કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




યાદગાર ગીતો :૦૪: રંગ રંગ વાદળિયા -સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rang rang vadaliya.mp3]

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ ગીત બાળગીતોમાં ‘મેઘદૂત’ છે 🙂

તા.ક.: ઓડિયો માટે જયશ્રીનો ખાસ આભાર.

Comments (16)

યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)

[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]

આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’.  મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી.  કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો.  ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું.  ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)

ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે.  પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે.  પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા.  ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે.  કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!

Comments (8)

યાદગાર ગીતો :૦૨: એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
.                          એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
.                          ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
.                          ન ફળી મહેનત મારી… મહાનલ0

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
.                         સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
.                        વાત  વિપતની ભારી… મહાનલ0

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
.                      ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
.                      માગું એક ચિનગારી… મહાનલ0

-હરિહર ભટ્ટ

(જન્મ: ૦૧-૦૫-૧૮૯૫, મૃત્યુ: ૧૦-૦૩-૧૯૭૮)

સંગીત : આશિત દેસાઈ
સ્વર :  હેમા અને આશિત દેસાઈ

[audio:http://urmisaagar.com/saagar/audio/ek-j-de-chinagari.mp3]

સૌરાષ્ટ્રના જાળીલા ગામે જન્મેલા અને અમદાવાદમાં વસેલા કવિનો અભ્યાસ બી.એ. સુધીનો અને કાર્ય અધ્યાપનનું. જ્યોતિષશાસ્ત્રના પણ અધ્યાપક. વર્ષો સુધી સંદેશના પ્રત્યક્ષ પંચાંગના મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા અને નિયામક પણ ખરા.  એમની કવિતાઓમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વતન માટેનો પ્રેમ અને ગાંધી મૂલ્યોનો આદર છલકાતો જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘હૃદયરંગ’, ‘હૃદયનૃત્ય’, બંનેનું સંકલન-  ‘એક જ દે ચિનગારી’)

ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ભક્તિગીત કહી શકાય એવા આ એકમાત્ર ગીતે કવિને અમરત્વ બક્ષ્યું છે. આખી જિંદગી આપણે નાસભાગમાં ને આજીવિકા રળવાની મહેનતમાં ખર્ચી નાંખીએ છીએ પણ આપણી અંદર સળગીને પ્રકાશિત થવા તૈયાર જે જામગરી પડી છે એ સળગે છે કે નહીં એ જોવા થોભતા નથી. વિશ્વ આખામાં ઈશ્વરના નામનો પ્રકાશ પથરાયેલો છે, એક આપણી જ સગડી આગ વિનાની છે. દુનિયાની આ હાડમારીથી હવે કાયા ધ્રુજી ઊઠી છે અને ધીરજનું પણ નાકું આવી ગયું છે… આવી ક્ષણે કવિનો સાચો ભક્ત-વિવેક પ્રગટ થાય છે અને ભજનને કવિતાનું માન મળે છે. કવિ વિશ્વાનલ પાસે માંગી-માંગીને એક ચિનગારીથી વિશેષ કંઈ જ નથી માંગતા.. સળગવાની ને પ્રકાશવાની સામગ્રી તો માંહ્ય ભરી જ છે… માંગણીનો સંતોષ એ આ કવિતાનો મુખ્ય પ્રાણ છે…

Comments (8)

યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

[audio:http://urmisaagar.com/saagar/audio/gunvanti-gujarat.mp3]

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પારસી કોમના જે કવિઓનો ફાળો રહ્યો છે, એમાં અરદેશર ખબરદારનું સ્થાન ધ્રુવના તારા સમું છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી એ અમર કીર્તિ પામ્યા છે. દમણમાં જન્મેલા અને ત્યાં જ વસેલા, માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા આ કવિ મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા પણ અનિર્વચનીય વતનપ્રેમથી છલકાતા હતા.  (કાવ્યસંગ્રહો: ‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1’, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2’, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)

સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ.  નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે…

Comments (9)

મધરાતે નીંદરને ગામ – નિખિલ જોશી

મધરાતે નીંદરને ગામ જુઓ કેવું તો ફાટી રે નીકળ્યું તોફાન
સપનાના ઝુંડ સામે લડવાને જંગ મે તો આંસુને સોપ્યું સુકાન

આંસુની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાં જ પાણી,
કોણ લાવ્યું આંખ્યું ના ઊંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણી ?
અન્ધારે ડૂબ્યો રે ઓરતાનો સૂરજ ને છાતીમાં વસતું વેરાન

સપનાના ઝુંડનુ તો એવું ઝનૂન જાણે છાતીમાં ધસમસતું ધણ
ઘરના અરીસાઓ શોધે છે સામટા ખોવાયું જે એક જણ
રૂંવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનું જાળવવા માન

–નિખિલ જોશી

સ્મરણ, વેદના અને સપનાંઓના ભંગારના ભારથી લચી પડતું ગીત… વાંચો અને વ્યથાની ધાર ન ભોંકાય કે આંસુઓની ભીનાશ ન અનુભવાય તો જ નવાઈ…

Comments (17)

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ

આજે કવિ શ્રી રમેશ પારેખના જન્મદિવસે માણીએ એમનું એક ગમતીલું ગીત..

અલુણા નિમિત્તે ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે… ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે. નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે.

Comments (6)

ગીત – વિહંગ વ્યાસ

Vihang Vyas_ Tu aavya ni vela
(ખાસ ‘લયસ્તરો’ માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગીતરચના)

*

તું આવ્યાંની વેળા
રોમે રોમે રોજ દૂઝતાં, રુઝ્યાં આજ ઝળેળા

સમેટાઈને રાખેલા વિખરાઈ ગયા છે શ્વાસ
તારે પગલે મારી ભીતર દોમ દોમ અજવાસ

ઉંબરથી ઓસરિયે વહેતા કુમકુમવરણા રેલા

જાણ થઈ છે આજ મને કે ખળખળવું એ શું
નર્યો નીતર્યો મારે ફળિયે અવસર યાને તું

વરસોના અળગા પડછાયા કરીએ આજે ભેળા
તું આવ્યાંની વેળા

-વિહંગ વ્યાસ

વિરહાસન્ન જીવન માટે મિલનની એક જ વેળા કેવી સંજીવની બની રહે છે ! વિયોગ અને પ્રતીક્ષાના અગ્નિથી રોમે-રોમે રોજે-રોજ ફૂટતા ફોલ્લા એક જ ઘડીમાં રુઝાઈ જાય છે. જે શ્વાસ માત્ર જીવવાના હેતુસર ભીતરમાં શગની પેઠે સંકોરીને રાખી મૂક્યા હતા એ આજે વિખેરાઈને ચોમેર પ્રસરી રહ્યા છે અને બહારની જેમ જ અંદર પણ અજવાળું અજવાળું થઈ રહે છે… ઉંબરે થીજી રહેલી પ્રતીક્ષા ઓસરી સુધી દડી જાય અને એના પગલે પગલે કંકુછાંટણા થાય એ જ તો મિલનનું ખરું સાફલ્ય છે… અને કવિની આખરી આરત એમના પ્રણયની ચરમસીમાની દ્યોતક છે… એ આવે એ જ એમને મન ખરો અવસર છે… કાયા નહીં, માત્ર પડછાયા એકમેકમાં ભળી જાય તોય આ સંતોષીજનને તો ઘણું…

Comments (7)

સમણાં વીણવા હાલી -મહેશ મકવાણા

રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.

સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દાઝાડી દીધું.

વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.

છાબડી મારી છલકે ભેળી
હું ય ઘણી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.

પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.

-મહેશ મકવાણા

મીઠું-મધુરું-થનગનતું-રણઝણતું ગીત.  યુવાની તરફ ડગ માંડી રહેલી ને જાગતાં જાગતાંય સમણાં વીણી રહેલી સોળ વરસની મુગ્ધ કન્યાનાં દલડાંમાંથી ફૂટી નીકળેલી કૂણી કૂણી લાગણીને કવિશ્રીએ અદભૂત શાબ્દિક આકાર આપ્યો છે;  જેની ભીતરનો ભાવ તો… પ્રેમબાણ વાગ્યા હોય તે જાણે !  🙂

Comments (9)

(અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?) -રાહી ઓધારિયા

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ રહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

બિલકુલ કલકલતી નદીની જેમ કલકલતું અને ઘૂઘવતા દરિયાની જેમ ઘૂઘવતું ગીત… જેનાં વહેણ અને તમારી વચ્ચે મારું ના આવવું જ બહેતર છે!  🙂

Comments (14)

બાલ્ટીમોરના જંગલમાં -અનિલ જોશી

પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા

છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય  મારો ક્રોધ ?

મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

-અનિલ જોશી

કવિ જ્યાં પણ જાય, દરેક વસ્તુ, વ્યક્તિ, પ્રકૃતિ કે સૌદર્યની સરખામણી જાણે-અજાણે ‘પોતાની’ ભૂમિ સાથે કરે જ છે; જેમાંથી ક્યારેક માનવીના બોલ ન સંભળાવાની ‘આહ’ નીકળે છે તો ક્યારેક પંખીના કલરવના ધોધ વહેવાની ‘વાહ’ પણ નીકળે છે. પાણીની જેમ બધે ઢોળાયેલી જાજરમાન ગ્રીનરી જોઈને ‘વાહ વાહ’ કરી ઊઠતા કવિનાં દિલમાંથી ધૂળિયો મારગ ન હોવાની ‘આહ’ પણ નીકળી જ જાય છે.  આપણને જેમણે કેટલાંય સુંદર સુંદર તળપદાં ગીતો આપ્યા છે એવા કવિશ્રી અનિલભાઈને અમેરિકાનાં ‘બાલ્ટીમોર’ શહેરમાં ફરતા ફરતા પણ ‘ગાડી’ને જોઈને જો ‘ગાડું’ યાદ ન આવે તો જ નવાઈ લાગે…  🙂

Comments (8)

સપ્તપદી – રમણીક અગ્રાવત

M7
.                    (ચિત્ર સૌજન્ય: નૈનેશ જોશી)

*

સામાજિક કારણોસર આવતા અઠવાડિયે અમેરિકાની ટૂંકી મુલાકાતે જઈ રહ્યો હોવાથી આવનાર પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર કદાચ ન આપી શકાય એ માટે ક્ષમા પ્રાર્થું છું.

-વિવેક

*

જળ લઈ હથેળીમાં
ખળખળતાં નિત્ય વહેવાનું
જળસાક્ષીએ લીલું પ્રણ લઈએ.

આ અગ્નિ છે મધ્યસ્થ
કરશું ને ઠારશું બનતું
અગ્નિસાક્ષીએ સંતપ્ત પ્રણ લઈએ.

ધરજે હળવે હળવે પગ
ધરતીખોળે સાથોસાથ ડગ માંડવાનું
અડગ પ્રણ લઈએ.

ફરફરતી લટ તારી મને બાંધે
નહીં થવા દઈએ સખ્ય વાયવીય કદીય
વાયુસાક્ષીએ અફર પ્રણ લઈએ.

હોય બધે પણ દેખાય નહીં ક્યાંય
અવકાશસમ પ્રણયમત્ત રહીશું
…પ્રણ લઈએ.

ફૂલગજરા, વેણીમાં મરકતી સેવંતી
ગુલાબ માળા, વરસતી પાંખડીઓ :
સૌરભસાક્ષીએ
નિર્મળતા જીરવવાનું પ્રણ લઈએ.

સ્વજન, સ્નેહીઓ, ગુરુજનો
તમારી સાક્ષીએ સોંપાઈએ પરસ્પરને
ઊજવશું ઐક્ય
પ્રણપૂર્વક પ્રણયપથ લઈએ.

– રમણીક અગ્રાવત

લયસ્તરો પર આવતીકાલથી એક નવી જ ‘ફ્લેવર’ના કાવ્યોનો રસથાળ એક વિશેષ પ્રસંગ નિમિત્તે પીરસાનાર છે એની પૂર્વતૈયારીરૂપે રમણીક અગ્રાવતની આ કવિતા…

‘અવસર આવ્યા આંગણે’  – આ કાવ્ય સંગ્રહમાંથી લોકગીતના ઢાળે ચાલતું આ લગ્નગીત સાભાર લીધું છે.  કવિએ એમના પુત્ર-પુત્રવધૂના લગ્ન નિમિત્તે લગ્નના ભાતીગળ પાસાંઓને આવરી લેતાં લોકબોલીમાં લખેલા લગ્નગીતોનો આ વિશિષ્ટ સંપુટ છે જેમાં કંકોતરી, નોતરું, વડી-પાપડ, પ્રભાતિયું, સાંજી, વધામણી, ગણેશસ્થાપન, માણેકસ્થંભ, મામેરું, અંઘોળ, ઉકરડી, વરઘોડો, અણવર, પોંખણું, કન્યાવિદાય જેવા તમામ પાસાંઓ પરની ગીતરચનાઓ સમાવિષ્ટ છે. દરેક પ્રસંગને અનુરૂપ રેખાચિત્રો અને દરેક પ્રસંગની લાક્ષણિક્તાઓનો ટૂંકો આલેખ પણ અહીં સામેલ છે. ટૂંકમાં, ગુજરાતના ગામડાંઓમાંથી પણ હવે ભૂંસાતા જતી લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દરેક ગુજરાતીના ઘરમાં હોવો ઘટે…

Comments (8)

(કોરો કાગળ) -મેઘબિન્દુ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

-મેઘબિન્દુ

મુંબઈમાં- મુલુંડમાં રહેતાં કવિ ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જ.તા. – ૧૯૪૧).  વાંચ્યું છે કે એમની કવિતાનું મૂળ એમની અંગત સંવેદનામાં છે. જ્યારે પ્રિયજનને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય, પણ તોયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું, શું ના લખવું- ની વિમાસણમાં ડૂબી જવાય છે… અને એ વિમાસણમાં ને વિમાસણમાં જેમાં આખું હૈયું ઠાલવવાનું હોય છે એ કાગળ સાવ અધૂરો જ રહે છે… ઝળઝળિયાંથી આગળ તો જઈ જ નથી શકતું…!  આ સુંદર ગીતનો દિવ્ય ભાસ્કરની હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં અહીં વાંચો.

કવિશ્રીનાં કાવ્યસંગ્રહો : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય

Comments (17)

(દીપોત્સવીના દીવે દીવે) – ચંદ્રકાન્ત શેઠ

દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળીની પ્રકાશિત મંગળ કામના અને નવા વર્ષની રંગરંગીન શુભેચ્છાઓ…

Comments (11)

પતંગ-ગીત – ભગવતીકુમાર શર્મા

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!

પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…

કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

– ભગવતીકુમાર શર્મા

પતંગના નામે કવિ પોતાની કલ્પનાને છૂટ્ટી દોર આપીને તદ્દન નવી જાતનું ગીત બનાવે છે. ધરતી પરની આંકાક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ આકાશમાં પડે છે.

Comments (10)

બોલીએ નૈં – મુકુન્દરાય પારાશર્ય

બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં

બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં

બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં

બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં

બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં

-મુકુન્દરાય પારાશર્ય

બધી વાત કંઈ ખોલી-ખુલીને કહેવાની હોતી નથી. બાંધી મુઠ્ઠી લાખની જાણતા હોવા છતાં મનુષ્યની પ્રકૃતિ જ કંઈક એવી છે કે એને માંડીને વાત કહેવાની તાલાવેલી લાગતી રહે છે. એક ઠંડી ખુશનુમા હવાના સાંનિધ્યમાં સુંદર સૂર્યાસ્ત માણતાં હોઈએ ત્યારે શબ્દોનો વિનિમય વૃથા અને ક્યારેક સૌંદર્યપાનમાં વ્યવધાનરૂપ પણ હોય છે.. છતાં આપણને બોલ્યા વિના ચાલતું નથી કે શું સરસ સૂર્યાસ્ત છે!

બે સાહેલીની વાતચીતના રૂપમાં કવિ અહીં એ જ બોધ આપે છે. છીપલી બંધાતી હોય ત્યારે ખોલી કાઢીએ તો? સ્વાતિ નક્ષત્રમાંથી વરસેલું જળ પણ નકામું જાય અને મોતી બને જ નહીં. કળી પણ ઋતુવરનો સ્પર્થ થાય એ પહેલાં જ એ કાચી હોય ત્યારે તોડી નાંખીએ તો પછી પુષ્પ અને પમરાટ ક્યાંથી નસીબ થવાના? ઈશ્વરને પામવા હોય તો હું પદ છોડીને પહેલાં પુષ્પમાળા બનવું પડે… વ્યક્તિત્વના પુષ્પોની સુગ્રથિત માળા ન બનીએ તો પ્રભુકંઠ શી રીતે નસીબ થાય?

Comments (7)

ગીત – હરીશ મીનાશ્રુ

નીતરતે ડિલે હું તો ઊભી નાવણિયામાં
આઘેથી કોઈ બૂચકારે હો જી

ફૂલફુડી જાત મારી ઓગળતી ફૂલ સમ
જળને દડૂલ મને મારે હો જી

પાતળિયો પાધરો પેઠો, સહેલી જાણે
પણઘટ પધાર્યું પાણિયારે હો જી

સોના ઇંઢોણી રૂપા બેડલું રે બાઈ, મને
મોતીએ મઢી છે મણિયારે હો જી

રુંગું ચડે તો મને રોળે રવેશીમાં
ચાંદો ચૂંટીને અંધારે હો જી

ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હો જી.

માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી

એમ કરી પાનબાઈ બોલે, ખલૂડીબાઈ
ડોકું ધુણાવી હોંકારે હો જી

– હરીશ મીનાશ્રુ

તળપદી ભાષામાં હળવી હલકથી ચાલતું આ લવચિક ગીત પહેલી પંક્તિની સાથે જ આખું દૃશ્ય આંખ સમક્ષ ખડું કરી દે છે. નાવણિયામાં નહાતી નવોઢાને એના મનનો માણીગર આઘેથી માત્ર બૂચકારે એવામાં તો એ ફૂલ પેઠે ઓગળવા માંડે છે જાણે. પાતળા બાંધાનો પિયુ પધારે છે તો એમ લાગે છે કે પણઘટ આખું સામે ચાલીને પાણિયારે ન આવ્યું હોય ! અને પછીની કડીઓમાં પંડમાં ન સમાય એવો થનગનાટ અને કામકેલિ કાવ્યસૌંદર્યને અણી કાઢી આપે છે. કાવ્યાંતે આવતા પાનબાઈ અને ખલૂડીબાઈના સંબોધન ગંગા સતીના ભક્તિપદનો લહેકો આપી ભાવકને સુખદ અહેસાસ કરાવે છે… અંતે તો પ્રેમ એ જ ખરો ધર્મ છે, ખરું ને?!

Comments (7)

ગણિતનું ગીત – ગૌરાંગ ઠાકર

વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
આ બીજગણિત ને ભૂમિતિમાં આવે  છે કંટાળો

પૂછો ના બસ એક મીટરના થાય કેટલા ફૂટ,
વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફૂટ.
આ સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,
વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.
રોજમેળ શીખવોને માસ્તર માથું ના ખંજવાળો
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

કૂટપ્રશ્નો લઇ ઝાડ ઊભું, ઉત્તરની પૂછે રીત,
વિસ્તરણ સમજાવો, મારે ફેલાવાની પ્રીત.
જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા
વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

-ગૌરાંગ ઠાકર

આજે ગૌરાંગભાઈનું એક તરોતાજા ગાણિતીક ગીત. આખા વિશ્વમાં છાંયડો કરવા કેટલી ડાળ જોઈશે એટલી સમજણ જેટલું ઝાડત્વ પણ આપણામાં ઊગી નીકળે તો સંસાર સ્વર્ગ બની જાય. ગીત ખૂબ જ સાહજિક છે એટલે વધુ પિષ્ટપેષણ નહીં કરું પણ આ સંદર્ભમાં નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ છે.

Comments (25)

સમરથ સાથ સગાઈ – ગિરીશ ભટ્ટ

કીધી – એ સમરથ સાથ સગાઈ;
એની ઊંચી ઊંચી મેડી, ઊંચી છત્તર લગાઈ.

તાણો જોડ્યો, વાણો જોડ્યો, ચિત્ત જોડ્યું સાંવરિયે;
અનહદના સ્વામીને જોડ્યો, ભીતરના મંદિરિયે.

કેવી ફૂલી-ફાલી-હું થઈ, સગપણ થકી સવાઈ !
કીધી – એ સમરથ સાથ સગાઈ.

પ્રેમ-વેલ વાવી સાંવરિયે, ને મેં સીંચ્યાં આંસુ;
પરબારું મંડાયું ઘેઘૂર ઘેઘૂર એક ચોમાસું.

તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !

પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

– ગિરીશ ભટ્ટ

મીરાંની પ્રેમલક્ષણા ભક્તિ યાદ આવી જાય એવું અદભુત ભક્તિગીત… સમર્થ સાથે સગાઈ માંડીએ એટલે ચિત્તના એક-એક તાણાવાણા એની સાથે જોડી દેવા પડે તો જ એ અનહદનો સ્વામી ભીતરના સિંહાસને આરુઢ થાય. ભવની ભવાઈ ભાંગે ને અંદરની ને અંતરની તંદ્રા તૂટે ને આંસુઓનું સીંચન થાય ત્યારે વાત આગળ વધે… અને આટલું થાય પછી તો આપણે કશું કરવાનું બાકી જ રહેતું નથી. એના કોમળ હાથે એ જ આપણને જેમ કોઈ ભીંત ઓકળતું હોય એમ આપણને એ રીતે શણગારે છે કે આપણને દરેક પળે મબલખ મળતું જણાય અને દરેક પળ સાનંદાશ્ચર્યની ભેટ બની રહે…

Comments (6)

શગને સંકોરો – ગિરીશ ભટ્ટ

છોડ્યો અમે બાળપણાનો દેશ;
વેલ્યું ઉતરાવો, મારા સાહ્યબા !

ઝળહળ ઝળહળ છે રામણ-દીવડો,
ઝળહળ ફળિયા ને પરસાળ;
થનગન નાચંતો મનનો ઓરડો,
ઉંબરેથી હૈયું ભરતું ફાળ !

ઊભી છું હું લજામણી વેલ;
શરમુંને છોડાવો, મારા સાહ્યબા !

પાડે ચાંદરડાં કમખલ આભલાં,
ઝબકીને જાગે ચારે ભીંત્ય;
અચરજમાં ડૂબેલા બે ટોડલા,
ક્યાં જાણે, જગની કેવી રીત્ય ?

સાવ રે અધૂકડા, બેય કમાડ;
હળવેથી સંચરજો, મારા સાહ્યબા !

સાગ-સીસમનો જડિયલ ઢોલિયો,
ઓશિકે ઓરતાના વંન;
ખનકે કડલાં ને ધીંગી કાંબીયું
એથીયે અદકરું ખનકે મંન.

ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !

-ગિરીશ ભટ્ટ

પરણીને સાસરિયે જતી નવોઢાનો ઉલ્લાસ અને સંકોચ – બંને તળપદી બોલીમાં અહીં સાંગોપાંગ વ્યક્ત થયા છે. એક તરફ બાળપણ છૂટી ગયાનો મીઠો ડંખ છે તો બીજી તરફ પગ ઉંબરો ઓળંગે એ પહેલાં ફાળ ભરીને પ્રિયતમ પાસે દોડી જતું હૈયું છે. નવલા જીવનના બેય દ્વાર અધૂકડાં જ છે એટલે પરણ્યાને હળવેથી પધારવાનું લજામણી જેવું લવચીક ઇજન એક તરફ છે તો બીજી તરફ કાંબા-કડલાંના ખણકાર કરતાંય વધુ ખણકતું ઉલ્લાસોત્સાહસભર મન છે.

Comments (10)

(સાત તાળી લીધી ને) -મનોજ્ઞા દેસાઈ

સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.

ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?

આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.

સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.

-મનોજ્ઞા દેસાઈ (૨૫ મે, ૧૯૫૮ : ૧૩ જાન્યુઆરી, ૨૦૦૯)

કાયમ માટે પિયર છોડીને જતી કન્યાની નાજુક મનોદશા કવયિત્રીએ આ ગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે.  યૌવનનાં મબલખ કંકુવરણા શમણાંઓનો સાદ પણ છે પરંતુ છૂટતા બચપણનું ન છૂટતું વળગણ પણ છે.  આગળ તો જવું છે, પરંતુ પાછળનું બધું છૂટી જવાનો રંજ પણ છે.  પરણીને  સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે.  સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું ખૂબ જ મજાનું ગીત… 🙂

Comments (15)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ (ઉત્તરાર્ધ)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ
(જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)

‘લયસ્તરો’ પર પહેલીવાર ગયા અઠવાડિયે નવા પ્રયોગ તરીકે કવિતાનો આસ્વાદ તૈયાર આપવાના બદલે વાચકોને આ કાવ્યનો આસ્વાદ કરાવવા માટે ઇજન અપાયું હતું જેના સુંદર પ્રતિસાદ બદલ સહુ મિત્રોનો આભાર…

રાવજી પટેલનું આ અમર કાવ્ય અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે. આ ગીતને રાવજીએ કોઈ શીર્ષક આપ્યું નથી પણ આપણે સહુ એને ‘આભાસી મૃત્યુના ગીત’ તરીકે ઓળખીએ છીએ. ઉમાશંકર જોશીએ આ રચનાને ‘રાવજીનું હંસગીત’ કહી વધાવ્યું હતું.

સુરેશ દલાલ, હરીન્દ્ર દવે જેવા ખ્યાતનામ કવિઓ અને થોડી મારી સમજણની ભેળસેળ કરીને આ ગીત ફરીથી માણીએ:

સમજાય એવું છે કે કાવ્યનાયક કવિ પોતે જ છે. એ ગૃહસ્થ છે, જુવાન છે અને આંખ સામે અડીખમ મૃત્યુ છે. આવા માણસના શ્વાસ સમેટાવાના હોય ત્યારે પહેલો વિચાર પત્નીનો, એના સૌભાગ્યનો જ આવે. સૌભાગ્ય સામે વૈધવ્ય જીતતું દેખાય ત્યારે સૌભાગ્યના પ્રતીક જેવો- કંકુના સૂરજ જેવો ચાંદલો પોતાની સગી આંખે- આથમતી આંખે દેખાય છે. ‘આથમ્યા…’ પછીનાં ત્રણ ટપકાં એ આંસુના ચિહ્ન હોઈ શકે છે અથવા કંઈક કહેવું છે અને કહેવાતું નથી એની વ્યથાના સંકેત પણ…

લગ્નગીતના લયમાં ફોરતું આ મૃત્યુગીત લગ્નની તૈયારીની જેમ જ પોતાના મૃત્યુના સામૈયાની તૈયારી કરે છે. વીરાને વે’લ શણગારવાનું અને રામણદીવડાની શગ (જ્યોત) સંકોરવાનું આહ્વાન આપી કવિ વેદનાને વલૂરે છે. લોકગીત કે લગ્નગીતમાં સામાન્યરીતે પંક્તિના અંતે આવતો ‘રે’ અહીં પદારંભે વપરાયો છે. દુઃખની વાત હોય ત્યારે આપણે ‘રે..રે… આ શું થઈ ગયું?’ કહીએ, શું એ અહીં કવિને અભિપ્રેત હશે? સૂરજ આથમે ત્યારે અંધારું થાય પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા? तमसो मा ज्योतिर्गमय ?

પીળો રંગ રોગનો રંગ છે. પાનખરનો રંગ છે. લીલો રંગ તાજગીનો, વસંતનો, યૌવનનો રંગ છે. ઘોડો પ્રતીક છે શક્તિનો, તાકાતનો, સવીર્યતાનો. બેલગામ યૌવનના ઘોડા એક પીળા પાંદડામાં જ્યારે ડૂબી જાય છે ત્યારે માત્ર કવિ કે કાવ્યનાયક જ નહીં એની સાથે યૌવનના અગણિત સપનાંઓ, અલકાતાં-મલકાતાં રાજ-કાજ બધું જ ડૂબે છે. આનંદમાં હોઈએ ત્યારે આપણે ક્યારેક શબ્દોને બેવડાવીને બોલીએ છીએ.. અલક-મલકની વાતો… કવિ અહીં દુઃખના પ્રસંગે અલકાતાં સાથે મલકાતાં અને રાજ સાથે કાજનો માત્ર પ્રાસ નથી બેસાડતા, દુઃખની દ્વિરુક્તિ પણ કરે છે… હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે.  સુવાસ નિરાકાર છે. હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી… કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે સંભળાતા રહેશે !

દીકરીને વિદાય કરતી વખતે મા-બાપ કહે છે, ‘તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે…’ યુવાન પતિને મરતાં અટકાવવા કોણ સહુથી વધુ ઝંખે? પત્ની જ સ્તો ! સત્યવાનની સાવિત્રી જ ને ! અને પત્ની કેવી રીતે રોકવા મથે છે ? ડૂમો ભરેલા ગળેથી અડધોપડધો બોલ માંડ નીકળે છે.. ડગલું ભરવા ઊંચકેલ પગ આગળ વધે એ પહેલાં આઘાતથી અટકી જાય છે એટલે ઝાંઝર પણ અડધું જ બોલે છે.  ઘા જોરથી થાય તો એની વેદના ક્ષણજીવી રહે પણ હળવા ઘા ચિરંજીવી બની રહે છે. નાયક મૃત્યુનો સાક્ષાત્કાર કરવા તો જઈ રહ્યો છે પણ આવી સજીવ હળવાશ એને હજી પણ અટકાવી રહી છે… સ-જીવી હળવાશમાં કદાચ, બે જીવ-સોતી પત્નીના ભાવિમાં ઝળુંબતા વૈધવ્યની વેદનાનોય સંકેત હોય. રાવજીના મૃત્યુ સમયે, એમની પત્ની એવી અવસ્થામાં હતીય ખરી.

વ્યથાને હદમાં રહીને તો સૌ કોઈ શબ્દમાં કંડારે છે; ક્યારેક અનહદ વ્યથાનું પૂર શબ્દોના અર્થના સીમાડાને તોડીને ફેલાઈ જતું હોય છે. પાંપણ ભીની કર્યા વિના ક્યારેય વાંચી ન શકાય એવા આ કાવ્યમાં એવું બન્યું છે!

Comments (18)

લ્યો, કાગળ આપું કોરો ! – ભગીરથ બ્રહ્મભટ્ટ

લ્યો, કાગળ આપું કોરો
સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !

નજર નામની સેંથી પૂરો
મૌન મઢેલા હીરા
પાંપણ ઉપર કાનો દોરો
આંસુઓમાં મીરાં!
ઝંખનજળની પાળે રહીને ઝબક જીવતર બોળો

સૂરજ ભાલે સંતાયેલો
ને પગલિયુંમાં ભોર
આછાઆછા અજવાળામાં
ઝરમર ઝાકળ દોર!
કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો!

લ્યો કાગળ આપું કોરો.

– ભગીરથ બ્રહ્મભટ્ટ

તદ્દન નવા કલ્પનોથી સજાવેલું, એક કોરા કાગળ પર નવી ને નમણી સૃષ્ટિ સર્જવા ઉશ્કેરતું ગીત.

Comments (15)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

દર વખતે કવિતા સાથે અમે ટૂંકનોંધ આપીએ એના બદલે આ વખતે થોડો અલગ ચીલો ચાતરીએ. આ કવિતાનો આસ્વાદ આ વખતે દરેક વાચક મિત્ર પોતપોતાની રીતે કરાવે તો કેવું ?

કવિતામાં દૃશ્ય શબ્દ કરતાંય ક્યારેક અદૃશ્ય શબ્દનો મહિમા વધુ હોય છે અને એટલે જ એક જ કવિતા અલગ અલગ ભાવકને અલગ અલગ અનુભૂતિ કરાવી શકે કે એક જ ભાવકને અલગ અલગ સમયે પણ અલગ અલગ અનુભૂતિ કરાવી શકે એમ બને. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે…

તમે સહુ આ કવિતાને કેવી રીતે અનુભવો છે એ આજે તમારી જ કલમે સાંભળીએ…  પ્રતિભાવ આપવા તૈયાર છો ને?

Comments (39)

અંતિમ યાત્રા – યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)

લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !

લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ

સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !

આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…

મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…

Comments (16)

ચાલ, લઈ લઈએ થોડા અબોલા – તુષાર શુક્લ

ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –

આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –

બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને 
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ

સહજ જ ગમી જાય એવું મધુરું ગીત… જો કે આ ગીત માટે તો ઓછું જ બોલવું સારું !

Comments (19)

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

અદભુત અને અનુપમ કહી શકાય એ કક્ષાનું મીરાંબાઈનું આ ભક્તિપદ સ્ત્રીઓ જેના માટે જિંદગીભર મરી ફીટે છે એ જ ઘરેણાંઓના નામનો સહારો લઈ સાચાં ઘરેણાંની વ્યાખ્યા કરે છે. પદની શરૂઆતમાં જ પોતાની જાતને અબળા કહીને સંબોધી મીરાં પોતાની દુન્યવી ગરીબી છતી કરે છે પણ પછી પોતાની પાસેનાં એક પછી એક અલભ્ય ઘરેણાં બતાવીને પોતે કેટલી અમીર છે એવો વિરોધાભાસ સાધી કવિતા સિદ્ધ કરે છે.

Comments (7)

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

– નરસિંહ મહેતા

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે.  નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.  નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

Comments (10)

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી…

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી-રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી-તાજી,
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી…

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી…
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી…
અનુભવી-શું માણે કાળ-તણી સૌ લીલી-સૂકી…

– કિરીટ ગોસ્વામી

એક નાનું અમથું છમ્મલીલું ગીત… એમ જ માણીએ…

Comments (14)

રાતને આરે – ઈન્દુલાલ ગાંધી

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે
આવી આવીને આળોટતા હેઠા –
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.

એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણી કોર મહા નદી હાંફતી –
ડાબી કોરે હતું તુલસીનું વન;
ઘેઘૂર વડલાની વડવાઈએ
હીંચકતા કદીએ ન ધરાતાં;
પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ:
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ,
ખાતાં ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઈ રાતાં
પંખીઓએ કર્યા હોય જે એઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ટોળે ટોળાં ભમતાં હરણાંનાં,
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીતલલિત નદી-ઝરણાંનાં;
હસી હસી વનનેય હસાવતાં
એવાં આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
આજે અમે બધું ભૂલવા બેઠાં.

– ઈન્દુલાલ ગાંધી

લોકો જૂની વાતો યાદ કરવા બેસે છે, જ્યારે અહીં તો કવિ બધું ભૂલવા બેઠાં છે ! બચપણની (હવે અલભ્ય એવી) યાદોને તાદ્રશ કરી દેતું વર્ણન કવિની વેદનાને એટલી વધુ તીવ્ર બનાવે છે.

Comments (5)

ચાલને ગોરી ! – અલ્પેશ કળસરિયા

ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે !

આભની ભૂમિ આભમાં ઘૂમી આભમાં ઝૂમી આભને ચૂમી આભને, ગોરી ! એટલું કે’જે ચાંદ છું હું ને હું જ ચકોરી !
થાય ઝળાહળ આભનું આંચળ, આભનાં વાદળ એમ પળેપળ પછી આભને વીંધશે તારી વીજળી જેવી પાંખની દોરી;
આભના ઘોડા હણહણે છે, નામ તારું લઈ રણઝણે છે, આભને, ગોરી ! નાથને હવે, નાથવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

કાળને માપી, કાળમાં વ્યાપી, કાળને કાપી, કાળમાં સ્થાપી; કાળને, ગોરી ! એટલું કે’જે હું જ રથ છું ને હું જ છું રથી !
કાળને ચહે, કાળમાં  રહે, કાળમાં વહે, કાળને ગહે; કાળને છતાં લાગતું કે તું કાળમાં છે પણ કાળમાં નથી !
જોબન તારું કાળને નાથે, કાળને તારી પાંખો સાથે બાંધને હવે, બાંધને, ગોરી ! બાંધવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

– અલ્પેશ કળસરિયા

ગણગણ્યા વિના વાંચી ન શકાય અને ગણગણવા બેસો તો પ્રેમમાં પડી જવાય એવું લાંબીલચ્ચ બહેરનું મજાનું ગીત. આખા ગીતને કવિએ લયની દોરીથી એવી રીતે બાંધી દીધું છે કે વાંચતી વખતે સતત  ભીતર કોઈ તાર રણઝણતો હોવાની અનુભૂતિ થતી રહે છે. પહેલા અંતરામાં આભ અને બીજા અંતરામાં કાળ શબ્દના એકધારા લયાન્વિત પુનરોચ્ચારના કારણે ગીતમાં જાણે કે રેવાલ ચાલ સમી અકળ રવાની ભળે છે.

તાજી જ પાંખ ફૂટેલી ગોરીની વાત છે અને ઊડવાનું ખુલ્લું આહ્વાન છે. ગીતના મુખડામાં કવિ આભ અને કાળને વારાફરતી સાંકળી લઈને ઊડવાનો સંદર્ભ ખુલ્લો કરે છે. ઉડ્ડયન ક્યાં હોય ? ક્યાં તો આભમાં ક્યાં તો કાળમાં.. ખરું ને ? આજ બે સંદર્ભો – આભ અને કાળ- લઈને પછીના બે અંતરામાં કવિ ગીતનો ચૈતસિક વિસ્તાર સાધે છે અને આપણને આભને નાથી અસીમ અવકાશ સુધી અને કાળને નાથી કાલાતીત થવા સુધીની આહલાદક અનુભૂતિનો સંસ્પર્શ થાય છે…

Comments (16)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

Comments (26)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદ અને શંકરાભરણની ચાલમાં ચાલતું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

Comments (29)

તારા અક્ષરના સમ – મૂકેશ જોશી

જો મારી આંખોનો આટલો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
                                                                     – તારા અક્ષરના સમ

તું મારી વાદળી  શાહીમાંથી  વાદળાં કેવાં   ઉડાડતો   હું   જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી

        કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
                                                                     – તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
                                                                       – તારા અક્ષરના સમ

– મૂકેશ જોશી

સુંવાળા મઘમઘતા ગીતોનો રમેશ પારેખનો વારસો મૂકેશ જોશીએ જાળવ્યો છે – ન માનતા હો તો આ ગીત વાંચીને ચોક્કસ માનતા થઈ જશો !

Comments (15)

– થી છેતરાયેલના ઉદગાર – રમેશ પારેખ

મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા

છાંટોપાણી કરનારા કાઢે ગલાસ ને શીશો
સામા જણને કહે : ચલો, થોડીક વ્હીસ્કી પીશો ?

થતી એકલા જણની ઉપર રોવાની બળજબરી

મોર એટલો ખોટાડો કે બોલે ઉજ્જડતામાં
ટહુકા એના ભરે ઉઝરડા સાતેસાત ત્વચામાં

વાદળ જોઈ આંખે આવે ઝળઝળિયાંનાં ટાણાં
સૂના મારગ ભોંકાઈ છાતીમાં પાડે કાણાં

હરેક સુક્કો જીવ થૈ જાતો ટળવળ ઝૂરતી શબરી

– રમેશ પારેખ

સત્તરમી મેના રોજ ર.પા.ના દેહાવસાનને ત્રણ વર્ષ થયા એ નિમિત્તે એમની અત્યાર સુધીની અગ્રંથસ્થ રચનાઓનો એક સંગ્રહ ‘કાળ સાચવે પગલાં’ અને એમના પોતાના સ્વરમાંએમની પોતાની કવિતાઓની ઑડિયો MP3 – ‘અપાર રમેશ પારેખ’ – હમણાં જ પ્રગટ થયા. આ સંગ્રહમાંથી પસાર થતાં એક આશ્ચર્ય થયું. આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે જ !

મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભર માનીએ… વરસાદ પડે કે ન પડે, ર.પા.ના શબ્દોથી ભીના થઈએ…

Comments (11)

બીજું હું કાંઈ ન માગું – બાદરાયણ

આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
                        પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
                        એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું

– ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ’

અંતરના આર્તસ્વરે કવિ નક્કામા પડી રહેલા તૂંબડા માટે ઈશ્વરના અંતરનો વધુ નહીં, માત્ર એક તાર માંગે છે કેમકે કવિ જાણે છે કે એક તાર જ તૂંબડાને એકતારો બનાવી શકે છે અને એના રણઝણાટથી સૌના આકર્ષણનું પાત્ર થઈ શકાય છે કે આત્મચેતનાવિકાસની પાત્રતા મેળવી શકાય છે…જેવું તૂંબડાનું એવું જ મનખાવતારનુ !!  

Comments (7)

ગીત – ગૌરાંગ દિવેટિયા

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા,
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઈ નથી આવતા.
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

-ગૌરાંગ દિવેટિયા

ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે. ‘હિંમત’ શબ્દ એટલા માટે વાપરું છું કે આ કામ સહેલું નથી. કવિ પણ પૂછી શકો તો જરી પૂછો કહી આપણી હિંમતને પડકાર આપે છે. કેમ? કારણ કે ઘાનું કારણ ક્યારેક ઘા સહેવા કરતાં વધુ અસહ્ય હોય છે… ઝરતા લોહીને લૂછવામાં ક્યારેક ઘા ખુલી પણ જાય અને લોહી દડદડ વહી નીકળે એમ પણ બને… સૂરજ વિના વળી તડકો કેવો ? પણ આ કવિતા છે. સૂરજ યાને કે મૂળ નીકળી ગયું હોય એવા ફળસ્વરૂપ નિઃસત્ત્વ તડકાનું ફૂલ કેમ કરી સૂંઘાય ? કેવું દોહ્યલું કામ ! જે ખાલી આંખોમાં દૃષ્ટિ જ નથી રહી ત્યાં કોના આવવાની શક્યતા હોય કે હવે એ ફરકે ? પણ કવિ આપણી વેદનાને પડકારે છે, કહો કે ભાગીદાર બને છે, ફરકી શકાય તો ફરકો કહીને !

Comments (10)

હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

ઘેરાયેલા વાદળ ખાસી જાય અને પૂણ્ય-પથ સહજ થઈ જાય એ અવસ્થાનું કોમળ ગાન. ગીતની સાદગી  અને બુલંદ ઉપાડ નિરંજન ભગતના ‘છંદોલય’નાં ગીતોની યાદ અપાવે છે.  ગીતમાં ક્યાંય ગોપી કે કૃષ્ણની વાત આવતી નથી છતાં ગીતની શબ્દપસંદગી (વૃંદાવન, કુંજગલી, તુલસી, યમુના) ગીતને અજાણતા જ ગોપીભાવથી ભરી દે છે.

(કારા=કેદખાનું)

Comments (8)

યાચના – ઝવેરચંદ મેઘાણી

મોરલા હો ! મુને થોડી ઘડી
                  તારો આપ અષાઢીલો કંઠ:
        ખોવાયેલી વાદળીને હું
        છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
                         એક માગું લીલું બુન્દ:
          સાંભરતાંને આંકવા કાજે
          પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
                             ખેંચવા દે એક તાર:
           બેસાડીને સૂર બાકીના
          પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
                          આપજે એક કલ્લોલ:
          હૈયું એક નીંદવિહોણું-
         ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
                         મારે નથી કાંઈ કામ:
           ગાઢ અંધકાર પછેડા
          ઓઢાડી દે ઊંઘની વેળા.

– ઝવેરચંદ મેઘાણી

(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)

‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે… 

Comments (6)

લાઈન લગાવો ! – મુકુલ ચો કસી, મેહુલ સુરતી

આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે.  આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું?  પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે?  બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…!  પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!  તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો…  તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની  તાકાતથી  રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને  છલકાવી  દઈ  મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક  બટન  દાબીને  આખે  આખો  દેશ  બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

Comments (12)

ક્યમ કરી – પ્રદ્યુમ્ન તન્ના

ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?!
આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો,
બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0

હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં,
ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં !
ઝાલું ઝાલું ને ઊડી જાય
બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0

પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી,
પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી !
ખાળું ખાળું ને ઓછાં થાય
બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0

દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો,
વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો !
વાળું વાળું ને દોડી જાય
બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0

-પ્રદ્યુમ્ન તન્ના

કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…    

Comments (7)

અત્તરિયા રાજા ! – લાલજી કાનપરિયા

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા !
પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !
ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !
હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !
ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.

Comments (8)

એ દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.

Comments (9)

ફાગુનું ફટાણું – રમેશ પારેખ

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું ય વારવાર લાગે

છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગૈ ફાટી

છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી
ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

– રમેશ પારેખ

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્યરસિક મિત્રોને ધૂળેટીની રંરી શુભેચ્છાઓ…

ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

Comments (10)

તમે કહો તો હા – સુરેશ દલાલ

તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી    જપમાળા

તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

– સુરેશ દલાલ

સહજ-પ્રેમની સહજ અભિવ્યક્તિ.

Comments (11)

(તારું નામ) – મિતુલ આશર

એક સોનેરી કાગળનો કટકો લીધો
               અને લખ્યું તારું નામ મેં નવાબ;
તકિયાની નીચે મેં સંતાડી રાખ્યું :
               ને જાગીને જોઉં તો ગુલાબ.

અરસપરસ પાંદડી પૂછે સવાલ
               પણ હોઠ નહીં ખોલે જવાબ;
કોનું એ નામ છે ને કોણે લખ્યું :
               એના મૌનમાં તો મ્હેકે રુઆબ.
તારા તે નામથી ભરચક ભરી છે
               આમ જુઓ તો કોરી કિતાબ.

એકએક પાંદડીને છુટ્ટી કરી
               અને તરતું મૂક્યું મેં તળાવ
તારા તે નામનાં ખીલ્યાં કમળ
               મને તારો તે કેવો લગાવ
ચાંદનીના જામમાં ઘૂંટે ઘૂંટે
               હું તો પીઉં તારા નામનો શરાબ

– મિતુલ આશર

જૂની રંગભૂમિના ગીતો જેવી અસર ઉપજાવતું આ ગીત ઘણા વખતથી મનના ખૂણામાં પડી રહેલું તે આજે અચાનક મળી ગયું. પહેલી ચાર પંક્તિઓમાં કવિએ શૃંગારરસની એક નાજુક અદાને આબાદ ઝડપી લીધી છે. એક જમાનામાં આ પંક્તિઓ એવી હોઠે ચડી ગયેલી કે પંદર દિવસ સુધી એ જ ચાલ્યા કરી… પછી ‘ગુલાબ’ને થોડા વખત માટે ફરજીયાત આરામ આપવો પડેલો !

Comments (8)

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

-અનિલ જોશી

સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે.  પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…

Comments (13)

બા – મૂકેશ જોશી

બા એકલાં જીવે                
                             બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે  
                                  બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
                                                    બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
                                                  બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
                                              બા સાવ એકલાં જીવે

– મૂકેશ જોશી

ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરતું ગીત.

Comments (21)

કેમ છો ? – ચિનુ મોદી

                                               કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ  જેમ ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !

Comments (8)

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.

-ઉમાશંકર જોશી

આજે વસંતપંચમીના દિવસે ઋતુરાજ વસંત વિશેનું મારું સૌથી વધારે મનગમતું અને મેં સૌથી વધારે સાંભળેલું આ ગીત… ગણગણીને કે ગાઈને આ ગીત ન વાંચો તો એનું સૌંદર્ય નજર બહાર રહી જવાની પૂરી શક્યતા છે…

આજે વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે. આજ દિવસે શબરીના એંઠા બોર શ્રી રામચંદ્રે પણ ખાધા હતા. આજ દિવસે ચાંદકવિની કવિતાના દોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહમ્મદ ઘોરીનો વધ કર્યો હતો… વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.

ભૃંગ=ભમરો, મકરંદ= પુષ્પરસ/પરાગ/સુવાસ,

Comments (15)

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

-ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને લયસ્તરો તરફથી આ યુગમાનવને શત શત કોટિ વંદન…

પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહ્વાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ, જરથુષ્ટ્ર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓ અને સરદાર જેવા શૂરાઓની સિંહડણક અને ગાંધીના સત્ય-અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે.

ગુજરાતના જન્મસમય સમીપે લખાયેલા આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા ‘વિવેકબૃહસ્પતિ’ બિરુદની વાત કરે છે. આ વિશેનો સંદર્ભ શોધવામાં હું નિષ્ફળ રહ્યો છું. કોઈ સુજ્ઞ વાચકમિત્ર એના વિશે જાણકારી આપશે તો અહીં સાભાર નોંધ લઈશું…

Comments (10)