ચંદુ મહેસાનવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 29, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદુ મહેસાનવી
દરેક સ્ત્રી
પોતાને દર્પણમાં સંતાડી રાખવા માંગે છે
દર્પણમાં
સાવ એકલી બેઠેલી સીતાના હાથ
કોઈ રાવણ ખેંચી શકતો નથી,
દર્પણમાં
લાચાર પાંડવો સામે ઊભેલી દ્રૌપદીની સાડી
કોઈ કૌરવ ખેંચી શકતો નથી,
દર્પણમાં
મોડી રાત્રે ઘરમાં આવેલાં પતિનાં
પગરખાંનો અવાજ
ખૂણામાં જાગતી સલમાની આંખોને
ધ્રુજાવી શકતો નથી,
માછલી તો પાણીમાં સુરક્ષિત છે એમ,
દરેક સ્ત્રી હજી પણ સુરક્ષિત છે,
પરંતુ માત્ર દર્પણમાં.
– ચંદુ મહેસાનવી
રૂંવાડા ઊભા કરી દે એવી સ્ત્રીચેતનાની એક કવિતા એક પુરુષ પાસેથી…
Permalink
September 8, 2009 at 6:43 PM by ઊર્મિ · Filed under અછાંદસ, ચંદુ મહેસાનવી
મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.
મૃત્યુ લજ્જા વગરની લલના છે,
એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે.
મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકિટે મનફાવે ત્યાં જઈ શકે છે.
મૃત્યુ રીઢો ગુનેગાર છે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે ઊતરી શકે છે.
મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.
મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબ છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.
મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેરમાલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.
મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્રલની ફ્લાઇટ કેન્સલ કરાવી શકે છે. છતાંયે,
માત્ર મૃત્યુ જ એક વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે ગમે ત્યાં…!
-ચંદુ મહેસાનવી
થોડા દિવસ પહેલા લયસ્તરો પર જ્યારે રાવજીભાઈનાં ‘આભાસી મૃત્યુનાં ગીત’ માટે (વાચકોનાં અને વિદ્વાનોનાં) આસ્વાદની શૃંખલા ચાલી ત્યારે મને એકવાર વાંચેલું આ અછાંદસ યાદ આવ્યું હતું. આજે અનાયાસે મળી પણ ગયું. મૃત્યુ તો સનાતન છે, પરંતુ સરખામણીમાં એ કોના કોના જેવું છે- એની અટકળોમાં દરેક વખતે કવિ પાસે કંઈક તો કહેવાપણું છે જ. પરંતુ આ બધાનાં જેવું હોવા છતાંયે અંતે કવિને એ એક વફાદાર મિત્ર જેવું લાગે છે. અને મિત્રની સાથે મૃત્યુની સરખામણી કરતાંની સાથે જ જાણે કવિ કલમ મૂકી દે છે એમ નથી લાગતું…? વાતેય સાચી, મૃત્યુ જો એક સાચા મિત્ર જેવું જ હોય તો પછી આગળ એની અટકળ કરવાનીયે કોઈ જરૂર રહે ખરી ?! મને તો લાગ્યું કે અધૂરા વાક્યનાં ત્રણ ટપકાંમાં જ કવિએ કમાલ……!
કવિશ્રીનું મૂળ નામ : ચંદુલાલ ઓઝા :: કાવ્યસંગ્રહો: ‘તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘા પેલા મૌનના’
Permalink