પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.
મુકુલ ચોક્સી

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન – રઈશ મનીઆર

આજથી બરાબર 15 વર્ષ પહેલા 17 મે 2006ના દિવસે આપણી ભાષાના લાડીલા કવિ એકમેવ રમેશ પારેખ આપણી વિચ્ચેથી વિદાય થયા. આજે એમની સ્મરણતિથિ છે.
રમેશ પારેખ મોટા ગીતકાર હતા, એ વાતના ઝળહળાટમાં એ મોટા ગઝલકાર પણ હતા, એ વાત વિસરી જવાય છે. એમણે 300થી વધુ ગઝલો લખી છે.
એમના થોડા શેરો પ્રસ્તુત છે. કંઈ બાકી હોય તો તમે ઉમેરી શકો છો..

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

આંખને મૂર્ખ કહો કે કહો અઠંગ તમે
એ જ દ્વિધાથી રહો છો હમેશા તંગ તમે

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં

સજા કબૂલ મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી.

ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું
કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

આ છળનો જે સર્જક કલાકાર છે
એ બંધુને મારા નમસ્કાર છે

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્નો નીરખવાના ગુન્હા કર્યા છે

શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે
ઉપરથી શહેરનું શુભ નામ શ્રી છબરડો છે.

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે
તમે ગયા છો તમારાથી ક્યાં જવાયું છે?

સાંકળ જો હોય બંધ તો ખોલીને નીકળું
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથથી છટકેલું કાચનું વાસણ

છે વાત એમ કે પગને જવું તુ કાશીએ
ને એને ચાલવા દીધા નહીં કપાસીએ

જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસો હતા

અમે ખુદ અમારાથી રિંસાતા ત્યારે રિંસાવાના પર્વો ઊજવતા હતા
અને ટપ્ દઇ માની જાતા તો ટપ્ ને ય ઊજવાય એવા ય દિવસો હતા

પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું
ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન

જે તરફ આપણી આસ્થા જાય છે
આ ચરણ એથી કાં ઊલટાં જાય છે?

સરળતાથી જીવવાને માટે અમે
જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા.

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી
હું ઉંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી.

જતું જે અન્યના ઘર બાળવા એ ટોળામાં
હુંયે જોડાઉં એ પહેલા તું બીડી પાઇ દે સાકી

શમાની જેમ મે સળગાવી પાંચે આંગળીઓ
તો વાવાઝોડા સમો પ્રશ્ન કલાનો આવ્યો

છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય મેળામાં
તુ હો સાથ તો જલસો કરી શકાય

અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને
ચાહે જો તું તો આ ગુનો આખ્ખો કરી શકાય

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ
ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ

હૂડીની બોક્સમાં બ્રહ્માની ક્ષણ વીતાવું છું
તેં કહ્યું’તું કે, હું એકાદ ક્ષણમાં આવું છું….

વાગે જો એની ઠેસ તો લોહી જ નીકળે
છોને તમારા ઘરમાં હો સોનાનો ઊંબરો

પીવડાવવો છે જામ? લે, મારાથી કર શરૂ
તું આવ સ્હેજ આમ, લે, મારાથી કર શરૂ

માણસથી મોટું કોઇ નથી તીર્થ પ્રેમનું
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ

તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે?
લખવાં છે તારે નામ? લે, મારાથી કર શરૂ

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન

– રઈશ મનીઆર

 

રઈશભાઈની સંમતિથી તેઓએ ર.પા.ની પુણ્લયતિથિ પર લખેલો લેખ અક્ષરશ: ભાવકો માટે પ્રસ્તુત 🙏🏻

6 Comments »

  1. હરીશ દાસાણી said,

    May 17, 2021 @ 9:55 AM

    ઉત્તમ સંકલન

  2. Dhaval Shah said,

    May 17, 2021 @ 9:59 AM

    સરળતાથી જીવવાને માટે અમે
    જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા.

    – સલામ !

  3. pragnajuvyas said,

    May 17, 2021 @ 10:50 AM

    કવિશ્રી ડૉ. રઈશ મનીયારનુ કવિશ્રી રમેશ પારેખ સ્મરણતિથિએ તેમની રચનાઓના થોડા શેરોનું સુંદર સંકલન
    યાદ આવે ૧૭મી મે ૨૦૦૬ –
    સાંભળ્યા પ્રમાણે ર.પા.ને હ્રુદયરોગનો હુમલો થયો.અમદાવાદમા–.ત્યાં જો દાખલ થાય તો પહેલા જ સામાન્યજનની જીવનમુડી કરતા પણ વધુ ડીપોઝીટ ભરવી પડે તેથી વિચાર આવ્યો કે રાજકોટમા સંવેદનશીલ ડૉ. પાસે સારવાર કરાવીએ-પણ ત્યારે મોડું થયું હતુ…

  4. Maheshchandra Naik said,

    May 17, 2021 @ 7:50 PM

    કવિશ્રી રમેશ પારેખને સ્મરાંણજલી સ્વરુપે કવિશ્રી રઈશભાઈ એ રપાના યાદગાર શેરનુ સંકલન ખુબ માણેલા શેર ફરી માણવા મળ્યા, આભાર…

  5. Chandresh Koticha said,

    May 20, 2021 @ 3:15 PM

    ખૂબ સરસ
    મજા આવી ગઈ

  6. Jayesh Rathod said,

    January 26, 2023 @ 5:58 PM

    છ અક્ષર નું નામ સદાય સ્મરણ માં રહેશે.
    ર‌ઈશભાઈ નો આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment