ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2026

(ખબર પણ ના રહી) – શ્યામ ઠાકોર

દૂર જઈ વસતાં થયાં ક્યારે, ખબર પણ ના રહી,
ખુદથી અળગાં થયાં ક્યારે, ખબર પણ ના રહી.

ફૂલ કેરી મ્હેક સાથે ચાલવાના કારણે;
વાયરા અફવા થયા ક્યારે, ખબર પણ ના રહી.

આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી;
પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના રહી.

પાંપણોની પાળ પર કૈં ભેજ જેવું જોઈને;
આંસુઓ દરિયા થયા ક્યારે, ખબર પણ ના રહી.

મોરના આકારમાં જે ગોઠવેલાં આપણે;
પિચ્છ એ ટહુકા થયા ક્યારે, ખબર પણ ના રહી.

વ્હેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો;
આટલા લિસ્સા થયા ક્યારે, ખબર પણ ના રહી.

– શ્યામ ઠાકોર

સરળ ભાષામાં સુંદર ગઝલ. આમ તો બધા શેર સરસ થયા છે, પણ ત્રીજો શેર સવિશેષ ધ્યાન ખેંચે છે. આપણે શું કરવા માંગીએ છીએ એ આપણને સમજાઈ જાય એ પળે સઘળાં વ્યવધાન દૂર થઈ જાય, પર્વતો પણ રસ્તા બની માર્ગ પ્રશસ્ત કરી દે. કેવી ઊંચી વાત! (ખુદ શબ્દનું માપ કવિએ “ગા”ના સ્થાને “ગાલ” લીધું છે, એટલો છંદદોષ ખટકે છે જો કે!)

Comments (12)

શ્વાસ મારો – શયદા

આપણો છે, આપણો ક્યાં થાય છે?
શ્વાસ મારો જિન્દગીને ખાય છે.

દૂર છે ઘર, છે વિકટ રસ્તા બધા;
ઓ અજાણ્યા જીવ, તું ક્યાં જાય છે?

નીકળી જા વિશ્વની ઘટમાળથી;
ફેરમાં શું કામ ફેરા ખાય છે.

કોઈના પણ નામનો આધાર લે;
એ વિના સૌ અવનિમાં અટવાય છે.

એક એનું નામ કંઈ ઓછું નથી;
અર્થ એના તો હજારો થાય છે.

ભેદ ચારે વેદનો પામીશ હું;
કોઈનાથી ચાર આંખો થાય છે.

આજ ‘શયદા’ વાત એ સમજી ગયો;
આપનો અન્યાય એ પણ ન્યાય છે.

– શયદા

ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવનાર શયદાને આપણે ‘ગઝલસમ્રાટ’ તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. જન્મની સાથે જ મરણ લખાઈ ચૂક્યું હોય છે. દરેક શ્વાસ આપણને નિશ્ચિત મરણની વધુને વધુ નજીક લઈ જાય છે, પણ આ સનાતન સત્યને કવિ જ્યારે છંદમાં ઢાળીને, રદીફ-કાફિયાના વાધાં પહેરાવીને બે પંક્તિમાં રજૂ કરે છે ત્યારે કવિના અનૂઠા દૃષ્ટિકોણ પર વારી-ઓવારી જવાનું મન થયા વિના રહેતું નથી. આપણને લાગે કે આપણો શ્વાસ આપણો છે, પણ કવિ કહે છે કે એ આપણો હોવા છતાં આપણો થતો નથી. આપણી જિંદગી જે શ્વાસથી ચાલે છે એ હકીકતને કવિએ શ્વાસ જ આપણી જિંદગીને ખાઈ રહ્યો છે એમ કહીને ઉલટાવી દે ત્યારે શેર સર્જાય છે.

Comments (7)

હુકમનું પાનું – મકરન્દ દવે

ભાઈ મારા, હું તો હુકમનું પાનું.

માલીકે મ્હોર મારી
કાળજ વીંધાણાં કારી
આલેખ્યાં એણે ફરમાનું. –ભાઈ મારા૦

જીવ્યું ઝબોળી આખું
એનો તે રંગ રાખું
એના દીદારનું દીવાનું. —ભાઈ મારા૦

આયુ ને મોત માથે
એના અદીઠ હાથે
ઘડી છતું ને ઘડી છાનું. —ભાઈ મારા૦

એકા ને રાજારાણી
ઢાળીને ધૂળધાણી
દૂકી તો મારતી મેદાનું —ભાઈ મારા૦

હુકમની હાર જીતે
જાણું ના કોઈ રીતે
એની બાજીનું હું તો બાનું.
ભાઈ મારા, હું તો હુકમનું પાનું.

– મકરન્દ દવે

Comments (3)

આષાઢ : વર્ષાને – દેશળજી પરમાર

(વસંતતિલકા)

દેવી, પધાર નિજ મંદિર; દર્શને જો!
ઉત્કંઠ આ અવનિ કોટિક નેત્ર માંડી-
સંતપ્ત સૌ ચપલ અંતરપ્રાણ સાંધી-
મીઠી, તને દુઃખિત શબ્દ વડે વધાવે.

દારિદ્રયનો વિકળ ભાર મિટાવવા જે-
જે પ્રાણવાન અવતાર અપૂર્વ લાવે;
શક્તિપ્રિયા, જગતંની નવજીવની હે-
વર્ષા! થશે સુખદ આપણ સખ્ય સાર્થ.

તું આવજે : મધુર ચૂંદડી નીલવર્ણી
-ને ફૂલના ગલ ભરી મહીં કંકુરંગ્યા-
છાઈશ હું તુજ પર, ગૃહિણી સુદિવ્યા!
આછો ધરીશ શિર ઈન્દ્રધનુષ્ય-મ્હોડ.

ને માતૃજ્યોત મધુરી ઝગશે વિશાળ
તું તેડશે સરસ જે પળ મેઘબાળ.

– દેશળજી પરમાર

કવિ નામનું અકિંચન પ્રાણી હાથમાં કલમ ઉઠાવે ત્યારે વિશ્વકર્માની અડોઅડ ઊભું રહી જાય. જુઓ, આ સૉનેટ. કવિ સાક્ષાત વર્ષાદેવીને આહ્વાન દઈ રહ્યા છે. સંતપ્ત ધરતી એની કરોડો આંખો આભ તરફ માંડીને દુઃખી પણ મીઠી વાણીથી વર્ષાને વધાવતી ઉત્કંઠ બેઠી છે. વર્ષા આવે તો દરિદ્ર જણાતી સૃષ્ટિમાં પ્રાણ ફૂંકાય. નવજીવની શક્તિપ્રિયા વૃષ્ટિ આવે તો ધરતી અને વૃષ્ટિનું સુખદ સખ્ય સાર્થક થાય. ધરતી વર્ષાને પ્રલોભન પણ કેવું દે છે એ જુઓ. સુદિવ્યા ગૃહિણી વર્ષા આવશે તો ધરતી એને રંગબિરંગી ફૂલો ભરેલ નીલવર્ણી ચુંદડી પહેરાવશે અને છોગામાં માથે મેઘધનુષનો મ્હોડ પણ ધરશે. ધરતી મેઘબાળને ગોદમાં ધારણ કરશે ત્યારે માતૃત્વની વિશાળ જ્યોત ઝગશે એ વાત સાથે કવિ સમાપન કરે છે.

(અવનિ=ધરતી; કોટિક=કરોડ; સાર્થ=સફળ; મ્હોડ=મોડ, લગ્ન સમયે કન્યાના માથે પહેરાવાતો મોડીઓ)

Comments (3)

આખરે – ભાવના સોનૈયા ‘પ્રિયજન’

પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે,
ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે.

લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.

હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે?
મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે.

હો દોસ્ત, બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો,
લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે.

પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે,
બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.

– ભાવના સોનૈયા ‘પ્રિયજન’

સરળ ભાષામાં સહજસાધ્ય ગઝલ. બીજો શેર જોઈએ. સફર લાંબી હોય તો થાક તો લાગે જ ને ક્યારેક ધારી મંઝિલ પ્રાપ્ત ન થાય તો સફર અડધેથી છોડી દેવાનું મન પણ થાય. (સુન્દરમનું ગીત યાદ આવે: બાઈ રે જરીજ જ જો તું વેઠે) કશે પહોંચી ન શકાવાનો થાક લાગે ત્યારે મુસાફરી અડધેથી પડતી મૂકવાનું મન થાય એ પરિસ્થિતિ તો આપણે સહુએ જીવનમાં અલગ અલગ સ્વરૂપ અને સંદર્ભોમાં અનુભવી જ છે, પણ અહીં ખરી મજા સફર આગળ તરફ ચાલુ રાખવાના બદલે કથક સ્વયં તરફ પાછાં વળે છે એ વાતમાં છે. દુનિયાની ભાગદોડમાં અને આ મેળવી લઉં, પેલું મેળવી લઉં એવી લ્હાયમાં આપણે જાત સામે જોવાનું, જાતને મળવાનું, જાતમાં ઉતરવાનું અને જાતને ઓળખવાનું જ ભૂલી ગયાં છીએ. જો કે હકીકત પણ એ છે કે બહારની સફરથી થાકી-હારી ન જઈએ ત્યાં સુધી સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે…

Comments (9)

(સરવડાં) નભને નેપથ્ય કોણ – ઉમાશંકર જોશી

નભને નેપથ્ય કોણ બેસીને આજ,
ધીરી ધીરી મેઘની બજવે પખવાજ?

પડદો અંધારનો ઢળ્યો છે ધરા પરે.
તારા ડોકાય માંડ બેક આભછાપરે;
.        જોઈ રહ્યા: કોણ આજ સજે રંગસાજ.        નભને…

ત્યાં તો થાપી પરે પડે હાથ જોરમાં,
ધસી વીજ-નર્તકી કરે નાચ તોરમાં.
.        વિશ્વરંગભૂમિ પરે એક એનું રાજ.    નભને…

– ઉમાશંકર જોશી

મોબાઇલમાં મેસેજ કે નોટિફિકેશન સ્કીપ કરી શકાય એ રીતે ઋતુઓને સ્કીપ કરી શકાતી હોય તો ઉનાળો મોટાભાગના લોકો સ્કીપ કરવા માંગે. જે રીતે દિવસ આખામાં સાંજ એ રીતે તમામ ઋતુઓમાં ચોમાસુ જ માનવમનને વધુ આકર્ષે છે. વિશ્વના રંગમંચ પર એનું એકહથ્થું શાસન છે. વરસાદ પડવાની તૈયારી થાય એટલે આભ ગોરંભે ચડે. ઘનઘોર વાદળાં પૃથ્વીને જાણે અંધારાનો પડદો ઢાળીને ઢાંકી દે છે. પરદા પાછળ સંતાઈને કો’ક ધીરી ધીરી પખવાજ વગાડી રહ્યું છે. આકાશમાં માંડ દેખાતા બે’ક તારા આંખો ટમટમાવીને આ કોણ સજીધજી રહ્યું છે એ જોઈ રહ્યા છે. એવામાં વીજળીનું નૃત્ય આરંભાય છે ને કડાકાભેર મેઘગર્જના સાથે વરસાદ શરૂ થાય છે.

Comments (2)

વર્ષા – પ્રહલાદ પારેખ

વર્ષાની ધારના કોણે આકાશથી
અવનિને ઉર આ તાર સાંધિયા?
અંગુલિ વીજની કોણે આ ફેરવી,
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં? -વર્ષા0

ગીતે એ થનથન નાચે છે મોરલા,
ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાંઓ નાચતાં,
પર્વતના બંધ સૌ તૂટી ગયાં. -વર્ષા0

ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. -વર્ષા0

ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં. -વર્ષા0

– પ્રહલાદ પારેખ

ક્યારેક સમજવી કઠિન થઈ પડતી હોવા છતાં કવિતા આપણને ગમે છે. જે લોકોને પ્રકટપણે કવિતા નથી ગમતી એ લોકો પણ ફિલ્મી ગીતો, ભજન-કવ્વાલી, નવરાત્રિના રાસગરબા કે સૉશ્યલ મિડિયાની શેરોશાયરીના માધ્યમથી કવિતા સાથે ક્યાંકને ક્યાંક અને કોઈકને કોઈક રીતે તો જોડાયેલ જ છે. કવિતા આપણને કેમ ગમે છે એના અનેક કારણોમાંનું એક એ કે તે રોજબરોજનાં અનુભવો, દૃશ્યો, વસ્તુઓ કે પ્રસંગોને એ બિલકુલ અલગ અને તરોતાજા વાઘાં પહેરાવીને રજૂ કરે છે. વરસાદનો અનુભવ તો કોણે ન કર્યો હોય? વરસાદ પડે ત્યારે વાદળ ગાજે અને વીજળી કડાકે એય આપણે સહુએ સેંકડોવાર માણેલી ઘટના… પણ આ ગીત જુઓ… આ ગીત વાંચતાવેંત આપણને ગમી જાય છે, કારણ? કારણ કે હજારોવાર અનુભવેલ વરસાદ-વીજળીને એ આપણી સમક્ષ બિલકુલ નવાનકોર દૃષ્ટિકોણથી રજૂ કરે છે.

આકાશમાંથી ધરતી પર એકધારા પડી રહેલ વરસાદમાં કવિને કોઈક અદૃશ્ય કારીગરની કળા નજરે ચડે છે. ધરતી નહીં, ધરતીના હૈયાને કોઈક વર્ષાની ધારના તારથી આકાશ સાથે સાંધી-બાંધી રહ્યું છે. તાપમાં તપીને બેહાલ થયેલી ધરતી વરસાદ આવતાં લીલીછમ થઈ જાય એમાં કવિને અવનિનું ઉર નજરે ચડ્યું છે. આ કડીમાંથી ‘ઉર’ કાઢી લેવામાં આવે તો આની આ વાત સામાન્ય થઈ જાય. હવે બીજી પંક્તિ જુઓ… આકાશથી ધરતી સુધી લાંબા તાર તો કોઈકે બાંધી દીધા… હવે આ તાર ઉપર વીજળીની આંગળી ફરી રહી હોવાથી વરસાદ નામના ‘વાદ્યતંતુ’માંથી શુષ્કતા દૂર કરી દે એવાં ગીતો જન્મે છે… છે ને અદભુત કલ્પન!

વરસાદના વાદ્યતંતુ ઉપર સર્જનહારે છેડેલા ગીતની આંગળી પકડીને આખા ગીતનો વિહાર કરીશું?

Comments (4)

વ્યાજે વરસાદ… – રવીન્દ્ર પારેખ

મારું એટલું છે તને જરા કે’વું,
તારો વરસાદ ભલે વ્યાજ ઉપર આપે, પણ કૈં પણ ઉધાર નથી લેવું…
મારું એટલું છે તને જરા કે’વું…

થોડો વરસાદ મને ભેટમાં તું આપે તો મેલું આકાશ જરા માંજું,
બદલામાં જોઈએ તો તારી બે આંખોમાં ચકચકતું મેઘધનુ આંજું,
મેઘધનુ અંજાતાં પહેલું આંસુ જ થશે રંગીન લખોટી હોય એવું,
મારું એટલું છે તને જરા કે’વું…

વ્યાજનું તો સમજ્યા, પણ મુદ્દલનો મારાથી ચૂકવાતો એક્કે ના રૂપિયો,
એક વાર આંસુ મેં વ્યાજ ઉપર લીધું તો વ્યાજ થયું આખો એક દરિયો,
દરિયો તો જેમતેમ ચૂકવ્યો મેં તોય હજી બાકી છે મૂળ મારું દેવું,
મારું એટલું છે તને જરા કે’વું…

– રવીન્દ્ર પારેખ

આભેથી વરસાદ વરસતો હોય અને કવિ કવિતા ન કરે એ કેમ બને! પણ આ મેઘરાજા એક વસમી, સોરી, એકવીસમી સદીનો છે. એ વરસાદ તો આપવા તૈયાર છે, પણ વ્યાજે. પણ કવિ વ્યાજે વરસાદ લઈ શકે એમ નથી કેમકે એકવાર એક આંસુ વ્યાજ પર લીધું હતું એના વ્યાજમાં આખો દરિયો ચૂકવવાનો થયો હતો. દરિયાનું વ્યાજ તો જેમતેમ કરીને ચૂકવ્યું પણ આંસુનું મુદ્દલ કવિ હજી સુધી ચૂકવી શક્યા નથી. તો નવી લૉન કઈ રીતે લઈ શકાય? હા, વરસાદ ભેટમાં મળે તો કવિ સ્વીકારવા તૈયાર છે અને બદલામાં વાદળની આંખોમાં મેઘધનુષ આંજી આપવા પણ તૈયાર છે… હવે મેઘો શું જવાબ આપે છે એની રાહ જોઈએ…

Comments (8)

યાત્રાની ટિકિટો – સમીહ અલ-કાસિમ (અરબી)

અને એક દિવસ, જ્યારે મારી હત્યા થશે,
મારા હત્યારાને મારા ખિસ્સામાંથી જડશે
યાત્રા માટેની ટિકિટો:
એક શાંતિ માટેની,
એક ખેતરો અને વરસાદ માટેની,
અને એક
માનવતાના અંતરાત્મા તરફની.

હું આજીજી કરું છું, કૃપા કરીને એને વેડફીશ નહીં.
મારા વહાલા હત્યારા,
હું આજીજી કરું છું, જા મુસાફરી કર.

– સમીહ અલ-કાસિમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ફેસબુક પરથી એક અંગ્રેજી અનુવાદ મળી આવ્યો. વાંચતાવેંત કવિતા ગમી ગઈ. કવિતા થોડી મુખર હતી, પણ વાત એકદમ વેધક અને હૃદયંગમ હતી. એટલે લાગલો જ ગુજરાતી અનુવાદ પણ કરી નાંખ્યો. પણ મૂળે જીવ સટપટિયો એટલે મૂળ અરબી કવિતા મળે તો કેવી મજા કરીને ગૂગલા મહારાજ અને ચેટ જીપીટીનું આહ્વાન કર્યું. એક બીજો જ અંગ્રેજી અનુવાદ મળ્યો જે પેલા કરતાં અલગ હતો. મૂળ અરબી કવિતા પણ મળી. બધા જ એઆઇ એન્જિન ગુજરાતી અનુવાદ કરવામાં હજી કાચા છે, એટલે અરબી કવિતાનો અલગ-અલગ પ્લેટફૉર્મ પાસે અંગ્રેજી અનુવાદ કર્યો. બધા અનુવાદોને સમરસ કરીને એક અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો અને પછી એનો ગુજરાતી પાઠાંતર કર્યો. હવે આપ કહો, કવિતા, અને કવિતાનો અનુવાદ કેવા લાગ્યા?

Comments (5)

સંતુષ્ટ? – પ્રજારામ રાવળ

સંતુષ્ટ છું, જગતથી; સહુ આજુબાજુના
સંબંધીઓ થકી, સગાંથી અને સખાથી;
વૃક્ષોથી, વેલીથકી, પુષ્પથકી, ફળોથી;
આકાશ, વાયુ, અગનિ, જલથી, ધરાથી;
ઠંડીથી, ગ્રીષ્મથકી, ને વરસાદ-ધારથી,
સર્વે પ્રસંગથકી, જે બનતા અહીં, તહીં;
હું જાઉં છું જહીં, નદી સમ ત્યાં રહું વહી:
જોકે, કદીક બનતું, નહિ જે શકું સહી!
રે કિન્તુ, તુષ્ટ ન કદી મુજથી; ન તુષ્ટ હું:
રહે બાળતી સતત આગ દિને, નિશાએ:
સર્વે સુખો-તળ રહે ધગતું જ દુઃખ!
આસ્વાદતાં સકલ સૃષ્ટિ, ન જાય ભૂખ!
તું આવી આગ, પણ આવી ઘણી અધૂરી;
રે આવ, આવ; મુજ જાત જલાવ પૂરી!

– પ્રજારામ રાવળ

મનુષ્ય જાતની ખરી વિડંબનાનું સૉનેટ. પહેલી આઠ પંક્તિઓમાં કવિ સ્વયંની સંતુષ્ટિની આલબેલ પોકારે છે. લાં….બીલચ્ચ યાદીની મદદથી તેઓ પોતાનો સંતોષ એ રીતે પ્રતિપાદિત કરે છે, જાણે સંસારના સૌથી સંતોષી વ્યક્તિ ન હોય! સગાવહાલાંઓ, મિત્રો, સૃષ્ટિના નાનાવિધ ઘટકતત્વો, ઋતુઓ અને જીવનમાં ઘટતા પસંગો-બધાથી કવિને પૂરેપૂરો સંતોષ છે. પણ અષ્ટક પછીના ષટકમાં સૉનેટને અભિપ્રેત પલટો (volta) આવે છે, જેમાં કવિ નિખાલસપણે એકરાર કરે છે કે ક્યારેક એવું પણ બને છે જે પોતે સહી શકતા નથી. આસપાસની તમામ ઘટા-વ્યક્તિ-સૃષ્ટિથી જે માણસ સંત જેવી સંતૃપ્તિ અનુભવે છે, એ સ્વયંથી તુષ્ટ નથી. એક આગ કવિને રાતદિવસ બાળતી રહે છે અને તમામ સુખની તળે ધગધગતું રહેતું દુઃખ કવિને પ્રજ્વાળ્યા કરે છે. બધું આસ્વાદવા છતાં અંદરની ભૂખ શમતી નથી. અંતે દેહ ચિતા પર ઢળ્યો છે અને અગ્નિ દેવાઈ ચૂક્યો છે ત્યારે કવિ આગને આહ્વાન આપે છે કે આખું જીવન અડધી અધૂરી આગમાં બળતા રહેવામાં જ વીત્યું છે. માટે હે ચિતાગ્નિ! આવ અને મને પૂરેપૂરો સળગાવ… અંતટાણે તો અધૂરું બળતા રહેવાથી છૂટી શકાય!

*************************

છંદમાં રસ હોય એવા મિત્રો માટે:

કવિએ એ અહીં છંદોનું મિશ્રણ કર્યું છે.

(૧) વસંતમૃદંગ અથવા મૃદંગ અથવા અહિમણિ છંદ: (૧૫ અક્ષર) ગાગાલગા લલલગા લલગા લગાલગા
પંક્તિક્રમાંક: ૧, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦,

(૨) વસંતતિલકા છંદ: (૧૪ અક્ષર) ગાગાલગા લલલગા લલગા લગાગા
પંક્તિક્રમાંક: ૨, ૩, ૪. ૧૧, ૧૨, ૧૩, ૧૪

Comments (2)

કવિતા લખવાનું કામ – જયંત પાઠક

આ કવિતા લખવાનું કામ સારું:
એમાં સમયનું ભાન રહેતું નથી
ને દરમિયાન કોઈ કામ કરવાનું કહેતું નથી!
વારુ…)

—પછી એક કમલ ઊઘડે છે
દલદલમાં રક્તરંગ લઈને
સૂર્યના પ્રકાશને ઝીલતું ઝીલતું ખીલતું ખીલતું
એ સ્વયં સૂર્ય થઈ જાય છે!

સૂર્યકમલ — કે કમલસૂર્ય — પર પછી
એક અંધારો ભમરો
—ગુનગુનનો જ બનેલો નર્યો—
ઊડતો ઊડતો આવીને બેસે છે
. ગર્ભમાં પ્રવેશે છે

ને બિડાય છે કમલ
—હોઠ જેવું દલદલ
ભીતર, મૌનમાં ઊઘડવા—

– જયંત પાઠક
(૧૫-૩-૨૦૧૯)

સોથી પણ વધારે વરસ પહેલાં લખાયેલી કવિતા. જયંત પાઠકે કવિતા કરવા-ન કરવા વિશે ઘણી કવિતા કરી છે. એમાં આ વધુ એકનો ઉમેરો… એકવાર વાંચો… બે વાર વાંચો… ત્રણવાર… ધીમેધીમે આ કવિતામાં રહેલી કવિતાનું મૌન આપની સાથે ગુફ્તેગૂ માંડશે એ નક્કી…

Comments (3)

(સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય) – પૂર્વી દેસાઈ

સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય
હૃદયમાં પહાડ જેવડો ખાલીપો
ખાલીપામાં પડઘાતું એક નામ
નામનો ટેકો લઈ બેઠેલી હું
મારામાં વરસાદ થઈ ઘેરાતો તું
તારામાં….
સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય!

– પૂર્વી દેસાઈ

સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય – માણસના હૃદયનું કદ લગભગ એની મુઠ્ઠી જેટલું હોય છે એ વૈજ્ઞાનિક તથ્યના સહારે વાતની શરૂઆત થઈ છે, પણ વચ્ચે ‘એક’ શબ્દ મૂકીને કવયિત્રીએ આ વાત દરેકની નહીં, પણ કવિતામાં દર્શાવાયું છે એ સ્તરનો પ્રેમ કરી શકતી હોય એવી વ્યક્તિ પૂરતી જ છે એમ કહીને કવિતાનો દાયરો સીમિત કરી દીધો છે. મુઠ્ઠીભર હૃદયમાં કવયિત્રી પહાડ જેવડો ખાલીપો જીરવી રહ્યાં છે. મુઠ્ઠી અને પહાડ વચ્ચેનો વિરોધાભાસ ખાલીપાને ભાવસભર બનાવે છે. ખાલીપો ભલે ડુંગર જેવડો વિશાળ છે, પણ છે તો ખાલીપો જ ને! અને ખાલી જગ્યામાંથી પડઘો તો ઊઠે જ ને! કવયિત્રીના હૃદયના ખાલીપામાં એના મનના માણીગરનું નામ પડઘાય છે, જેના ટેકે એ અસ્તિત્ત્વ ટેકવીને બેઠાં છે. જે પ્રિયજન પાસે નથી, અથવા ત્યાગી ગયો છે એ વરસાદ થઈને ઘેરાયો છે, પણ વરસવાને બદલે તરસાવે છે. નિષ્ઠુર પ્રેમીની છાતીમાં પણ સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય છે એમ કહીને કવયિત્રીએ તો કલમ કોરાણે મૂકી દીધી છે, પણ ખરી કવિતા તો અહીંથી જ આરંભાય છે. હૃદય તો બંને પાસે છે, પણ સ્ત્રી જે પ્રેમભાવ લઈને ઝૂરી રહી છે, એનાથી પુરુષ સાવ જ વિરક્ત છે. એકનું હૃદય લાગણીસભર હૈયું છે, બીજાનું હૃદય સ્નાયુનો ટુકડો!

Comments (2)

રપા અપાર વરસે :૦૭: વરસાદ

વરસાદ મૂવો વંડીની બે બાજુ વરસે હો!

વરસે છે એક બાજુ ધકધકધક ધકધકધક, એક બાજુ ધીણોધીણો રે
ગોકીરા કરતું મન ચોકમાં છોગાળા છાંટાને વીણો વીણો રે

આજે હું કોકને અમસ્થીક સાંભરું તો મને કોક સાંભરશે હો!

હોમ હોમ હોમાઈ જૈયેં માલીપા એવો જળનો જઘંન મૂવે માંડ્યો,
ધોધમાર ધારે એણે પાછલા ઉનાળાને સાંબેલે-સાંબેલે ખાંડ્યો!

અમને ઉનાળાની કૂંપળ ફૂટી’તી એની વાતું એ ક્યાંક જઈ કરશે હો!

– રમેશ પારેખ

રપાના ખજાનામાં વરસાદના અનેક મોતી ભર્યાં પડ્યાં છે. “રપા અપાર વરસે” સપ્તાહની માંડણી કરી ત્યારે લયસ્તરો પર આ અગાઉ ર.પા.ના જેટલા વર્ષાકાવ્યો મૂકાયાં હતાં એની યાદી આપી હતી… આખું ચોમાસું ચાલે એટલાં ધોધમાર ગીતો હજી બાકી પડ્યાં છે, આરંભ એનો અંત, ખરું ને? ઉત્સવ કે ઉત્સાહ – બધાયનો હંગામી તો હંગામી પણ અંત તો આવે જ ને! લયસ્તરો પર “રપા અપાર વરસે” શ્રેણી અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી આપણે વર્ષાગીતોમાં મનભર ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ વર્ષા-ઉજવણી સપ્તાહની હાલ પૂરતી સાતમી અને આખરી કડી…

આજે આ ગીત વિશે અમે વાતો નહીં કરીએ, હોં… આજે તો આપ સહુ જ વરસો મનભરીને…

Comments (5)

રપા અપાર વરસે :૦૬: દીવાની તેમજ ફોજદારી કોર્ટનો આરોપી વરસાદ

– પછી સાવ ઓચિંતું એ દસ્તાવેજમાં વરસાદે માર્યું’તું મત્તું
કે, ધરતી ઉપર છે એ જ ઘટાટોપ વ્હાલ આજે, જે ગઈ કાલ હત્તું!

છાંટો હુલાવી ઈણે ફોડયું રે કવિઓની લેખણને થ્થું’તું ઈ ગૂમડું,
પછી શુદ્ધ હિંસાથી ફરીફરી ઘસ્યું એણે માટીની ગંધવાળું પૂમડું!

કાયદા વિરુદ્ધ પેશકદમીથી છાપરાની હેઠ હતું એ કર્યું છત્તું!

દિ’એ આણાંત્યું જેને સાંભરી ઈ લડધાઓ રાતે થઈ ગયા સાવ ભાભા રે,
તયેં પોલ ખૂલી કે સંધાનાં ખોળિયામાં લોહીબોહી નહીં, હોય ગાભા રે!

ગાભાને સૂકવવા ગરમી ક્યાં ગોતવી-એ કોકડું ઉકેલ્યું નથી જતું!

– રમેશ પારેખ

આખો જુન મહિનો જે રીતે વરસાદે આપણને તરસાવ્યાં-ટટળાવ્યાં એ જોઈને તો એમ જ લાગતું હતું કે ધરતી પર એનું વહાલ ઓછું થઈ ગયું છે. માનવજાત તરફ આવું દુર્લક્ષ સેવવા બદલ શું એને કૉર્ટમાં હાજર ન કરવો જોઈએ? પણ વરસાદ જેવા વરસાદને કૉર્ટમાં હાજર કરવાનું બીડું કોણ ઝડપે? વરસાદને કૉર્ટમાં આરોપીના પિંજરામાં ઊભો કરી દેવાનું ગજું ર.પા. સિવાય કોઈનું હોઈ શકે ખરું? વરસાદ પણ ડાહ્યોડમરો થઈને કવિની કોર્ટમાં હાજર થઈ દસ્તાવેજ પર મતું મારીને એફિડેવિટ કરે છે કે ધરતી ઉપર એને પહેલાં હતું એવું ને અટ્લું જ ઘટાટોપ વહાલ આજે પણ છે. વરસાદની અનુપસ્થિતિને કારણે કવિઓની લેખિનીને ગૂમડું થઈ ગયું હતું, એ વરસાદે છાંટાના કાંટાથી ફોડી આપ્યું. હે કવિઓ! હવે ખૂબ મનભરીને કાગળ પર વરસો… જે દાધારંગા જુવાનિયાઓ આણેથી આવેલ પત્નીઓને યાદ કરીને દિવસભર બડાશ મારતા હતા એ બધા રાત્રે વરસાદનું રૌદ્રસ્વરૂપ જોઈ પાણીમાં બેસી ગયા. રગોમાં લોહી –ખરી જુવાનીનું જોર- વહેતું હોય તો એને ગરમ કરી શકાય, પણ જે પલળેલા ગાભા જેવા નરમદિલોને સાવજ કઈ રીતે બનાવી શકાય એં કોયડો તો કેમ કરીને ઉકેલવો? છાપરાંઓની નીચે જે છૂપાયેલું હતું એ રહસ્ય વરસાદે છતું કર્યું એ ઓછું હોય એમ એણે ગામના જુવાનિયાઓની કહેવાતી બહાદુરીનો ફુગ્ગો પણ ફોડી નાંખ્યો… પરિણામે આજે એણે ર.પા.ની બેવડી કોર્ટમાં હાજર રહેવાનો વારો આવ્યો છે.

બે શબ્દ શીર્ષક વિશે: દસ્તાવેજમાં સહી કરવી – અહીં દીવાની કોર્ટ નજરે ચડે છે. છાંટો હુલાવવો, શુદ્ધ હિંસા તથા કોઈની મિલકતમાં પેશકદમીથી ઘુસી જવું –અહીં ફોજદારી કોર્ટ દૃષ્ટિગોચર થાય છે. જો કે દીવાની અને ફોજદારી –બંને સંકેતોનું કાનૂની વર્ગીકરણ ન કરતાં એમનું કાવ્યાત્મક મૂલ્યાંકન કરવું જ વધુ ઉચિત કહેવાય.

(આણાત્યું= આણેથી આવેલી સ્ત્રી; લડધાઓ= ધીંગા છોકરાઓ; ભાભા= બુડથલ)

Comments (9)

રપા અપાર વરસે :૦૫: વરસાદ ગંજીપત્તા જેવો

હુકમના એક્કાની જેમ મૂવો ત્રાટકીને બાજી હર્રેક જીતી લે
વરસાદ સાલો ગંજીપત્તાં જેવો છે.

પત્તાની જેમ એક છાંટો એ ઊતરે ને બાજી થઈ જાય છે છકેલ
જીતવું તો ઠીક પણ હારતાંય આપણને આવડે નહીં એવો ખેલ

આપણે ઊતરીએ તે પત્તું નહીં, સંચોડું માથું કપાઈ જતું હે!

એની છે ખાસિયત એવી કે થોડું રમે ને ઝાઝો ગારો થઈ જાય
એકલા જો હોઈએ તો પત્તાંની જેમ મન આખેઆખું રે ચિપાય

બેકલાં જો હોઈએ તો લાગે કે ખેલ બહુ જામલેટ થઈ ગયો રે.

– રમેશ પારેખ

ર.પા.એ કેવળ ગુજરાતી કવિતાને જ અછો અછો વાનાં લાડ નથી લડાવ્યાં, એમણે વરસાદનેય ઓછો રમાડ્યો-ગમાડ્યો નથી. પ્રસ્તુત ગીતમાં એમણે વરસાદને ગંજીપત્તાં જેવો ગણીને ગીતની આખી બાજી ચીપી છે. વરસાદ દરેકેદરેક બાજી જીતી લેતા હુકમના પત્તા જેવો છે, એ એક છાંટો ઉતરે ને આપણી બાજી નશામાં સમતુલન જાળવી ન શકતા શરાબીની જેમ ડામાડોળ થઈ જાય છે. વરસાદની સામે જીતી તો ન જ શકાય, આપણને તો હારતાંય ન આવડે. આપણે તો પત્તું નહીં, માથું જ કાપીને ધરી દેવાનું રહે. વરસાદની ઋતુમાં એકલા રહેવામાં જોખમ. મન પત્તાંની જેમ આખેઆખું ચિપાઈ જાય-ઉથલપાથલ થઈ જાય. પણ પ્રિય પાત્ર સાથે હોય તો તો…. ખેલ જામી જ જવાનો કે ‘ની?

(સંચોડું = સમૂળગું; ગારો=કાદવ)

Comments (8)

રપા અપાર વરસે :૦૪: વરસાદ એવો ત્રાટક્યો’તો

ડરપાંચમ એટલે કે તેર, સાત, ચોરાણું અને બુધવારની સવારે
.                      વરસાદ એવો ત્રાટક્યો’તો સૂપડાંની ધારે

હતાં સાવ ઘટાટોપ મન અને વાદળાં
.                      ક્યાં વરસું ક્યાં વરસું જેવાં
અહીં વરસો, અહીં વરસો એવી બૂમરાણ
.                      કાંઈ કરતાં’તાં આંખ અને નેવાં

ઓસરી ને છાતી ને ડેલી ને જાત
.                      થયાં સેળભેળ કોણ જાણે ક્યારે !

આંખ્યુંમાં બેઠેલાં ચાતકનાં ટોળાંની
.                      કલબલનું પૂછો મા કાંઈ
છાંટો પડયો તે પડ્યો એમ
.                      જેમ ગંજીમાં તણખો પડે રે, મારા સાંઈ

માણસનું એવું કે એને ધો ગાળ્યું
.                      તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !

– રમેશ પારેખ

રમેશ પારેખ મનપાંચમના મેળાની વાત પણ કરે અને ડરપાંચમની ચોક્કસ તારીખ પણ આપણને આપે. ૧૯૯૪ની ૧૩ જુલાઈએ અષાઢ સુદ પાંચમ. એટલે વરસાદની ગાડી પાંચમા ગિઅરમાં ચાલતી હોવાની સંભાવના. વ્યક્તિ અને પ્રકૃતિ – વયષ્ટિ અને સમષ્ટિ બંનેને અડખેપડખે રાખીને ગીત આગળ વધે છે. મન અને વાદળ બંને ગોરંભાયાં છે. આંખ-નેવાં, ઓસરી-છાતી, ડેલી-જાત વરસાદ સહુને એકાકાર કરી દે છે. આંખોમાં જે ચાતકની પ્યાસ છે એ કેવળ વરસાદ માટેની નથી, પિયુ માટેની પણ છે. અને વરસાદનું ટીપું તો આ તરદ છીપાવવાના બદલે ઘાસને એ ગંજીમાં તણખો પડે ને ગંજી પળાર્ધમાં ભડભડ સળગી ઊઠે એમ તરસ ભડકાવે છે. છેલ્લી પંક્તિ આખા ગીતથી સહેજ અલગ પડી જતી હોય એમ લાગ્યું. માણસને ગાળ આપો તો એ ગાળો પણ પ્રેમથી સ્વીકારે એનો આખા ગીત સાથે કઈ રીતે મેળ ખાય છે એ કોઈ સમજાવશે?

Comments (6)

રપા અપાર વરસે :૦૩: કોઈ ન જાણે!

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા—એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એ પહેલાં દરિયો તેગું તાણે!

– રમેશ પારેખ

વરસાદ મોટો જાદુગર છે. વરસાદના કારણે દુનિયા તો વધુ ગમવા માંદે જ, જાત પણ કદાચ વધારે ગમવા માંડે? કારણ? કારણની ઉપર તો આખું ગીત ઊભુ છે, ને તોય કારણ આપે એ રમેશ પારેખ શાના? વરસતા વરસાદમાં ગામ આખું ભીંજાતું હોય એવા ટાણે અને ગામની જાણકારી બહાર તમે તમને વધારે ગમવા લાગ્યા છો એટલું કહીને કવિ ચોમાસાનો કાવ્યાત્મક ચિતાર આપે છે. નાનું ખાબોચિયું ભરાવા લાગે અને અંતે છલકાઈ જાય એને ફૂગ્ગો ફૂલતાં ફૂલતાં ફાટી જાય એની સાથે કવિ સરખાવે છે. શેરીમાંથી નીસરતા પાનીના રેલા નદી જેવા થઈ જાય છે. હવેની પંક્તિ તો જુઓ- ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે! ઓ ગૉડ! કવિએ ખાલી ગામનું નહીં, આપણા સહુનું ગજું પણ નાણી જોયું છે.

(ગારમાટીનો કૂબો- આપણી કાયા?)

Comments (8)

રપા અપાર વરસે :૦૨: વરસાદ…

વરસાદ મને મારે છે છાંટાથી ઢીંક
ફળિયા વચાળ ઊભી એકલી-અણોસરી હું ઝીલું છું ઝાઝેરી ઝીંક

માથામાં, પડખામાં, પીઠમાં ને પિંડીમાં ધણધણતી ઢીંકો ઝીંકાય
નાનકડો જીવ મારો મોટીમોટી ઢીંકોથી આમતેમ ગડથોલાં ખાય

અંદર આ અધમણનો મૂંઢમાર, સંભળાતી બ્હાર તો નવટાંકની જ છીંક!

નેવેથી દદડીને છાતીમાં ખાબકેલાં ધ્રાસ્કાનું માતેલું જોર
મારકણું ટાઢોડું લોહીમાં ભરાવે છે સાતસાત રંગોના ન્હોર

પિયુ પરદેશમાં ન હોત તો તો હોત હુંય ટહુકાની ખળખળતી નીક!

– રમેશ પારેખ

વરસાદમાં નહાવાનું કોને ન ગમે? પણ મનનો માણીગર પરદેશ ગયો હોય અને આંખોનો વરસાદ જ રોક્યો રોકાતો ન હોય તો ફળિયા વચ્ચોવચ ખિન્ન વદને એકલા ઊભા હોઈએ તો વરસાદ છાંટાથી ઢીંક મારતો હોય એવું જ લાગે ને! પ્રોષિતભર્તૃકાનું આ વેદનાસિક્ત તોય હળવું ગીત એકદમ સહજ રીતે માણી શકાય એવું છે…

અણોસરૂં= ઉદાસ, ખિન્ન;

Comments (11)

રપા અપાર વરસે :૦૧: વરસાદડો તો….

વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો
છાંટેછાંટે એ મુંને દબડાવે જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો!

ચામડીને ચાવળાં અડપલાં કરીને મુંને મારે વીજળીઓના ઝાટકા
છાંટાથી છાતી ઉઝરડીને મહીં મૂવો ભભરાવે મીઠાના વાટકા!

લોહીનું ટીપું ટીપું સૈડ-સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો…

વાદળની ડેલીએ ચાકરી કરે છે પણ રોફ કરે એમ-જાણે શેઠિયો!
સૂરજને પૂછો તો કહેશે કે ઈ તો છે દરિયાની પેઢીનો વેઠિયો…

એ તો છે મુંને મારી કાયામાં પૂરી, બ્હાર પહેરાઓ ભરતો સિપાઈડો…

– રમેશ પારેખ

રિસાઈને મોટા ગામતરે ચાલ્યું ગયેલું ચોમાસું વધારે પડતી જ ગાજવીજ સાથે પાછું ફર્યું છે. કોરા ગયેલા જુનનું સાટુ ન વાળતો હોય એમ મેઘરવો સાંબેલાધાર તૂટી પડ્યો છે. આવા વરસાદમાં બે વસ્તુ કરવાનું મન થાય-એક તો ગરમાગરમ ભજિયાં ઝાપટવાનું અને બીજું વરસાદી કવિતામાં સરાબોળ ભીંજાવાનું. ચાલો, આજથી સાત દિવસ સુધી લાગલગાટ વરસાદી ગીતોમાં મનભર નહાઈએ. પહેલાં તો થયું કે સાત દિવસ સાત અલગ અલગ કવિઓની રચનાનો આહલાદ લઈએ, પણ પછી લયના કામાતુર રાજવીએ અજગરભરડો લઈ કહ્યું કે મને… બસ, મને જ રજૂ કરો… તો પેશ છે વરસે રમેશ સપ્તાહ… સાત દિવસ સુધી લાગલગાટ એક જ કવિની સાત વરસાદી કૃતિઓમાં છબ છબ કરીએ…

પ્રસ્તુત ગીતરચના જાણીતી છે. જાનપદી બોલીના કારણે એ વધુ મીઠું લાગે છે.

(વાયડો=શેખીખોર; ભાયડો=ધણી; ચાવળું=ચિબાવલું, દોઢદાહ્યું; સૈડ-સૈડ સસડે= સડ સડ અવાજ સાથે તળાવું)

લયસ્તરો પર ર,પા.ની આ પૂર્વે પોસ્ટ થયેલ વરસાદી રચનાઓ આપ નીચે લખેલ કાવ્યપંક્તિઓ પર ક્લિક કરીને માણી શકશો:

 

Comments (19)

તમે જશો ને – નયન દેસાઈ

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે;
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…

પછી પછીતેથી હોંકારાનો સૂરજ ઊગશે નહીં
અને ઓસરીમાં કલરવનાં પારેવાં ઊડશે નહીં
સમી સાંજના ધ્રુસકે ધ્રુસકે તુલસીક્યારો રડશે..
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.

પીઠ્યટ્ટા પાનેતર જેવું પછી નહીં કોઈ મલકે,
પગલે પગલે ઓકળીઓના મોર પછી નહીં ટહુકે
તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે…
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.

ખળી, ઝાંપલી, વાવ, કૂવો, પગદંડી ખેતર, શેઢા,
બધાં તમારાં સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં,
તમે ‘હતાં’નું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે…
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે..

– નયન દેસાઈ

હવે આ સ્વયંસિદ્ધ રચનાને ટિપ્પણીની શી આવશ્યક્તા? વાંચતાવેંત વિરહની છરી કોઈ આપણી ભીતર હૂલાવી તળેઉપર કરી રહ્યું હોય એવી ધારદાર વેદના ન અનુભવાય તો જ નવાઈ…

કવિશ્રી ગૌરાંગ ઠાકરે એકવાર કવિને આ ગીતના સંદર્ભ વિશે પૃચ્છા કરી હતી ત્યારે કવિએ કહ્યું હતું કે આ રચના દીકરી માટે લખાયેલી છે. ખેર, કવિતામાં એ સંદર્ભ સાફ દેખાતો ન હોવાથી પિતા હોઈએ તો પુત્રીના સાસરીગમનને ધ્યાનમાં રાખીને પણ આ ગીત માણી શકાય અને પતિ કે પ્રેમી હોઈએ તો પત્ની કે પ્રિયતમાના વિયોગની વેદના પણ આમાં અનુભવી શકાય… આમેય ખરી કવિતા જ એ જે સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે…

Comments (7)

લગ્નિલ કન્યાનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યા પાદર-કૂવા
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના….

અમને કાજળ કાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યા એરુનાં અંધારાં, મારા રાજવી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોધારાં, રાજવી!
ઝમરૂખ અજવાળું રે પીવા….
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના…

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાંનાં જેવાં
મેડી સુહેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા…
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના…

– જયેન્દ્ર શેખડીવાળા

લગ્ન કરીને સાસરે જતી ષોડશીનું ગીત. (ગુજરાતી કવિઓએ હવે કવિતામાં બાળલગ્ન કરાવવાનું બંધ કરવું ન જોઈએ?)

પિયરમાં વીતાવેલા સોળ ઝગમગતા વરસ પાછળ દૂ…ર રહી જવાના કારણે ઝાંખા પડી ગયેલ દીવા જેવા ભાસે છે અને પતિ પરદેશી ભૂવા જેવો. ભૂવો કેમ? તો કે, લગ્ન પૂર્વે જ એણે સોળ વરસની નાજુક કન્યાને પૌરુષત્વનો સ્વાદ ચખાડી દીધો છે. કાજળકાળી રાતે અંગાંગમાં ઝામણ ઝેર પ્રસરી જાય એવો એરુ કન્યાને આભડી ચૂક્યો છે. કામકેલિના પ્રતાપે હચમચતો ખાટલો પડઘા પાડીને કહે છે કે નવોઢા નોધારી થઈ ચૂકી છે, પિયરયાંવનો સાથ છૂટી ગયો છે. બીજો બંધ પણ સ-રસ થયો છે…

(એરુ=સાપ; પાંગત= ખાટલાનો પગ તરફનો ભાગ; ઝમરૂખ=રામણ દીવડો)

*

લયસ્તરો પર આજે ધ્રુવ શુક્લ નામે સાવ અજાણ્યા કવિનું આ ગીત મૂક્યું… તરત જ મિત્રોના સંદેશા આવવા માંડ્યા કે આ ગીત તો જયેન્દ્ર શેખડીવાળાનું છે… તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ ગીત મેં જ લયસ્તરો પર ચાર વરસ પહેલાં જયેન્દ્ર શેખડીવાળાના નામે પોસ્ટ કર્યું હતું…

‘કવિતા’ દ્વિમાસિકના પચાસમા વર્ષની ઉજવણી નિમિત્તે “૩૦૦ કવિતા” નામે ઓક્ટોબર ૨૦૧૭માં દીપોત્સવી અંક પ્રગટ કરાયો હતો, એમાં આ ગીત ધ્રુવ શુક્લના નામે ૨૩૩માં પાને પ્રગટ થયું છે. એ જ અંકમાં ૪૮મા પાને શેખડીવાળાનું બીજું એક ગીત પણ છે.

જયેન્દ્ર શેખડીવાળાને ફોન કરતાં ખબર પડી કે એ જમાનામાં ખૂબ લખાતું હોવાથી તેઓ અલગ-અલગ નામે કવિતાઓ મોકલતા હતા અને ધ્રુવ શુક્લ પણ બીજું કોઈ નહીં, જયેન્દ્ર શેખડીવાળા સ્વયં જ છે…

ચાર વરસ પહેલાંની પોસ્ટ:
https://layastaro.com/?p=20154

હે પ્રભુ !!!

😉

Comments (7)

મારા ઘટમાં…. – ચંદ્રકાન્ત શેઠ

મારા ઘટમાં ઘેરાય હવે રાત,
.                ચાંદલિયો ચમક્યો નથી;
મને આઘેનું કાંઈ ના ભળાય,
.                તારલિયો ટમક્યો નથી. –

મારી નીંદરની શેરી છે શાંત,
.                આગિયાય ઊડતા નથી;
મારા દીવાને એટલો ઉચાટ
.                કે અંધારાં બૂડતાં નથી. –

મારી આસપાસ એવું એકાંત,
.                કો બારણુંય ખોલતું નથી;
કોક પકડીને ઊભું છે ડાળ,
.                કે પાંદડુંય ડોલતું નથી. –

મારી જાગેલી વાણીનાં વ્હેણ,
.                આજ અહીં વ્હેતાં નથી;
ક્યાંક છુપાયાં નમણાં બે નેણ,
.                જે આજ કશું કહેતાં નથી. –

– ચંદ્રકાન્ત શેઠ

સદીઓ પૂર્વે એરિસ્ટોટલે Katharsis – વિરેચનનો સિદ્ધાંત આપ્યો હતો. અંતરને વલોવી દે અને આંખોને નિચોવી કાઢે એવા કરુણતમ નાટકોને જોતી વખતે પ્રગટપણે દુઃખી દેખાતો પ્રેક્ષક હહીકતમાં દર્દભરી હૃદયોર્મિઓનું વિરેચન થઈ જતાં ભીતરથી હળવો થાય છે. પ્રસ્તુત ગીતરચના વિશે પણ આવું જ કહી શકાય. પરમના સાક્ષાત્કારના અભાવમાં ઘોર અંધાર અને એકલતામાં અટવાતા જીવનું આ કરુણગાન છે. સર્જકના સર્જનકાળના મનોભાવોમાં આપને સામેલ થઈ વ્યથા તો અનુભવીએ છીએ, પણ હૃદય પરનો કોઈક બોજો ઓછો થતાં સાથોસાથ હળવાશ પણ અનુભવીએ છીએ.

કવિસંવિતમાં ઘોર અંધકાર ભર્યો પડ્યો છે. હકીકતે તો પોતાની ભીતર કેવળ અંધકાર જ ભર્યો પડ્યો હોવાનું આત્મજ્ઞાન થાય એય બહુ કહેવાય, કારણ આપણામાંથી મોટાભાગનાંને તો એનુંય જ્ઞાન હોતું નથી. નથી કોઈ પથદર્શક ચાંદો ખીલ્યો કે નથી કોઈ પથનિર્દેશક તારો ઊગ્યો. આગિયા જેવા મિત્રો ઝબૂકે તોય કદાચ નીંદર ઊડે. નથી ઈશ્વર, નથી ગુરુ ને નથી કોઈ સહમાર્ગી. પંડના દીવામાંય એટલો ઉચાટ છે કે એ એનું મૂળભૂત કાર્ય કરવામાંય વિફળ રહે છે- અંધારું હટાવી શકતો નથી. વાણી તો જાગૃત થઈ ગઈ છે, પણ વાચા હજી ફૂટી નથી,કારણ પરમકૃપાળુ પરમાત્માની નજર હજી પડી નથી.. तमसोमा ज्योतिर्गमय…

Comments (3)

(સોહમ્-સોહમ્) – અકબરઅલી જસદણવાલા

દિલમાં ખૂશ્બુ, આંખમાં શબનમ,
જીવન મારું ફૂલની મોસમ.

તું શું જાણે પ્યાસ અમારી,
શાના તોબા, શાનો સંયમ?

દ્રષ્ટિ એવું શું દેખી ગઈ,
ઝાંખું ઝાંખું લાગે આલમ.

આવ તને હું સમજાવી દઉં,
ગંગાજળ છે આબે ઝમઝમ.

મારી ખામોશી દીવા જેવી,
એની વાતો મોઘમ મોઘમ.

બોલું તો અલ્લાહો ‘અકબર’
મૌન ધરું તો ‘સોહમ્-સોહમ્’.

– અકબરઅલી જસદણવાલા

પરંપરાના શાયરની એક મજાની ગઝલ… ટૂંકી બહર, અને અર્થગંભીર વાત. મક્તામાં કવિએ પોતાનું નામ પણ અર્થસભરરીતે બખૂબી વણી લીધું છે.

Comments (1)