ગામડાનું બજાર – ગિરીશ પરીખ
ગામડાનું આ બજાર
હારમાળા શી ખડી દુકાનની, બે બાજુએ.
નવરંગી ‘સાઈનબૉર્ડ’ની અહીંયાં નથી વણઝાર ને
‘શો કેઈસ’ ને ‘શો વિન્ડોં’નાં ના કોઈ જાણે નામને
તોય વહે છે ગ્રાહકોની અહીં સદા વણઝાર
ગામડાનું આ બજાર!
અહીં સદાયે વ્હોરનારાઓની લાંબી હારમાળા
સાવ નાનાં ગામડેથી લોક આવે
ને ખરીદીમાં કલાકો અહીં ગુમાવે
અહીં શહેરના જેવી સડક ક્યાં?
અહીં તો ઊડે છે ને ચડે છે આસમાને ધૂળના ગોટા!
ને પેટીમાંથી શોધી કાઢી બંગડી
કોઈ ઉડાવે ધૂળ મોંથી ફૂંક મારી
આંખડી ઉંચી કરી જોતો એ પેલી યૌવના પર
એ આંખડીમાં વિષ નથી અમૃત છે
અખંડ હેવાતન તણું સૌંદર્ય છે
બંગડીને હાથથી એ લૂછતો
પ્રીતના સૌંદર્યને એ પ્રીછતો
આંખડીની વાત ને વિશ્વાસથી
એ બંગડીઓ વેચતો
ઝણકી ઊઠે એ બંગડી સૌભાગ્યનો શણગાર
ગામડાનું આ બજાર!
અહીંયાં સદા વેચાય છે કુમકુમ અને કાજળ
અને પેલા પડ્યા ઢગલા કથીરના એ દુકાને
પેલી જુઓ દુકાન શાને બંધ છે?
બહાર પેલું પીપડું છે –
એની બાજુએ પડ્યા છે કાળમુખા
બે શીશાઓ!
કોઈ કહે છે કે અહીં
રહેતી હતી નિત ભીડ શરાબી માનવોની
ને જર્જરિત એ બાંકડો
હાથા વિનાની ત્યાં પડી છે ખુરસીઓ
ત્યાં બેસીને જુગાર ખેલાતો હશે!
બગડી ગયેલું બેસૂરું ‘હાર્મોનિયમ’ પેલું
શાયર શરાબી કોઈ એ પર ગાઈ ઊઠે ત્યાં
ગઝલ!
ને ઝણઝણી ઊઠતી હશે ઝાંઝર
મધરાતના ડંકા તહીં મદિરમાં વાગે
જિંદગીનાં વિષ અને અમૃત અહીં ઠલવાય સાથે
જિંદગીનો આય છે એક જ્વાર
ગામડાનું આ બજાર!
બજારની ગાથા સુણી માથું દુખે છે?
ચાલો પીવા જઈએ હવે બસ ચાય…
કસુંબલ ચાય એ કાળી પરંતુ ઊજળી છે!
પકડીને ‘હેન્ડલ’ ફીરાવે છોકરો પેલો
એ ફૂંકતો એમાં હવા ને અગ્નિ પાછો ચેતતો
તણખીઓ અગ્નિ તણી ચોમેર ફેલાઈ જતી
ઘેરાતી આંખોમાં ફરીથી ચેતનાને પૂરતી!
આપણે બેઠા છીએ એ બાંકડે
આવી ગયા દસબાર જુઓ ગ્રામજન
ફાળિયાં ફેંટા અને કંઈ પાઘડીઓ
ઊતરી ગયાં ને સહુએ લઈ લીધાં અહીં આસન!
ને પછી કપના હ્રદયની ચાય એ
(વરાળના ગોટા ઉડાવે તોય પણ)
સીસકારાના સંગીત સાથે
અન્નની નળી મારફતે
ગટ ગટ કરીને
પેટમાં પહોંચી જતી!
શ્વાસ નળીને થાય જો અન્યાય તો –
એ બંડ ઊઠાવે ન કાં?
ને એટલે તો –
મુખ મહીં શોભી રહી છે ‘તાજ’*
સિગરેટનો દમ ફૂંકીને એ થાય છે ‘બેતાજ’
ને આંખમાં વરતાય વાત્યું:
“મોજ કર લે જિંદગી નિસ્સાર”
ગામડાનું આ બજાર!
પેલી પરબડી સામે મોટો ચોક છે
ભવાઈ ને ત્યાં રામલીલા આવતાં
પણ દેખનારી એ કદરદાનીભરી આંખ્યું
રામ વિનાની લીલા બસ માગતી!
ને પુરુષો સાડીઓ પહેરી અહીં
શૌર્ય ને સામર્થ્યને વીસરી જઈ
નાચતા ને ‘ફિલ્મ’નાં ગાયન એ ગાતા
બેસૂરા રાગે!
તાલીઓના તાલ ત્યાં પડતા
પેટના ખાડાને પૂરવાના –
પ્રયાસો માનવીના –
એહના ઈતિહાસનાં –
પાનાં ઊઘડતાં અહીં સદા!
માને કદરદાનોનો એ આભાર
ગામડાનું આ બજાર!
‘હૉટલ’ પરબબડીને વટાવી જાવ આગળ
એક કંદોઈ ગરમ ભજિયાં બનાવે
ને બીજો કંદોઈ લીસ્સા લોટને ગૂંદી ગૂંદી
આપી રહ્યો આકાર એને ફાફડાનો
‘શ્રમબિંદુઓ’ એના કપાળે જન્મતાં
ઝરણાં બનીને છેવટે એ દોડતાં
ને શ્રમના સાક્ષીને કદી એ વીસરે?
તુર્ત એને વાનગીની માંહ્ય બસ –
પધરાવતો
ભજિયાં ને ચટણી ને વળી આ ફાફડાનો
પ્રણયનો આ ત્રિકોણ સદા અહીં બસ
ફાલતો!
ને અહીં પેલા વટેમાર્ગુ તણાં
ખિસ્સાં ફૂલેલાં થાય હળવાં
‘ક્લાઈમેક્સ’ આવે ને અહીં
નાટક પૂરાં થાતાં
ને ફરીથી રોજ ભજવાતાં
આ જિંદગીની જ્યાફતોનો અહીં કદી આવે ન
પાર
ગામડાનું આ બજાર!
છેડો બીજો દુકાનની આ હારનો ના દૂર છે
વિવિધ રંગોથી ભભકતી આ દુકાન!
આવે દિવાળી દારૂખાનું અહીં બહુ વેચાય
ને પછી ઉતરાણની ફીરકી ને દોરી ને પતંગો
ને વળી ક્યારેક તો જામે રમકડાંનો ઝમેલો!
ફેરિયા મેળા મહીં વેચે છે ફુગ્ગા
એ સૌ ખરીદે માલ અહીંથી!
ને વળી મીઠાઈની અહીં જામતી ક્યારેક મહેફિલ
જાણે ઋતુના રંગ અહીં બદલાય છે
જિંદગીનો આય છે સિંગાર
ગામડાનું આ બજાર!
એના પછી –
છે બસ હવે થોડી દુકાનો
એક ગાંધી વેચતો અહીં માલ
બીજી દુકાને ‘કટલરી’નો કાટમાળ!
ત્રીજી દુકાને ચાય પાછી થાય છે ગરમાગરમ!
ને પછી છે એક કાપડીઓ
એ ચુંદડીઓ વેચતો
મીઠ્ઠી ને મઘમઘતી વાણી બોલતો
કંઈકને ભરમાવતો –
ને પેટનો ખાડો સિફતથી પૂરતો!
ને પછી આવી ગયો છે અંત
પણ લાગે છે કાં એ અનંત?
એ તો છે નાજુક ખૂબી એની!
માનવીની એષણાઓની લગી લંગાર
ગામડાનું આ બજાર!
એના વિષે કોઈ કલમ ચાલી નથી!
‘કેમેરા’એ આંખડી અહીંયાં કદી માંડી નથી!
દેશમાં આ એક નહીં લાખ્ખો બજારો
લોકસેવકે કદાપી મીટ અહીં માંડી નથી!
એ એ જ છે –
એના કુરૂપ એ રૂપને કોણે પીછાણ્યું?
ને કહો કોણે વખાણ્યું?
ને કોઈએ આવી વખોડ્યું!
ને અહીં ‘દિલીપકટ’* ને ‘તાજ’ની ભરતી કરી!
આ ફાંકડે તોયે બતાવી સર્વ વાત સહિષ્ણુતા!
આ ગામડાનું ગીત છે –
નવનિત છે
આજ તો એના પર જ છે ગામનો
આધાર
ગામડાનું આ બજાર!
– ગિરીશ પરીખ
ગામડાના બજારનું પ્રલંબ અને સબળ આલેખન.
pragnaju said,
December 1, 2009 @ 1:09 AM
આ ગામડાનું ગીત છે –
નવનિત છે
આજ તો એના પર જ છે ગામનો
આધાર.. .યાદ આવ્યું
હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ :
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર ! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ.
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ….
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ…..
સાસુને માગ્યાં ઊનાં પાણી ને
સસરે દાતણ માગ્યું રે લોલ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ…
હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં
તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ….
ગિરીશના વાસ્તવીક સબળ આલેખનમા આ ઉમેરીએ …
કોકાકોલાના કુલ વેચાણમાંથી ૨૫ ટકા ભારતના ગામડામાં થાય છે! શહેરની બજાર કરતાં ગામડાની બજાર કોલાનાં પીણાં માટે ૧૩ ટકા વધુ વેગથી વધે છે! આ પ્રોસેસ્ડ ખાધો કે પેયો મૂળભૂત રીતે તો નુકસાન કરે છે પણ કેટલાક અકસ્માતનું નુકસાન વધારામાં. ‘ડાઉન ટુ અર્થ’ મેગેઝિન કહે છે કે કોકની બોટલમાં લોખંડનો પાઉડર માલૂમ પડતાં બોટલો પાછી ખેંચાઈ હતી!
ગામડાની સ્ત્રીને સ્વતંત્રતા તો મળી છે, પરંતુ હજુ પણ તેણે સમાજની રૂઢિચુસ્ત માનસિકતાનો સામનો કરવો પડે છે, એટલેકે સ્ત્રી સ્વાતંત્રમાં પજુ પણ કંઈક ખૂટે છે, જેના માટે સમાજે જાગૃતતા કેળવવી જરૂરી છે.
વિવેક said,
December 1, 2009 @ 1:22 AM
આવું દીર્ઘ કાવ્ય લાં…બા અંતરાલ બાદ લયસ્તરો પર વાંચવા મળ્યું…
સુંદર !
MAYAANK TRIVEDI SURAT said,
December 1, 2009 @ 10:28 AM
pragnaju
આટલુ લાંબુ કેવી રીતે લખે છૅ
Pancham Shukla said,
December 1, 2009 @ 6:52 PM
ગામડની બજારનું આ શબ્દચિત્ર શેખ સાહેબના રાજસ્થાનના ચિત્રાત્મક આલેખનને તાજું કરી ગયું.
ધવલ said,
December 1, 2009 @ 9:25 PM
બહુ મઝાનુ ગીત યાદ કરાવ્યુ, પ્રગ્નાબેન !
pink said,
December 2, 2009 @ 11:12 AM
બહોત ખુબ્…….
Girish Parikh said,
December 7, 2015 @ 9:13 PM
Posted on December 7, 2015 on http://www.GirishParikh.wordpress.com ::
“ગામડાનું બજાર” કાવ્યસર્જનની કેફિયત
“લયસ્તરો” પર આ લખનારનું એક કાવ્ય પોસ્ટ થયું છે અને એ છે મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) “ગામડાનું બજાર”. કાવ્ય ધવલે પોસ્ટ કર્યું છે અને એમનો એક જ વાક્યનો અસ્વાદ આ દીર્ઘકાવ્યનો સુંદર પરિચય કરાવે છે.
વર્ષો પહેલાં ભારતમાં હતો ત્યારે ‘ગુજરાત સમાચાર’ના દીપોત્સવી અંકમાં મીરાં દવેનું “જંક્ષન” નામનું દીર્ઘકાવ્ય વાંચેલું. એ હતું મુક્તકાવ્ય. એ કાવ્યે મને બજાર વિશેના આ કાવ્ય લખવાની પ્રેરણા આપેલી. “ગામડાનું બજાર” મુક્તકાવ્ય હું મીરાં દવેને અર્પણ કરું છું.
મારું ગામ બાવળા. (બાવળાથી ચાર માઈલ દૂર આવેલું કેરાળા પણ મારું ગામ. મૂળ અમદાવાદના મારા પૂર્વજો મોસાળ કેરાળામાં આવેલા.)
મારું મોટા ભાગનું બાળપણ અને કિશોર અવસ્થા બવળામાં પસાર થયેલાં. મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ બાવળામાં ઘણાં વર્ષો શિક્ષક હતા. મારા સાહિત્યસર્જનને એ હંમેશાં ઉત્તેજન આપતા. મારી અન્ય કેટલીક કૃતિઓની સાથે સાથે આ કાવ્યના કેટલાક ડ્રાફ્ટની પણ કલમ અને ખડિયાની સાહીથી એમણે સારા અક્ષરોમાં નકલો કરેલી.
કબૂલ કરું છું કે બાવળાનું બજાર મારું મોડેલ હતું. બજાર વિશેના આ કાવ્યના સર્જન માટે શરૂઆતના ડ્રાફ્ટોનું શીર્ષક પણ મેં “બાવળાનું બજાર” રાખેલું. પણ કાવ્યમાં કેટલાંક કાલ્પનિક દૃશ્યો છે એટલે પછી એને શીર્ષક “ગામડાનું બજાર” આપેલું.
“લયસ્તરો”માં કાવ્યને મળેલા બધા જ પ્રતિભાવો પ્રેરક છે.
“ગામડાના બજારનું આ શબ્દચિત્ર શેખ સાહેબના રાજસ્થાનના ચિત્રાત્મક આલેખનને તાજું કરી ગયું.” પંચમ શુક્લનો આ પ્રતિભાવ પણ મને સદાય પ્રેરણા આપતો રહેશે.
“ગામડાનું બજાર” મુક્તકાવ્યની લીંકઃ
https://layastaro.com/?cat=643