એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

EPIDEMIC – રમેશ પારેખ

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો

તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો

અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો

હજુ ઘેનમાં લંગડા લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો

થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો

– રમેશ પારેખ

શીર્ષક વાંચીને હું ચોંક્યો !!! – બે વાર ચેક કર્યું કે બધું બરાબર છે ને ! અત્યારની હાલત સાથે સજ્જડ બંધબેસતી રચના !! અત્યાર પૂરતો તો કોરોનાનો કોઈ આરો-ઓવારો ભાળતો નથી…..

3 Comments »

  1. pragnajuvyas said,

    September 28, 2020 @ 10:50 AM

    GujLitમા EPIDEMIC – રમેશ પારેખની આ રચનાની તા. ૨૮-૦૯-૭૫ છે !
    ત્યારે આજે Pandemicના સાંપ્રત સમયે આ ગઝલનો મક્તા.
    થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
    છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો
    અનુભવાય છે !
    કવિ લેખક ભવિષ્યના જાણકાર જાણકારો કહે છે કે કાલિદાસ , કીટષસ અને ર.પા.જેવા કવિઓમાં આ આવડત ગજબની હતી. કોઈ વાર અસ્પષ્ટ ભવિષ્યની આશા, આકાંક્ષા, આશંકા કવિએ ગાઈ છે .

  2. Kalpana Pathak said,

    September 28, 2020 @ 7:10 PM

    ।આ આતંક land mine જેવો છે. ક્યારે ત્રાટકે એ કહી ન શકાય.

  3. હરિહર શુક્લ said,

    September 29, 2020 @ 6:23 AM

    નાસો રે નાસો
    પણ ક્યાં એ યક્ષ પ્રશ્ન!
    હવે તો થાવ એવા સામે કે કોરોના નાસે …
    અને રપા એટલે રપા એટલે રપા બીજું શું?👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment