અશોકપુરી ગોસ્વામી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 27, 2015 at 12:30 AM by વિવેક · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
સમંદર ના થયો મીઠ્ઠો કદીએ,
વલણ બદલ્યું નહીં તો પણ નદીએ.
અમે વરસાદ ઝીલ્યો એકચિત્તે,
ન સંઘર્યું કૈં જ કાણી બાલદીએ.
રહ્યો સીધો સરળ જણ છેક સુધી
અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.
બને ઇતિહાસ એવી ખૂબ જરૂરી
ક્ષણોને સાચવી લીધી સદીએ.
બધું વ્યય થઈને; શું બાકી રહ્યું આ !
સતત મૂંઝવ્યો મને વધતી વદીએ.
– અશોકપુરી ગોસ્વામી
કેવી મજાની ગઝલ ! બધા જ શેર શાનદાર…
Permalink
July 20, 2009 at 9:19 PM by ધવલ · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસતા મોટો થયો.
જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.
જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.
ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.
આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.
– અશોકપુરી ગોસ્વામી
અ.ગો.ની ગઝલમાં હંમેશા વિરક્તીની ઝાંખી થાય છે. એક ડાઘો ભૂંસતા મોટો થયો – એવી સાદી વાતને કવિ કેવી ધાર કાઢીને કરે છે. છેલ્લો શેર મારો પ્રિય શેર છે – પ્રતિબિંબના આધારે જીવતો માણસ છેવટે માત્ર ફોટામાં કેદ થઈને રહી જાય છે !
Permalink
June 17, 2008 at 12:42 PM by ધવલ · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
જીવવું ઊંઘું જાગું સાધુ;
શું ભિક્ષામાં લાવું ? સાધુ.
ભૂખ હજી પણ ક્યાં ભાગે છે ?
સપનામાં જ્યમ ખાધું સાધુ.
ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં
ના, નહીં ઘરથી ભાગુ સાધુ.
અડધો કોરો, અડધો ભીનો
કેમ મને હું લાગુ ? સાધુ.
ત્યાગ્યાનો અહંકાર આવશે,
ત્યાગું તો શું ત્યાગું ? સાધુ.
જેમ અચાનક નીકળી ગ્યો’તો;
એમ અચાનક આવું સાધુ.
– અશોકપુરી ગોસ્વામી
ગઝલ સાધુ (એટલે કે સજ્જન)ને સંબોધીને લખી છે. આસક્તિની સિમાને વળોટી જવા મથતા મનની મૂંઝવણ આ ગઝલમાં આવી છે. અને એ માધ્યમથી એ આપણને પોતાની સિમાઓથી વધારે અવગત કરી જાય છે. ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં / ના, નહીં ઘરથી ભાગું સાધુ અને ત્યાગ્યાનો અહંકાર આવશે /ત્યાગું તો શું ત્યાગું ? સાધુ – બન્ને શેર તરત દિલને અડકી જાય છે.
Permalink
September 3, 2007 at 11:02 PM by ધવલ · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.
એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.
રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.
જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.
ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.
– અશોકપુરી ગોસ્વામી
વાંચતાની સાથે પહેલો શેર તરત જ ગમી ગયો. એને બે ચાર વાર વાપરી પણ જોયો. સરળ તો છે જ, સાથે પણ સશક્ત પણ છે. એવો જ મઝાનો શેર જીત્યાનો અર્થ હાર.. પણ છે. કેટલીય એવી જીત હોય છે જે હારથી ય વધારે ખરાબ હોય છે. આવી આછકલી જીતમાંથી જાતને બચાવવાનો ઉદ્યમ એ જ જીવનનો ખરો અર્થ છે.
Permalink