ગીત- સુરેશ દલાલ
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે.
અરધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે.
-સુરેશ દલાલ
સુરેશ દલાલે લખેલા શ્રેષ્ઠ ગીતોમાં અગ્રિમ ક્રમે મૂકી શકાય એવા મીરાં જેવા જ સરળ અને સહજ આ ગીતને બસ, મમળાવી મમળાવીને વાંચીએ… માણીએ…
ધવલ said,
August 5, 2007 @ 3:35 PM
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે.
સરસ ! ખરી વાત.