તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

પ્રવાહ – જગદીશ જોષી

નદીનો પ્રવાહ ગતિ કરે છે
મહાસાગરમાં સ્થિર થવા માટે.
નદીની સ્થિરતા જ મહાસાગર,
અને સાગરની સ્થિરતા તે
આકાશનું એક વાદળ.

વિશ્વના આ મહામેળામાં
ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
મેરી… ગો… રાઉન્ડ…

મારા ભગવાન માટે મેં એક મંદિર રચ્યું છે.
અગરબત્તીની સુવાસના સ્તંભો ઉપર
લીલી કેળનાં પાનનું છાપરું ગોઠવ્યું છે.

ફૂલોમાં ‘તથાસ્તુ’ શબ્દનું એક સરોવર
કમળ થઈને ઊઘડ્યું છે:
અને બિડાયેલી આંખો સામે ઊભા છે તથાગત;
કહે છે કે
સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો.

વિગત, સાંપ્રત અને અનાગતની પાર
અજવાળાંના આરસમાં
ઘીનો દીવો રણકે છે :
સુવાસના સ્તંભમાંથી પ્રગટે છે
નદીનો પ્રવાહ
મહાસાગરમાં સ્થિર થવા માટે  !

– જગદીશ જોષી

જીવનચક્રની ગતિ અવિરત અને અકળ છે. કવિ જીવનનો અર્થ સમજાવવાને બદલે, આપણને પોતાની સાથે, એક શોધયાત્રા પર લઈ જાય છે.

કવિતા પર બુદ્ધધર્મની વિચારસરણીની છાપ છે. કવિતાની શરૂઆત કવિ નદીની સ્થિરતા સાગર, અને સાગરની સ્થિરતા વાદળ – એવું કહીને કરે છે. સ્થિરતા પામવા માટે દરેકે પોતાના અસ્તિત્વની કિંમત ચૂકવવી પડે છે. (માણસની સ્થિરતા એટલે મૃત્યુ એટલું કવિ અધ્યાહાર રાખે છે !) ગતિ જ જીવન છે – અવિરત, અનાગત, થકવી નાખે એવી ગતિ.

કવિ સ્થિરતાની-જીવન લક્ષની- શોધ માટે મંદિર રચે છે. સુવાસનાં મંદિરમાં ઈશ્વર ભગવાન બુદ્ધ તરીકે પ્રગટ થાય છે અને એક જ વાત કરે છે, ‘સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો’… એટલે કે કોઈ જ્ઞાન ત્યાગ વગર શક્ય નથી. પણ એટલું જો કરો તો ખરું જ્ઞાન મળે… અને ખરું જ્ઞાન એ જ કે આપણું જીવન એટલે ગતિ અને આપણું ગંતવ્ય તે મહાસાગરમાં મળી જવું. જીવન-મૃત્યુનો જીવન-મૃત્યુની સચ્ચાઈ સિવાય બીજો કોઈ અર્થ શોધવો જરૂરી નથી, જરૂરી છે તો બસ પ્રવાહ બની જવું ને ગતિને જીવી જવું.

7 Comments »

  1. ઊર્મિ said,

    August 12, 2009 @ 10:01 PM

    ખૂબ જ ગહન કાવ્ય… ધવલભાઈનાં આસ્વાદ વગર તો મારાથી એને પૂરેપૂરું માણવાનું શક્ય જ ન થાત !

  2. Pancham Shukla said,

    August 13, 2009 @ 7:25 AM

    અતિસુંદર કાવ્ય. ધવલે એની શૈલીમાં સરસ રીતે ઉઘાડી આપ્યું

  3. વિવેક said,

    August 13, 2009 @ 8:15 AM

    આ કવિતા એના આસ્વાદ વગર સમજવી સાચે જ દોહ્યલું થઈ પડયું હોત…

  4. sapana said,

    August 13, 2009 @ 9:21 AM

    સમજવી અઘરી છે.ધવલભાઈ આભાર તમારાં આસ્વાદ માટે.જીવન ચલનેકા નામ…
    સપના

  5. Pinki said,

    August 13, 2009 @ 10:13 AM

    નદીનો પ્રવાહ ગતિ કરે છે
    મહાસાગરમાં સ્થિર થવા માટે.
    નદીની સ્થિરતા જ મહાસાગર,
    અને સાગરની સ્થિરતા તે
    આકાશનું એક વાદળ.

    સરસ વાત …….. !

    અંતમાં આ પુનરુક્તિ સુંદર રીતે કાવ્યત્વ બક્ષે છે !

  6. pragnaju said,

    August 13, 2009 @ 1:02 PM

    વિશ્વના આ મહામેળામાં
    ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
    મેરી… ગો… રાઉન્ડ…
    સુંદર ગઝલ ક્વોન્ટમ મીકેનીક્સ (પાર્ટીકલ ફીઝીક્સમાં અનસર્ટન્ટીનો સિધ્ધાંત કહે છે કે, આપણે અણુમાં પાર્ટીકલની ગતિ અને સ્થિતિ એક સાથે ક’ાપિ જાણી શકીએ નહીં.ડાળને કે આકાશને કાયમ વળગવાથી વળતું નથી અને માણસની પ્રકતિમાં જ કંઈક એવું છે કે એ ગતિ હોય છે ત્યારે સ્થિતિ ઝંખે છે અને સ્થિતિ હોય છે ત્યારે ગતિ ઝંખે છે!!

  7. Lata Hirani said,

    August 15, 2009 @ 12:27 AM

    અચ્છા હૈ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment