શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમેશ પારેખ

રમેશ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(મનજી) વૃત્ત ગઝલ – રમેશ પારેખ

⁠(પ્રલંબતોટક)

હજુ આંખ ખૂલે ન ખૂલે અડધું પડધું, મનજી
થઈ જાય બધાં સપનાં ભડથું ભડથું, મનજી

નદીઓ ઉમટ્યાની ઊડી અફવા ગલીએ ગલીએ
જરી પાંપણમાં ચીતર્યું અમથું રડવું, મનજી

પડવાની અણી પર હોય છતાં ન પડે ફડકો
બનતાં બનતાં અટકી પડવું બનવું મનજી

જડ હાથ રહે જડ, ના કદી યે બનતો ઘટના
સરખું જ બધું, પથરો અથવા સસલું મનજી

પડવું, દડવું, ચડવું, ખડવું, રડવું, સડવું બસ,
આમ ક્રિયાપદભેર ક્રિયાપદવું, મનજી

ચકલા પર ઊભી રહે છે ઉઘાડી ઉઘાડી ચીસો
મળ્યું ષંઢ શહેર વિષે ભડવા બનવું, મનજી

– રમેશ પારેખ

સમર્થ સર્જક સતત નવું શું કરી શકાય એની મથામણમાં રહેતો હોય છે. ગઝલ વિદેશથી આપણે ત્યાં આવી તો પોતાના છંદ સાથે લેતી આવી, પણ આપણી કાવ્યપરંપરા પાસે તો પોતાના વૃત્તોની સમૃદ્ધ પરંપરા હતી જ… ઘણા સર્જકોએ આ બંનેનું કોકટેલ કરી જોયું છે. ર.પા.એ પણ કેટલીક વૃત્ત ગઝલો લખી છે. નવ વૃત્ત ગઝલોના ગુચ્છમાંથી નવમી ગઝલ આજે અહીં રજૂ કરીએ છીએ. સામાન્યરીતે તોટક છંદમાં સ,સ,સ, એમ કુલ બાર ગણ હોય, પણ કવિએ બે આવર્તન વધારે પ્રયોજી પ્રલંબતોટક છંદ બનાવ્યો છે. મનજીને સંબોધીને લખાયેલ આ વૃત્ત ગઝલ છંદવ્યાયામ કે ફ્યુઝન-એક્સપરિમેન્ટ ન બની રહેતાં ગઝલિયતને વરી છે એનો સવિશેષ આનંદ.

(છંદવિન્યાસ: લલગા લલગા લલગા લલગા લલગા લલગા)

Comments (14)

રપા અપાર વરસે :૦૭: વરસાદ

વરસાદ મૂવો વંડીની બે બાજુ વરસે હો!

વરસે છે એક બાજુ ધકધકધક ધકધકધક, એક બાજુ ધીણોધીણો રે
ગોકીરા કરતું મન ચોકમાં છોગાળા છાંટાને વીણો વીણો રે

આજે હું કોકને અમસ્થીક સાંભરું તો મને કોક સાંભરશે હો!

હોમ હોમ હોમાઈ જૈયેં માલીપા એવો જળનો જઘંન મૂવે માંડ્યો,
ધોધમાર ધારે એણે પાછલા ઉનાળાને સાંબેલે-સાંબેલે ખાંડ્યો!

અમને ઉનાળાની કૂંપળ ફૂટી’તી એની વાતું એ ક્યાંક જઈ કરશે હો!

– રમેશ પારેખ

રપાના ખજાનામાં વરસાદના અનેક મોતી ભર્યાં પડ્યાં છે. “રપા અપાર વરસે” સપ્તાહની માંડણી કરી ત્યારે લયસ્તરો પર આ અગાઉ ર.પા.ના જેટલા વર્ષાકાવ્યો મૂકાયાં હતાં એની યાદી આપી હતી… આખું ચોમાસું ચાલે એટલાં ધોધમાર ગીતો હજી બાકી પડ્યાં છે, આરંભ એનો અંત, ખરું ને? ઉત્સવ કે ઉત્સાહ – બધાયનો હંગામી તો હંગામી પણ અંત તો આવે જ ને! લયસ્તરો પર “રપા અપાર વરસે” શ્રેણી અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી આપણે વર્ષાગીતોમાં મનભર ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ વર્ષા-ઉજવણી સપ્તાહની હાલ પૂરતી સાતમી અને આખરી કડી…

આજે આ ગીત વિશે અમે વાતો નહીં કરીએ, હોં… આજે તો આપ સહુ જ વરસો મનભરીને…

Comments (5)

રપા અપાર વરસે :૦૬: દીવાની તેમજ ફોજદારી કોર્ટનો આરોપી વરસાદ

– પછી સાવ ઓચિંતું એ દસ્તાવેજમાં વરસાદે માર્યું’તું મત્તું
કે, ધરતી ઉપર છે એ જ ઘટાટોપ વ્હાલ આજે, જે ગઈ કાલ હત્તું!

છાંટો હુલાવી ઈણે ફોડયું રે કવિઓની લેખણને થ્થું’તું ઈ ગૂમડું,
પછી શુદ્ધ હિંસાથી ફરીફરી ઘસ્યું એણે માટીની ગંધવાળું પૂમડું!

કાયદા વિરુદ્ધ પેશકદમીથી છાપરાની હેઠ હતું એ કર્યું છત્તું!

દિ’એ આણાંત્યું જેને સાંભરી ઈ લડધાઓ રાતે થઈ ગયા સાવ ભાભા રે,
તયેં પોલ ખૂલી કે સંધાનાં ખોળિયામાં લોહીબોહી નહીં, હોય ગાભા રે!

ગાભાને સૂકવવા ગરમી ક્યાં ગોતવી-એ કોકડું ઉકેલ્યું નથી જતું!

– રમેશ પારેખ

આખો જુન મહિનો જે રીતે વરસાદે આપણને તરસાવ્યાં-ટટળાવ્યાં એ જોઈને તો એમ જ લાગતું હતું કે ધરતી પર એનું વહાલ ઓછું થઈ ગયું છે. માનવજાત તરફ આવું દુર્લક્ષ સેવવા બદલ શું એને કૉર્ટમાં હાજર ન કરવો જોઈએ? પણ વરસાદ જેવા વરસાદને કૉર્ટમાં હાજર કરવાનું બીડું કોણ ઝડપે? વરસાદને કૉર્ટમાં આરોપીના પિંજરામાં ઊભો કરી દેવાનું ગજું ર.પા. સિવાય કોઈનું હોઈ શકે ખરું? વરસાદ પણ ડાહ્યોડમરો થઈને કવિની કોર્ટમાં હાજર થઈ દસ્તાવેજ પર મતું મારીને એફિડેવિટ કરે છે કે ધરતી ઉપર એને પહેલાં હતું એવું ને અટ્લું જ ઘટાટોપ વહાલ આજે પણ છે. વરસાદની અનુપસ્થિતિને કારણે કવિઓની લેખિનીને ગૂમડું થઈ ગયું હતું, એ વરસાદે છાંટાના કાંટાથી ફોડી આપ્યું. હે કવિઓ! હવે ખૂબ મનભરીને કાગળ પર વરસો… જે દાધારંગા જુવાનિયાઓ આણેથી આવેલ પત્નીઓને યાદ કરીને દિવસભર બડાશ મારતા હતા એ બધા રાત્રે વરસાદનું રૌદ્રસ્વરૂપ જોઈ પાણીમાં બેસી ગયા. રગોમાં લોહી –ખરી જુવાનીનું જોર- વહેતું હોય તો એને ગરમ કરી શકાય, પણ જે પલળેલા ગાભા જેવા નરમદિલોને સાવજ કઈ રીતે બનાવી શકાય એં કોયડો તો કેમ કરીને ઉકેલવો? છાપરાંઓની નીચે જે છૂપાયેલું હતું એ રહસ્ય વરસાદે છતું કર્યું એ ઓછું હોય એમ એણે ગામના જુવાનિયાઓની કહેવાતી બહાદુરીનો ફુગ્ગો પણ ફોડી નાંખ્યો… પરિણામે આજે એણે ર.પા.ની બેવડી કોર્ટમાં હાજર રહેવાનો વારો આવ્યો છે.

બે શબ્દ શીર્ષક વિશે: દસ્તાવેજમાં સહી કરવી – અહીં દીવાની કોર્ટ નજરે ચડે છે. છાંટો હુલાવવો, શુદ્ધ હિંસા તથા કોઈની મિલકતમાં પેશકદમીથી ઘુસી જવું –અહીં ફોજદારી કોર્ટ દૃષ્ટિગોચર થાય છે. જો કે દીવાની અને ફોજદારી –બંને સંકેતોનું કાનૂની વર્ગીકરણ ન કરતાં એમનું કાવ્યાત્મક મૂલ્યાંકન કરવું જ વધુ ઉચિત કહેવાય.

(આણાત્યું= આણેથી આવેલી સ્ત્રી; લડધાઓ= ધીંગા છોકરાઓ; ભાભા= બુડથલ)

Comments (9)

રપા અપાર વરસે :૦૫: વરસાદ ગંજીપત્તા જેવો

હુકમના એક્કાની જેમ મૂવો ત્રાટકીને બાજી હર્રેક જીતી લે
વરસાદ સાલો ગંજીપત્તાં જેવો છે.

પત્તાની જેમ એક છાંટો એ ઊતરે ને બાજી થઈ જાય છે છકેલ
જીતવું તો ઠીક પણ હારતાંય આપણને આવડે નહીં એવો ખેલ

આપણે ઊતરીએ તે પત્તું નહીં, સંચોડું માથું કપાઈ જતું હે!

એની છે ખાસિયત એવી કે થોડું રમે ને ઝાઝો ગારો થઈ જાય
એકલા જો હોઈએ તો પત્તાંની જેમ મન આખેઆખું રે ચિપાય

બેકલાં જો હોઈએ તો લાગે કે ખેલ બહુ જામલેટ થઈ ગયો રે.

– રમેશ પારેખ

ર.પા.એ કેવળ ગુજરાતી કવિતાને જ અછો અછો વાનાં લાડ નથી લડાવ્યાં, એમણે વરસાદનેય ઓછો રમાડ્યો-ગમાડ્યો નથી. પ્રસ્તુત ગીતમાં એમણે વરસાદને ગંજીપત્તાં જેવો ગણીને ગીતની આખી બાજી ચીપી છે. વરસાદ દરેકેદરેક બાજી જીતી લેતા હુકમના પત્તા જેવો છે, એ એક છાંટો ઉતરે ને આપણી બાજી નશામાં સમતુલન જાળવી ન શકતા શરાબીની જેમ ડામાડોળ થઈ જાય છે. વરસાદની સામે જીતી તો ન જ શકાય, આપણને તો હારતાંય ન આવડે. આપણે તો પત્તું નહીં, માથું જ કાપીને ધરી દેવાનું રહે. વરસાદની ઋતુમાં એકલા રહેવામાં જોખમ. મન પત્તાંની જેમ આખેઆખું ચિપાઈ જાય-ઉથલપાથલ થઈ જાય. પણ પ્રિય પાત્ર સાથે હોય તો તો…. ખેલ જામી જ જવાનો કે ‘ની?

(સંચોડું = સમૂળગું; ગારો=કાદવ)

Comments (8)

રપા અપાર વરસે :૦૪: વરસાદ એવો ત્રાટક્યો’તો

ડરપાંચમ એટલે કે તેર, સાત, ચોરાણું અને બુધવારની સવારે
.                      વરસાદ એવો ત્રાટક્યો’તો સૂપડાંની ધારે

હતાં સાવ ઘટાટોપ મન અને વાદળાં
.                      ક્યાં વરસું ક્યાં વરસું જેવાં
અહીં વરસો, અહીં વરસો એવી બૂમરાણ
.                      કાંઈ કરતાં’તાં આંખ અને નેવાં

ઓસરી ને છાતી ને ડેલી ને જાત
.                      થયાં સેળભેળ કોણ જાણે ક્યારે !

આંખ્યુંમાં બેઠેલાં ચાતકનાં ટોળાંની
.                      કલબલનું પૂછો મા કાંઈ
છાંટો પડયો તે પડ્યો એમ
.                      જેમ ગંજીમાં તણખો પડે રે, મારા સાંઈ

માણસનું એવું કે એને ધો ગાળ્યું
.                      તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !

– રમેશ પારેખ

રમેશ પારેખ મનપાંચમના મેળાની વાત પણ કરે અને ડરપાંચમની ચોક્કસ તારીખ પણ આપણને આપે. ૧૯૯૪ની ૧૩ જુલાઈએ અષાઢ સુદ પાંચમ. એટલે વરસાદની ગાડી પાંચમા ગિઅરમાં ચાલતી હોવાની સંભાવના. વ્યક્તિ અને પ્રકૃતિ – વયષ્ટિ અને સમષ્ટિ બંનેને અડખેપડખે રાખીને ગીત આગળ વધે છે. મન અને વાદળ બંને ગોરંભાયાં છે. આંખ-નેવાં, ઓસરી-છાતી, ડેલી-જાત વરસાદ સહુને એકાકાર કરી દે છે. આંખોમાં જે ચાતકની પ્યાસ છે એ કેવળ વરસાદ માટેની નથી, પિયુ માટેની પણ છે. અને વરસાદનું ટીપું તો આ તરદ છીપાવવાના બદલે ઘાસને એ ગંજીમાં તણખો પડે ને ગંજી પળાર્ધમાં ભડભડ સળગી ઊઠે એમ તરસ ભડકાવે છે. છેલ્લી પંક્તિ આખા ગીતથી સહેજ અલગ પડી જતી હોય એમ લાગ્યું. માણસને ગાળ આપો તો એ ગાળો પણ પ્રેમથી સ્વીકારે એનો આખા ગીત સાથે કઈ રીતે મેળ ખાય છે એ કોઈ સમજાવશે?

Comments (6)

રપા અપાર વરસે :૦૩: કોઈ ન જાણે!

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા—એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એ પહેલાં દરિયો તેગું તાણે!

– રમેશ પારેખ

વરસાદ મોટો જાદુગર છે. વરસાદના કારણે દુનિયા તો વધુ ગમવા માંદે જ, જાત પણ કદાચ વધારે ગમવા માંડે? કારણ? કારણની ઉપર તો આખું ગીત ઊભુ છે, ને તોય કારણ આપે એ રમેશ પારેખ શાના? વરસતા વરસાદમાં ગામ આખું ભીંજાતું હોય એવા ટાણે અને ગામની જાણકારી બહાર તમે તમને વધારે ગમવા લાગ્યા છો એટલું કહીને કવિ ચોમાસાનો કાવ્યાત્મક ચિતાર આપે છે. નાનું ખાબોચિયું ભરાવા લાગે અને અંતે છલકાઈ જાય એને ફૂગ્ગો ફૂલતાં ફૂલતાં ફાટી જાય એની સાથે કવિ સરખાવે છે. શેરીમાંથી નીસરતા પાનીના રેલા નદી જેવા થઈ જાય છે. હવેની પંક્તિ તો જુઓ- ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે! ઓ ગૉડ! કવિએ ખાલી ગામનું નહીં, આપણા સહુનું ગજું પણ નાણી જોયું છે.

(ગારમાટીનો કૂબો- આપણી કાયા?)

Comments (8)

રપા અપાર વરસે :૦૨: વરસાદ…

વરસાદ મને મારે છે છાંટાથી ઢીંક
ફળિયા વચાળ ઊભી એકલી-અણોસરી હું ઝીલું છું ઝાઝેરી ઝીંક

માથામાં, પડખામાં, પીઠમાં ને પિંડીમાં ધણધણતી ઢીંકો ઝીંકાય
નાનકડો જીવ મારો મોટીમોટી ઢીંકોથી આમતેમ ગડથોલાં ખાય

અંદર આ અધમણનો મૂંઢમાર, સંભળાતી બ્હાર તો નવટાંકની જ છીંક!

નેવેથી દદડીને છાતીમાં ખાબકેલાં ધ્રાસ્કાનું માતેલું જોર
મારકણું ટાઢોડું લોહીમાં ભરાવે છે સાતસાત રંગોના ન્હોર

પિયુ પરદેશમાં ન હોત તો તો હોત હુંય ટહુકાની ખળખળતી નીક!

– રમેશ પારેખ

વરસાદમાં નહાવાનું કોને ન ગમે? પણ મનનો માણીગર પરદેશ ગયો હોય અને આંખોનો વરસાદ જ રોક્યો રોકાતો ન હોય તો ફળિયા વચ્ચોવચ ખિન્ન વદને એકલા ઊભા હોઈએ તો વરસાદ છાંટાથી ઢીંક મારતો હોય એવું જ લાગે ને! પ્રોષિતભર્તૃકાનું આ વેદનાસિક્ત તોય હળવું ગીત એકદમ સહજ રીતે માણી શકાય એવું છે…

અણોસરૂં= ઉદાસ, ખિન્ન;

Comments (11)

રપા અપાર વરસે :૦૧: વરસાદડો તો….

વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો
છાંટેછાંટે એ મુંને દબડાવે જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો!

ચામડીને ચાવળાં અડપલાં કરીને મુંને મારે વીજળીઓના ઝાટકા
છાંટાથી છાતી ઉઝરડીને મહીં મૂવો ભભરાવે મીઠાના વાટકા!

લોહીનું ટીપું ટીપું સૈડ-સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો…

વાદળની ડેલીએ ચાકરી કરે છે પણ રોફ કરે એમ-જાણે શેઠિયો!
સૂરજને પૂછો તો કહેશે કે ઈ તો છે દરિયાની પેઢીનો વેઠિયો…

એ તો છે મુંને મારી કાયામાં પૂરી, બ્હાર પહેરાઓ ભરતો સિપાઈડો…

– રમેશ પારેખ

રિસાઈને મોટા ગામતરે ચાલ્યું ગયેલું ચોમાસું વધારે પડતી જ ગાજવીજ સાથે પાછું ફર્યું છે. કોરા ગયેલા જુનનું સાટુ ન વાળતો હોય એમ મેઘરવો સાંબેલાધાર તૂટી પડ્યો છે. આવા વરસાદમાં બે વસ્તુ કરવાનું મન થાય-એક તો ગરમાગરમ ભજિયાં ઝાપટવાનું અને બીજું વરસાદી કવિતામાં સરાબોળ ભીંજાવાનું. ચાલો, આજથી સાત દિવસ સુધી લાગલગાટ વરસાદી ગીતોમાં મનભર નહાઈએ. પહેલાં તો થયું કે સાત દિવસ સાત અલગ અલગ કવિઓની રચનાનો આહલાદ લઈએ, પણ પછી લયના કામાતુર રાજવીએ અજગરભરડો લઈ કહ્યું કે મને… બસ, મને જ રજૂ કરો… તો પેશ છે વરસે રમેશ સપ્તાહ… સાત દિવસ સુધી લાગલગાટ એક જ કવિની સાત વરસાદી કૃતિઓમાં છબ છબ કરીએ…

પ્રસ્તુત ગીતરચના જાણીતી છે. જાનપદી બોલીના કારણે એ વધુ મીઠું લાગે છે.

(વાયડો=શેખીખોર; ભાયડો=ધણી; ચાવળું=ચિબાવલું, દોઢદાહ્યું; સૈડ-સૈડ સસડે= સડ સડ અવાજ સાથે તળાવું)

લયસ્તરો પર ર,પા.ની આ પૂર્વે પોસ્ટ થયેલ વરસાદી રચનાઓ આપ નીચે લખેલ કાવ્યપંક્તિઓ પર ક્લિક કરીને માણી શકશો:

 

Comments (19)

હે દીવા! તને પ્રણામ… – રમેશ પારેખ

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી તમામ સર્જકમિત્રો તેમજ ભાવકમિત્રોને દીપોત્સવી પર્વ નિમિત્તે અઢળક મબલખ વધામણાં….

Comments (1)

કોઈ ન જાણે! – રમેશ પારેખ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

-રમેશ પારેખ

ઓણસાલ વરસાદ કંઈ અલગ જ અડીંગો જમાવીને બેઠો છો… જાઉં જાઉં કરે છે ને અચાનક હાઉકલી કરતોક વળી છત્રી વગરના આત્માઓને રંગે હાથ ઝડપી તરબતર કરી ભાગી જાય છે… આવામાં ર.પા.નું આ ગીત ક્યાંકથી હાઉકલી કરતુંકને આવી ચડ્યું અને મને ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા વડે ગળાબૂડ પાણીમાં ડૂબાડી ગયું… તમારે પણ ડૂબવું છે? તો ચાલો… પણ રહો! એક શરત છે… આ ગીત વાંચીને નહીં, મોટેથી લલકારીને વાંચવું…

Comments (8)

અનિલ વિશેષ : ૦૮ : સહિયારી રચના – એક સંયુક્ત ગીત : અનિલ જોશી/રમેશ પારેખ

ચોકમાં જામ્યા રાસડે હું તો એટલું બધું ભાન રે ભૂલી ગઈ,
કે ફળિયે બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ.

ચાંચમાં જેટલું જળ સમાયું એટલું લઈ ચકલી ઊડી ઝાડવે બેઠી જેમ,
રાસમાં જેટલી તાળિયું મળી એટલી લઈ હુંય રે છાની ઉંબરે બેઠી એમ.
તાળિયું કેવળ ખડનો પૂળો હોત તો છૂટી જાત હું એને છાપરે ફેંકી દઈ…

ગીત ગળામાં, પગમાં ઝાંઝર, રાતનો ગજર, ચોકમાં હજી રાસડે ઘૂમે ગામ,
પાંખ વિનાની ચકલી ઉપર કેટલા ઓરા, કેટલાં ઝાઝાં આભ તોળાતાં આમ!
ઢોલને ઝીણે ચામડે ચાંદો સાંભળી મારી કેટલી પૂનમ તોછડી તૂટી ગઈ.

– અનિલ જોશી / રમેશ પારેખ

પૂર્વભૂમિકા (રમેશ પારેખના શબ્દોમાં)

અનિલ (૬-૧૦-૮૫ના દિવસે) અમરેલી આવ્યો, લગભગ વીસ વરસ પછી, અમે એક દિવસમાં વીસ વરસ પહેલાંના સમયને જીવવા બાથોડિયાં માર્યાં. ભાવવિભોર અનિલે કહ્યું–આપણે એક સંયુક્ત ગીત લખ્યાને વીસ વરસ થવા આવ્યાં. એના ઉપલક્ષ્યમાં આ અધૂરું ગીત. લે, પૂરું કર.’

આજે આ ગીત પૂરું કર્યું. અગાઉ લખેલા સંયુક્ત ગીત ‘ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં’ ‘સમર્પણ’માં છપાયું હતું.

વીતેલાં વરસોએ મને થોડા રૂપેરી વાળની ભેટ આપી છે, લો, અમે આવી ગયા. મહાયાત્રાની તૈયારી કરો!” એ આદેશ કહેતા, કાનમાં ઝૂકેલા, કાનપટ્ટી પાસે સફેદ વાળ ઉગાડ્યા છે, ચશ્માંના ગ્લાસ જાડા બનાવ્યા છે, ઝીણીઝીણી અસંખ્ય મુગ્ધતાઓ છીનવી લીધી છે, જે કંઈ છીનવાઈ ગયું છે વીસ વરસોમાં તે માટે સમયને માફ કરી દેવાની વૃત્તિય જન્માવી છે. અનિલ ને રમેશની આંખો વચ્ચે મુંબઈ-અમરેલીનો પાંચસો માઈલનો પટ્ટો પાથરી દીધો છે.

અધૂરા ગીતને ટેકે વીસ વરસ પાછા પગે ચાલવાના મારા પ્રયત્નો દુ:ખદ છતાં અનુભવ સુખદ રહ્યા…

શરૂઆતની ચાર લીટીઓ અનિલની, ત્યાર બાદ આગળ વધતી કડીઓ મને સૂઝી.
– રમેશ પારેખ (તા. ૨૮-૧૧-૮૫)

Comments (2)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૩

ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…

પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…

વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!

યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!

હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-

હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,

મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-

ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.

પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.

બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.

શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…

પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..

રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !

ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના

નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.

ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?

એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:

આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.

લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:

આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.

ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:

ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!

આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.

પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-

ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !

ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.

જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

Comments (12)

એ…હેહેય…હેહેય…,ઝાડ – રમેશ પારેખ

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

– રમેશ પારેખ
(જુન ૨૯, ૧૯૭૮)

રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.

કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.

વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…

ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.

Comments (11)

કાગડો – રમેશ પારેખ

એક ધીખતી બપોર લઈ
કોઈ એક કાગડાનું રણ માથે થાવું પસાર

ઉપરોક્ત કાગડાના તરસ્યા મસ્તકમાંથી
સઘળા વિચાર ખરી ચૂક્યા છે
કૂંજાની, પાણીની, કાંકરાની, કાગડાની
વારતા ને સાર ખરી ચૂક્યાં છે

એટલે કે કાગડામાં
બાકી કશું જ નહીં ખરવાનું રણની મોઝાર

પડછાયો હતો તેય રેતીમાં પડી ગયો
વધ્યો હવે ફક્ત શુદ્ધ કાગડો
કાગડાપણું તો એમ ઓગળ્યું બપોરમાં કે
પાણીમાં મીઠાનો ગાંગડો

કાગડો નહીં તો નહીં
ઊડવું, ન પડછાયો, નહીં વારતાનો વિસ્તાર.

– રમેશ પારેખ

ગુજરાતી કવિતાને ર.પા.એ જેટલાં અછો અછો વાનાં કર્યાં છે એટલાં બહુ ઓછા કવિઓએ કર્યાં હશે. વાત ખાલી એટલી જ છે કે એક કાગળો બળતી બપોરે રણ પરથી પસાર થઈ રહ્યો છે. પણ ખરી મજા ‘ઉપરોક્ત’, અને ‘એટલે કે’ની છે. ગીતની બોલાશ બહારની વ્યવહારની ચલણી ભાષા કવિએ ગીતમાં આબાદ ગૂંથી બતાવી છે. વળી, કાગડાને તરસ્યો કહેવાના સ્થાને કવિએ એના મસ્તકને તરસ્યું કહ્યું છે. ઈસપની તરસ્યા ચતુર કાગડાની કથાને પણ કવિએ ગીતમાં ચતુરાઈપૂર્વક સાંકળી લીધી છે. તરસ હદપાર થાય ત્યારે વિચારશક્તિની પણ સીમા આવી જાય છે. પાણીની શોધ સિવાય કશું એ ક્ષણે જીવનમાં બચતું નથી. મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળીને લુપ્ત થઈ જાય એ રીતે છેવટે કાગડાનું અસ્તિત્ત્વ મટી જવાની વાતમાં શુદ્ધ કાવ્યરસ અનુભવાય છે. આખી વાતને સર્જનપ્રક્રિયા સાથે પણ સાંકળી શકાય. જ્યાં સુધી આપણું મન ઈસપની વાર્તા જેવા જૂના સંસ્કારોથી મુક્ત થઈ શકતું નથી, જ્યાં સુધી આપણી સિસૃક્ષા પરાકાષ્ઠાએ પહોંચતી નથી, જ્યાં સુધી આપણે સ્વયંની ઇમેજ-છાયાથી મુક્ત થઈ શકતા નથી, જ્યાં સુધી આપણે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળે એ હદે અનુભૂતિમાં ઓગળી શકતા નથી, ત્યાં સુધી શુદ્ધ કવિતા બનતી નથી. કેવી સ-રસ વાત!

Comments (3)

વાત છે ને….- રમેશ પારેખ

વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી

મનમાં ખોવાયો છે એની શ્હેરભરમાં શોધ છે
એટલે કે એક દરવાજો હજી જડતો નથી

ટેવ પડવાની ગતિ વધતી કે ઓછી હોય છે
ઘોર અંધારામાં માણસ આંધળો હોતો નથી

છેવટે વાયુ પકડવાની શરત હારી ગયો
આખરે તો હાથ કેવળ હાથ છે, ફુગ્ગો નથી

ફૂલથી આગળ જતા ના હોય અર્થો ફૂલના
તો ધડક છે વક્ષની કેવળ ધડક, ગજરો નથી

હોવું ઉર્ફે શોધ પોતાના અડધિયાની, રમેશ
કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી?

– રમેશ પારેખ

મક્તાએ મને જકડી લીધો….શું શેર છે !!!!

Comments

રાજકારણ વિશેષ : ૧૧ : Communication – રમેશ પારેખ

આ તરફ કરફ્યૂ
તો પેલી તરફ લોહીને ફ્યૂઝ કરી ઉડાડી દેવાનું કાવતરું
કેટલાક પ્રસંગોનું જીવતા હાથબૉમ્બ સહિત ખુલ્લેઆમ ફરવું
દ્રશ્યોમાં ઠેરઠેર આગનું ભડકે બળવું
અને કવિ શ્રી ખાલીદાસનું તાકી રહેવું

*

શક્યતા કૃતનિશ્ચયી બનીને
બધું બાળી દેવા ઘૂમતી હોય ત્યારે
કશું કહેવાય નહીં.

*

અફવાઓનું તો પર્વ હતું

*

કૉમ્યુનિકેશનનો તમામ પુરવઠો ફૂંકી મારવામાં આવેલો.

*

કરફ્યૂગ્રસ્ત એવા
શ્રી શ્રી ખાલીદાસ તો
પોતાનાં ઘરમાં ગુમસૂમ
ને
કોરા કાગળમાં મિલિટરીવાન પેઠે
કોરા કાગળનો સૂનકાર
લટારો મારે…

*

શેરીની એક સ્ત્રી ,
જેની છાતીમાંથી ધાવણ સુકાઈ જતાં
તેનું ત્રણ દિવસની ઉંમરનું ભૂખ્યું છોકરું રડતું હતું તેના માટે
દૂધ શોધવા નીકળી
અને સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
બનાવી આપી
એ દૃશ્ય
પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું
પણ
ખાલીદાસની જાણ બહાર તેનું એક આંસુ
લોડેડ ટૉમીગન જેવી કરફ્યૂની સત્તાને લાત મારીને
કોરા કાગળની ખુલ્લી સડક પર નીકળી પડ્યું
એ જોઈ
કવિકુલગુરુશિરોમણિ શ્રી ખાલીદાસ પોતાના ખોળામાં
હાથબૉમ્બ ફાટ્યો હોય તેવા હબકી ગયા.
શ્રી ખાલીદાસજીની નજીકમાં થયેલો આ પ્રથમ અકસ્માત્, જેમાં
પોતે પણ સંડોવાયા હોય.

આમ કાગળનું કોરાપણું
(કાં તો કાગળે પોતે કરેલા બળવાના કારણે)
ભીનાશની ખીચોખીચ ભીડથી ખરડાઈ ગયું…

– રમેશ પારેખ
(૦૯-૦૨-૧૯૭૪ / શનિ)

રાજકારણ વિશેષ પર્વની ઉજવણી નિમિત્તે આજે આ આખરી કાવ્ય.

ર.પા.ના કેટલાક કર્ફ્યૂ કાવ્યોમાંનું આ એક આજે આપ સહુ માટે…

કર્ફ્યૂ લાગે એટલે શહેરના રસ્તાઓ ખાલી થઈ જાય. ખાલી શેરીઓ અને ખાલી સંવેદનાઓનો કથાનાયક કવિ ખાલીદાસ જ હોઈ શકે ને, કાલિદાસ થોડો હોય! આગનું ભડકે બળવું, શક્યતા બધું બાળવા ફરતી હોય, અફવાઓનું પર્વ, કૉમ્યુનિકેશનનો ફૂંકી નંખાયેલ પુરવઠો – એકેએક રૂપકમાં ર.પા.નો સ્પર્શ વર્તાય છે. ધાવણા બાળક માટે દૂધ શોધવા નીકળેલ મજબૂર માને કેવળ સાક્ષીભાવે ગોળી ખાતી જોઈ કવિ ખાલીદાસની જાણ બહાર કોરા કાગળ પર એક આંસુ ટપકી પડે છે એની આસપાસ કવિએ જે કાવ્યગૂંથણી કરી છે, એ આપણા રોમેરોમને હચમચાવી દે એવી સશક્ત છે.

અંતે એટલું જ કહીશ, રાજકારણ પર કવિતા ચોક્કસ હોઈ શકે પણ કવિતા પર રાજકારણ ન જ હોવું જોઈએ…

અઢાર-અઢાર વરસથી સતત અમારી સાથે જોડાયેલા રહેવા બદલ અમે સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..

Comments (6)

કોણ – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વૃક્ષ ૫૨ એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખને વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરના આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર?

— રમેશ પારેખ

 

” આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. ”

– યાદ આવી જાય….

કેટલું સુંદર ભાવવિશ્વ રચાયું છે ! માસ્ટરક્લાસ !!!!

 

 

Comments (1)

પગલાં પડી રહ્યા… – રમેશ પારેખ

દૂર દૂરથી સરી આવતી
કેડી ઉપર
સૂનકારનો ડમરી વચ્ચે ફંગોળાતું
શુષ્ક નજરનું પાન
ઊડીને
ઘરમાં પાછું આવે

હળી ગયેલા શ્વાન સમો
ફળિયાનો તડકો
ઊંબર સુધી આંટો લઈને
નેવાંના પડછાયા સૂંઘી
કંકુ ચીતરી ભાત ઉપર રગદોળી કાયા
ભીંત ઠેકતો
સાંજ બખોલે જઈ
નિરાંતે ઘોરે

પરોઢીએ પૂરેલી
કોરી લાલચટ્ટાક સેંથીની છેલ્લી ઝાંય
ઊડીને આથમણે આકાશે વળગી જાય

વેણીમાંથી ચીમળાઈને ખરી પડેલાં
ડોલર ફૂલ – શા
તારાઓની ઝળમળ
વેરે અંધકારની જરઠ હથેળી
ઘરને ખૂણે
બળે કોડિયું હાલકડોલક
હાલકડોલક પડછાયા તો ફળિયા સુધી જાય
પોપચાં ઢળી રે જાય
પોપચાં ઢળી રે જાય
તબકતાં ઝૂલચાકળામાંથી ભીનાં વળામણાં સંભળાય

કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ

બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ન જોયો દાદાએ કૈં દેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ

ઊમટે ડામચિયે ચંદરવો
એમાં પાંચ પૂતળી ઝૂલે
એમાં પાંચ ઘૂઘરી ઝૂલે
ઝૂલે પૂતળીઓ તો રાનક ઝણકતી એવું
પેલા દાદાજીને દેશ ઝૂલ્યા’તા સૈયર સંગે
ગામગોંદરે સીમખેતરે જેવું
રામણ દીવડે
ધૂળ બનીને બાઝયું
આખા ઘરનું રે એકાંત

એકલા ખખડી ઊઠતાં કંકણમાંથી
દડી નીકળે તળાવની ભીનાશ
અને ભીનાશે તરતું આસોપાલવ ઝાડ

આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે અંકાશ
ને છાંયા પડી રહ્યાં રે લોલ

 

ઊગે રે પડછાયાના ઝાડ
ઊગે રે પડછાયાના ઝાડ
હવે તો ઊંબર ઊગ્યા પહાડ
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત

રાતને
ભરનીંદરમાં શ્વસે
છાપરે
કાગ.

– રમેશ પારેખ

શબ્દચિત્ર….. પ્યારું કો‘ક ચાલ્યું ગયું…..કે ભીતરથી કોઈક બંધન તૂટ્યું… ખિન્નતા પારાવાર વ્યાપી – ભીતરે.

સંબંધ સમજાતા નથી…..કોઈ નિયમ હોતા નથી, કોઈ કાયદા લાગતા નથી. આપનાર આપ્યે જ જાય છે અને લેનારને કોઈ તમા નથી. સિતારાઓના ઝગમગાટ વચ્ચે આરતીનો દીવો ટમટમીને નિસ્તેજ થતો થતો બુઝાઈ જાય છે….

અંતહીન વેદનામાંથી વિના શરતે પસાર થવાની સજ્જડ તૈયારી ન હોય તો પ્રેમથી અળગા જ રહેવું….

Comments (2)

ચિરવિરહીનું ગીત – રમેશ પારેખ

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર-શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે

આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી
પાંપણ ઉ૫૨ ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘ જોવું ’
સુક્કાસુક્કા ટગરવૃક્ષ ૫૨ ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?

આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

– રમેશ પારેખ

સ્તબ્ધ કરી દેતી કવિતા….

સંબંધોને તૂટતાં જોયા છે, જાતે અનુભવ્યા છે, hindsight માં હમેશા એવું જ લાગ્યું કે એ સંબંધોના પાયા જ કાચા હતા…. Worshipping false Gods જેવી કોઈ મૂર્ખતા નથી….પણ આ વાત પારાવાર વેદનામાંથી પસાર થયા વગર સમજાતી નથી.

 

Comments (2)

ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

– રમેશ પારેખ

આજે ર.પા.ની જન્મજયંતી નિમિત્તે એક મસ્ત મજાની રચના… છ દોહાઓની સિક્સર પણ કહી શકો એને.

Comments (4)

એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,
તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે
સૌ સૌનું મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની
વિદ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

અંધારું ગમે એટલું સર્વવ્યાપી અને ગહન કેમ ન હોય, નાનામાં નાનો એક દીવો સળગ્યો નથી કે એનો omniscient ego ક્ષણાર્ધમાં હણાઈ ગયા વિના રહેતો નથી. અંધારામાં પોતપોતાનું અસ્તિત્ત્વ ગુમાવી બેઠેલ તમામ ચીજોને એ પોતાનું મૂળ સ્વરૂપ ફરી અપાવે છે, અને તોય કોઈ અપેક્ષા રાખ્યા વિના એ મહાદાની ચુપચાપ બીજાઓ માટે જાતને બાળવાનું ચાલુ રાખે છે. આ વિદ્યા એને ક્યાંથી સાંપડી અને કયા ગુરુની કૃપાથી એને આ તપસ્યા ફળી એ કળવું શક્ય નથી. દીવાનું આયુષ્ય ટૂંકું છે પણ જે ક્ષણે એ પ્રકટે છે, એ એક ક્ષણને કવિ શાશ્વત પળ કહીને કવિ એનો જે મહામહિમા કરે છે, ત્યાં સાચી કવિતા સિદ્ધ થઈ છે…

દિવાળીના આ પર્વ પર બસ, કોઈના જીવનમાં વ્યાપ્ત અંધારું દૂર કરી શકીએ તો ઘણું…

Comments (3)

રેતીને છંછેડનાર મૂરખનું ગીત – રમેશ પારેખ

મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો.

ત્યારે શું એવું તું જાણતી કે આમ કોઈ રેતીને ભીંજવવી વ્યર્થ છે?
અથવા તો દરિયાના પાણીથી સાવ ભિન્ન રેતીને પોતાનો અર્થ છે?
અર્થો બદલાવવાની જીવલેણ ખાઈમાં તું ધસતી એ જોઈને હું હસતો.

તેં એવા પતંગિયાની સાંભળી છે વારતા જે ફૂલને સૂંઘે તો મરી જાતું?
તેમ છતાં તારાથી કોઈ ફૂલ ચૂંટવાનું દુસ્સાહસ કઈ રીતે થાતું?
ફૂલને પતંગિયાના રેબઝેબ ભાવથી તું શ્વસતી એ જોઈને હું હસતો.

ત્યારે તું જાણતી કે રેતીને સ્હેજે છંછેડીએ તો કેવું એ ડંખતી?
માધવ રામાનુજના ગીતમાં છે એવું…(હોઉં પાસે છતાં તું મને ઝંખતી).
રેતીમાં પાણીનાં ટીપાની જેમ તું કણસતી એ જોઈને હું હસતો

સ્હેજહાજ એટલો જ સાંભરે છે આપણને હવે પેલો આપણો અતીત,
રેતીમાં રેતી છંછેડનાર મૂરખનું આપણે જ લખતાં’તાં ગીત,
રેતીએ ગોઠવેલ ફાંસામાં આંગળીઓ ફસતી એ જોઈને હું હસતો

મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો.

– રમેશ પારેખ

વ્યાસોચ્છિષ્ઠમ જગદસર્વમ – ની જેમ ર.પા. એ કશું બાકી જ નથી રાખ્યું !!! પ્રયોગાત્મક હોય કે પરંપરાગત – બધું જ તેમની કલમ ઉત્કૃષ્ટતા સાથે ખેડી ચૂકી છે.નિરર્થક વલખાંને કેવી ખૂબીભર્યાં અંદાજે કંડાર્યા છે ! સમય સમયની વાત છે….. કોઈ ગૂઢાર્થ શોધ્યા વગર માત્ર ગીતમાં ભાષાની તેમજ અભિવ્યક્તિની સુંદરતા જુઓ !!! ગુલઝારસાહેબની યાદ આવી જાય….

Comments (2)

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન – રઈશ મનીઆર

આજથી બરાબર 15 વર્ષ પહેલા 17 મે 2006ના દિવસે આપણી ભાષાના લાડીલા કવિ એકમેવ રમેશ પારેખ આપણી વિચ્ચેથી વિદાય થયા. આજે એમની સ્મરણતિથિ છે.
રમેશ પારેખ મોટા ગીતકાર હતા, એ વાતના ઝળહળાટમાં એ મોટા ગઝલકાર પણ હતા, એ વાત વિસરી જવાય છે. એમણે 300થી વધુ ગઝલો લખી છે.
એમના થોડા શેરો પ્રસ્તુત છે. કંઈ બાકી હોય તો તમે ઉમેરી શકો છો..

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

આંખને મૂર્ખ કહો કે કહો અઠંગ તમે
એ જ દ્વિધાથી રહો છો હમેશા તંગ તમે

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં

સજા કબૂલ મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી.

ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું
કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

આ છળનો જે સર્જક કલાકાર છે
એ બંધુને મારા નમસ્કાર છે

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્નો નીરખવાના ગુન્હા કર્યા છે

શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે
ઉપરથી શહેરનું શુભ નામ શ્રી છબરડો છે.

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે
તમે ગયા છો તમારાથી ક્યાં જવાયું છે?

સાંકળ જો હોય બંધ તો ખોલીને નીકળું
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથથી છટકેલું કાચનું વાસણ

છે વાત એમ કે પગને જવું તુ કાશીએ
ને એને ચાલવા દીધા નહીં કપાસીએ

જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસો હતા

અમે ખુદ અમારાથી રિંસાતા ત્યારે રિંસાવાના પર્વો ઊજવતા હતા
અને ટપ્ દઇ માની જાતા તો ટપ્ ને ય ઊજવાય એવા ય દિવસો હતા

પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું
ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન

જે તરફ આપણી આસ્થા જાય છે
આ ચરણ એથી કાં ઊલટાં જાય છે?

સરળતાથી જીવવાને માટે અમે
જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા.

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી
હું ઉંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી.

જતું જે અન્યના ઘર બાળવા એ ટોળામાં
હુંયે જોડાઉં એ પહેલા તું બીડી પાઇ દે સાકી

શમાની જેમ મે સળગાવી પાંચે આંગળીઓ
તો વાવાઝોડા સમો પ્રશ્ન કલાનો આવ્યો

છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય મેળામાં
તુ હો સાથ તો જલસો કરી શકાય

અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને
ચાહે જો તું તો આ ગુનો આખ્ખો કરી શકાય

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ
ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ

હૂડીની બોક્સમાં બ્રહ્માની ક્ષણ વીતાવું છું
તેં કહ્યું’તું કે, હું એકાદ ક્ષણમાં આવું છું….

વાગે જો એની ઠેસ તો લોહી જ નીકળે
છોને તમારા ઘરમાં હો સોનાનો ઊંબરો

પીવડાવવો છે જામ? લે, મારાથી કર શરૂ
તું આવ સ્હેજ આમ, લે, મારાથી કર શરૂ

માણસથી મોટું કોઇ નથી તીર્થ પ્રેમનું
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ

તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે?
લખવાં છે તારે નામ? લે, મારાથી કર શરૂ

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન

– રઈશ મનીઆર

 

રઈશભાઈની સંમતિથી તેઓએ ર.પા.ની પુણ્લયતિથિ પર લખેલો લેખ અક્ષરશ: ભાવકો માટે પ્રસ્તુત 🙏🏻

Comments (6)

હોઈ શકે ! – રમેશ પારેખ

દ્વાર ખખડે અને કોઈ ટપાલી હોઈ શકે
ન કોઈ હોય, ગલી સાવ ખાલી હોઈ શકે

સમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો?
એ માગે ચીજ તે તમને ય વ્હાલી હોઈ શકે

કોઈ લઈ આવ્યું મને આ ધધખતા રણ વચ્ચે
બીજું તો કોણ, આ શ્રદ્ધા જ સાલી હોઈ શકે

જો સ્થાનભેદ ના ગણીએ તો એક સંભવ છેઃ
તમાચા જેવો તમાચો ય તાલી હોઈ શકે

અમે ન ચાંગળું ચપટીક માગી પીનારા
હોય તો હાથમાં છલકાતી પ્યાલી હોઈ શકે

રમેશ, હોય છે સાપેક્ષ સર્વ ઘટનાઓ
તમારી પીડા બીજાની ખુશાલી હોઈ શકે

– રમેશ પારેખ

ર.પા.ની ગઝલ જ આવી ન્યારી હોઈ શકે……

Comments (2)

પતંગાયણ – રમેશ પારેખ

એક છોકરો પતંગ લઈ દોડ્યો રે… દોડ્યો રે… દોડ્યો રે…
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ રહે કેમનો કરીને સંકોડ્યો રે ?

છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે

પતંગની સંતામણે જાણે પૂનમ થઈ,
પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ

છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ

સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ,
માહે પલળે ગામનાં બે જણની ઊતરાણ

છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

– રમેશ પારેખ

લયસ્તરોના સહુ કવિમિત્રો અને ભાવકમિત્રોને સુરક્ષિત મકરસંક્રાંતિના રંગભર્યાં વધામણાં…

ફક્ત होली के दिन दिल खिल जाते है એવું હોતું નથી. ઉત્તરાયણમાં કંઈ કેટલાય કનકવા પોતપોતાનું ધાબું શોધી લેતા હોય છે. હવા આકાશનો વાદળી રંગ પહેરીને વહેતી નજરે ચડે એવા રંગીન વાતાવરણનો કેફ જ એવો છે કે ફિરકી ઘરે એમની એમ પડી રહે ને છોકરો પતંગ જેવું હૈયું હાથમાં લઈને હડી કાઢે. પતંગપર્વ અનંગપર્વ બની રહે ત્યારે ભાન પતંગ બનીને હવામાં ઊડી જાય અને હાથ કે જાત સંકોડ્યા સંકોડાતા નથી.

છૂટ્ટું મૂકેલું પતંગ જેવું હૈયું છોકરીના ખમતીધર ખોરડે જઈ ઊતરાણ કરે છે. અહીં ઊતરાણમાં છૂપાયેલ શ્લેષ ચૂકવા જેવો નથી. ઉતરાણ પર્વ અને પતંગનું ઊતરાણ –બંનેને કવિએ બખૂબી સાંકળ્યાં છે. ‘ખમતીધર’ શબ્દ પણ કવિએ સાયાસ પ્રયોજ્યો છે. પતંગ કહો કે હૈયું, બંને ખૂબ નાજુક છે પણ સામે પ્રિયપાત્રનું હૃદય બંનેને ઝીલી-ઝાલી શકે એવું ખમતીધર છે. છોકરી તરત જ વાદળી હવાની પાંખે સવાર થઈ પોતાને ત્યાં આવી ઉતરેલ ગુલાબી અવસરને ઝૂંટવીને-લૂંટીને પોતાના હૃદયની અંદર સંતાડી દે છે. પતંગના સંતાડવામાં આવતાં જ જાણે ધોળે દહાડે પૂનમ થઈ ગઈ અને ભીંતો ઊડી ગઈ. અવસર પડછાયાઓની કાલિમા વગરનો શુભ્ર ખુલ્લો આવકાર બની ગયો. છોકરી રાતોરાત યુવાન થઈ ગઈ. એની કાંચળી ભીતર રતિરાગના ગલગલિયાં થવા માંડ્યા છે અને બે સ્તન એમ વિકાસ પામ્યાં જાણે ઊડવાને બે પાંખોની જોડ ન ફૂટી હોય!

છોકરી આ પતંગને ટીટોડી ઈંડા સેવે એમ જતનપૂર્વક સાચવે છે. પરિણામે હવે એના ડગલે ને પગલે પ્રણયના રંગ વેરાઈ રહ્યા છે. પતંગ તો દિવસે ચગે પણ અહીં તો પ્રણયસ્વીકારનો પૂનમી ચંદ્રોદય થયો છે. સૂર્યના તાપના સ્થાને પ્રીતની ચાંદનીની શીતળતા વ્યાપ્ત થઈ છે. શીતળ ચાંદની કામદેવની બાણવર્ષા ન હોય એમ ઝરમર ઝરમર વરસી રહી છે અને બે જણ સરાબોળ પલળી રહ્યાં છે. રુંવે-રુંવે કોઈએ કન્ના ન બાંધ્યા હોય એમ છોકરાને તીવ્ર રોમાંચ થઈ રહ્યો છે અને છોકરી પણ મન મૂકીને આ પ્રણયપ્લાવનમાં સામિલ થઈ છે… એય મન મૂકીને ઢીલ દઈ રહી છે… પ્રેમ હવે નિરવરોધ છે. તંગ કન્ના અને દોરીની ઢીલ – ઉત્તરાયણના બે અવિનાભૂત વિરોધાભાસને એક કડીમાં સાંકળી લઈને કવિ કવિતાનો પતંગ ઉચ્ચાકાશે પહોંચાડે છે.

Comments (13)

હાસ્યમેવ જયતે : ૦૧ : બાપુ અને કૂતરું – રમેશ પારેખ

બાપુ કહે : ‘બ્હારવટે ચડું હું
તો ભલભલાને વસમો પડું હું
કે સોથ વાળું સહુ ગામનો હું
ડંકો વગાડી દઉં નામનો હું ‘

બેઠેલ જે બાપુ નજીક સાવ
એ કૂતરાએ સરજ્યો બનાવ
બાપુ કરે આંખ જરાક ચૂંચી:
‘ લે કૂતરાએ કરી ટાંગ ઊંચી…! ‘

થ્યાં ગોદડાં બાપુ સહિત ભીનાં
બાપુ ધગ્યા : ‘ઊતર, ગોલકીના…’

લોહી બન્યાં મારકણાં સટાક
બાપુ કૂદ્યા પાડી કરાળ હાક
હલ્લો કર્યો ને નળિયું ઉપાડયું,
ઘા એક ઝીંકી કૂતરું ભગાડ્યું.

– રમેશ પારેખ

હાસ્ય-વ્યંગ જેવો ઉત્કૃષ્ટ કાવ્ય-પ્રકાર કેમ ગુજરાતી કાવ્યમાં ઓરમાયો રહ્યો છે તે કદી નથી સમજાયું !! શુદ્ધ હાસ્ય તો કદાચ ક્વચિત જ ખેડાયું છે ! વ્યંગ તો કેટલો મોટો પ્રદેશ !!! હિન્દીમાં તો વ્યંગકાવ્યનો તોટો નથી, પણ ગુજરાતીમાં તે પણ અળખામણું !! બધા સર્જકો ઘુવડગંભીર….. દિવેલીયા ડાચાં તો બ્રિટિશ એરિસ્ટોક્રેટને શોભે – આપણે વળી એવા શા ગુના કીધા ?????

ર.પા. એ થોડે અંશે આ પ્રકાર પણ ખેડ્યો છે, અને કહેવાની જરૂર નથી કે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે….

હાસ્ય-વ્યંગની મૂળ શરત એ છે કે જીવનની સચ્ચાઈઓને વક્રદ્રષ્ટિએ જોવી. ભાષા મજબૂત હોય તો સોને સુગંધ ભળે…ચોટ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો ઓર મજબૂત રચના બને. અમારો એક પ્રિય મિત્ર છે – ડૉ જનક રાઠોડ. એ કોઈ શાસ્ત્રીય કવિ નથી પણ એ કદી-મદી જે કવિતાસમી રચનાઓ extempore કરી દેતો હોય છે તે હસાવી હસાવીને બેવડ વાળી દે તેવી હોય છે – એક ઉદાહરણ –

સિર્ફ કહને કો હી હસીનો કી શેર-ઓ-શાયરી હૈ,
વરના સંડાસ તો શ્રીદેવી ભી જાતી હૈ

– કદાચ કોઈને આ રચના ઘણી crude લાગે, સુરુચિનો ભંગ કરતી લાગે, પણ તેનું ચોટીલાપણું અને એક ઊંડાણ આ બે લીટીને અલગ જ હરોળમાં મૂકી દે છે. હાસ્ય-વ્યંગની પરિભાષા જરાક જુદી હોય છે, ઘણી ઘણી છૂટછાટો કવિ લઈ શકે છે-કવિમાં હિંમત જોઈએ !!

Comments (8)

EPIDEMIC – રમેશ પારેખ

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો

તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો

અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો

હજુ ઘેનમાં લંગડા લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો

થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો

– રમેશ પારેખ

શીર્ષક વાંચીને હું ચોંક્યો !!! – બે વાર ચેક કર્યું કે બધું બરાબર છે ને ! અત્યારની હાલત સાથે સજ્જડ બંધબેસતી રચના !! અત્યાર પૂરતો તો કોરોનાનો કોઈ આરો-ઓવારો ભાળતો નથી…..

Comments (3)

સમૂહગીત – રમેશ પારેખ

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

સામેની ટેકરીના ઊભા અનન્ત ઢાળ વીંધીને પ્હોંચવું છે ક્યાંક
પગના અભાવ વિષે જોયા જોયા કરવાનું : કદી આપણને ફૂટવાની પાંખ
જીવતરના કાચમાં પડેલી તીરાડ સમા કારણ વિનાના છીએ આપણે

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે.

-રમેશ પારેખ

આ કાવ્યની નીચે કવિનું નામ લખવાની જરૂર જ નથી – આ ર.પા. જ હોઈ શકે !!

કાવ્ય ઉપડે છે એક અબોલ મૂંઝારાથી. અકળામણ એ હદની છે કે આંખોથી દ્રશ્યો જોવા એ પણ સજા લાગે છે. બીજા ચરણમાં આ એકલતા ઘેરાય છે અને આપણી ન્યૂનતા વધુ છતી થાય છે, ઇચ્છાનુસાર કશું થતું નથી, માત્ર સ્થિતિના પવને હસ્તી ફંગોળાઈ રહી છે. અંતિમ ચરણમાં અસમર્થતા વિકરાળ રૂપે સામે આવે છે અને જીવનની નિરર્થકતા નિર્વિકલ્પ લાગે છે. આ ભાવ અનુભવાવાનું કારણ અધ્યાહાર છે….

Comments (4)

મારું રજવાડું – રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

 

ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”

તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..

Comments (5)

બને મારી પળ – રમેશ પારેખ

વળે પાછાં જે વહી ચૂક્યાં છે એ જળ
સમેટાય રણ ને બને મારી પળ

તમે આવી ઊભા રહો રૂબરૂ
તો દર્પણમાં ઊગી નીકળતાં કમળ

મને સ્વપ્નમાં તું જ દેખાય છે
કહે, શું હશે મારાં સ્વપ્નોનું ફળ

તણાઈ જતા તૃણ પેઠે મૃગો
હશે ઝાંઝવામાંય દરિયાનું બળ

હું ચાલ્યા કરું ક્યાંય પ્હોંચ્યા વિના
છે રણની સફરમાંય સુક્કાં વમળ

નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ

– રમેશ પારેખ

આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે આપણા ચોવીસ લાખ વર્ષ એટલે બ્રહ્માની એક પળ માત્ર. કવિ પણ શબ્દબ્રહ્મનો સ્વામી છે. સર્જન કરે એ પળ કવિ બ્રહ્માની સમકક્ષ બેઠો ગણાય છે. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः | કદાચ એટલે જ ર.પા.ની એક પળ પણ નાનીસૂની નથી. વહી ગયેલાં પાણી કદી પાછાં વળતાં નથી. પણ કવિ કહે છે કે જે વહી ચૂક્યાં છે એ જળ પાછાં વળે, વીતી ગયેલો સમય પાછો ફરે અને અફાટ અસીમ રણ સમેટાઈ જાય ત્યારે એમની એક પળ બનશે. આ તો એક શેરની વાત થઈ. આખી ગઝલ આ રીતે માણવા જેવી છે, કેમકે આ ર.પા.ના શબ્દો છે. એ દરિયો નથી એ છતાં એના તળનો તાગ કોઈ કાઢી શકવા સમર્થ નથી.

Comments (4)

એક અનુભવ તને કહું…. – રમેશ પારેખ

એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ….

એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,
ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.

ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,
અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી…

અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે – નથી જે તે જ,
અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ.

ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ પગલું વાંચે કેમ,
એક જ પગલે કેટકેટલા પગના આવ્યા વહેમ.

પગલા ઉપર અમે ચડાવ્યા પાંપણનાં બે ફૂલ,
ટીપે ટીપે સપના સુધી બાંધ્યો ભીનો પુલ.

તો ય અમે હાર્યા ને પગલું જીતી ગયું’તું અમને,
અમે જરીક ધાર્યા ન્હોતાં છાનાં પગલે તમને

ઘર ચોખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ ઝલમલ,
ઓસરી અફલાતો અફળાતો દરિયો કલબલ કલબલ

એક અનુભવ તને કહું, લે સાંભળ, સોનલ…..

– રમેશ પારેખ

Comments (2)

સદીનું પ્રતિબિંબ – રમેશ પારેખ

સદીનું પ્રતિબિંબ ક્ષણમાં હશે,
ક્યો થાક મારા ચરણમાં હશે ?

ઠરી જાય છે કલ્પનાની નદી,
કયો ભેદ વાતાવરણમાં હશે ?

વિહગ છેતરાતું પ્રતિબિંબથી,
ગગન જાણે નીચે ઝરણમાં હશે !

નગરમાંય સામાં મળે ઝાંઝવાં,
અહીં એ કઈ વેતરણમાં હશે ?

ન જીવનમાં કારણ મળ્યાં સ્વપ્નનાં,
તો એનાં રહસ્યો મરણમાં હશે ?

નગર જેને સદીઓથી શોધી રહ્યું,
એ કલશોર કોના સ્મરણમાં હશે ?

– રમેશ પારેખ

એક-એક શેર પાણીદાર. આવી ગઝલ વિશે કંઈ પણ બોલવું એ ગઝલના નિરવદ્ય આનંદમાં વિક્ષેપ કરવા બરાબર છે… એક-એક શેર વારંવાર મમળાવીએ અને હળવે હાથે ઉઘાડીએ…

Comments (5)

અહીં હરએક માણસ બુદ્ધ છે….- રમેશ પારેખ

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.

વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.

– રમેશ પારેખ

Comments (2)

મિત્રને… – રમેશ પારેખ

ન હોત પ્રેમ તો શું હોત? છાલ જાડી હોત?
હું વૃક્ષ હોત ને હે મિત્ર, તું કુહાડી હોત.

થતું હે મિત્ર, તને ખિલ્યો ખિલ્યો જોઈને
અરે, હું તારા વગર કેવી ફૂલવાડી હોત!

તું આલ્બમોને સજીવન કરી ન શકતો હોત
તો ફોટો હોત હું ને સ્વયં કબાડી હોત.

તેં મારી બૂમનો તરજૂમો ગુલમહોરમાં કર્યો
થયું શું હોત, તને બૂમ મેં ન પાડી હોત?

આ જનમટીપની જો તું ન એક ચાવી હોત
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?

તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
ન હોત તું, તો મેં મૂંછોય ના ઉગાડી હોત.

– રમેશ પારેખ
(૨૨-૦૯-૧૯૮૮)

મિત્રતાનો અને પ્રેમનો કેવો મહિમા!

Comments (6)

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

– રમેશ પારેખ

સૂરજ એટલે આશા. ગામ એટલે જીવન.

Comments (1)

કુંવારી છોકરીનું ગીત….. – રમેશ પારેખ

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું

મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

– રમેશ પારેખ

 

શૂન્યતા એટલી ઘેરી છે કે અભાવ સુદ્ધાં નથી !

Comments (1)

અહીં રઝળતા કાગળો – રમેશ પારેખ

અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?

પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?

આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?

ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?

બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?

હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?

– રમેશ પારેખ

દરેક શેર એક કહાની છે……સમર્થ સર્જકની આ નિશાની છે….ત્રીજો શેર અંતર વલોવી નાખે છે, તો પાંચમો શેર આંખના ખૂણા ભીના કરે છે. છેલ્લો શેર શિરમોર છે – નિ:શબ્દ કરી દે છે….

Comments (1)

કોણ… – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વ્રુક્ષ પર એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખે વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરનાં આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર…

– રમેશ પારેખ

બળકટ શબ્દચિત્ર ! ગમે તે સંબંધ હોય, કોઈક પાત્ર મુક્તમને બધું જ કહે….કોઈક માત્ર સાંભળે….કોઈક કંઈ જ ન કહી શકે….કોઈક ઇંગિતમાંજ બોલે….સામા પાત્રની પ્રજ્ઞાથી અનભિજ્ઞ વ્યક્તિના સંકોચનો તો વળી કોઈ પાર જ ન હોય….સમજ-ગેરસમજ-અણસમજ-નાસમજ…….આટલા પરિમાણો બન્ને પક્ષના !!!!!

Comments (6)

અછાંદસોત્સવ: ૦૨ : વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ મને લાગે છે… ર.પા.નું આ અછાંદસ કાવ્ય તો ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ ખાસ્સી મદદ કરે એવું છે.

કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

Comments (9)

શ્વાસમાં – રમેશ પારેખ

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં

તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં

એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં

મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં

ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં

– રમેશ પારેખ

Comments

સાદ પાડું છું – રમેશ પારેખ

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?

સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત

વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !

હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?

હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !

– રમેશ પારેખ

Comments (1)

સાવ રે સુક્કા ઝાડને જોઇ… – રમેશ પારેખ

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

– રમેશ પારેખ

 

 

Comments (5)

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

Comments

તને યાદ છે? મને યાદ છે! – રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છેઃ
ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે:
થાતું પ્રભાત તને યાદ છે?

ખરબચડું લોહી થતું રુંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે:
ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સુસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના
આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે:
એવા દિવસોની વાત તને યાદ છે?

– રમેશ પારેખ

 

કોઈપણ શબ્દ વાપરું આ ગીત ઉપર બે વાતો લખવા તો તે વામણા જ પડવાના…..આ ગીતને તો મમળાવ્યા જ કરવું એ જ એનો ખરો રસાસ્વાદ…..

Comments (3)

કાગડો મરી ગયો – રમેશ પારેખ

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

– રમેશ પારેખ

રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

Comments (7)

ધૂળમાં – રમેશ પારેખ

દર્પણ-શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

ચહેરો તો ઠીક, એક જેવોતેવો ય
નથી પડછાયો સાચવી શકાયો
ભ્રમણાનો સૂર્ય તો ય એવો તપે
કે ફૂંક મારું એનો ય પડે છાંયો

મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને આંગળીઓ વીંધાતી શૂળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

એવો તો રોજરોજ બળતો અવકાશ લઈ
શેરીમાં વાયરા ફૂંકાયા
ઘરમાં હતા એ બધા ઝળહળતા આયના
પાણીની જેમ રે સુકાયા

કેવું થયું કે મને હું યે ન ઓળખું કે ઓળખે ન કોઈ ગોકુળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં.

– રમેશ પારેખ

વિરહને એક અલગ જ અંદાઝમાં ગવાયો છે…..મારુ જે કંઈ પણ છે તે તારું છે,તારા થાકી છે….એ સિવાય મારામાં કંઈ નથી…..

Comments (1)

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

એક મિત્રએ આ રચના વિષે વાતવાતમાં ઉલ્લેખ કરેલો તે યાદ આવતા આ રચના શોધી. મારા માટે સહિયારી રચના નવી વાત છે. ‘અમે બધાં’ ની જેમ કાવ્યમાં પણ આવા પ્રયોગ થયા છે તે નહોતી ખબર. બન્ને કવિ તો માતબર છે જ અને કાવ્ય પણ બળકટ છે.

[ આભાર – ‘ટહુકો.કૉમ ]

Comments (5)

માગ માગ – રમેશ પારેખ

ગુલાલ માગ, ગરલ માગ, કે ગમે તે માગ,
પરંતુ હે રમેશ, આ સમય કહે તે માગ.

આ તારા શ્વાસ મસાલોભરેલું પંખી છે,
કોઈ મ્યુિઝયમમાં હવે એને ગોઠવે તે માગ.

જડે એ ઘટનામાં ગર્ભિત હો એનું ખોવાનું,
તો હાથ વ્યર્થ ધૂળધૂળ ના રમે તે માગ.

રાતના છાંયામાં ઢંકાઈ જાય છે મૃગજળ,
હે આંખ, જા અને સવાર ના પડે તે માગ.

ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં,
આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.

સૂર્ય ઘરમાં ઉગાડવાની જીદ છોડી દે.
આ ઠરતા કોડિયા પાસેથી જે મળે તે માગ.

એક ઘડિયાળ ધબકતી રહે છે ઘટનામાં,
કદીક તારું ધબકવું તને મળે તે માગ.

માગવા પર તો પ્રતિબંધ નથી, માગી જો,
કદીક લોહીની દીવાલો ફરફરે તે માગ.

છે શ્વાસ ટેવ, નજર ટેવ, ટેવ છે સગપણ,
હવે રમેશ, બીજી ટેવ ના પડે તે માગ.

– રમેશ પારેખ

સૌજન્ય – ડો. નેહલ [ immymindinmyheart.com ]

Comments

ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

– રમેશ પારેખ

ઘણા વખતે નખશિખ સુંદર ગીત વાંચવા પામ્યો. અનુભૂતિ વ્યક્ત થઈ તો જાય પણ શબ્દની મર્યાદાને લીધે અર્થ/અનર્થની આડબીડમાં ભાવ ખોવાઈ જાય……. પણ છૂટ્યું બાણ પાછું કેમનું ફરે !!??

Comments (4)

શું બોલીએ? – રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

ત્રણ જ શેરની ગઝલ છે, પણ ગહનતા જુઓ !!!!

Comments (7)