શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2008

સુખ – અમૃત ‘ઘાયલ’

કોઈની   છોડી  હવે  ના  છૂટશે
આ  કસુંબો  પી  કસેલી  ભેઠ  છે
સુખ ગણી જેને પ્રસંશે છે જગત
એ  અમે  છાંડી  દીધેલી એંઠ છે

– અમૃત ‘ધાયલ’

( ભેઠ=કમર પર બાંધવાનું કપડું, એંઠ=એઠું)

Comments (5)

ચાલતા ચાલતા – રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન

એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.

એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!

– રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
(અનુ.- ધવલ શાહ)

જે ટીપાય તે જ ઘડાય. ને દુ:ખથી વધારે માણસને કોણ ટીપે ?

(મૂળ અંગ્રેજી કવિતા)

Comments (7)

તો, પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને   યે મૉજ  જરી આવે  તે  થયું મને !  STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? …   હૉસ્ટેલ તો ફાવે છે….   જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?… સ્કૂટરને ?… ભારે   ઉતાવળા… શમ્મુ  તો   કેતો’તો   ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી   તો   વાતુંનાં  ગાડાં   ભરાય : કહું  હાઈકુમાં … એટલે   કે   ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

– મનોહર ત્રિવેદી

ગીતો એટલે જાણે તળપદી ભાષા જ મીઠા લાગે એ વાત ખોટી છે. ગીત હોય મઝાનું તો ‘આજની ગુજરાતી’માં પણ એટલું જ મીઠુ લાગે. પોતે પપ્પાની પણ મમ્મી હોય એવી સ્ટાઈલથી વાત કરતી, દૂરથી ય ચિંતા કરે રાખતી, ફોન મૂકું મૂકું કહીને STDના મીટર ફેરવે રાખતી દિકરીની વાતો સ્વયંભૂ જ એક ગીત બની જાય છે.

Comments (19)

ગઝલ – પ્રણવ પંડ્યા

ગઝલની વેલથી ચૂટ્યાં છે પ્રાસનાં ફૂલો,
કહો, સ્વીકારશો દેવી આ દાસનાં ફૂલો ?

કશુંક કોળવામાં સૂર્ય ક્યાં જરૂરી છે ?
ફૂટ્યાં છે કોડિયાને કૈં ઉજાસનાં ફૂલો.

સ્મરણના ભેજથી લીલો રહું છું, પૂરતું છે,
તમે નિહાળ્યાં છે વગડામાં ઘાસનાં ફૂલો ?

તમારી હાજરીમાં હું ખીલી ખીલી જાતો,
વસંતમાં જ ખીલે છે પલાશનાં ફૂલો.

તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને,
થયાં હતાશ બધાં આસપાસનાં ફૂલો.

આ મૃત્યુ એક એવી મૂર્તિ છે કે જેના પર,
આ આખી જિંદગી ધરવાનાં શ્વાસનાં ફૂલો.

-પ્રણવ પંડ્યા

અમરેલીના કવિ પ્રાસના ફૂલોની ગઝલમાળા લઈને આવ્યા છે અને ભાષાની દેવીને ઈજન આપે છે. જીવનના બધા અંધારા કંઈ સૂરજથી દૂર થતા નથી. એકાદું કોડિયું પણ ક્યારેક પૂરતું નીવડતું હોય છે. અને ઘાસ જેવું નિસ્પૃહી વ્યક્તિત્વ તો સ્મરણના ભેજ માત્રથી પણ લીલુંછમ રહી શકે છે. પ્રિયપાત્રની હાજરીનું જળ કંઈ એના માટે અનિવાર્ય નથી… પણ હા, એમની હાજરી નિઃશંક વસંત સમાન છે કેમકે એમની હાજરીમાં કવિ માત્ર ખીલતાં નથી, ખીલી ખીલી ઊઠે છે!

Comments (9)

ઢૂકડાં લગ્નનું ગીત – નિરંજન યાજ્ઞિક

આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?-બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કે’વાય,
અને ઉમ્બરમાં હોય એને ? -બોલ !
સખી, શેરીમાં વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી, હૈડામાં વાગે છે ઢોલ !

-નિરંજન યાજ્ઞિક

લગ્ન જેમ જેમ નજીક આવતા જાય એમ એમ કન્યાના કોડ ગુલાબી બનતા જાય છે. ગામના પાદરે આંબે બેઠેલા પોપટ જેવી પ્રતીક્ષારત્ આંખોને પ્રિયતમના આવણાંના ભણકારા સંભળાય છે. જાન શેરીમાં પ્રવેશે, શેરીમાંથી આંગણામાં આવે અને ત્યાંથી ફળિયામાં આવે ત્યાં સુધીમાં પરણ્યો ઠેઠ હૈયાની અડોઅડ આવી ઊભે છે અને ત્યારે જીવતર ગુલાલ ગુલાલ થઈ જાય છે… નિરંજન યાજ્ઞિકનું આ ગીત નવોઢાના રંગરંગીન ઓરતાઓને વારંવાર ગણગણવાનું મન થાય એવા લય સાથે અનોખો અક્ષરદેહ આપે છે…

Comments (5)

મુક્તક – ખલીલ ધનતેજવી

કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.

-ખલીલ ધનતેજવી

આજે મુંબઈમાં આતંકવાદી હુમલાને બરાબર એક મહિનો થયો છે ત્યારે ખલીલ ધનતેજવીનું એક મુક્તક. પાકિસ્તાન અને આતંકવાદ- બંનેને જવાબ આપવામાં આપણે સોએ સો ટકા ઉણા જ ઉતરવાના છીએ કારણ કે આપણા નમાલા અને નપુંસક રાજકારણીઓ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશની સમસ્યાઓના ઉકેલ માટે વિદેશી મદદ પર આધાર રાખી બેઠા છે. યુદ્ધ તો આમેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી પણ સ્વાવલંબન વિના પણ કશું શક્ય નથી. ધર્મ અને રાષ્ટ્રની સરહદોથી પરે આપણે એક ‘માણસ’ને મરતો બચાવી શકીએ તો પણ ઘણું…

Comments (18)

આંસુ – સુરેશ દલાલ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે.  આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે.  આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…

Comments (10)

એ જ આવશે ! – ચંદ્રકાંત શેઠ

એનો ફોન !
એનો અવાજ !
આખો મારો વાસ
-મારો અસબાબ અધ્ધર પગે !
આંગણાએ ખોલી દીધા દરવાજા !
ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર …
બારીઓ ય ખુલ્લી – ફટાક…
ગોખે ગોખે આંખ …
શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી …
સ્વચ્છ રાત્રિ !
નરી છલોછલ ચાંદની !!
ચાંદ તો પછી દૂર ન હોય …
હોય આટલામાં જ – નજીકમાં …
મેં ચિત્તને કહ્યું : ચકોર થા
પણ એણે તો
ઘરની ઊંચી અટારીએ ચડી
કરવા માંડ્યું છે કા…  કા…
હવે ફોન નહીં,
એ જ આવશે,
એ જ !!

-ચંદ્રકાંત શેઠ

એક અવાજ આખા અસ્તિત્વને કેવું અજવાળી દે છે એની અદભૂત અભિવ્યક્તિ.

Comments (3)

બૉમ્બનો વ્યાસ – યેહુદા અમિચાઈ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
લગભગ સાત મીટર હતો.
જેમા પડ્યા હતા
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.

અને એમની આજુબાજુ
વેદના અને સમયના એક વધારે વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.

સો કિલોમીટરથી વધુ દૂરથી
આવેલી  સ્ત્રીને એના શહેરમાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.

અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકાકી માણસ
જે દરિયાપારના દેશમાં રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.

અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.

– યેહુદા અમિચાઈ

બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય,  ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય,  હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.

(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)

Comments (17)

સપનું – એષા દાદાવાળા

ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !

– એષા દાદાવાળા

તાજેતરમાં જ એષા દાદાવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ ઈમેજ પબ્લિકેશન્સના નેજા હેઠળ પ્રગટ થયો છે. કોઈ પણ કવિના જીવનના સહુથી મોટા ગણી શકાય એવા આ પ્રસંગ નિમિત્તે એષાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ…

(કવિતા મોકલવા માટે આભાર : જય ત્રિવેદી)

Comments (13)

Page 1 of 5123...Last »