આમ લખવું કરાવે અલખની સફર,
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2026

આ-ગમન પછી – મણિલાલ હ. પટેલ

(શિખરિણી)

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી:
રડી હર્ષે હું વા વિરહ દુઃખ? – જાણી નવ શકી!

તમે આવ્યા ત્યારે મૂક રહી, કશુંયે નવ કથ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી…
હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો…
ઉવેખી લજ્જાને સ્વજન વચ એયે નવ થયું!
વિના બોલ્યા; ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એય શમણું!

સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં-
થઈ સાચાં, મારા વિરહકૃશ પાદે ચચરતાં;
રડી આંખો ધોઉં, શિશિરઋતુમાં અંગ સળગે
તમે? ના…ના, સૂના પથ નજરને આવી વળગે!

– મણિલાલ હ. પટેલ

આજે તો પતિ પત્નીના પિયર આવે કે તરત બધાને હાય-હેલો કરીને લાજશરમ નેવે મૂકીને પત્ની સાથે એક રૂમમાં બંધ થઈ જાય. પણ આ સૉનેટ એવા સમયનું ગ્રામ્યચિત્ર છે જે સમયે સ્ત્રીને તો હોઠ નહોતા જ, પુરુષ પણ વડીલોની આમન્યા ત્યાગી શકતો નહોતો.

પત્ની પિયર રહેવા આવી હોય અને લાંબા ગાળા પછી પતિ એને મળવા આવે એ પળની આ વાત છે. સવારે જોયેલું સપનું જે રીતે સાચું પડે એ રીતે એક દિવસ પતિ અચાનક પત્નીને મળવા આવી ચડે છે અને સ્વજનોની વચ્ચે પણ પત્નીને એકલાપણું અનુભવાય છે. સુન્દરમની નાયિકા જે રીતે તે રમ્ય રાત્રે ઘરની બારસાખ પર કાયા ટેકવી ઢળતી લતા સમી ઊભી હતી, એ જ રીતે મણિલાલ પટેલની નાયિકા પણ કમાડને અઢેલીને ઊભી છે. પણ સુન્દરમની નાયિકા નાયક સાથે એકલી હતી એટલે એને દિગ્મૂઢ નાયકને ચુપચાપ પાછો ચાલ્યો જતો રોકવામાં સમસ્યા નહોતી અનુભવાઈ, પણ આ સૉનેટની નાયિકા પરિવારની હાજરીમાં બોલીય નથી શકતી અને લજ્જા ઉવેખી શકવાના સામર્થ્યના અભાવે પતિનું મુખેય પૂરું જોઈ શકતી નથી. આંખોમાંથી ધસી આવેલ આંસુઓ હર્ષના છે કે વિરહના દુઃખના એનો ભેદેય એ કળી શકતી નથી. પતિ પણ કશું બોલ્યા-ચાલ્યા-કર્યા વિના આવ્યો હતો એમ જ પરત ચાલ્યો જાય છે. ફરી એકવાર સુન્દરમનું જ ‘મળ્યાં’ કાવ્ય યાદ આવે છે, જેમાં વિરહના કપરા દિવસો વેઠ્યા બાદ મળેલ બે પ્રેમીહૈયાં મહાજનોની હાજરીમાં ખૂલીને મળી શકતાં નથી અને મળે છે ત્યારેય કશું બોલ્યાચાલ્યા વિના ઘડી ઘડી પરસ્પર સામે બસ જોયા જ કરે છે.

આને આગમન કહીશું કે ગમન? કવિએ એટલે જ કવિતાના શીર્ષકમાં એક ડેશ ઉમેર્યો છે: “આ-ગમન પછી.” છે ને મજાનું કવિકર્મ! સવારે પગથી પર પડેલ પતિના પગલાં પત્નીના દેહને શિયાળામાં પણ પ્રજ્વાળે છે. પતિ તો વળગ્યો નહીં, સૂનો રસ્તો નજરને આલિંગન આપી રહ્યો છે… મિલનોત્સુક પત્નીના ભાવસંવેદનોનું કેવું સચોટ વર્ણન!

Comments (7)

પંખીડું – રૉબર્ટ ફ્રોસ્ટ (અંગ્રેજી) (ગુજ. અનુ.: નિરંજન ભગત)

મને થતું પંખીડું જો ઊડી જાય, અહીં
મારા ઘર પાસે આખો દહાડો ગાય નહીં.

બારણેથી બંને હાથે તાલી પાડી કહ્યું— જાય
છે કે નહીં? લાગ્યું જ્યારે વધુ નહીં સહ્યું જાય.

જોકે એમાં થોડોઘણો હશે મારો દોષ,
પંખીડું તો ગાય, એમાં શાનો કરું રોષ?

અને વળી નક્કી એ તો એક મોટું પાપ ઠર્યું,
કોઈનુંયે ગીત મૂંગું થાય એવું મન કર્યું.

– રૉબર્ટ ફ્રોસ્ટ (અંગ્રેજી)
(ગુજ. અનુ.: નિરંજન ભગત)

સરળ કવિતા. ઘર બહાર બેસીને આખો દિવસ ટહુક્યા કરતું પંખી નાયકને ગમતું નથી. એ ઇચ્છે છે કે એ દૂર ઊડી જાય. તાળી પાડીને એ એને ઊડાડી પણ દે છે. પણ આ સમસ્યા કંઈ એના એકલાની નથી, સમસ્ત મનુષ્યજાતિની છે. માનવજાત એ હદે સ્વકેન્દ્રી બની ગઈ છે કે કોઈ કોઈને સહન કરી શકતું નથી. આપણી વિચારધારાથી અલગ વિચારધારાને આપણે આવકારી કે સ્વીકારી શકતા નથી. એમાંય આ નાનકડા પંખીની જેમ કોઈક નાનો માણસ આગળ વધતો કે અલગ પ્રતિભા ધરાવતો દેખાય એ તો કેમે કરીને આપણને ગળે ઉતારતું નથી. હકીકતમાં સમસ્યા બીજાઓમાં નહીં, આપણા પોતાનામાં જ છે.

સિદ્ધહસ્ત કવિ શ્રી નિરંજન ભગતે અંગ્રેજી લિરિકનો અનુવાદ તો સરસ કર્યો છે, પણ મને કેટલીક જગ્યાએ મજા ન આવી. એક તો છંદ. રચના મનહર છંદની ચાલમાં છે પણ પહેલી બીજી પંક્તિમાં અનુક્રમે ૧૬ અને ૧૫ અક્ષર હોવાની શરત સંતોષાઈ નથી. ચુસ્ત મનહર છંદના સ્થાને કવિને કટાવ શૈલી પસંદ આવી હોય તો એમાં વાંધો નથી, પણ અક્ષરસંખ્યાની અનિયમિતતાના કારણે પઠન પ્રવાહી થઈ શક્યું નથી. અનુવાદની સરખામણીમાં મૂળ રચનામાં ફ્રોસ્ટે બધી પંક્તિમાં આયમ્બિક ટેટ્રામીટર છંદ વાપર્યો છે. એ સિવાય, પહેલા બે યુગ્મકમાં સૉનેટની જેમ વાક્ય પહેલી પંક્તિમાં પૂરું થઈ જવાના બદલે બીજી પંક્તિમાં જઈને પૂરું થાય (અપૂર્ણાન્વય- enjambment) જરા ખટકે છે. આ કારણોસર ઊર્મિકાવ્યનું ખરું સૌંદર્ય નંદવાતું હોવાનું મને પ્રતીત થયું. આપ શું કહેશો?

A Minor Bird

I have wished a bird would fly away,
And not sing by my house all day;

Have clapped my hands at him from the door
When it seemed as if I could bear no more.

The fault must partly have been in me.
The bird was not to blame for his key.

And of course there must be something wrong
In wanting to silence any song.

– Robert Frost

Comments (7)

(આંખમાં ઊતરી ગયો) – નયન હ. દેસાઈ

સૂર્ય ભીનો થઈને મારી આંખમાં ઊતરી ગયો,
હું ગઝલની જેમ શેરી વાંચતો નીકળી ગયો.

આંખમાં પોપટની મુઠ્ઠીભર હતી લીલાશ પણ,
પાંખમાં વગડો હતો ક્યારેક તે ઊડી ગયો.

સાંજનું અર્ધું બળેલું આભ જાણે ગાય છે,
ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો.

ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે,
ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો.

એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?

– નયન હ. દેસાઈ

રાવજીની આંખે કંકુના સૂરજ આથમ્યા હતા, નયન દેસાઈની આંખોમાં સૂર્ય ભીનો થઈને અંદર ઉતરી જાય છે. રાવજી પટેલના સૂરજ અને નયન દેસાઈના સૂર્ય વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ અત્રે એનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કેવળ એ જ કે બે અલગ અલગ કવિઓ એક જ કલ્પનની કેવી અલગ અલગ માવજત કરી શકે છે! મત્લાની બંને પંક્તિમાં કવિએ ક્યાંય લખ્યું નથી કે પોતાને જે શેરીમાંથી પસાર થવાનું આવ્યું છે એ છોડી ગયેલ કે છેહ દઈ ગયેલ પ્રિયજનની શેરી છે, પણ આથમતો સૂર્ય ભીની થયેલી આંખોને સ્પર્શે છે એટલાથી એ સમજી શકાય છે. કોઈની લખેલી ગઝલ વાંચતા હોઈએ એ તાટસ્થ્યથી કવિ પ્રિયજનની શેરીને જોતાં જોતાં પસાર થઈ જાય છે – दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ ख़रीदार नहीं हूँ (અકબર ઇલાહાબાદી)

ગઝલના પાંચેય શેર નયન-બ્રાન્ડની આલબેલ પુકારે એવા મજબૂત થયા છે. ચોથો શેર હાંસિલે ગઝલ છે અને પાંચમો પણ એવો જ અદભુત.

Comments (19)

પાણી-વલોણું પ્રીત – પ્રિયકાન્ત મણિયાર

જૂઠા રે જીવણ તમે જાઓ છો
.                લઈ જાઓ મુરલીના સૂર,
શું રે કરીએ અમે એ સૂરને,
.                તમે તો દૂરનાયે દૂર!

શીદને વલોવું વ્હાલા! ગોરસી,
.                શાને ગાઉં તારાં ગીત?
તુજને મળીને જાદવ જાણતી
.                મારે પાણી-વલોણું પ્રીત!

ખીલડે બંધાઈ મારી ગાવડી
.                ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
.                તડકે સુકાતી લીલી ચાર.

જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
.                એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
.                રોકાજો આટલો કહેવા ભેદ!

– પ્રિયકાન્ત મણિયાર

વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…

Comments (8)

સાચી કવિતા – જયંત પાઠક

જે કવિતા સાચી તેની વાત જુદી!

એમ તો લાગે શ્રવણને ગર્જના મીઠી,
ને ગમે નિબિડાંધકારે વીજળી દીઠી;
સ્પર્શ શીળો વાયુનો દે સ્પર્શસુખ,
ઇન્દ્રધનુના રંગ કરી દે ઊર્ધ્વમુખ.

કિન્તુ આર્દ્ર કરી મૂકે મ્હેકાવી માટી
ને સૂતેલાં બીજને અંકુર રૂપે
બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
પ્રાવૃષની એ વાત જુદી !

– જયંત પાઠક

આજે “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે કવિતા વિશે એક કવિતા. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને સર્વોપરી ગણવામાં આવી છે એટલે કવિતા એટલે શું અને સાચી કવિતા કોને કહેવાય એ વિશે પરાપૂર્વથી ચર્ચાઓ થતી આવી છે અને કવિતા વિશે કવિતાઓ પણ લખાતી રહી છે. સાચી કવિતાને વ્યાખ્યાયિત કરવી જો સંભવ હોત તો એ કામ ક્યારનું થઈ ચૂક્યું હોત, પણ હજારો કવિતાઓ અને વ્યાખ્યાઓ કરાયા બાદ હજીય એ વિશે કવિતાઓ થતી રહે છે એનો મતલબ જ નેતિ નેતિ…

હજારો વ્યાખ્યાઓમાંની એક તે આ કવિતા. કવિ કહે છે કે જે કવિતા સાચી હોય એની વાત અલગ હોવાની. પહેલા બંધમાં કવિએ થોડા ઇંદ્રિયગમ્ય અને ઇંદ્રિયભાવન અનુભવોની વાત કરી છે. શ્રોત્રેદ્રિયને ગર્જના મીઠી લાગે તો આંખોને ગાડઃ અંધકારમાં વીજળી અને દિવસે મેઘધનુષના રંગો જોવા ગમે છે. શીતળ વાયુ સ્પર્શેંદ્રિયને તૃપ્ત કરે છે. મોટાભાગની કવિતાઓ આવી જ હોય છે- ઇંદ્રિયગ્રાહ્ય! ઉપલક આનંદ આપે એવી…

પણ સાચી કવિતા એટલે એવો વરસાદ જે હૈયાની માટીને ભીંજવે, મહેંકાવે અને સપાટી તોડીને ભીતર સૂતેલા બીજને અંકુરિત કરી બહાર આણે…

(પ્રાવૃષ=વરસાદ)

Comments (7)

જાવા પૂર્વે – સુન્દરમ્

(શિખરિણી)

બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે,
ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે,
ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે,
સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે!
મને ના અંતોનું દરદ કદીયે, અંત સહુનો.
મને બાળેઝાળે અહ ભભક જાવા પુરવની.

અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની –
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી!

ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!

– સુન્દરમ્

બે દીપક ભેગાં થઈને આયખાના ઘરને ઝળાંહળાં કરી દે એવું નસીબ બધાનું નથી હોતું. જે રીતે બુઝાતા પહેલાં દીવો વધુ ફગફગે, રાતમાં પલટાતાં પહેલાં સાંજ વધુ રંગીન થાય, પુષ્પ ખરતાં પહેલાં પૂરું ખીલી જાય એ જ રીતે કથકને કાયમી વિયોગ આપતા પહેલાં એના પ્રિય પાત્રએ જે સ્નેહની હેલી વરસાવી, એનાથી કથક વ્યથિત વ્યથિત થઈ ગયો છે. જીવનના રસ્તે ક્યાંક કોઈક અજાણી વ્યક્તિ મળી. દિલમાં ઘર કરી ગઈ. કથકે વગર વિચાર્યે એના હાથમાં પોતાની ચાવી-પોતાનું સમગ્ર નિયંત્રણ સોંપી દીધું. પણ આવનારીને તો ખબર હતી કે પોતે આ આકાશમાં કેવળ ધૂમકેતુ બનીને આવી છે. પણ મળેલ અવસરને આકંઠ માણી લેવા માટે એ તત્પર હતી. પોતાના ચાલ્યા જવા પહેલાં એણે કથકના જીવનને અભૂતપૂર્વ રોશનીથી ભરી દીધું. કથક વિયોગ સહન કરવા તૈયાર છે, પણ એ જતા પહેલાંની વધુ પડતી ઝાકમઝોળ સહવાને અસમર્થ છે. જનાર વ્યક્તિ જતાં પહેલાં પોતાના દિલમાંથી પ્રેમની રોશની મિટાવી ગઈ હોત તો કદાચ વધુ સારું થાત… કારણ પ્રિયજનની અનુપસ્થિતિમાં આ રોશની રોશની ન રહેતાં હૈયાહોળી બની ગઈ છે… કાયમી જુદાઈ વિશે અનેકાનેક ઉમદા રચનાઓ આપણી ભાષામાંથી જડી આવશે, પણ આ સૉનેટ અલગ પ્રકારની માંડણીના કારણે વિશિષ્ટ ભાત ઉપસાવે છે..

Comments (10)

(આપણે શું કરીશું મળીને?) – વિકી ત્રિવેદી

વિચારી વિચારી પછી એક તણખે લખ્યું પત્રમાં એક દીવાસળીને,
“બે પળનું મિલન છે પછી નાશ થાશે, ભલા આપણે શું કરીશું મળીને?”

ગમે તેમ ઘૂંટો ભલે એને જળમાં, પડે છે અલગ તેલનું એક ટીપું,
દશા એ જ સારા મનુષ્યોની થઈ છે, રહ્યા એમ એ પણ જગતમાં ભળીને!

ખબર છે કે કરશે મને ધૂળ ખાતું, છતાં આ મહોબ્બતની હદ તો જુઓ કે,
જશે બેશરમ આંખ પાસે જ અશ્રુ વિના હાથ પગ ટળવળી ટળવળીને!

ભલે ના ગમ્યું તારું બીજું કશું પણ, પ્રભુ સંતુલન તારું સ્પર્શયું છે દિલને,
અદલ એટલી ચીસ લખતા પડી’તી, જે તાળી પડી છે ગઝલ સાંભળીને.

મને હૂંફ આપ્યા વગર જે કહે છે કે આને અહમ છે, કહો એને કોઈ
કે દેખાવે છો ને અલગ છે બરફ પણ જળ જ થાય છે આખરે ઓગળીને.

– વિકી ત્રિવેદી

સરસ મજાની ગઝલ… કશાય ઉપોદઘાત વિના એને એમ જ માણીએ…

Comments (6)

ઘરથી નીકળ્યો બ્હાર – અનિલ જોશી

ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો
પારિજાતના વનમાં વાયુ ગંધ વિનાનો વાયો

અંધકારમાં ડૂબી ગયેલું જંગલ ના દેખાયું,
સવાર પડતાં વન ઊગે—કે સૂરજ ના સમજાયું!
સાવ આંધળીભીંત આંખને શું તડકો ને છાયો!
ઘરની નીકળ્યો બ્હાર—

કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો.

– અનિલ જોશી

કવિતા લખાય છે તો એ જ ભાષામાં, જે ભાષા આપણે શ્વાસોચ્છ્વાસમાં ભરીને જીવીએ છીએ,પણ એ જ ભાષાને કવિ અલગ રીતે પ્રયોજે છે, ત્યારે એ કાવ્યનિર્મિતિનું કારણ બને છે. આ ગીતની પ્રથમ પંક્તિ જુઓ…

ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો…

ઘરથી બહાર નીકળીને જંગલમાં જવા સુધીની વાત સામાન્યાનુભવની વાત છે… પણ જ્યારે કવિ ‘સ્વયં’ માટે ‘ગયો’કે ‘પહોંચ્યો’; જેવા મૂર્ત ક્રિયાપદના સ્થાને ‘પથરાયો’ જેવું અમૂર્ત ક્રિયાપદ પ્રયોજે છે ત્યારે આખી વાતનો સંદર્ભ જ બદલાઈ જાય છે. વ્યવહારની ભાષા વ્યવહારની ન રહેતાં કવિતાની ભાષા બની જાય છે. સમર્થ કવિઓની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે આવું સૂક્ષ્મ કવિકર્મ ડગલેને પગલે જોવા મળશે. કેવળ એક ક્રિયાપદના કારણે ‘ઘર’ અને ‘જંગલ’ ઉભયના અર્થાંતરણ થઈ જાય છે… ઘર કાયા અને જંગલ ભવાટવિ –સંસારરૂપી વન અને કદાચિત પરલોક બની રહે છે… કેવળ ચાર સાચા અક્ષરની મદદથી કવિએ એક જ પંક્તિમાં કેટકેટલું બદલી નાંખ્યું!

આખી રચના વિશે પણ માંડીને વાત કરી શકાય પણ એ ફરી ક્યારેક…

Comments (17)

આવકાર સપ્તાહ: ૦૭ :શબ્દ પણ બોલ્યા વિના – બાબુલાલ ચાવડા ‘આતુર’

(મને મેં જીવતો રાખ્યો)

સતત આ મનને મારીને મને મેં જીવતો રાખ્યો,
ઘણું સમજી-વિચારીને મને મેં જીવતો રાખ્યો.

હૃદયની આગ તો જીવવા જ દેવા માગતી ન્હોતી,
નયનનાં જળથી ઠારીને મને મેં જીવતો રાખ્યો.

ગયો તોફાનમાં સપડાઈ મધદરિયે ઘણી વેળા,
છતાં કાંઠે જ ધારીને મને મેં જીવતો રાખ્યો.

પ્રતિકૂળતાને પકડીને અનુકૂળતાના બીબામાં,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતો રાખ્યો.

ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

જાણીતા અને નવા કવિઓના નવા કાવ્યસંગ્રહોનો સાદરસત્કાર કરવા આદરેલ આવકાર સપ્તાહ શૃંખલાની આ સાતમી અને આખરી કડી… નોંધ લેવાની બાકી હોય એવા ઘણા સંગ્રહ હજી મારા ટેબલના એક કિનારે ચુપચાપ બેઠા છે… થોડો પોરો ખાઈ લઉં, પછી એમનો વારો..

આજે સિદ્ધહસ્ત સર્જકના નવાનકોર સંચયમાંથી એક સરસ મજાની ગઝલ… ‘યે જીના ભી કોઈ જીના હૈ’ની વાસ્તવવાદી ફિલસૂફી પહેલેથી આપની વિચારધારાનો અગત્યનો હિસ્સો બની રહી છે. કવિએ પાંચ શેરમાં એને બખૂબી કંડારી બતાવી છે… આપને કયો શેર ગમ્યો અને કેમ એ કહેશો તો અમને વધુ ગમશે.. .

Comments (7)

આવકાર સપ્તાહ: ૦૬ :મખમલી શ્વાસ – પીયૂષ ચાવડા

લયસ્તરો પર જાણીતા અને નવા કવિઓના તાજા કાવ્યસંગ્રહોને પોંખવાના અવસર નિમિત્તે આજે ‘મખમલી શ્વાસ’ને પોંખીએ… સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેર પેશ કરીએ છીએ…

જરા સાથ આપ્યો તેં, એની અસર છે,
ઉદાસીના ઘરમાં ખુશી આજે આવી.

ભરી પાનખરમાં બહારો ખીલી છે,
જરા શી તમે શું નજરને ઝુકાવી!

તમારા સ્મરણની જરા છાંટ છાંટી
ખડી થઈ ગઈ છે બધીયે રુંવાટી.

અંત કે આરંભ, મધ્યે તું જ છે,
વારતાના હર પડાવે તું જ છે.

સામાન શ્વાસનો સૌ, અંતિમ ભરી રહ્યો છું,
ભાડાના ઘરને આજે ખાલી કરી રહ્યો છું.

‘ખૂબ મોડું થઈ ગયું’ -એણે કહ્યું,
મેં કહ્યું કે આ હવે સમજાય છે?

દીધો તમે જે ટેકો, એ સ્તંભ છે બરફનો,
પકડું છું એને જ્યારે, આધાર ઓગળે છે.

હાથ આખો એમ તો સળગે નહીં ને દોસ્ત કૈં?
કૈંક તો કામણ હશે ને કૃષ્ણના એ રાસમાં!

ગાલ એના હું કરી દઉં લાલ, પણ
યાદને ચૂમી શકાતી હોત તો સારું હતું.

– પીયૂષ ચાવડા

Comments (6)

આવકાર સપ્તાહ: ૦૫ :’રૂહાની મહેક’ તથા ‘ગગનચુંબી ઈશારો’ – કંચન અમીન

ગઈકાલે કવિના એક સંગ્રહમાંથી આપણે એક ગઝલ માણી… આજે એમના બીજા બે સંગ્રહમાંથી પસંદગીના થોડા શેરનો આહ્લાદ લઈએ અને બંને સંગ્રહોને વધાવીએ… કબીરા રદીફ બાબતનું કવિનું વળગણ એમના સંગ્રહોમાં સ્પષ્ટ નજરે ચડે છે. કબીરનો સંદર્ભ આ ગઝલોમાં અલગથી સ્પષ્ટ ઉપસતો ન હોવાથી ‘કબીરા’ની જગ્યાએ રદીફમાં અન્ય કોઈ પણ નામ નભી શકે એમ છે એ એક વાત છે, પણ ‘કબીરા’ રદીફમાં નક્કી કંઈક ગેબી અંતર્નિહિત અસર હોવી જોઈએ, કારણ આ રદીફવાળી ગઝલો જ કવિની સારી ગઝલોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.

*

કંઈ ખબર પડતી નથી કે કોણ દોરે, કોણ ભૂંસે?
શોક ને આનંદ વચ્ચે એક નાજુક ભેદરેખા.

અંધારામાં અજવાળું છે,
ભૂંસી ભૂંસી આગળ વાંચો.

ભીતર મોતી જેવી ઝળહળ,
આંસુનો ચમકાર કબીરા.

ચૂરેચૂરા થઈને પડતી,
પછડાતી જલધાર કબીરા.

આગળપાછળ, આજુબાજુ;
સાચવજો, સરહદ જેવું છે.

અંત વગરની હેરાફેરી,
ઇચ્છાઓ નિર્મૂળ કબીરા.

એક અવિચળ શ્વાસ જેવું છે અખિલ બ્રહ્માંડ આ,
નાદ ગૂંજે છે સદંતર- કોઈ ક્યાં સમજી શકે છે?

હસતાં હસતાં આંસુની ધારા આવે છે,
અજવાળાની આંખે અંધારાં આવે છે.

કશું હશે છતાં કશું નથી – નથી, ખબર નથી;
ઉચાટ મનમાં કેટલો હશે! નથી, સબર નથી.

– કંચન અમીન

શબ્દોની અંદર છે ઝળહળ,
અંગત રૂડી ભાત કબીરા.

ક્યાં ક્યાં પડઘાતો ખીણોમાં,
મૂંગો મૂંગો સાદ કબીરા.

પીંજર જેવી લાગે દુનિયા,
તો પણ છે આઝાદ કબીરા.

ચુંબક ખેંચે લોહ કબીરા,
માયા મનનો મોહ કબીરા.

– કંચન અમીન

Comments (8)

આવકાર સપ્તાહ: ૦૪ : દિલ્લગી – કંચન અમીન

રૂપેરી કલશોર કબીરા
સોનેરી છે પ્હોર કબીરા

પળપળ કોરા કાગળ જેવી
સાવ નવી નક્કોર કબીરા

ઝાકળમાં ડૂબે છે સૂરજ
ઝળહળ ચારેકોર કબીરા

સચરાચર છે રોશન રોશન
થનગન નાચે મોર કબીરા

ફૂલોનાં હૈયે ખુશબૂની
મસ્તીનો છે તોર કબીરા

– કંચન અમીન

લયસ્તરો પર આવકાર સપ્તાહની આજે ચોથી કડી… કવિના નૂતન સંગ્રહ ‘દિલ્લગી’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહરમાં કવિએ સરસ ગઝલ કહી છે. મત્લામાં પ્રભાતની સમૃદ્ધિનું મનહર ચિત્ર કવિએ કલમના બે-ચાર લસરકામાં જ કેવું સરસ દોરી બતાવ્યું છે! સરવાળે બધા શેર સંતર્પક થયા છે…

Comments (7)

આવકાર સપ્તાહ: ૦૩ : પ્રણયોત્સવ-૦૨ – પારસ પટેલ

*

ગઈકાલે આપણે કવિના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવના પ્રથમ ભાગને આવકાર્યો. આજે પ્રણયોત્સવના બીજા ભાગને પણ આવકારીએ… ગઈકાલે પહેલા ભાગમાંથી એક ગઝલ માણી, આજે બીજા ભાગમાંથી પસંદગીના શેરોનો આસ્વાદ લઈએ…

આમ ના તાકી રહે મારી તરફ,
મા નથી ઘરમાં નજર ઉતારવા.

છોકરીને આજથી સત્તર થયાં,
ગામના કૈં છોકરા અત્તર થયા.

અપ્સરાઓ ને મદિરા ખૂબ મળશે સ્વર્ગમાં,
બસ, ગઝલનો ગ્રંથ સાથે લઈ જવા દે શામળા.

બડો બાદશાહી ખજાનો મળ્યો છે,
મને એક કાગળ મજાનો મળ્યો છે.

સ્વર્ગની વાતો વડે અંજાઈને,
આયખું સંકેલવા જેવું નથી.

અમારો હાથ એણે હાથમાં લઈ સહેજ જ્યાં દાબ્યો,
ઉમળકામાં મને બહોળો અનુભવ સાફ દેખાયો.

એકદમ ટાઢક વળે છે તાપમાં,
એ અગર સામે મળે છે તાપમાં.

સમી સાંજ ને આ કથા આદરી છે,
અમે ખામખા આ વ્યથા આદરી છે.

કેમનું શોધું તમારું ઘર અજાણ્યા ગામમાં,
ગામ આખામાં અબોલા છે તમારા કારણે!

એક ભમરો ફૂલ પર બેઠો અને
મોગરાની ડાળ શરમાતી રહી.

તમે ખંજર હુલાવીને મને બેમોત ના મારો,
મને તાકી રહો તો પણ તમારું કામ થૈ જાશે.

કોઈ પણ કાનૂન-બંધારણ વગર,
આંખથી હિંસા કરે કારણ વગર.

છે નગર મારું છતાં ભટકી જવાની ટેવ છે,
એમની શેરી મહીં અટકી જવાની ટેવ છે.

ગામડા ને શહેરની વચમાં રહ્યો,
સહેજ ભોળો, સહેજ લાલચમાં રહ્યો.

ચાંદ ને તારા બતાવે, પણ કશું આપે નહીં,
કોઈ મોટા દેશની સરકાર જેવી છોકરી.

હસાવે છે, રડાવે છે, નચાવે છે, નઠારી છે,
તમાશાઓ કરાવે છે, મહોબત તો મદારી છે.

તમારી એક ના પર જિંદગી બરબાદ! એ કરતાં
મનોમન ચાહવાની આ અવસ્થા ખૂબ સારી છે.

એના ઘરમાં બેઠો છું ને,
કેમ મને મારું ઘર લાગે?

– પારસ પટેલ

Comments (10)

આવકાર સપ્તાહ: ૦૨ : પ્રણયોત્સવ-૦૧ – પારસ પટેલ

નજર સૌ મંડાય છે તારા ઉપર,
શક બધાને છે ફકત મારા ઉપર.

તેં કર્યું ઘાયલ હૃદય મારું પછી,
સો સવાલોના થયા ઘા; ઘા ઉપર.

આ મહાભારત મને જામ્યું નહીં,
ભાઈ મારો ઘા કરે મારા ઉપર?

આ વખત સોગંદ તેં ખાધા નથી,
આ વખત વિશ્વાસ છે તારા ઉપર.

હાથ મારો કોઈએ પકડ્યો હતો,
છે હવે આરોપ અંધારા ઉપર.

– પારસ પટેલ

લયસ્તરો પર આજે કવિ શ્રી પારસ પટેલની એક ગઝલ સાથે એમના સંગ્રહને આવકારીએ…

સરળ ભાષામાં સરસ રચના થઈ છે. પાંચેય શેર મજાના થયા છે. હા, નજર (લગા) શબ્દને કવિએ નજ્ર (ગાલ) તરીકે પ્રયોજ્યો છે એ સહેજ ખટકે છે. બહુ મોટા ગજાના ગઝલકારોએ છંદ જાળવવા શબ્દના સાહજિક ઉચ્ચારણને આ રીતે બદલ્યા હોવાના એકાધિક દાખલા ઉપલબ્ધ છે, પણ આ પ્રકારની કર્ણકટુતાથી બચી શકાય તો ઉત્તમ.

Comments (8)

આવકાર સપ્તાહ : ૦૧ : ધરાનું નૂર છું – ઉષા ઉપાધ્યાય

બખ્તર

બખ્તર સઘળાં છૂટે છે,
થાકનાં તાળાં તૂટે છે.

રાત ભમે છે વગડામાં,
અજવાળાંને લૂંટે છે.

સરખાં બન્ને, પ્રેમ ને કૂંપળ,
પથ્થર તોડી ફૂટે છે.

રણ વચ્ચે રેતીના પટમાં,
જીવન લાધ્યું ઊંટે છે.

પાતાળે ધરબીને રાખો.
મોત બધુંયે ઝૂંટે છે.

સાત સમંદર ડહોળી જાણ્યું,
સુખ તો ઘરના ખૂંટે છે!

– ઉષા ઉપાધ્યાય

કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છે, પણ પહેલાં ઘરના નવીનીકરણનું કામ અને પછી નવા થયેલા ઘરમાં નવેસરથી ગોઠવાવાના ભગીરથકાર્યમાં વ્યસ્ત હોવાના કારણે નવા સંગ્રહોની સંખ્યા તો વધતી ગઈ, પણ એમાંથી પસાર થવાનું કાર્ય ટલ્લે ચડતું રહ્યું… એ બદલ પ્રેમથી કાવ્યસમુચ્ચય પાઠવનાર તમામ સર્જકમિત્રોની દિલથી ક્ષમા પ્રાર્થું છું. હવે થોડો ઠરીઠામ થયો છું, એટલે બને એટલા કાવ્યસંચયોને ન્યાય આપવાની યથાશક્તિ યથામતિ કોશિશ કરીશ… લયસ્તરો પર આ આખું સપ્તાહ કાવ્યસંગ્રહોને આવકારીશું…

આજે આ આવકાર સપ્તાહનું પગરણ લબ્ધપ્રતિષ્ઠ સર્જકના નૂતન સંગ્રહની એક ગઝલ સાથે કરીએ…

(કેટલાક કવિમિત્રોએ ધ્યાન દોર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગઝલમાં એકાધિક જગ્યાએ ગાગાગાગાના આવર્તનોમાં અનિયમિતતા રહી ગઈ છે.)

Comments (8)

ફૉબીઅસ ગઝલ – નયન દેસાઈ

ઘર હાંફે છે, ઘર હાંફે છે, ઘર હાંફે છે ચટ્ટક લાલ
ઉમ્બર ચત્તોપાટ પડેલો ખીંટી પર માણસની ખાલ,

બારીમાં ચિત્તાની આંખો, અંગારાશી તગતગતી,
ધડધડ વહેતા પડછાયાનાં મોજાંઓ ઊછળે વિકરાળ,

હાથોની ડાળી પર સુક્કાં પર્ણોનો ખખડાટ થયો,
પક્ષી છાતી પર બેઠું કે ટચટચ ટોચ્યાની ઘટમાળ?

આંખોના પાતાળકૂવામાં સૂરજનો પથ્થર ભચ્ચાક્
ઝાંખા પાંખા આકારો નીકળ્યા ઓઢી સ્વપ્નોની છાલ,

ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.

– નયન દેસાઈ

કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?

મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…

પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.

Comments (6)

ત્યક્તાનું ગીત – ગોપાલ ધકાણ

અઢળક દરિયા છે ચોપાસ, અમારી આંખ્યુંમાં ભીનાશ, અમે તો તોય તરસીએ
ખીલ્યો લુમ્બોઝુમ્બો ફાગ, અમારો બેસૂરો છે રાગ, અમે શું કોને કહીએ?

જડતર ઝીલે ઓઢણીયું ને પડતી પીડા માંહ્ય, જમાનો કોરી ખાશે,
ખળખળ વહેતાં ઝરણાઓને આજ નહીં તો કાલ, સમંદર દોરી જાશે,
સૌએ ચાંદે જોયો ડાઘ, અમારો એમાં છે શું વાંક, હવે શું છાતી ચીરીએ?

ખળભળ ગઢની રાંગ, અમારી એકલવાયી સાંજ, અટૂલી કેમ કપાશે?
તમરાં ભાંગે રાત, અમારી પાંપણ ઉપર ભાર સવારે વધતો જાશે,
વડછડ આઘી મેલી આજ, સાંકળ ખખડાવો ને રાજ, અમે લો તરત ખોલીએ

– ગોપાલ ધકાણ

વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.

Comments (4)

સમજો – નીતિન વડગામા

સમજો સાચું શરણું.
હોડી છોડી કેમ પકડતાં તમેય પોકળ તરણું!

તરણાંના શરણાથી કેવળ પદ કે પદવી મળે.
થપાટ મારે કાળ જરા ત્યાં સઘળુંયે ખળભળે!

પવન આવતાં ઊડી જાશે હલકું અંગ-ઉપરણું !
સમજો સાચું શરણું.

એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.

નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.

પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !

શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.

– નીતિન વડગામા

સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.

Comments (7)

ઘેરૈયાનો ઘેરો – વેણીભાઈ પુરોહિત

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!

આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ!

ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ!
દાણ માગે છે દાણી, નવાઈલાલ!

આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ!

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!

જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!

ભારે હિમ્મત તમે લીધી, નવાઈલાલ!
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ!

ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ!
હસશે ગામની ગોપી, નવાઈલાલ!

ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ!

ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ!
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ!

કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ!
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ!

મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ!
કાળા કલપમાં બોળો, નવાઈલાલ!

કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ!
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ!

આજે સપરમો દા’ડો, નવાઈલાલ!
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ!

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!

– વેણીભાઈ પુરોહિત

ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)

Comments (6)

ફાગુન આયો રી – રાજેન્દ્ર શાહ

.                 ફરી ફરી ફાગુન આયો રી
મલય કેરે વાયરે વાયો
.                 ફાગુન આયો રી !

મંજરીની ગંધ,
.                 પેલાં કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
.                 મને સહુનો લાગ્યો છંદ;
.                 હોજી મારો જીવ લુભાયો રી !

દુનિયા કેરા ચોકમાં આજે
.                 કોણ છોરી કોણ છેલ ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં
.                 રમતાં રે અલબેલ !
આવી સુખ સુહાગન વેળ,
.                 ચારિ ઓર લાલ ઉડાયો રી.

– રાજેન્દ્ર શાહ

હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!

ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?

Comments (2)

(હોળી રમે રાધા ગોરી) – મીરાં

હોળી રમે રાધા ગોરી, રાધા ગોરીશી નવલ કિશોરી હો. ધ્રુ૦

હની હો નૌતમ ઓઢ્યાં ઓઢણાં,
.                      પ્હેર્યાં ચીર ચરણાં ને ચોલી હો.     ૦૧

હની હો ચૂવા ચંદન ઘોળિયાં,
.                      કેસર ચંદન છીરકત ગોરી હો.      ૦૨

હની હો હાથમાં થાળ કનક તણા,
.                      કુંકુમ લીધાં ઘોળી હો.               ૦૩

હની વનરા તે વનની કુંજગલનમાં,
.                      રાધા મોહન ખેલે હોળી હો.         ૦૪

હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
.                      પિયા પ્યારીની બની જોડી હો.      ૦૫

– મીરાં

લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…

હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.

નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી

Comments (2)