ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
મનહરલાલ ચોક્સી

ચિરવિરહીનું ગીત – રમેશ પારેખ

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર-શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે

આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી
પાંપણ ઉ૫૨ ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘ જોવું ’
સુક્કાસુક્કા ટગરવૃક્ષ ૫૨ ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?

આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

– રમેશ પારેખ

સ્તબ્ધ કરી દેતી કવિતા….

સંબંધોને તૂટતાં જોયા છે, જાતે અનુભવ્યા છે, hindsight માં હમેશા એવું જ લાગ્યું કે એ સંબંધોના પાયા જ કાચા હતા…. Worshipping false Gods જેવી કોઈ મૂર્ખતા નથી….પણ આ વાત પારાવાર વેદનામાંથી પસાર થયા વગર સમજાતી નથી.

 

2 Comments »

  1. જયેન્દ્ર ઠાકર said,

    March 2, 2022 @ 9:15 AM

    The one that gives you the most pleasure, can also give you the most pain!

  2. કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી" said,

    March 3, 2022 @ 10:25 AM

    “કેસુડો”
    ફાગણીયો આવે ને મોસમ મહેંકી ઉઠે
    કેસુડાની લાલીમા છલકી ઉઠે,

    તડકો તપવાની કોશિષ કરતો રહ્યો,
    ઓલો કેસુડો લાલીમા વેરતો રહ્યો,

    પવનનાં સરર્ ઝોકાં વહેતાં રહ્યા,
    ને કેસુડો આહલાદકતા ઢોળતો રહ્યો,

    કેસુડો નીચવાયને રંગ રેલાતો રહ્યો,
    ને વસંતનો વૈભવ મહેક્તો રહ્યો,

    રમત હતી રંગનીને કેસુડો રોળાઈ ગયો,
    “રાહી” કંઈક દિલનાં અરમાન રંગતો રહ્યો,
    -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment