આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર

પરોઢે, પ્હેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો,
ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો.

શિયાળામાં, પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
અહીં, તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો.

જુઓ, ત્યાં પગલીઓ મૂકી પવન પર, ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં મને ચુપચાપ મરવા દો.

પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ટ પલળ્યા છે,
આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો.

આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.

– ઉદયન ઠક્કર

આ ગઝલ વાંચીને ‘આનંદ’ ફીલ્મ માટે ગુલઝારે લખેલી કવિતા ‘મોત તુ એક કવિતા હૈ’ યાદ આવે છે. એમાં પણ આવા જ એક સહજ-મૃત્યુની વાત હતી.

આપણે એક હદ સુધી મૃત્યુને ટાળી શકીએ, એ હદ પછી તો મોતને વધાવી જ લેવું રહ્યું. એમા વળી કવિને તો કલરવ અને ઝાકળથી શોભિત સવારમાં કુદરતના ખોળે મળે એવું જ મોત ખપે છે. ‘વગડાઉ વૈભવમાં’ જીવવાનું જ નસીબ બહુ ઓછા લોકોને મળે છે, અને ‘વગડાઉ વૈભવ’માં મરવાનું તો એનાથીય ઓછા લોકોને !

મોતને ખુલ્લમખુલ્લા વધાવવાની વાત કરતી કવિતાઓ ઓછી જ મળશે. એમાંય આ ગઝલ તો કવિએ એવાં નમણાં કલ્પનોથી સજાવી છે, જે મૃત્યુના સંદર્ભમાં કદી જોવા જ ન મળે.

4 Comments »

  1. radhika said,

    April 5, 2006 @ 8:35 AM

    ભજવવાનુ છે એક દિ નાટક આ પણ
    ચલો કરી લઈએ રીહર્સલ મોતનુ પણ એક વાર

    મારી અત્યંત પ્રીય કાવ્યરચના માંની એક….

    પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ટ પલળ્યા છે,
    આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો.

    વાહ!! કવીરાજ

    મ્રૂત્યુની શુષ્કતાને તમે તો ઝાકળમાં તરબોળ કરી દીધી !!!

    કાવ્યમાં મરણને કવીએ એટલી સુંદરતાથી આલેખ્યુ છે કે મન એક વાર મરવા લલચાઈ જાય ?????

  2. Siddharth said,

    April 5, 2006 @ 12:21 PM

    આ કવિતા સરસ છે. પરંતુ એના બે અર્થ થઈ શકે. એક અત્રે જે તારવેલ છે જે પ્રમાણે મૃત્યુને ગભરાટ વગર જુદા જુદા સુંદર વાતાવરણમાં વધાવેલ છે.

    જ્યારે બીજો અર્થ એવો પણ નીકળે કે આ દરેક આનંદની પળો મને શાંતિથી માણવા દો, મને હેરાન કરશો નહિ, મને ડિર્સ્ટબ કરશો નહિ. જગકર્તાએ રચેલી સુંદર સૃષ્ટિની અદભૂત પળો મને શાંતિથી માણવા દો.

    સિદ્ધાર્થ શાહ

  3. Suresh said,

    June 4, 2006 @ 10:08 AM

    સિદ્ધાર્થભાઇની વાત મને ગમી ગઇ. જીવનની પ્રત્યેક પળને માણીએ અને મૃત્યુને પણ આવી એક પળ માણીએ અને તેને પણ માનવાની સભાનતા કેળવી તે જ શું મોક્ષ નહીં હોય?
    મૃત્યુ પરની બીજી આ જ બ્લોગ પરની કવિતા- ‘ અમર હમણાં જ સૂતો છે ‘ પણ બહુ જ સરસ છે.

  4. Neela Kadakia said,

    March 21, 2007 @ 12:52 AM

    પરોઢે, પ્હેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો,
    ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો.

    શિયાળામાં, પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
    અહીં, તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો.

    ખૂબ સુંદર અને શાંતિપૂર્વક તરણાનો અવાજ ન આવે તેવી રીતે મરવાની વાત કહી છે.
    આજે કોઈ મને બોલાવશો મા
    પરમ શાંતીથી પરમ ધામે પહોંચવા દો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment