ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
નયન દેસાઈ

કાચનો પ્યાલો – સિતાંશુ યશશ્ચંદ્ર

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

Vulnerability શબ્દ માટે કોઈ ગુજરાતી શબ્દ મળતો નથી. કાવ્યના કેન્દ્રસ્થાને Vulnerability છે. interpersonal relationship માં દાઝ્યા પછી, વારંવાર દાઝ્યા પછી વ્યક્તિ પોતાની ફરતે એક મજબૂત કિલ્લો ચણી લેતો હોય છે. આ પગલું લીધા પછી એ બાહ્ય આક્રમણથી તો કદાચ બચી પણ જાય , પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે તેની દુનિયા એ કિલ્લાના પરિઘ પૂરતી સીમિત પણ થઇ જાય !!! વિશ્વનું અદભૂત સૌન્દર્ય,સાનંદાશ્ચર્ય, વિસ્મય,પરિવર્તનજન્ય નાવીન્ય ઈત્યાદીથી સમૂળગો અળગો પણ થઇ જ જાય.

કાચની ચીજ એટલે કિલ્લેબંધી વગરનું મુક્ત કિંતુ vulnerable અસ્તિત્વ.

5 Comments »

  1. Rina said,

    October 26, 2015 @ 2:46 AM

    Vulnerability. … awesome

  2. KETAN YAJNIK said,

    October 26, 2015 @ 8:08 AM

    કાવ્ય વાચતા વાચતા અતીતમાં સીતાન્શુભાઈ અને અન્ય સાથેના સંબંધો – માની લીધેલી આ અતુટ ઉભી કરેલી દીવાલને કદડડ ભુસ કરી અંતરમનને પળભરમાં છીન્નભિન્ન કરી નાખશે તેની કલ્પના કરી શકતો નથી.બહુ નસીબદાર એ ઓ હોય છે જેના હૃદય ફૂલ થી કોમલ અને વ્રજ થી કઠણ હોય છે.
    આભાર માનું કે મહાસાગરમાં તરુ ?

  3. Suresh Shah said,

    October 26, 2015 @ 9:26 AM

    વિસ્ફોટક

  4. HARSHAD said,

    October 29, 2015 @ 3:00 PM

    Like this, but found little difficulty to understand it. Thank you for explanation to make it clear.

  5. RAJENDRA SHAH said,

    October 4, 2018 @ 11:49 PM

    ક્ષણભંગુરતા ! Vulnerability

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment