ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મિત્રને – હરીન્દ્ર દવે

ગાઢ નિદ્રામાંથી મને જગાડી
મારા માટે સજાવેલી ચિતામાં
પોઢી ગયેલા, અય દોસ્ત !
મને તારી નિદ્રાની ઈર્ષ્યા નથી.
મારી જાગૃતિનો રંજ છે.

– હરીન્દ્ર દવે

એક ટચૂકડી કવિતા … એમાં કેટલાય અર્થવિભાવો !

Comments (20)

– લાભશંકર ઠાકર

અંધકારમાં અકથ્ય એકાંતમાં
નીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું,
તેવા કથનમાં તો માત્ર અને માત્ર
વાગ્મિક અલંકાર રચાયો.
તે રચનામાં હું નથી તેની મને જાણ છે
પણ હું શું અને ક્યાં છું તેની અને
શા માટે છું તેનીય મને જાણ નથી !
મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લાભશંકર ઠાકર

વો પૂછતે હૈ હમસે કે ગાલિબ કૌન હૈ ? એ સવાલના જવાબમાં તો ગાલિબે પણ ટોપીમાં હાથ નાખવો પડેલો 🙂

પોતાની જાત વિશે ખરી ખબર તો કોઈને હોવી શક્ય જ નથી. પણ પોતાની જાત વિશે જે કાંઈ ખબર છે એને ખરેખર પોતાના લખાણમાં પ્રગટ થવા દેવાનું કેટલાનું ગજું છે ? જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે?), એ સત્ય કહેવાવાળા કેટલા ?

Comments (9)

સુખ-દુ:ખ -વિપિન પરીખ

સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું  પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…

– વિપિન પરીખ

ચંદ શબ્દોના લસરકાથી તીણું શબ્દચિત્ર દોરવાની વિપિન પરીખની આવડત અદભૂત છે. મુંબઈના માણસના સુખ-દુ:ખનો હિસાબ એની જ ભાષામાં કવિએ કરી આપ્યો છે.

Comments (10)

કબાટમાંનાં પુસ્તકો – શંકર વૈદ્ય (અનુ. અરુણા જાડેજા)

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ –
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !

– શંકર વૈદ્ય (મરાઠી)
અનુ. અરુણા જાડેજા

ગઈકાલે પુસ્તકદિન ગયો. આ કવિતા તાજી જ વાંચી હોવાનો ભાસ હતો પણ બે-ત્રણ કલાકોની શોધ-ખોળ પછી પણ એ ન જડી તે ન જ જડી. પિન્કીની ‘વેબમહેફિલ‘ પર અચાનક અરુણા જાડેજાની પુસ્તકો વિશેની જ એક રચના વાંચી અને મનમાં ઝબકારો થયો. કબાટમાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં કવિતા હાથમાં… આભાર, પિન્કી!

આજની આ કવિતા ધ્યાનથી વાંચીએ અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહમાંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ઘણું…

Comments (14)

વારિસશાહને – અમૃતા પ્રીતમ

આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)

આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો

[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]

અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.

વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.

ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”

અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.

Comments (10)

આપણે – મનસુખ લશ્કરી

આપણે કાંઈ થોડા ફૂલ છીએ !
કે પતંગિયું
ઊડીને આવતુંક માથે બેસી જાય
ને મન્ન ભરીને ડોલાવી જાય !

આપણે કાંઈ થોડા વૃક્ષ છીએ
કે ખિસકોલી
ખરી પડેલાં પાંદની વાત કરવા
છાતી ઉપરથી
ચઢ-ઊતર કરતી થઈ જાય !

આપણે
કદાચ આકાશ છીએ
કે જેમાં કો’ક સમડી
ચકરાવે ચકરાવે
નિ:શબ્દતાપૂર્વક પાંખથી
ઘૂંટતી જ જાય
ઘૂંટતી જ જાય
ને એને સ્પર્શ માની લેવા પડે !

– મનસુખ લશ્કરી

કવિ કહે છે કે આપણે ફૂલ જેવા નથી જે આજીવન અન્યને સુંગધ આપવા ખાતર જાતને પણ મિટાવી દઈએ. આપણે વૃક્ષ જેવા પણ નથી જે માત્ર અને માત્ર બીજાના સુખને ખાતર જ જીવે છે.  આપણે માત્ર આકાશ જેવા છીએ. મતલબ કે આપણને કાંઈ સ્પર્શી જ શકતું નથી એવા… આકાશ જેવા આભાસી.

Comments (6)

અર્પણ-કાવ્ય – બર્ટ્રાંડ રસેલ

To edith

(બર્ટ્રાંડ રસેલની આત્મકથાનું શ્રીમતી એડિથને અર્પણ કરતું કાવ્ય એમના જ હસ્તાક્ષરમાં)

*

લાંબા વરસો દરમ્યાન
હું ઢુંઢતો’તો શાંતિ.
મને મળી પરમ મુદ્રા,મળી યાતના.
મળ્યું પાગલપણું,
મને મળી એકલતા.
મને મળ્યું એકાકી દર્દ
હૃદયને કોરી ખાતું.
પરંતુ શાંતિ તો ન જ લાધી.

હવે,બુઝુર્ગ,મારા અંતની નજીક
હું તારો પરિચય પામ્યો,
અને તારા પરિચય દ્વારા
મને અંતે લાધ્યા પરમ મુદ્રા અને શાંતિ.
વિશ્રાંતિ એટલે શું તે હું જાણું છું
આટઆટલા એકાકી વરસો પછી
જાણું છું જીવન શું હશે-પ્રેમ શું હશે તેય તે.
હવે નિદ્રા પામું
તો કૃતાર્થ એવો-હું નિદ્રા પામીશ.

– બર્ટ્રાંડ રસેલ

(અસ્તિત્વવાદ અને rationalism ના ભીષ્મપિતામહ સમાન આ લેખક-ચિંતક-ગણિતજ્ઞ-વિશ્વશાંતિ ના પુરસ્કર્તા-ફિલસૂફ-નિરીશ્વરવાદી ઇત્યાદિ શબ્દોને શોભાવનારે ભાગ્યે જ કવિતા લખી છે.)

જીવનનો અર્થ શોધનારની યાત્રા કેવી હોઈ શકે તે હૂબહૂ ચિત્રણ અહી આલેખાયું છે. કોઈ અજાણ્યો માણસ ડુંગળી છોલવા બેસે તો પડળ ઉપર પડળ ઉખેડતો જાય,આંખેથી પાણી વહાવતો જાય અને ડુંગળીના છોડા પૂરા ક્યારે થશે અને અંદરના ગર્ભ સુધી ક્યારે પહોંચાશે તેની વિસ્મયસહ રાહ જોતો જાય….. આખી ડુંગળી પૂરી થતા જે સત્ય સમજાય તે જ કદાચ જીવનના ઉત્તરાર્ધમાં કવિ અનુભવે છે. અંતિમ બે પંક્તિઓ સૌથી સુંદર ભાવ પ્રકટાવે છે-હવે હું કૃતાર્થ થઇ મૃત્યુને આલિંગીશ.

(મુદ્રા= સંતોષ, શાંતિ.)

Comments (7)

બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)

આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !

– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)

કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…

એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !

*

(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)

Comments (23)

ગાંધીજી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

આપણે જેના માટે
માત્ર બે જ મિનિટનું
મૌન પાળીએ છીએ
એ ગાંધી
આપણા સૌના માટે
પાળી રહ્યો છે
કાયમનું મૌન !

ગાંધીજીની પ્રતિમાને
ગુલાબનાં તાજાં ફૂલોનો હાર
આરોપવામાં આવી રહ્યો હતો,
ત્યારે –
ગાંધીજી તો
શીતળ વાયુનું રૂપ ધરીને
એ વેદનાગ્રસ્ત ડાળીઓને
પંપાળી રહ્યા હતા,
જે ડાળીઓ પરથી
પેલા ફૂલહાર માટે તાજાં ગુલાબો
ચૂંટી લેવાયાં હતાં !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક ‘ગાંધી-ભાવના’નું અદભૂત શબ્દચિત્ર… ગાંધીજી પર આ કવિશ્રીનું અન્ય એક લઘુકાવ્ય અહીં માણી શકો છો.

Comments (17)

નદી – જગદીશ જોષી

સ્મૃતિઓ અને સ્વપ્નો વચ્ચે
એક નદી.

નદીમાં માછલીનાં પ્રતિબિંબ ઊડે છે,
સૂરજ કાદવમાં ફસડાઈ-તરડાઈ રહ્યો છે.
નદી પાસેના વૃક્ષ પર
પંખીના ઓછાયા માળો બાંધે છે;
માળાને સેવે છે શિકારીની આંખ.

નદી શિયાળામાં થીજી જાય છે
અને ઉનાળામાં સુકાઈ જાય છે :
સદીઓથી જાણે કે
વરસાદ પડ્યો નથી, અને
ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.

સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
એક નદી…

– જગદીશ જોષી

સૂકી નદી કવિનું અતૃપ્ત જીવન છે. સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે ફસડાઈ પડેલી હકીકતને કવિએ કવિતામાં ઝીલી લીધી છે.

એક વાત વિચારવા જેવી છે – નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે.  નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે !

Comments (11)

રાધા – પુ. શિ. રેગે (અનુ. સુરેશ દલાલ)

આ નીલ વ્યોમ તે હરિવર
ને આ એક તારલી રાધા –
બાવરી,
યુગયુગની મન-વળગાડ.

આ વિસ્તાર ધરાનો ગોવિંદ
ને આ ડાંગરનું ખેતર રાધા –
સ્વચ્છંદ
એ યુગયુગ પ્રિયંવદા.

નિશ્ચલ વહેતું જલ આ કૃષ્ણ,
તટ પર વન ઝૂકે તે રાધા –
વિપ્રશ્ન
યુગયુગની ચિર-તંદ્રા.

– પુ.શિ. રેગે (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધાકૃષ્ણના અદ્વૈતભાવનું કાવ્ય. સિંધુ સમ કૃષ્ણમાં બિંદુ સમ રાધાનું વિલીનીકરણ પણ કૃષ્ણ એવો સિંધુ છે જે રાધાના બિંદુ વિના અપૂર્ણ રહે છે… એ આખું ગગન છે પણ એક તારલી વિના એની આભા શી? એ વિશાળ ધરતી છે પણ ડાંગરના ખેતર વિના એની ઉપયોગિતા શી ? એ વહેતું જળ છે પણ એના નિશ્ચલ જળમાં તટ પરનું વન ન ઝુકે તો એની શોભા શી ? રાધા બાવરી છે, એના પ્રેમનો પોતીકો જ છંદ છે અને એની પાસે કોઈ પ્રશ્નો પણ નથી. રાધા શરણાગતિ છે. યુગયુગોથી કૃષ્ણના વળગાડ લઈને જીવે છે… ચિરકાળ એની પ્રિયંવદા છે અને ન જાગૃતિ, ન નિંદ્રા એવી ચિરતંદ્રા છે… આ કવિતા વાંચીએ તો પ્રિયકાન્ત મણિયારનું આ નભ ઝૂક્યું તે કાનજી જરૂર યાદ આવે…

Comments (11)

રાતે- – જયન્ત પાઠક

રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !

– જયન્ત પાઠક

કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure.  આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !

Comments (20)

ઊઠબેસ – અનામી (અનુ. હરિવલ્લભ ભાયાણી)

આ આવી એ જો !
વસ્ત્રવાઘા ?
શિર પરે રહી જીરણ જર્જર કામળી;
કૈં ભૂષણો ?
નહીં કંઠ મણકા વીશ પૂરા
(વાનથી પણ શામળી) –
ને તોય રસીલી મંડળી
મુગ્ધા-પ્રવેશે
ઊઠબેસે
શી બની ગઈ આકળી.

– અનામી (અપભ્રંશ)
અનુ. હરિવલ્લભ ભાયાણી

સ્ત્રીસૈંદર્ય કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિમાં હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. અપભ્રંશ ભાષાના કોઈ એક અનામી કવિની શૃંગારરસની કવિતાનો આ અનુવાદ કેટલા ઓછા શબ્દોમાં આ વાત કેવી ઉજાળી આપે છે ! કવિતાની પહેલી પંક્તિમાં માત્ર ચાર શબ્દો અને પાંચ જ અક્ષરોમાં કવિ એક આખું શબ્દચિત્ર ખડું કરી આપે છે. આ શબ્દની શક્તિ છે…

અને આવનારી સ્ત્રી પણ કેવી? વસ્ત્રોના નામે માથે એક જીર્ણ ફાટેલી કામળી અને ગળામાં પૂરા વીસ મણકાંય ન હોય એવી માળા… વાનેય શામળો પણ તોય એની ઊઠબેસ મંડળી પર કેવી અસર છોડી જાય છે!

Comments (5)

મનુષ્ય એક નદી છે – દિનેશ ડેકા ( અનુ. અનન્યા ધ્રુવ)

દરેક જગા દુઃખથી ભરેલી રાત છે
સાંજને સમયે
કંસના અત્યાચારથી દેવકીની દુઃખભરી રાત
નથી વીતતી નથી સવાર થતી

વેગપૂર્વક આવે છે
હૃદયની વચ્ચેથી અંધકાર

દેવકીની રાત નથી વીતતી નથી સવાર થતી

એવો જ આવે છે કોઈ સમય
માણસે સેવેલાં સપનાંને મસળીને
દાટી દે છે એની ઇચ્છા અને અભિલાષા

તો પણ મનુષ્ય એક નદી છે
દુઃખ અને યાતનાને સહીને પણ
એ નદી વહેતી રહે છે
ઉજ્જડ ખીણોમાં થઈને અનંતકાળ સુધી

મનુષ્ય એક નદી છે
એ લઈ આવે છે
દેવકીની દુઃખની રાતના બંધન કાપીને
નંદોત્સવના સમાચાર

– દિનેશ ડેકા (અસમિયા)
(અનુ. અનન્યા ધ્રુવ)

છે મનુષ્યજીવનની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી. આપણી ઇચ્છા, સપનાં અને અભિલાષા મૂલતઃ આપણને પૂરા સુખી થવા દેતા નથી. આ એક એવી કાળી રાત છે જે પસાર થવાનું નામ જ લેતી નથી જાણે કે કંસના કારાગારમાં દેવકી પર થતો અત્યાચાર ન હોય ! આ સાંજ સ્થિર જાણે કે સમયનો થીજી ગયેલો ચોસલો છે પણ મનુષ્યજીવન થીજી જતું નથી એ તો નદીની જેમ વહેતું રહે છે. ભલે આ નદી અનંતકાળ સુધી ઉજ્જડ અંધારી ખીણમાં કેમ ન વહ્ય કરતી હોય પણ એ વહ્યા કરે છે કારણ કે એને ખતરી છે કે આ નદીપારથી જ નંદોત્સવના, સુખના સમાચાર આવવાના છે…

Comments (8)

પરિચય – પ્રીતમ લખલાણી

લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!

– પ્રીતમ લખલાણી

શરીરથી વિદેશમાં વસેલા પણ હૃદય ભારતની ગલીઓમાં જ ભૂલી ગયેલા ‘ડાયાસ્પૉરા’ સાહિત્યકારોના કારણે આપણને એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય માણવા મળે છે જેમાં ક્યારેક બે દેશની સંસ્કૃતિઓ તડ-સાંધા વિના એકાકાર થઈ જતી જોવા મળે છે તો ક્યારેક વતન-ઝુરાપાની એક જુદી જ ‘ફ્લેવર’ નજરે ચડે છે. પ્રીતમ લખલાણીની પ્રસ્તુત કવિતા વતન-ઝુરાપાની વાત સાવ સાદા શબ્દ-ચિત્રથી અંકિત કરે છે. પાંજરે પૂરાયેલી મેનાના ટહુકા અટકતા નથી પણ આકાશ ખૂટી ગયું હોય છે. લીલી લોનથી શરૂ થતું કાવ્ય ‘લીલા’લહેરથી એક યુ-ટર્ન લે છે ત્યારે બધી લીલોતરી પર એકસામટી પાનખર બેસી ગઈ ન હોય એવો ડંખ અનુભવાય છે…

Comments (25)

(એકબીજાને) – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું
જે ધમનીઓમાં બજે છે
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઊતરે છે.

શબ્દોની શોધ શરૂ થતાં જ
આપને એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.

પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઈક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.

કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.

– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

જ્ઞાન બેધારી તલવાર છે. બાળક જન્મે છે, મોટું થાય છે, જીવનનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે, વૃદ્ધ થાય છે – કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું ! ભગવાનની રમૂજવૃત્તિનું શું આ શ્રેષ્ઠ ઉદાહરણ નથી ?

Comments (12)

ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓ, બંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’

– તસલીમા નસરીન ( -અનુ. સોનલ પરીખ)

ચાબખાના સોળ જેવી આ કવિતા એટલે નકરો, નફકરો અને નગ્ન આક્રોશ. જ્યારે ચીસો સદીઓ સુધી બહેરા કૂવાઓમાં ભટક્યા કરે ત્યાર પછી જ આવો આર્તનાદ ઉદભવી શકે. આ કવિએ પોતાનું વતન, બાંગ્લાદેશ, તો ઘણા વર્ષોથી છોડી દેવું પડેલું. અને હવે છેવટે ભારત પણ છોડી દેવું પડ્યું છે. કોઈને સત્ય સાંભળવું ગમતું નથી.

( ‘દિવ્યભાસ્કર’ માંથી )

Comments (27)

પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

Comments (15)

શોધ – પન્ના નાયક

આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.

આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?

હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?

– પન્ના નાયક

એક સન્નાટાની જેમ ત્રાટકતી કવિતા. મૂળસોતા ઊખડેલા મનની વિપદાનું ધારદાર વર્ણન. આ ‘શોધ’ શેની શોધ છે ? પોતાના ઘરની, પોતાના મૂળની કે પોતાની જાતની ?

Comments (5)

જાન્યુઆરી ૩૦ – ઉમાશંકર જોશી

વર્ષમાં ઋતુ હોય શિયાળો,
શિયાળામાં માસ જાન્યુઆરી,
અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,
તયેં ઠંડીગાર પકડ હૃદયથી
નિચોવે છે ટપ-
કું રક્તનું,
વિશ્વ જેવડું વિશાળ
પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.

– ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન -શહીદ દિન- નિમિત્તે લયસ્તરો તરફથી એ યુગપુરુષને નાનકડી શબ્દાંજલિ.

એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથીય વિશાળ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ પરમાત્માને વામનના ત્રણ પગલાંની જેમ માપી શકે ત્યારે શબ્દની તાકાત ખરેખર શું છે એ ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય એ જાણવું હોય તો આ કવિતા ચૂકવી ન જ જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નિચોવી નાંખતી ઠંડી જાણે ત્રીસમી જાન્યુઆરીના દિવસે હૃદય નિચોવતી હોય એમ કવિ અનુભવે છે કેમકે આ દિવસ ભારતના ઇતિહાસનું સહુથી કાળું પાનું છે. વાત એક સંવેદનાસિક્ત લોહીના ટીપાંની જ છે પણ કવિ ‘ટપકું’ શબ્દને ‘ટપ’ અને ‘કું’માં વહેંચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે એમાં જ આ કવિતાની ખરી કમાલ છે… પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે.. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત્ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે…

ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને !!

Comments (5)

શ્વેત પરછાઈ – કનક રાવળ

સમો દિવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્ન રાશિનો
આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
મઘમઘી દિશાઓ પુષ્પગાને,
યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથું ભેગું અતીત ઓવારે
રહી બાકી શ્વેત પરછાઈ
– ધરી રક્તબિંબ અધરે

– કનક રાવળ

White Shadows

Blazing with zillion diamond stars
Was the autumn night of the moonless Diwali Amaas
They all took to their heels
At the first rays of the New Year morning sun.
Did they leave behind something in their celestial exodus?
Carpeted was the dew-wet ground under the Parijat tree
-With millions of them.
Beautiful snow-white five star petals with their stubby sunset red stems.
-And they all were singing in unison
A haunting tune of their divine fragrance
In memory of the last night.
It was embedded in the vaults of nostalgia for the years to come.
Have you ever seen?
-White Shadows with Red Kisses?

– Kanak Ravel

દિવ્ય વૃક્ષ ગણાતા ‘પારિજાત’ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાઈ ચૂકી છે. કહે છે કે પારિજાતિકા નામની રાજકુમારી સૂર્યના પ્રેમમાં પડી અને અછોવાનાં કર્યા પછી પણ જ્યારે એ સૂર્યનું દિલ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે એણે આત્મહત્યા કરી. એની રાખમાંથી એક વૃક્ષ ઊગી આવ્યું જેના પર માત્ર રાત્રે જ પુષ્પો ખીલે છે અને સવારે સૂર્ય ઉગતાની સાથે જ એ સઘળાં ફૂલો જાણે કે રાજકુમારીના આંસુ ન હોય એમ ખરી પડે છે. (દંતકથા સાચી હોય કે ન હોય, પારિજાતના સમયચક્રની આ વાત જરૂર સાચી છે !) (botanical name: Nycatanthes Arbortristis. Nyctanthes means ‘night flowering’ and Arbortristis means ‘The sad tree’ or ‘The tree of sorrow’)

એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!

એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.

પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.

પારિજાત વિશે આટલું જાણ્યા પછી કવિતા અને એનો કવિએ જ કરેલો અંગ્રેજી અનુવાદ- બંને માણીએ…

Comments (14)

આંખની સામે ઊભરાય છે દ્રશ્યો – શ્રીનાથ જોશી

દ્રશ્યોનો શાંત સમુદ્ર…
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

– શ્રીનાથ જોશી

દ્રશ્યોની આંગળી પકડીને અદ્રશ્ય તરફ જવાની વાત છે. મન દ્રશ્યોથી એવું ભર્યું ભર્યું થઈ જાય કે દ્રશ્યને અતિક્રમી જાય ! બીજી રીતે જુઓ તો આ અવાજોની આંગળી પકડીને મૌન તરફ જવા જેવી વાત છે. યાદ કરો, ધ્યાનમાં મંત્રનો સહારો લઈને જ મનને સમાધિ તરફ લઈ જવાનું હોય છે.

ઓહ ! આ તો સૌંદર્યો પીને ઊઘાડી આંખે સમાધિ પામવાની વાત છે – અને એય શાંત, ધીમી, લાવણ્યમય ગતિએ  !

Comments (5)

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
.            એ તો એક માત્ર પુત્રનું મરણ :
.            માતા કદી ચેનથી સૂએ ?

પ્રેમ
.            એ તો મધમાખી કેરા વિષડંખ :
.           લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
.          એ તો હૃદયે હુલાવેલી કટાર :
.          પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી

પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.

એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?

Comments (7)

ગોવાલણ – ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)

મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.

– ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !

Comments (7)

કવિનો હાથ – નલિન રાવળ

કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પત્ર રે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઉછળંત લય

લય અહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

-નલિન રાવળ

કવિનો, સર્જકનો હાથ જ્યારે હાથમાં આવે છે ત્યારે આકાશમાં સૂર્ય તાપ વરસાવતો નહીં, સ્મિત કરતો લાગે છે.  વસંતરાજના મહાસાગરનો મોહલ લય જે કદાચિત્ બ્રહ્મ અને બ્રહ્માંડના લય સાથે પણ તાલમેળ ધરાવે છે એની અનુભૂતિ કવિનો હાથ હાથમાં આવે ત્યારે થાય છે. પણ આ હાથ શું કોઈ સ્થૂળ હાથ છે? હરીન્દ્ર દવે આ કવિતા સમજાવતી વખતે ખૂબ સૂક્ષ્મ વાત કરે છે-

તમે ક્યારેય કવિના હાથ સાથે હાથ મેળવ્યો છે ?
હા ?
તો તમને આ બધી જ વાત ઉપલક લાગશે.
ના ?
તો તમને આ સમજાશે નહીં.

– હવે કવિના આ ‘હાથ’ વિશે ફરી વિચારીએ…

Comments (8)

(તૈયાર છું) – રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ

મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.

– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ

ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”

– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…

Comments (7)

સૂર્ય અને ચંદ્ર – સુરેશ જોષી

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાસના બોજાથકી;
જૂઈની કળીને ખભે
ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો !

ચંદ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથેં રેશમી ભાત રે કશી !

– સુરેશ જોષી

બે કાવ્ય-ચિત્રો. જાણે નર્યા સૌંદર્યની બે મીઠી ચૂસકીઓ. શબ્દોની મરકતી મીઠાશ અને વર્ણન-પીંછીના બારીકતમ લસરકાઓથી શોભિત.

Comments (6)

પુનઃ – વિપિન પરીખ

રીટા,
એક વૃદ્ધ તમારી પાસે આવશે
એ કેટલા વખતથી હઠ લઈને બેઠો છે :
એને તમને કશું કહેવું છે
તમે એને ના ન કહેશો
એ આવશે
કશું બોલવાનો પ્રયત્ન કરશે
બોલી શક્શે નહીં, થોથવશે.
ધ્રુજશે ને પછી
એક શબ્દ પણ બોલ્યા વિના
પાછો ચાલી જશે,
પચાસ વર્ષ પહેલાં ચાલી ગયો હતો તેમ જ !

-વિપિન પરીખ

રીટા નામની કાલ્પનિક પ્રેયસી સાથેનો કાવ્યનાયકનો આ સંવાદ કવિતા પૂરી થાય ત્યારે હૈયામાં એક ટીસ જન્માવે છે. પચાસ વર્ષના એકપક્ષી પ્રેમ અને પચાસ વર્ષની નિષ્ફળ પ્રતીક્ષાના અંતે કાવ્યનાયક પ્રિયામિલનની આશા ત્યજી શક્યો નથી. પ્રેમ હઠીલો છે. શરીરે કરચલી પડી ગઈ છે, હોઠ થોથવાવા માંડ્યા છે અને પ્રેયસીને જે કહેવું છે એ કહેવાની હિંમત તો પચાસ વર્ષ પહેલાં પણ નહોતી અને કદાચ આજે પણ નથી પણ પ્રેમનો દેહ એવો ને એવો જ છે… અજર. અમર. સુરેશ દલાલ આ કવિતાને નિષ્ફળ પ્રેમની સફળ કવિતા તરીકે ઓળખાવે છે.

Comments (13)

ગામડાનું બજાર – ગિરીશ પરીખ

ગામડાનું આ બજાર
હારમાળા શી ખડી દુકાનની, બે બાજુએ.
નવરંગી ‘સાઈનબૉર્ડ’ની અહીંયાં નથી વણઝાર ને
‘શો કેઈસ’ ને ‘શો વિન્ડોં’નાં ના કોઈ જાણે નામને
તોય વહે છે ગ્રાહકોની અહીં સદા વણઝાર
ગામડાનું આ બજાર!

અહીં સદાયે વ્હોરનારાઓની લાંબી હારમાળા
સાવ નાનાં ગામડેથી લોક આવે
ને ખરીદીમાં કલાકો અહીં ગુમાવે
અહીં શહેરના જેવી સડક ક્યાં?
અહીં તો ઊડે છે ને ચડે છે આસમાને ધૂળના ગોટા!

ને પેટીમાંથી શોધી કાઢી બંગડી
કોઈ ઉડાવે ધૂળ મોંથી ફૂંક મારી
આંખડી ઉંચી કરી જોતો એ પેલી યૌવના પર
એ આંખડીમાં વિષ નથી અમૃત છે
અખંડ હેવાતન તણું સૌંદર્ય છે
બંગડીને હાથથી એ લૂછતો
પ્રીતના સૌંદર્યને એ પ્રીછતો
આંખડીની વાત ને વિશ્વાસથી
એ બંગડીઓ વેચતો
ઝણકી ઊઠે એ બંગડી સૌભાગ્યનો શણગાર
ગામડાનું આ બજાર!

વધુ આગળ વાંચો…

Comments (7)

એક્શન રિપ્લે…! -એષા દાદાવાળા

આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો –
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે
આંખોને લાલ કરીને જોયું
મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,
પછી
થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકાં-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની
બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!

એષા દાદાવાળા

હજીયે ઘણા ઘરોમાં ‘સ્વાભાવિક’ બનતી આ પ્રકારની દૈનિક ઘટનાને એષાએ બખૂબી તાદૃશ કરી છે.  મમ્મી-પપ્પા ઘણીવાર ભૂલી જાય છે કે પોતાના રોજબરોજનાં વર્તનની અસર બાળકોનાં માનસ પર કેટલી ઊંડી પડતી હોય છે.  મને લાગે છે કે થોડા થોડા વખતે ઘરનાં બાળકો જ જો આવો એક્શન-રીપ્લે કર્યા કરે તો મમ્મી-પપ્પાનાં એકબીજા પ્રત્યેનાં વર્તનની ગુણવત્તા ચોક્કસ વધે જ વધે… 🙂

Comments (14)

ગોપીસંદેશ – અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ઓ મથુરાપથિક !
જઈને કૃષ્ણ દ્વારે
તારસૂરે
આટલું ઉદ્ગારજે ગોપીવચન :
‘કાલિંદીનાં જળ
કાળી વિષજ્વાળે
ફરી સળગી ઊઠ્યાં…’

-અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ગોપીની વેદનાની ચીસ સમું લઘુકાવ્ય… ગોપી અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે ચિરંજીવ થયો કે બેમાંથી કોઈએ મમત્વ ન દાખવ્યું. ગોપીને અણસાર આવી ગયો હતો કે આ તો વિશ્વનો તારણહાર છે એને પાલવડે ન બંધાય. ગોપીએ કૃષ્ણને કોઈ પણ શરત વિના મુક્ત કર્યા અને એટલે કૃષ્ણ જન્મજન્માંતર સુધી એનો બની ગયો… પણ ત્યાગ કંઈ વિરહની ઔષધિ પણ તો નથી ને ! વિયોગ પીડે નહીં તો પ્રેમ કેવો? ગોપી એની સહજ સરળ ભાષામાં મથુરા જતા યાત્રીને કૃષ્ણને માત્ર એટલું જ કહેવા કહે છે કે કાલિંદીના જળ વિરહની વિષજ્વાળાઓથી ફરી સળગી ઊઠયાં છે. કવિતા આ વાત કહેવાની પદ્ધતિમાં છે. વાત તારસૂરે કહેવાની છે જેથી કૃષ્ણને વાતનો મૂળ તંતુ પકડાય. કવિતા જળના સળગવાની વાતમાં છે… કાલીનાગને તો નાથી લીધો, ક્હાન… હવે વિરહના સર્પને શીદ નાથશો?!

Comments (3)

ત્રયી – દુર્ગાચરણ પરિડા (અનુ. ભોળાભાઈ પટેલ)

દુર્દમ નદીના વમળમાં
કૂદી પડે છે એક ફૂલ
એક તેજસ્વી ફૂલ
તે ફૂલ સાહસનું.

ઉન્મત્ત વાવાઝોડાના ઓઠ
ચૂમે છે
એક પાંદડું
એક લીલું પાંદડું
તે પાંદડું વિશ્વાસનું.

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.

-દુર્ગાચરણ પરિડા
અનુ. : ભોળાભાઈ પટેલ

જીવનના સંઘર્ષનો સામનો એમની સામે થઈને નહીં, પણ સાથે રહીને વધુ સારી રીતે કરી શકાય એ વાત અહીં કવિ કેવી ખૂબસુરતીથી કરે છે ! નદીના વમળથી ડરી જનારની સંખ્યા વધુ છે, એમાં ઝંપલાવી દેનારની જૂજ. અહીં કવિ ફૂલને વમળમાં ઝંપલાવતું કલ્પે છે. વમળ જેવી પ્રચંડ આપત્તિની સન્મુખ પુષ્પની કોમળતાને કવિ ગોઠવે છે. પણ કદાચ એવું બને કે ભલભલી તોતિંગ વસ્તુને ઓહિયા કરી જતું વમળ ફૂલને કિનારે પણ ઉતારી દે. વળી આ ફૂલ સાહસનું ફૂલ છે. ઉન્મત્ત વાવાઝોડું તોતિંગકાય વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી દે છે પણ વાવાઝોડાંની સામે નહીં, સાથે ઊડનાર પાંદડાને એ શી હાનિ કરી શકે ? જુઓ, અહીં પાંદડું વિશ્વાસનું છે અને વળી લીલું છે, તાજગીભર્યું. વિશ્વાસ કદી પીળો ન પડી શકે. એમ જ અંધકારની વેલ પર જે ઉગવાની હિંમત કરે એ કળી તો પ્રકાશની જ હોય ને !

વમળ, વાવાઝોડું અને અંધકાર આપણાં જીવનનાં સનાતન સત્ય છે, ફૂલ, પર્ણ અને કળીની જેમ જ. સત્યનો સંપૂર્ણ સ્વીકાર જ હોઈ શકે, આંશિક નહીં. આપત્તિને સ્વીકારીએ, સમજીએ અને એની હારોહાર જીવતાં શીખીએ તો જ સાચું જીવાશે…

Comments (10)

ચહું – માસુહિતો (અનુ. મકરન્દ દવે)

પરમ દિવસે મેં તને જોયો,
અને કાલે, અને આજે,
અને એમ જ, જરા જો !
આવતી કાલે તને જોવા ચહું.

– માસુહિતો (આઠમી સદી) (જાપાન)
(અનુ. મકરન્દ દવે)

પ્રેમની વાર્તા આદિથી અનાદિ અને અનંત સુધી વિસ્તરે છે. પ્રેમના વાક્યમાં કદી પૂર્ણવિરામ સંભવી શકે નહીં. મેં તને પરમ દિવસે જોયો, કાલે પણ અને આજે પણ… પણ તોય આ દિલને સંતોષ થઈ શકે ખરો? ના… આ દિલ તો ફરી ફરીને એમ જ ચાહવાનું કે આવતીકાલે પણ તારે એ જ રીતે મળવું પડશે…

Comments (6)

હાથ – યજ્ઞેશ દવે

આ હાથ
આજે કોઈ પંખી નહીં પાડે,
કોઈ ધાન નહીં વાઢે,
કોઈ ઘડો નહીં ઘડે,
કોઈ ચિત્ર નહીં દોરે,
કોઈ સ્ક્રૂ નહીં ખોલે,
કે
નહીં ખોલે કોઈ વેબસાઈટ;
આ હાથ,
આજે, સ્પર્શશે તને.

– યજ્ઞેશ દવે

Comments (8)

એ લોકો – વિપિન પરીખ

મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
‘આમ કેમ?’ એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.

– વિપિન પરીખ

Comments (9)

ડોશી – રમેશ પારેખ

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારું મમળાવે
પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે
નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે
પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે.
માગણના ખલતામાં વાડકો એક ધ્રૂજારી ઠાલવે.
ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે.
ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે
ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે
ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે
આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે
જગતભરની એકલતા ઉપાડી-
વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને
ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.

– રમેશ પારેખ

ર.પા.ની આ સંવેદનદ્યોતક કવિતામાંથી પહેલીવાર પસાર થતી વખતે એક લખલખું આખા શરીરમાં દોડી વળ્યું. વૃદ્ધાવસ્થા અને એકલતા અને લાચારીનું કેવું સજ્જડ આલેખન! ઘડપણ આવી ઊભું છે એટલે હવે ઊંઘે સાથ છોડી દીધો છે અને સૂરજ ઊગે એ પહેલાં જ પથારી છૂટી જાય છે એ વાત કવિએ પહેલી જ પંક્તિમાં કેવી મર્માળી રીતે ચાક્ષુષ કરી છે! ભળભાખળું થાય ત્યારના આછાં અંધારાને કાચું કહીને અને સામા છેડે હાડકાંનો સંદર્ભ સીવીને કવિ શરીરની નબળી કાઠીનો પણ ચિતાર વાચકને આપી દે છે. આખી કવિતામાં એક એકલી ડોશીની દિનચર્યાથી વધુ કંઈ નથી પણ આ દિનચર્યાથી વિશેષ પણ એની જિંદગીમાં બીજું કંઈ નથી. એનો સૂરજ રોજ આજ સરનામેથી ઊગવાનો અને આજ સરનામે આથમવાનો. કવિતા જેમ જેમ આગળ વધે છે એમ એમ ડોશીનું એકાંત, એકલતા અને નિઃસહાયતા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે. આખા ઘરનો બોજ મૂંગા મોઢે વેંઢારવો પડે છે અને મૂંગાપણાંનો ભાર જાણે જીરવાતો ન હોય એમ આફરે ચડેલા ન કહેવાયેલા શબ્દોનો વાછૂટમાં મોક્ષ કરવાની વાત આવે ત્યારે ર.પા.ની કાવ્યશક્તિનો ચમકારો આપણને હચમચાવી દે છે. દુનિયા આખાનો બોજ ઝીલીને વાંકી વળી ગયેલી કમરથી જાણે કે ડોશી એના ખોવાઈ ગયેલા જીવનસાથીને શોધી રહી છે, કેમકે હવે એ સ્મરણો જ તો આ જિંદગીનો એકમાત્ર અને સાચો સધિયારો છે…

Comments (20)

મારું આગણ, મારું ઝાડ – જાવેદ અખ્તર

મારું આંગણ,
કેવડું મોટું, કેટલું ફેલાયેલું હતું
એમાં
મારી બધીય રમતો
સમાઈ જતી
ને આંગણની સામે હતું એ ઝાડ
જે મારાથી ઘણું ઊચું હતું
છતાં
મને વિશ્વાસ હતો કે
જ્યારે હું મોટો થઈશ
આ ઝાડની ટોચને અડકી લઈશ
વરસો બાદ
હું ઘરે પાછો આવ્યો છું
જોઈ રહ્યો છું
આ આંગણ
કેટલું નાનું છે
પણ ઝાડ તો  પહેલાં કરતાં પણ થોડું ઊંચું છે.

– જાવેદ અખ્તર

કવિ કહેવા માંગે છે કે માણસ ગમે તેટલો મોટો થાય, પોતાની યાદોથી અને સપનાઓથી મોટો કદી થતો નથી. કે પછી એ કહેવા માંગે છે કે તમે મોટા થાવ એમ એમ તમારા સપનાઓ પણ મોટા થતા જાય છે, અને છેવટે પાહોમની જેમ, આપણા ભાગે માત્ર એકથી એક વધારે મોટા સપનાઓ પાછળ દોડવાનું જ લખાયેલું હોય છે ? એક નાની કવિતામાં કવિએ ઘણા મોટા પ્રશ્નો છૂપાવેલા છે …  તમને શું લાગે છે ?

Comments (7)

આયામ – મનિષા જોષી

સમયનો આયામ
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે.
તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
અને હું મૃત્યુથી આકર્ષાઈને
તારી પાસે આવવા માગું છું.
હું રાહ જોઉં છું
તારી ભડકે બળતી ચિતા જોવાની.
સ્મશાનમાંથી પાછી આવીને
હું ફરી થોડું જીવીશ.
તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
મારી ચામડી પર ઊઠી આવશે
દાઝવાના નિશાન.
શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
આપણે નિયતિનાં સંતાનો છીએ
સમયનો આયામ  ભલે રહેતો આપણી વચ્ચે.

– મનિષા જોષી

અહીં મોતથી ડરવાની નહીં પણ એને સામે ચાલીને ચકાસી લેવાની તૈયારી છે – મોતનું તો આકર્ષણ છે. બે જણ વચ્ચેના – સમય અને સ્થળના અંતરનો પ્રેમમાં કોઈ મતલબ રહેતો નથી – મોતનો પણ નહીં. નિયતિના સંતાનો માટે નિયતિને અતિક્રમી જવાની એક જ સીડી છે – પ્રેમ.

Comments (11)

પ્રતીતિ -પન્ના નાયક

પ્રેમ કરતાં કરતાં
તને થયેલા પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારાં શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતાં શૂઝ પહેરી
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઈસને ઝુલાવતો
મારા અનાવરણ મૃતદેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે…!

-પન્ના નાયક

દૈહિકરીતે યા ઐહિકરીતે અવસાન પામતી નાયિકાની આ સ્વગતોક્તિ છે. આ અછાંદસની ખૂબી એ છે કે એ સળંગ એક જ સંકુલ વાક્યનું બનેલું છે. કદાચ જીવનના આખરી શ્વાસે નાયિકાને જે વાત એ આજીવન કદાચ જાણતી જ હતી એની પાકી પ્રતીતિ થાય છે એટલે એક શ્વાસની જેમ આ આખું અછાંદસ માત્ર એક જ વાક્યમાં કોઈપણ વિરામચિહ્ન વિના જ પૂરું થાય છે.

નાયકને અપ્રતિમ પ્રેમ કરતી નાયિકા દેહસંબંધ (કદાચ પરાણે?!) બાંધવાથી નાયકને થયેલા પરસેવાને સૂકવવા આખરી શ્વાસનો પણ પંખા તરીકે ઉપયોગ કરે છે તેમાં એના પ્રેમ અને સમર્પણની ચરમસીમા એક તરફ વ્યક્ત થાય છે તો બીજી તરફ એના અનાવૃત્ત દેહ સામે ‘આંખથી’ એક હરફ પણ ઉચ્ચાર્યા વિના રોજીંદી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ જતા સંવેદનહીન નાયકની દાદર સડસડાટ ઉતરી જવાની ક્રિયા ધારદાર વિરોધ સર્જી વાચકના સંવેદનતંત્રને હચમચાવી દે છે…!

Comments (21)

મૃત્યુ -ચંદુ મહેસાનવી

મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.

મૃત્યુ લજ્જા વગરની લલના છે,
એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકિટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો ગુનેગાર છે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબ છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.

મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેરમાલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્રલની ફ્લાઇટ કેન્સલ કરાવી શકે છે.  છતાંયે,
માત્ર મૃત્યુ જ એક વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે ગમે ત્યાં…!

-ચંદુ મહેસાનવી

થોડા દિવસ પહેલા લયસ્તરો પર જ્યારે રાવજીભાઈનાં ‘આભાસી મૃત્યુનાં ગીત’ માટે (વાચકોનાં અને વિદ્વાનોનાં) આસ્વાદની શૃંખલા ચાલી ત્યારે મને એકવાર વાંચેલું આ અછાંદસ યાદ આવ્યું હતું.  આજે અનાયાસે મળી પણ ગયું.  મૃત્યુ તો સનાતન છે, પરંતુ સરખામણીમાં એ કોના કોના જેવું છે- એની અટકળોમાં દરેક વખતે કવિ પાસે કંઈક તો કહેવાપણું છે જ. પરંતુ આ બધાનાં જેવું હોવા છતાંયે અંતે કવિને એ એક વફાદાર મિત્ર જેવું લાગે છે. અને મિત્રની સાથે મૃત્યુની સરખામણી કરતાંની સાથે જ જાણે કવિ કલમ મૂકી દે છે એમ નથી લાગતું…?   વાતેય સાચી, મૃત્યુ જો એક સાચા મિત્ર જેવું જ હોય તો પછી આગળ એની અટકળ કરવાનીયે કોઈ જરૂર રહે ખરી ?!   મને તો લાગ્યું કે અધૂરા વાક્યનાં ત્રણ ટપકાંમાં જ કવિએ કમાલ……!

કવિશ્રીનું મૂળ નામ : ચંદુલાલ ઓઝા   ::  કાવ્યસંગ્રહો: ‘તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘા પેલા મૌનના’

Comments (15)

એ મુસાફર હશે એકલો – હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે,
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

– હરીન્દ્ર દવે

મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.

જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

Comments (8)

સોદો – વિપિન પરીખ

ચોર બજારમાં
બુદ્ધની એક સુંદર મૂર્તિ મળી ગઈ
નાની ને સુરેખ
થોડુંક ‘બારગેઇન’ કરવું પડ્યું પણ
બહુ સસ્તામાં સોદો પતી ગયો !
ઑફિસમાં ટેબલ પર જ રાખી છે
‘ડેકોરેટિવ’ તો લાગે જ છે પણ
પેપરવેઇટ તરીકે પણ કામ આપે છે !
તમને ગમી ?

-વિપિન પરીખ

આ કવિતા વાંચો અને એક ચાબખાનો સોળ પીઠ પર ન અનુભવાય તો જ નવાઈ ! ચોરબજારથી વાત શરૂ થાય છે ત્યારથી આખું કાવ્ય તિર્યક વ્યંજના સ્વરૂપે ‘વહેતું’ રહે છે. ઈશ્વરને ચોરબજારમાંથી ‘બરગેઇન’ કરીને સસ્તામાં ખરીદીને ‘ટેબલ’ પર શો-પીસ તરીકે તો ક્યારેક પેપરવેઇટ તરીક ગોઠવી દેવાની વાત છે. તમને ગમી (?)ના પ્રશ્ન સાથે કવિ એક વ્યક્તિગત અનુભૂતિને સાર્વત્રિક જડત્વનું રૂપ આપી દે છે. સાચો ઈશ્વર આજે આપણા કોઈના પણ દિલમાં વસે છે ખરો ? અખાનો ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ વાળૉ છપ્પો યાદ આવી જાય છે… સાથે જ હરિવંશરાય બચ્ચનની ‘બુદ્ધ’ વિશેની એક કવિતા જે ‘બચ્ચન રિસાઇટ્સ બચ્ચન’ સીડીમાં અમિતાભે સ્વરબદ્ધ કરી છે એ પણ સાંભળવા જેવી છે.

Comments (14)

જેસલમેર – ગુલામ મહોમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.

ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે.

આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.

Comments (7)

નિદાન – ફિલિપ ક્લાર્ક

ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું:
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.

– ફિલિપ ક્લાર્ક

લોકશાહીની ખરી તકલીફનું સચોટ નિદાન કરતી કવિતા.

Comments (18)

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

Comments (7)

પ્રવાહ – જગદીશ જોષી

નદીનો પ્રવાહ ગતિ કરે છે
મહાસાગરમાં સ્થિર થવા માટે.
નદીની સ્થિરતા જ મહાસાગર,
અને સાગરની સ્થિરતા તે
આકાશનું એક વાદળ.

વિશ્વના આ મહામેળામાં
ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
મેરી… ગો… રાઉન્ડ…

મારા ભગવાન માટે મેં એક મંદિર રચ્યું છે.
અગરબત્તીની સુવાસના સ્તંભો ઉપર
લીલી કેળનાં પાનનું છાપરું ગોઠવ્યું છે.

ફૂલોમાં ‘તથાસ્તુ’ શબ્દનું એક સરોવર
કમળ થઈને ઊઘડ્યું છે:
અને બિડાયેલી આંખો સામે ઊભા છે તથાગત;
કહે છે કે
સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો.

વિગત, સાંપ્રત અને અનાગતની પાર
અજવાળાંના આરસમાં
ઘીનો દીવો રણકે છે :
સુવાસના સ્તંભમાંથી પ્રગટે છે
નદીનો પ્રવાહ
મહાસાગરમાં સ્થિર થવા માટે  !

– જગદીશ જોષી

જીવનચક્રની ગતિ અવિરત અને અકળ છે. કવિ જીવનનો અર્થ સમજાવવાને બદલે, આપણને પોતાની સાથે, એક શોધયાત્રા પર લઈ જાય છે.

કવિતા પર બુદ્ધધર્મની વિચારસરણીની છાપ છે. કવિતાની શરૂઆત કવિ નદીની સ્થિરતા સાગર, અને સાગરની સ્થિરતા વાદળ – એવું કહીને કરે છે. સ્થિરતા પામવા માટે દરેકે પોતાના અસ્તિત્વની કિંમત ચૂકવવી પડે છે. (માણસની સ્થિરતા એટલે મૃત્યુ એટલું કવિ અધ્યાહાર રાખે છે !) ગતિ જ જીવન છે – અવિરત, અનાગત, થકવી નાખે એવી ગતિ.

કવિ સ્થિરતાની-જીવન લક્ષની- શોધ માટે મંદિર રચે છે. સુવાસનાં મંદિરમાં ઈશ્વર ભગવાન બુદ્ધ તરીકે પ્રગટ થાય છે અને એક જ વાત કરે છે, ‘સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો’… એટલે કે કોઈ જ્ઞાન ત્યાગ વગર શક્ય નથી. પણ એટલું જો કરો તો ખરું જ્ઞાન મળે… અને ખરું જ્ઞાન એ જ કે આપણું જીવન એટલે ગતિ અને આપણું ગંતવ્ય તે મહાસાગરમાં મળી જવું. જીવન-મૃત્યુનો જીવન-મૃત્યુની સચ્ચાઈ સિવાય બીજો કોઈ અર્થ શોધવો જરૂરી નથી, જરૂરી છે તો બસ પ્રવાહ બની જવું ને ગતિને જીવી જવું.

Comments (7)

પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે.)
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર
– હેમેન શાહ

કવિ અહીઁ નવા કવિઓ માટે કવિ કેવી રીતે બનવું એનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. (હા, કવિ વ્યવસાયે તબીબ જ છે!) કવિતા કરવાની પ્રવૃત્તિ (કે પ્રકૃતિ) આમ તો બયાન કરવી અધરી છે. પણ અહીઁ આછા વ્યંગના આધારે કવિ ધાર્યા નિશાન સર કરે છે. દિવ્યભાસ્કરમાં સુરેશ દલાલે કવિતાનો આસ્વાદ કરાવેલો એ સાથે જોશો. (એ આસ્વાદનું શીર્ષક એમણે ‘કવિતા એટલે પ્રતિક્ષા’ આપેલું.)

Comments (10)

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

Comments (7)

પહેલો બરફ – આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી

ટેલિફોન-બુથે
એક થીજી રહી છોરી.

ભીના ભીના કોટમાં એ ઢાંકે
આંસુ અને લિપસ્ટિકે
ખરડાયેલો ચહેરો.

બુટ્ટી એના કાને.
હિમ જેવી આંગળીઓ.

પાતળી હથેળીમાં લઈ રહી શ્વાસ.

એકલા અટૂલા એને ઘરે જવું રહ્યું
બરફની લાંબી લાંબી શેરીઓને ઓળંગીને.

હિમ…
પ્હેલી વારનો હિમ…
ટેલિફોનના ઉદગારોનું પ્હેલીવાર હિમ…
થીજેલાં આંસુ એનાં ચળકે છે ગાલે.

માનવ હ્રદયનો પહેલો બરફ !

– આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી
(અનુ. સુરેશ દલાલ)

પહેલા પ્રણયના કાવ્યો આપણે બધાએ જોયા છે, આજે જોઈએ પહેલા પ્રણયભંગનું કાવ્ય. બહાર અને અંદરના બરફના વર્ણનથી કવિ પ્રણયભંગના ખાલીપાનું બળકટ ચિત્ર દોરી આપે છે.

Comments (8)

(એકલો) રાજેશ પંડ્યા

રસ્તામાં
થોડાં ઝાડ આવ્યાં.
થોડાં પહાડ આવ્યાં.

થોડાં પશુ આવ્યાં.
થોડાં પંખી આવ્યાં.

ક્યાંક ઝરણાં આવ્યાં.
ક્યાંક વોકળાં આવ્યાં.

એકાદ નદી આવી.
એકાદ માછલી આવી.

રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.

-રાજેશ પંડ્યા

ગઈકાલે આ કવિની એક નકારાત્મક કવિતા જોઈ, આજે એક સકારાત્મક કવિતા…

એક નાની અમથી કવિતા પણ કેવી ધારદાર ! આપણી ચોકોર સર્જનહારે કેવી મજાની સૃષ્ટિ રચી છે પણ આપણે ‘બાજાર સે ગુજરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ’ જેવી વૃત્તિ સેવીને એકલા જ રહીએ છીએ… થોડાં, ક્યાંક અને એકાદથી ઉપર ઊઠીને કવિ એકબાજુ બધું આવ્યું કહીને શક્યતાઓનો વ્યાપ અનંત કરી દે છે તો બીજી તરફ એકલોની દ્વિરુક્તિ કરીને ચાબખો મારે છે…

Comments (7)