comments (3)

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

– મનોજ ખંડેરિયા

Comments (5)

સન્નાટા – મરીઝ

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

-મરીઝ

રીઅલ માસ્ટર !!!! પ્રત્યેક શેર અફલાતૂન !!

Comments (6)

સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં મારી કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….

01

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (12)

જન્મોત્સવ – ગુણવંત વ્યાસ

હૈયે મારે જલધિજલનાં શીકરો ઊછળે છે,
દાદા થ્યાનો અવસર દિલે દીપતેજે ઝગે છે.
દાદી એની હરખ કરતી, બોલતી પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી લાગણીઓ લઈને!’

ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર હું પારકો, એ પરાઈ.’
બેટો મારો વરતન થકી લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.

તોયે દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે,
ભૂલી વૈને ચકરભમતી ગોળ ને ગોળ ઘૂમે.
તેડી લાવી મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે અસલ નકશો બાપના બાપ જેવો.’

દેખી મારી નખશિખ છબી; પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.

– ગુણવંત વ્યાસ

અલગ રહેતા પુત્રના ઘરે પુત્રના જન્મનો ઉત્સવ અને દાદા-દાદીના સંવેદનો બહુ નાજુકાઈથી કવિએ આ સૉનેટમાં કંડાર્યાં છે. પૌત્રને રમાડવા હરખઘેલા પુત્રઘેર પહોંચી જતા દાદા-દાદીને ક્ષણાર્ધમાં સમજાઈ જાય છે કે પુત્ર અને પુત્રવધૂ બંને પરાયા છે. પણ વંશવેલાને વધતો જોઈ દાદી આ અપમાન અવગણીને પણ પૌત્રને રમાડે છે અને દાદાને બતાવે છે કે એ બાળકની શિકલ એમના જેવી જ છે. પૌત્રના ચહેરામાં પોતાનો ચહેરો નિહાળી દુઃખી-અપમાનિત છતાં બાપ દીકરાનો પાડ માને છે કે ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…

Comments (5)

શબ્દો – ચિનુ મોદી

કદી રાંક છે તો કદી રાય શબ્દો,
કદી બાંધતા, ક્યાંક બંધાય શબ્દો.

કદી આંસુઓનું લઈ રૂપ આવે
કદી પુષ્પ પેઠે પરોવાય શબ્દો.

કદી ઓઠ પર આવી પાછા વળે છે,
ઘણીવાર બ્હૌ બોલકા થાય શબ્દો.

હતો મૌનનો એક દરિયો છલોછલ,
કિનારે રહીને તરી જાય શબ્દો.

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો.

– ચિનુ મોદી

સાદ્યંત આસ્વાદ્ય મનનીય ગઝલ…

Comments (5)

ચાલ્યા જતા પ્રસંગની….- જવાહર બક્ષી

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

– જવાહર બક્ષી

Comments (2)

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

– રમેશ પારેખ

આમ જુઓ તો કાવ્યની વિષયવસ્તુ કેટલી નાનકડી છે !! છતાં કેટલી સુંદર ગૂંથણી છે !!

Comments (7)

અડધી રમતથી (English) – અનુ. મુકુર પેટ્રોલવાલા

Leave the game halfway,
To do that you are free!
Or win on your terms dear
To do that you are free!

To unburden our hearts,
Let’s talk, is my plea
Stay mum if you want,
To do that you are free!

Life today has become
A space so empty
Fill blanks where you can,
To do that you are free!

You went when you willed
As per your wish, buddy!
Open doors invite
To come, you are free!

In this life only
I want you mine to be!
Eighty four lakh births more
To suffer you are free!

It’s not life and soul we talk
But about you and me!
You can sure return later
To do that you are free!

This finger uses as air,
Words to breathe easy!
The life of the dependent
To spare, you are free!

– Vivek Manhar Tailor
(English Translation by Mukur Petrolwala)

*

લયસ્તરો પર સામાન્ય રીતે હું મારી પોતાની રચના મૂકવાનું ટાળું છું પણ મુકુરભાઈએ ઇ-મેલમાં મારી ગમતી ગઝલનો અનુવાદ મોકલી આપ્યો એટલે અહીં મૂકવાની લાલચ જતી ન કરી શક્યો. આભાર, મુકુરભાઈ !

*

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

છે તારી મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી રહીને પાછા આવવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

-વિવેક મનહર ટેલર

Comments (15)