એકાકી – યજ્ઞેશ દવે
જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો
બહુ ઊતરો છો ઊંડે
ત્યારે
ત્યારે તમે રહી જાવ છો પાછળ
– એકલા
*
તમે ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
પાછળથી એક ટોળું આવે છે
વહી જાય છે દોડતું ધસમસતું પૂરપાટ
તમે ત્યાં જ ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
– એકલા
*
મોડી રાત્રે
એ ઝરૂખામાં ગયો
આકાશમાં એક ચાંદો જ હતો
તેણે કહ્યું
‘આટલી રાત્રે એકલો જાગું છું હું
આટલી રાત્રે હું જ જાગું છું એકલો’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી
*
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ઊંચે ચડાવવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને પાડવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ધરબી દેવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
– યજ્ઞેશ દવે
એકલતાથી બધાને ડર લાગે છે પણ એકલતા આપણા અસ્તિત્વના તાણાવાણામાં વણાયેલી છે. ટોળું થઈને જીવવું એ સમાધાન છે. જ્ઞાનનો રસ્તો એકલતાનો રસ્તો છે. અસ્તિત્વની ધરી – એકાકીપણા – પર ઊભેલા માણસને કંઈ પણ સમજાવાની શક્યાતા છે, બાકી બીજા બધાને ભાગે તો ગોળ ગોળ ફરવાનું જ આવે છે.