‘આપણું’ ગીત -માધવ રામાનુજ
આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે ! એવું ઊગતા દીનું વ્હાલ !
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
ને પૂછે – કઈ પા રહેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ !
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે
ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ !
-માધવ રામાનુજ
pragnajuvyas said,
November 13, 2007 @ 3:01 PM
માધવ રામાનુજ -કલા સાહિત્ય,કવિ,નવલકથાકાર, નાટ્યકાર,પત્રકાર,ફિલ્મ, વિવેચક- અનેક ક્ષેત્રે જાણીતાને કવિમુશાયરાઓનું સંચાલન કરતા માણવા એ એક લ્હાવો છે.તેમની આ પંક્તીઓ તો એમની યાદગીરી છે જે અમારી રોજબરોજની વાતોમાં પણ વાપરીએ છીએ.
“અંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું. “
“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”
“એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !“
“રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો. “
અને હવે “આપણે તો ભૈ રમતારામ !
‘વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.“માં
કેટલી સહજતા-સરળતા
‘આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
ને પૂછે – કઈ પા રહેવાં રામ?’
અને જાણે ભર્તૃહરીનો વૈરાગ્ય શતક વાંચતા હોય-
शैया भूमितलं दिशोपी वसनम् જેવી આ પંક્તીઓ
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
અવાર નવાર આવાં કાવ્યો પીરસવા બદલ આભાર…
ભાવના શુક્લ said,
November 13, 2007 @ 6:28 PM
બહુ સરસ…..
આમ પણ માધવ રામાનુજ ના “ગીતો” હળવાશથી ભરેલા હોય છે. આ રમતારામ તેનુ એક ઉદાહરણ છે.