દીવા ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 6, 2008 at 3:58 PM by ધવલ · Filed under અછાંદસ, દીવા ભટ્ટ
ગયા તે ગયા
ઘોડાના ડાબલા પાછા ન ફર્યા.
અહીંથી જે ધૂળ ઊડી હતી
તે પણ આઘી જઈને બેઠી.
હવે સૂરજ લંગડાતો ચાલે છે.
હું રમી તો શકું
પણ સૂરજ સાથે લંગડી રમતા હારી જાઉં તો ?
અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
જોતરી દે તો ?
તો પછી
ઘોડાના ડાબલાના પાછા ફરવાની વાટ
અહીં કોણ જોશે ?
– દિવા ભટ્ટ
વિતેલા પ્રસંગોની પાછળ ઊડેલી ધૂળ તો સમય જતા શમી જાય છે પણ એની ભૂતાવળ શમાવવી અઘરી છે. કોઈક પ્રસંગો પછી વાટ જોવા સિવાય બીજું કશું કરવાનું ન ગમે એવું આપણે બધાએ અનુભવેલું છે. સૂરજના ઘોડા થવા – એટલે કે ફરી રોજીંદી જીંદગીમાં જોતરાવા – કરતા કવિ ખાલી રાહ જોવાનું વધારે પસંદ કરે છે.
Permalink
September 11, 2007 at 12:52 PM by ધવલ · Filed under ગીત, દીવા ભટ્ટ
કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ…
સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ…
મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ…
સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ…
સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…
– દીવા ભટ્ટ
કવિએ ‘દેખાય લીલુંછમ લીલુંછમ‘ નો એવો જાદૂભર્યો પ્રયોગ આ ગીતમાં કર્યો છે કે બધી પંક્તિઓને સોનાવરણી કરી નાખી છે. ‘દેખાય લીલુંછમ’ કાઢી નાખો તો બધા કલ્પનો પહેલા સાંભળેલા જ લાગે પણ આખી રચના વાંચો તો તરબતર થયા વિના રહેવાય નહીં એટલો સરસ પ્રયોગ થયો છે. કવિ ઉપાડ જ અદભૂત કરે છે… કહે છે કે મારા મનની નજર ઉતારો કારણ કે મને બધું લીલુંછમ દેખાય છે ! આ Self deception થી શરુ કરીને, self destruction ના અંશ (પાણી દેખાય લીલુંછમ) બતાવીને, છેવટે self realization (પાનું દેખાય લીલુંછમ) સુધીની સફર કવિ તદ્દન સહજ રીતે કરાવે દે છે. છેલ્લે વાંચનારના દિલને લીલુંછમ થવા સિવાય કોઈ છૂટકો જ રહેતો નથી !
Permalink