વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

બંદો અને રાણી – બાલમુકુંદ દવે

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઈ જી જોઈ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઈ જી ખોઈ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઈ જી રોઈ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઈ જી લોઈ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઈ જી પ્રોઈ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઈ જી દોઈ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઈ જી જોઈ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઈ જી સોઈ જી.
……. સોઈ જી સોઈ જી.

-બાલમુકુન્દ દવે

પ્રેમના રાજ્યના રાજા અને રાણીનો વારાફરતી એક-એક કડીમાં થતો વાર્તાલાપ આ ગીતને વાંચતાવેંત જ કૈં એવો ઓપ આપે છે કે ફરીથી પ્રેમમાં પડવાની ઈચ્છા થઈ આવે. બંદા અને રાણીના સંબોધનો સાથે પુનરાવર્તિત થતા ધ્રુવખંડ- જોઈ, રોઈ, લોઈ, દોઈ વિ. અને પાછળ ‘જી’કારનો થડકો પ્રેમની અનુભૂતિના આવર્તનોને પ્રલંબ બનાવતા હોય એમ આપણી સંવેદનાને પ્ર-દીર્ઘ સ્પર્શ કરે છે. પ્રેમ આંધળો હોય છે… પહેલા મિલનમાં જ ભરબપ્પોરના સીમના એકાંતમાં અક્કલપડીકી ખોઈ પ્રીતની ચિનગારી ભડભડવા માંડે છે. અને શું ચુંબનની પરિભાષા – હોઠની ધ્રુજારી તારી પીધી! મૌનનો વાર્તાલાપ અને જજરુંની ગુફ્તગુ… નામ પાડ્યા વિના અપાતા વચનો અને એક થતા હૈયાના તાર… આંબાતળે જાણે કે સ્વર્ગ રચાઈ ગયું !

4 Comments »

  1. ધવલ said,

    March 4, 2007 @ 10:22 PM

    એકલ બપોરે તને જોઇ મારી રાણી !
    અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

    – ‘અક્કલપડીકી’ શબ્દ મજાનો છે !

    સુંદર રચના !

  2. jina said,

    March 5, 2007 @ 3:51 AM

    “હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !”
    રૂંવે રૂંવે રોમાંચ પ્રસરાવતા શબ્દો….!!!!

  3. અધીર અમદાવાદી said,

    March 2, 2013 @ 10:20 AM

    આનું ઓડિયો ક્યાં મળશે ? એક લાઈવ પ્રોગ્રામમાં સાંભળ્યું હતું … પણ કયા આલ્બમમાં છે એ ખબર નથી…

  4. Jayshree said,

    April 11, 2015 @ 7:34 PM

    અમર ભટ્ટે કરેલું આ ગીતનું સ્વરાંકન પણ એટલું જ મઝાનું છે. ટહુકો પર જરૂરથી મૂકીશ… થોડા દિવસમાં, આ જ આસ્વાદ સાથે 🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment