પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કૂંપળ મળે) – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

જેમ ચોખ્ખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.

આ હવાને તેં કર્યું ચુંબન હશે,
આંગણામાં એટલે ઝાકળ મળે.

રાતરાણી થઈ અને પથરાઈ જો-
જીવતાં અંધારને પણ બળ મળે !

એમણે ધાર્યો મને સૂરજ સમો –
રોજ એથી આવવા જળ મળે !

હાથમાં લીધા અઢી અક્ષર અમે
ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.

–  રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

આજે આ તરત ગમી જાય એવી ગઝલ માણો. અઢી અક્ષરની વાતને કદી કોઈને સમજાવવી પડતી નથી !

Comments (13)

ત્સુનામીનું ગીત – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

એક કાચબાએ ધોળ્યું છે વખ
એવું કાગળમાં વાદળને લખ !

માછલીએ પાડી’તી ના તોય દરિયાએ
દખ્ખણમાં દાટ કેમ વાળ્યો?
આપણે તો હોય એક મોજાંના વલખાં
ત્યાં મોજાંનો હિમાલય ભાળ્યો !
જોયું ક્યાંય દરિયાનું દઃખ ?
એવું કાગળમાં વાદળને લખ.

સૂરજ તપે તો એને માફી અપાય
પણ ચાંદાને કેમ કરી આપવી ?
દરિયાના લોહિયાળ તાંડવની વાતને
સૃષ્ટિનાં કયે પાને છાપવી ?!
હવે કાંઠાના વધતા’ગ્યા નખ !!
એવું કાગળમાં વાદળને લખ !

તળાજા, ભાવનગરના રાજીવ ભટ્ટની આ કવિતાએ આંખો આગળ સુનામીના કહરને તાજો કરી દીધો. સૂરજનો તો સ્વભાવ છે કે તપે જ અને બાળે જ. એટલે એને તો કદાચ માફી પણ આપી દેવાય પણ ચાંદો બાળે તો? નદીનું રમણે ચડવું તો સૌ જાણે જ છે, પણ દરિયો તો મ્હેરામણો છે. એ તો નદીઓના પાણીથી માંડીને મનુષ્યોના તાપ, બધું જિરવીને પેટમાંના વડવાનલની ય બહાર જાણ થવા દેતો નથી. દરિયા જેવો દરિયો ઊઠીને સંહારે ચડે અને તેય કાંઠા પર, તો માફી કેમ કરી દેવી? આ વાત કોને જઈ કહેવી?

Comments (6)